રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની.

મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે 1967માં જોડાયા. તેઓએ ત્યાં રહીને સ્ટૅનફોર્ડ લિનિયર એક્સિલરેટેડ (linear accelerated) સેન્ટરના ટૅકનિકલ નિયામક તરીકે 1982–1984 સુધી કાર્ય કર્યું અને 1984થી તેના નિયામક તરીકે રહ્યા.

દ્રવ્યનો સૂક્ષ્મતમ કણ મૂળભૂત કણ તરીકે ઓળખાય છે. આવા મૂળભૂત કણો પણ તેમનાથીય નાના કણોના બનેલા છે. આવા અતિ સૂક્ષ્મતમ કણોને ક્વાર્ક કહે છે. આ ક્વાર્ક કણો ત્રણ પ્રકારના જોવા મળ્યા છે.

બર્ટન રિક્ટર

કૅલિફૉર્નિયાની સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં તેઓ પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા હતા ત્યારે તેમણે સંશોધન માટે ડૅવિડ રિટ્સન સાથે સહયોગ કર્યો. બંનેએ સાથે રહીને સ્ટેનફૉર્ડ પૉઝિટ્રૉન-ઇલેક્ટ્રૉન એસિમેટ્રિક રિંગ તૈયાર કરી. તે સંઘટ્ટની (colliding) બીમ એક્સિલરેટર છે. 1974ના નવેમ્બરમાં ખાસ તૈયાર કરેલા ચુંબકીય સંસૂચકમાં ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનના પ્રવાહની સન્મુખ સંઘાત(head-on collision)ની ગતિને બરાબર કરીને પ્રયોગ કર્યો ત્યારે નવો અવપારમાણ્વિક કણ મળી આવ્યો. તેનું નામ તે સમયે પ્સાઈ (Psi) કણ રાખ્યું. હવે તે કણ, J-કણ તરીકે ઓળખાય છે. તે દીર્ઘજીવી ભારે મૅસોન વર્ગનો પ્રથમ પ્રતિનિધિ છે. આ કણને બીજા ક્વાર્ક કણોના સંયોજનથી તૈયાર કરી શકાય તેમ નથી. તેથી તે ચોથા ક્વાર્ક તરીકે ગણાયો.

આ કણના સંશોધન બાદ ક્વાર્ક-મૉડેલ(પરિરૂપ)નું મહત્વનું વિસ્તરણ થયું અને તેથી તે શુદ્ધ મૉડેલ તરીકે સ્વીકારાયું.

હરગોવિંદ બે. પટેલ