રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.)

January, 2003

રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.) : દેશમાં સારાં ચલચિત્રોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 1975માં રચવામાં આવેલી સંસ્થા. તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. ચલચિત્રોનાં નિર્માણ, વિતરણ અને તેની આયાત-નિકાસથી માંડીને છબિઘરોના નિર્માણ માટે નાણાં ઉપલબ્ધ કરવા સુધીનું તે કામ કરે છે. દેશમાં દૂરદર્શનનો વ્યાપ વધતાં દૂરદર્શન પર ચલચિત્રો અને ટેલિફિલ્મો પ્રસારિત કરવાનું કામ પણ તે કરે છે. વિડિયો-કેસેટ દ્વારા ચલચિત્રોની ચાંચિયાગીરી અટકાવવા નિગમે ફિલ્મ-ઉદ્યોગના સહકારથી ‘ચોરીવિરોધી કોષ્ઠ’ની પણ રચના કરી છે. ભારતીય ચિત્ર-નિર્માતાઓને નાણાકીય સંકટ ઘણી વાર નડતું હોય છે. આ સંકટ દૂર કરવા માટે ઓછા ખર્ચવાળી ફિલ્મોને પ્રોત્સાહન આપવાનું કામ નિગમે કર્યું છે. ઘણા નિર્માતાઓએ, ખાસ કરીને કલાફિલ્મોના સર્જકોએ, આ યોજનાનો લાભ લીધો છે અને કેટલાંક શ્રેષ્ઠ ચિત્રોનું નિર્માણ કર્યું છે. વિદેશી સહયોગની યોજના હેઠળ બ્રિટિશ નિર્માતા રિચાર્ડ એટનબરોની ફિલ્મ ‘ગાંધી’, મીરા નાયરની ફિલ્મ ‘સલામ બૉમ્બે’, પામેલા રુક્સની ફિલ્મ ‘મિસ બીટીઝ ચિલ્ડ્રન’ વગેરેનું નિર્માણ થયું હતું. છબિઘરોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા તથા તેમની ક્ષમતા વધારવા નાણાકીય મદદ આપવાનું કામ પણ નિગમ કરે છે. નિગમ દર વર્ષે સરેરાશ સો જેટલી ફિલ્મોની આયાત કરે છે. ભારતીય પ્રેક્ષકોને વિભિન્ન દેશોનાં જ્ઞાનવર્ધક અને મનોરંજક ચલચિત્રો જોવા મળે એ તેનો ઉદ્દેશ છે. એ જ રીતે અનેક દેશોમાં નિગમ ભારતીય ફિલ્મોની નિકાસ કરે છે. દુનિયાના પ્રતિષ્ઠિત ચલચિત્ર-મહોત્સવોમાં તે ભારતીય ચિત્રો તથા ભારતીય પ્રતિનિધિમંડળ મોકલીને ભાગ લે છે. મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ખાતે નિગમનાં કેન્દ્રો છે. તે નિર્માતાઓને ચિત્રનિર્માણ માટે આધુનિક ઉપકરણો પણ પૂરાં પાડે છે. ફિલ્મ-કલાકારો માટે નિગમે એક ટ્રસ્ટ રચીને ‘કલ્યાણ કોષ’ની સ્થાપના કરી છે. તેનો લાભ 500 કલાકારોને મળે છે.

હરસુખ થાનકી