રામગંગા નદી યોજના : ઉત્તરાંચલ રાજ્યના ગઢવાલ જિલ્લામાં કાલાગઢથી આશરે 3 કિમી.થી ઉપરવાસમાં આવેલા સ્થળે રામગંગા નદી પર તૈયાર કરવામાં આવેલો બહુહેતુક યોજના ધરાવતો બંધ. ભૌગોલિક સ્થાન : 29° 36´ ઉ. અ. અને 78° 45´ પૂ. રે. તેના જળરાશિથી સિંચાઈ, ઊર્જા-ઉપલબ્ધિ અને પૂરનિયંત્રણના હેતુ સર્યા છે.

ઇતિહાસ : 1943માં સર્વપ્રથમ વાર ઉત્તર પ્રદેશના તત્કાલીન સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર એ. પી. વાતલને આ યોજનાનો વિચાર સ્ફુરેલો. 1954માં 100.6 મીટર ઊંચાઈનો રામગંગા બંધ તથા તેની સહાયક નદી ચૂઈસોત પર 45.7 મીટર ઊંચાઈનો બંધ તૈયાર કરવાની યોજના વિચારાયેલી, જેથી 2 અબજ 19 કરોડ 60 લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ થાય, 28 લાખ 30 હજાર હેક્ટર ભૂમિને સિંચાઈ ઉપલબ્ધ કરાવાય અને 91 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરાય. પરંતુ પછીથી તે યોજનામાં ફેરફાર કરી રામગંગા નદી પર 125.6 મીટર ઊંચાઈનો તથા ચૂઈસોત નદી પર 72.24 મીટર ઊંચાઈનો બંધ બાંધવાનો નિર્ણય લેવાયો. તે સાથે U આકારનાં બે બોગદાં શરૂઆતમાં પાણી વાળવા અને પછી સિંચાઈ અને ઊર્જા માટે તૈયાર કરવાનું વિચારેલું. નદીને જમણે કાંઠે ત્રણ એકમોમાં પાવર-હાઉસ કરવું જે પ્રત્યેક એકમ 66 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન આપે. આ પ્રમાણેની યોજના સાથે આ બંધનું કામ શરૂ થયેલું.

ભૂસ્તરીય માહિતી : બંધસ્થાન અને તેની આજુબાજુમાં પ્લાયસ્ટોસીન તેમજ અર્વાચીન સમયના રેતી-પાષાણ, માટીયુક્ત શેલ, ગ્રૅવલ, કાંપ, કાંપયુક્ત મૃદ જેવી નરમ ચૂર્ણશીલ ખડકરચનાઓ આવેલી છે. આ બંને સ્થળો હેઠળની આધારભૂત માહિતી મેળવવા, બધાં મળીને 3 કિમી.ની ઊંડાઈનાં લગભગ 157 શારકોટરો, 9 કૂવા-બખોલો અને 11 ખાઈઓ ખોદવામાં આવી. આ ઉપરાંત 2.4 મીટર પહોળાઈ, 2.7 મીટર ઊંચાઈ અને 900 મીટર લંબાઈનાં પ્રારંભિક બોગદાં તૈયાર કરાયાં. અહીં સ્થાનભેદે 3 મીટરથી 20 મીટર જાડાઈનો અધિભાર હતો. ખડકદ્રવ્યની સછિદ્રતા તેમજ ભેદ્યતાની કસોટીઓ કરવામાં આવી. ભૂગર્ભજળના અભ્યાસમાં પાતાળકૂવા હોવાનું જાણવા મળ્યું. ભૂસ્તરીય સંદર્ભમાં અર્વાચીન સમયગાળામાં ઘસારાની સ્તરભંગ સપાટીઓના ખસેડ થયેલા હતા. રેતી-પાષાણની દબનીય ક્ષમતાની કસોટીઓ કરવામાં આવી.

બંધનિર્માણ માટે જરૂરી ખડક-ટુકડા અને અભેદ્ય માટી જેવી બાંધકામ-સામગ્રી બંધના સ્થળથી 3થી 4 કિમી.ના અંતરમાં પૂરનાં મેદાનોમાંથી ઉપલબ્ધ થઈ શકે તેમ હતું. બંધના સ્થાન હેઠળ નરમ ખડકરચનાઓ હોવાથી માટી તેમજ પાષાણ-ટુકડાઓની પૂરણીવાળો બંધ બાંધવાનું નક્કી થયું. રેતી-પાષાણની સછિદ્રતા, ખડકો અને માટી ધસી પડવાના સંજોગો, સુઘટ્ય માટીપડ હોવાથી બોગદાંની છત તૂટી પડવાના સંજોગો, જળાશયમાં કાંપ અને માટી ભરાઈ જવાના સંજોગોની સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી ખાઈઓ ખોદી તેમને પૂરીને બંધસ્થાનને સલામત બનાવવાનાં તમામ પગલાં લેવામાં આવ્યાં. બોગદાંઓમાં લોખંડના સ્તંભોના આધાર ઊભા કરવામાં આવ્યા. જરૂરી જળવહન ગૅલરીઓનું નિર્માણ કરવામાં આવ્યું. નરમ વિભાગોને ગ્રાઉટિંગ અને કૉંક્રીટથી ભરી દેવાયા. આ રીતે બંધના બધી બાજુના વિસ્તારને મજબૂત બનાવવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા