રઘુવંશ : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય. કવિકુલગુરુ કાલિદાસે તે રચેલું છે. એમાં 19 સર્ગ છે અને લગભગ 30 રાજાઓનું વર્ણન છે. અત્યંત પરાક્રમી અને દાનવીર એવા રઘુરાજાના વંશના રાજાઓનું વર્ણન હોવાથી આ કાવ્યને ‘રઘુવંશ’ નામ આપવામાં આવ્યું છે. મહાદેવ અને પાર્વતીની વંદનાથી કાવ્યનો પ્રારંભ થાય છે.

(1) પ્રથમ સર્ગમાં રઘુવંશના રાજાઓના સામાન્ય વર્ણન પછી રાજા દિલીપ પત્ની સુદક્ષિણા સાથે સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી વસિષ્ઠ ઋષિના આશ્રમે જાય છે અને તેમના આદેશ મુજબ કામધેનુ સુરભિની ક્ધયા નંદિની ગાયની સેવા કરે છે.

(2) બીજા સર્ગમાં નંદિની દિલીપ રાજાની સત્વપરીક્ષા લે છે. તેના પર પડછંદ સિંહનું આક્રમણ થતાં નંદિનીને બચાવવા રાજા પોતાની જાતને ન્યોછાવર કરે છે. નંદિની પ્રસન્ન થાય છે અને પોતાનું દૂધ પ્રાશન કરવા રાજાને અનુરોધ કરે છે.

(3) ત્રીજા સર્ગમાં ગૌકૃપાથી રાણી પુત્રને જન્મ આપે છે, જેનું નામ છે રઘુ. અત્યંત શૂરવીર એવો રાજા દિલીપ 99 અશ્વમેધ યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે અને 100મા યજ્ઞમાં જ્યારે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર અશ્વને લઈ જાય છે ત્યારે ઇન્દ્ર અને રઘુ વચ્ચે ઘોર યુદ્ધ થાય છે, વિજયી રાજકુંવરનો રાજ્યાભિષેક થાય છે.

(4) ભારતની ચારેય દિશાઓનાં રાજ્યો જીતી રઘુરાજા વિશ્વજિત યજ્ઞમાં પોતાની સઘળી સંપત્તિનું દાન કરે છે.

(5) વરતંતુ મુનિનો શિષ્ય કૌત્સ ગુરુને દક્ષિણા આપવા માટે રઘુરાજા પાસે 14 કોટી સુવર્ણમુદ્રાની માગણી કરે છે ત્યારે રાજા ધનપતિ કુબેર ઉપર આક્રમણ કરવાનું વિચારે છે, ત્યારે જ કુબેર રઘુરાજાના ખજાનામાં સુવર્ણવૃષ્ટિ કરે છે અને રઘુરાજા કૌત્સને સુવર્ણમુદ્રા આપે છે. કૌત્સના આશીર્વાદથી રાજાને અજ નામનો સુંદર, સદગુણી પુત્ર પ્રાપ્ત થાય છે.

(6) વિદર્ભપ્રદેશની રાજકન્યાના સ્વયંવર પ્રસંગે ભારતભરમાંથી અનેક રાજાઓ મંડપમાં ઉપસ્થિત થાય છે, પણ પોતાને અનુરૂપ એવા રાજપુત્ર અજની પતિ તરીકે ઇન્દુમતી પસંદગી કરે છે.

(7) બન્નેના વિવાહ પછી રાજધાની તરફ જતાં અજ ઉપર બાકીના રાજાઓ આક્રમણ કરે છે. તેમને પરાભૂત કરી અજ, ઇન્દુમતી સાથે રાજધાની અયોધ્યામાં પ્રવેશે છે.

(8) અજને રાજગાદી પર બેસાડી રઘુરાજા યોગાભ્યાસના બળે સાયુજ્યમુક્તિ મેળવે છે. ઉપવનમાં વિહાર કરતી વખતે ઇન્દુમતી પર આકાશમાંથી પુષ્પમાળા પડે છે અને તત્કાળ તેનું મરણ થાય છે. એના શોકથી દુ:ખી અજ વિલાપ કરે છે.

9મા સર્ગમાં અજના મૃત્યુ પછી દશરથરાજાનો રાજ્યાભિષેક અને શાસન, મૃગયા માટે અરણ્યગમન વગેરે પ્રસંગોનું વર્ણન છે. સાથે જ વૃદ્ધ માતા-પિતા માટે પાણી લેવા આવેલા શ્રવણનું દશરથના બાણથી મૃત્યુ થાય છે અને તેનાં શોક-વિહવલ માતા-પિતા દશરથને શાપ આપે છે – ‘તારું પણ પુત્રશોકથી જ મૃત્યુ થશે’. (10–15) આ છ સર્ગોમાં કાલિદાસે રામકથાનું વર્ણન કર્યું છે. રાજા દશરથના ચાર પુત્રો  રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન, તેમના વિવાહ, રાવણ દ્વારા થતું સીતાનું હરણ, લોકાપવાદથી ડરેલા રાજા રામના આદેશથી લક્ષ્મણ દ્વારા થતો સીતાનો ત્યાગ તથા પંદરમા સર્ગમાં ભૂમિગર્ભમાં સીતાનું અર્દશ્ય થવું અને રામનું સ્વર્ગારોહણ વગેરે વિષયોનું નિરૂપણ છે.

(16) અયોધ્યાનગરીમાં કુશ રાજા કુશળતાથી રાજ્ય કરે છે, નાગકન્યા કુમુદવતી સાથે તેનો વિવાહ થાય છે.

(17) કુશ-કુમુદવતીને અતિથિ નામનો પુત્ર થાય છે. એ કર્તવ્યદક્ષ, વિનયશીલ તથા પરાક્રમી હોય છે.

(18) આ સર્ગમાં જુદા જુદા બાવીસ રાજાઓનું વર્ણન મળે છે.

(19) રાજા સુદર્શનનો પુત્ર અગ્નિવર્ણ અત્યંત ઉન્માદ તથા વિલાસથી જીવે છે. રાજ્યવહીવટ તથા પ્રજાપાલનમાં ધ્યાન આપતો નથી અને અંતે અતિશય વિષયોપભોગને કારણે તેનું મરણ થાય છે. તેની ગર્ભવતી રાણીનો રાજ્યાભિષેક કરવામાં આવે છે.

આમ સર્ગબદ્ધ રઘુવંશ કાવ્યનો અંતિમ ભાગ અપૂર્ણ લાગે છે, પણ તેની શ્રેષ્ઠતા તથા લોકપ્રિયતાને લીધે તેના પર તેત્રીસ ટીકાઓ લખાઈ છે. મધુર અને પ્રાસાદિક એવા આ મહાકાવ્યમાં વિવિધ વિષયોનું વર્ણન, શૃંગાર, વીર વગેરે રસોનું નિરૂપણ તથા તે વખતના લોકસમાજનું સુંદર ચિત્રણ જોવા મળે છે. ઉપમા અને અર્થાન્તરન્યાસ અલંકારોના સહજસુંદર ઉપયોજનથી કાલિદાસ વખણાય છે. સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં પણ ‘રઘુવંશ’ ધ્વનિકળાને કારણે પ્રથમ ગણાય છે.

ઉમા દેશપાંડે