યોગાસન : યોગસાધનામાં તન-મનને કેળવવા માટેની અંગસ્થિતિ. ‘યોગાસન’નો શબ્દાર્થ ‘યોગસાધના માટે ઉપકારક આસન (શારીરિક સ્થિતિ)’ – એ પ્રમાણે થાય છે. શબ્દાર્થની ર્દષ્ટિએ ‘યોગ’ એટલે મેળાપ, જોડાણ, એક થવું તે; તત્વજ્ઞાનની ર્દષ્ટિએ પરમ તત્વ સાથે એકાકાર થઈ જવું તે, જીવાત્મા સાથે પરમાત્માનું જોડાણ.

ઈ. પૂ. બીજા સૈકામાં મહર્ષિ પતંજલિએ રચેલા ‘યોગદર્શન’ ગ્રંથમાં ‘અષ્ટાંગયોગ’નું સૂત્રાત્મક વિવરણ છે. તે અનુસાર યોગનાં આઠ અંગો (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ) પૈકી આસન એ અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ છે. અને

યોગનાં વિવિધ આસન

योगश्चितवृतिनिरोध:  એ પ્રમાણે યોગની વ્યાખ્યા આપી છે. વધુમાં ‘પાતંજલ યોગદર્શન’ નિર્દેશે છે કે આસન સ્થિર અને સુખમય હોવું જોઈએ. સ્વાત્મારામ યોગીકૃત ‘હઠયોગપ્રદીપિકા’માં દર્શાવ્યા અનુસાર યોગાસનના અભ્યાસ દ્વારા શારીરિક-માનસિક સ્થિરતા, આરોગ્ય અને લાઘવ પ્રાપ્ત થાય છે. મહર્ષિ પતંજલિ તેમના ‘યોગદર્શન’માં નિર્દેશે છે કે યોગાસનની સિદ્ધિ થયા પછી સાધકના દેહમાં પ્રસુપ્ત શક્તિ જાગે છે, જેના પરિબળે તેને સુખ-દુ:ખ, શીત-ઉષ્ણ, શુભ-અશુભ વગેરે દ્વંદ્વો બાધ કરી શકતાં નથી.

પશુપંખી, જીવજંતુઓ ઇત્યાદિની ચોર્યાસી લાખ જાતિઓ છે અને તેટલાં આસનો છે; પરંતુ યોગીન્દ્રોએ તેમાંથી ચોર્યાસી આસનો ચૂંટી કાઢી રહસ્યને સુલભ બનાવ્યું છે. યોગાસનોને બે વિભાગમાં વહેંચી શકાય : (1) આરોગ્યવર્ધક (cultural) અને (2) એકાગ્રતાવર્ધક (meditative). શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન, ભુજંગાસન, પશ્ચિમોત્તાનાસન વગેરેનો પ્રથમ વિભાગમાં તથા પદ્માસન, સ્વસ્તિકાસન, વજ્રાસન વગેરેનો બીજા વિભાગમાં સમાવેશ કરી શકાય. શવાસન અને મકરાસન અંગો શિથિલ (relax) કરવાનાં આસનો છે. સ્વાત્મારામ યોગીવિરચિત ‘હઠયોગપ્રદીપિકા’માં 16 આસનોને મુખ્ય ગણવામાં આવ્યાં છે. ‘શિવસંહિતા’માં (1) સિદ્ધાસન, (2) પદ્માસન, (3) ઉગ્રાસન વા પશ્ચિમોત્તાનાસન, (4) સ્વસ્તિકાસન – આ ચાર આસનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીમદભગવદગીતામાં (1) પદ્માસન, (2) સ્વસ્તિકાસન, (3) યોગ્યાસન – એમ ત્રણ આસનો દર્શાવ્યાં છે.

ઉપર્યુક્ત પૈકી પોતાને અનુકૂળ આવે તેવાં યોગાસનો સદગુરુના માર્ગદર્શન નીચે સ્વાસ્થ્યપ્રાપ્તિ તથા આત્મકલ્યાણના હેતુને અનુલક્ષીને વ્યક્તિ યથાશક્તિ કરી શકે છે. યોગાસનનો અભ્યાસ એકાંત, પવિત્ર અને રમ્ય સ્થાનમાં કરવો જોઈએ તથા પ્રબળ વાયુની લહેરો શરીરને ન લાગે તે સંભાળવું જોઈએ. યોગાસનો લંગોટ અથવા જાંઘિયો પહેરીને જ કરવાં તથા સવારે યા સાંજે, પણ ખાલી પેટે, એકાગ્રતાપૂર્વક કરવાં જોઈએ. બિછાના તરીકે શેતરંજી યા ગરમ ધાબળા પર ધોયેલી સફેદ ચાદરનો ઉપયોગ યોગ્ય અને હિતકર લેખાય છે.

યોગાસનો જો નિયમસર કરવામાં આવે તો એકલા શરીરને જ નહિ, પણ સાથે સાથે મનને પણ સ્વસ્થ રાખવામાં અમૂલ્ય મદદ કરે છે. કબજિયાત, મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ, અર્શ, અપચો, ચિત્તભ્રમ, જાતીય નબળાઈ વગેરે રોગોની સારવારમાં તે વિધાયક ભાગ ભજવે છે. આમ જોઈ શકીએ છીએ કે યોગાસનોથી સાચા આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે અને સત્ય, શિવ અને સુંદર જીવન જીવવાની ક્ષમતા પ્રગટ થાય છે. યોગાસનો

(1) સ્નાયુઓને ખેંચાણ અને સંકોચ આપી, લવચીક, સુસ્થિત અને વ્યવસ્થિત રાખે છે.

(2) નળીવિહીન ગ્રંથિઓ (ductless glands) ઉપર લાભદાયી અસર કરે છે એવું મનાય છે.

(3) વધારાની ચરબી ઘટાડી શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

(4) હૃદયને અયોગ્ય શ્રમ આપ્યા વિના શરીરના ભાગ અથવા ગ્રંથિઓ તરફ લોહીને પ્રવાહિત થવામાં સાનુકૂળતા કરે છે.

(5) ચેતાતંતુઓમાંના તણાવકારી/તણાવજન્ય સંદેશાને ઘટાડે છે.

(6) શ્વસનક્રિયાને નિયમિત કરે છે અને માનસિક સ્થિરતા બક્ષે છે.

(7) સ્નાયુને શિથિલ કરે છે. તેને કારણે રુધિરાભિસરણ તંત્રમાં પરિધીય અવરોધ ઘટાડે છે. આમ લોહીનું દબાણ ઘટે છે. મનની શાંતિથી ચેતાકીય આવેગો ઘટે છે. શ્વસન ધીમું નિયમિત રહે છે. શારીરિક અંગકસરતથી ઉદભવતી માનસિક ઉત્તેજનાની વિરુદ્ધ માનસિક શાંતિ ઉદભવે છે.

યોગાસન તથા યોગવિષયક શિક્ષણ, પ્રચાર, પ્રકાશન અને સંશોધનક્ષેત્રે જનકલ્યાણની નોંધપાત્ર પ્રવૃત્તિઓ કરી હોય તેવી કેટલીક ખ્યાતનામ સંસ્થાઓની યાદી નીચે મુજબ છે :

(1) યોગસાધન આશ્રમ, 16, પ્રીતમનગર, એલિસબ્રિજ, અમદાવાદ – 380 006.

(2) લકુલીશ યોગવિદ્યાપીઠ, કાયાવરોહણ તીર્થ સેવા સમાજ, કાયાવરોહણ – 391 220 (જિ. વડોદરા)

(3) કૈવલ્યધામ, લોનાવલા – 410 401 (મહારાષ્ટ્ર)

(4) યોગનિકેતન, કારેલીબાગ, વડોદરા – 390 018

ચિનુભાઈ શાહ