યંગ, નીલ, પર્સિવલ

January, 2003

યંગ, નીલ, પર્સિવલ (જ. 1945, ટોરૉન્ટો, ઑન્ટેરિયો, કૅનેડા) : ગાયક, ગીતકાર અને ગિટારવાદક. તેઓ લૉસ ઍન્જલસમાં ફોક-રૉક જૂથ ‘બફેલો સ્પ્રિંગફીલ્ડ’ના સ્થાપક સભ્ય હતા (1966–68). ત્યારબાદ તેમણે 1969–74 દરમિયાન ‘ક્રેઝી હૉર્સ ઍન્ડ ક્રૉસ્બી’, ‘સ્ટિલ્સ ઍન્ડ નૅશ’ જૂથો સાથે કામ કર્યું.

ત્યારબાદ તેમણે એકલપંડે વાદન અને ગાયન-પ્રવૃત્તિ શરૂ કરી. બૉબ ડિલાનથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે 20થી વધુ આલ્બમો આપ્યાં છે. તેમાં ‘હાર્વેસ્ટ’ (1972), ‘રિઍક્ટર’ (1981) અને ‘ફ્રીડમ’ (1989) જેવાં શ્રેષ્ઠ કોટિનાં આલ્બમો ઉલ્લેખનીય છે. ચિત્રપટની પટ્ટી પર અંકિત કરેલ ધ્વનિ પરથી તેમનાં બૅલડ ‘ફિલાડેલ્ફિયા’નું 1994માં ઑસ્કર નૉમિનેશન થયું હતું. 1995ની ફિલ્મ ‘ડેડ મૅન વૉકિંગ’ માટેની સંગીતરચના તેમણે કરી હતી.

બળદેવભાઈ કનીજિયા