મોસમી પવનો : મોસમ પ્રમાણે વાતા પવનો – ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો. મોસમી શબ્દ અરબી ભાષાના ‘મૌસીમ’ શબ્દમાંથી ઊતરી આવેલો છે. ‘મૌસીમ’નો અર્થ મોસમ અથવા ઋતુ (season) થાય છે.
પૃથ્વી પર ખંડો અને સમુદ્રો એકબીજાની પાસે આવેલા છે. ભૂમિ અને પાણી જુદા જુદા પ્રમાણમાં ગરમી ગ્રહણ કરે છે. આ કારણે ખંડો અને સમુદ્રો પર વાતાવરણનું દબાણ બદલાય છે. અગ્નિ એશિયાના ભૂમિભાગો અને તેમની બાજુમાં આવેલા સમુદ્રો પર ઋતુઓ બદલાતી જાય તે પ્રમાણે ત્યાંના દબાણમાં મોટા પાયા પરના ફેરફારો થાય છે. પવનો હમેશાં દબાણના ફેરફારો મુજબ પોતાની દિશા બદલતા રહે છે, પરિણામે ત્યાં ઋતુઓ પ્રમાણે જુદી જુદી દિશામાંથી પવનો વાય છે. મોસમ પ્રમાણે બદલાતા જતા પવનોને મોસમી પવનો કહે છે. જ્યાં આવા પવનો અનુભવાય છે એવા પ્રદેશોને મોસમી આબોહવાના પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ એશિયા અને ઑસ્ટ્રેલિયાના આ મોસમી આબોહવાવાળા પ્રદેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા ઉનાળાના અને શિયાળાના મોસમી પવનો ઋતુગત આબોહવા પર વ્યાપક અસર ધરાવે છે અને દરેક ઋતુની આબોહવાને આગવાં લક્ષણો અર્પે છે.
ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં આશરે 10°થી 20° અક્ષાંશોમાં (મુખ્યત્વે એશિયા અને ઑસ્ટ્રેલિયામાં) આ પ્રકારની આબોહવાના પ્રદેશો આવેલા છે. ઉત્તર ગોળાર્ધમાં તો કેટલાક ભાગોમાં તે 30° ઉ. અક્ષાંશ સુધી વિસ્તરેલા છે, તેમાં મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, વિયેટનામ, દક્ષિણ ચીન તથા ફિલિપાઇન્સ ટાપુઓના ઉત્તર ભાગોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ઑસ્ટ્રેલિયા અને ઈસ્ટ ઇન્ડિઝ ટાપુઓના કેટલાક દક્ષિણ ભાગોમાં આ પ્રકારની આબોહવા પ્રવર્તે છે.
મોસમી પવનો આ પ્રદેશોમાં ઉનાળાના અમુક થોડા માસ(જૂનથી સપ્ટેમ્બર)ના સમયગાળા દરમિયાન વર્ષનો લગભગ બધો જ વરસાદ આપી દે છે, તેથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા કેટલાક પ્રદેશોમાં તો વરસાદવાળી આ ઋતુ ‘વર્ષાઋતુ’ કે ‘ચોમાસા’ તરીકે પણ જાણીતી છે. આ કારણે જ આ પ્રદેશોમાં વર્ષમાં ત્રણ ઋતુઓ હોવાનું ગણાય છે. તે પછી ઑક્ટોબર-નવેમ્બરમાં સમુદ્રો પર હલકું દબાણ આકાર લેવા માંડે છે, ત્યારે આ મોસમી પવનો સમુદ્ર તરફ પાછા ફરે છે. પાછા ફરતા આ મોસમી પવનો સમુદ્ર પરથી પસાર થાય ત્યારે ભેજ ગ્રહણ કરે છે, તેથી ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ભારતમાં ખાસ કરીને ચેન્નાઈના દરિયાકિનારે તથા શ્રીલંકાના ઈશાન કિનારે સારો વરસાદ આપે છે. આ જ રીતે ઉત્તર ગોળાર્ધના બીજા કેટલાક પ્રદેશોમાં પણ વરસાદ પડે છે. એશિયાના મોસમી પ્રદેશોમાં જ્યારે શિયાળો હોય છે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. ઉત્તર ગોળાર્ધની જેમ અહીં પણ ઋતુભેદે ઉદભવતી મોસમી આબોહવા અનુભવાય છે.
સામાન્ય રીતે ઉનાળામાં સરેરાશ તાપમાન પ્રદેશભેદે 26° સે.થી 32° સે. વચ્ચેનું રહે છે, જ્યારે શિયાળામાં તાપમાન 5° સે. કે તેથી નીચું જાય છે. મોસમી પ્રદેશમાં વરસાદ અનિયમિત–અચોક્કસ હોય છે. સમુદ્રકિનારો, પહાડી પ્રદેશો અને પહાડી ઢોળાવો, ગીચ જંગલો અને ખંડીય સ્થાનને કારણે વરસાદના પ્રમાણમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે.
નીતિન કોઠારી