મોનરૉવિયા (1) : પશ્ચિમ આફ્રિકી દેશ લાઇબિરિયાનું પાટનગર, મુખ્ય શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 6° 18´ ઉ. અ. અને 10° 47´ પ. રે. પર આટલાંટિક કિનારે સેન્ટ પૉલ નદીના મુખ પર વસેલું છે. અમેરિકન કૉલોનાઇઝેશન સોસાયટી દ્વારા યુ.એસ.માંથી ગુલામીની પ્રથામાંથી મુક્ત બનેલા અશ્વેત ગુલામો માટે તે 1821માં વસાવાયેલું છે. આ સોસાયટીને જેમણે સહાય કરેલી તે પ્રમુખ મોનરૉના નામ પરથી વસવાટના આ સ્થળને મોનરૉવિયા નામ અપાયેલું છે.

મોનરૉવિયા : લાઇબેરિયાનું પાટનગર – બંદર

અમેરિકી અશ્વેતોના વંશજો કે જેઓ લાઇબિરિયામાં સ્થળાંતર કરીને ગયેલા તેઓ આ શહેરના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં આગળ પડતો ભાગ લે છે. આ કારણે આ શહેર સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે દેશનું મુખ્ય મથક બની રહેલું છે. અહીં યુનિવર્સિટી ઑવ્ લાઇબિરિયા અને મોનરૉવિયા કૉલેજ આવેલી છે. અહીંથી 88 કિમી.ને અંતરે રૉબર્ટ્સફીલ્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. મોનરૉવિયાનું અદ્યતન, સુવિકસિત, મુક્ત બંદર યુ.એસ. દ્વારા બાંધી આપવામાં આવેલું છે. ફાયરસ્ટોન ટાયર અને રબર કંપની દ્વારા બાંધેલો કપચીબંધ માર્ગ મોનરૉવિયાથી દેશના અંદરના ભૂમિભાગમાં આવેલી ફાયરસ્ટોનની રબરની વાડીઓ સુધી વિસ્તરેલો છે. અહીંનો રેલમાર્ગ બોમી ટેકરીઓ અને બોંગ પર્વતોના લોહઅયસ્કથી સમૃદ્ધ વિસ્તારને બંદર સાથે જોડે છે. આ શહેરમાં રબર, સિમેન્ટ, પેટ્રોલની પ્રક્રિયા પેદાશો, નળિયાં, ઈંટો અને રાચરચીલાના ઉદ્યોગો વિકસેલા છે, પરંતુ આ શહેરનું અર્થતંત્ર યુ.એસ. ખાતે થતી રબરની નિકાસ પર આધારિત છે.

લાકડામાંથી બનાવેલાં અમેરિકી ઢબનાં લાઇબિરિયન ઘરોના બે મજલાવાળા વરંડાઓ દક્ષિણ યુ.એસ.ના સ્થાપત્યની યાદ અપાવે છે; પરંતુ કાદવની દીવાલોવાળાં તથા ઘાસનાં છાપરાંવાળાં બીજાં ઘરો આફ્રિકી વતનીઓના આવાસોની લાક્ષણિકતા રજૂ કરે છે. અહીંની આબોહવા મેથી ઑક્ટોબર સુધી ભેજવાળી રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 3,100 મિમી. જેટલો પડે છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સહરાના રણ તરફથી અહીં વાતા સૂકા પવનો શહેરને પ્રમાણમાં ઠંડું રાખે છે. આ શહેરની વસ્તી 9,70,824 જેટલી છે (2008).

મોનરૉવિયા (2) : દક્ષિણ કૅલિફૉર્નિયામાં આવેલા લૉસ ઍન્જેલસના પરા સમકક્ષ શહેર. ભૌગોલિક સ્થાન : 30° 08´ ઉ. અ. અને 117° 59´ પ. રે.. તે લૉસ ઍન્જેલસથી ઈશાનમાં 32 કિમી.ને અંતરે સાન ગેબ્રિયલ પર્વતોની તળેટીમાં આવેલું છે. આ શહેરમાં અવરજવર માટે રેલસેવાની સુવિધા છે. આ આખોય વિસ્તાર એક કાળે સાન ગેબ્રિયલ મિશનનો એક ભાગ હતો, અને મેક્સિકન શાસન દરમિયાન તે ખાનગી માલિકી હેઠળ હતો. અહીં સર્વપ્રથમ આવીને વસેલા વિલિયમ મોનરૉવિયાના નામ પરથી આ સ્થળને મોનરૉવિયા નામ મળેલું છે. 1886માં તે સ્થપાયું અને 1887માં તેને લૉસ ઍન્જેલસમાં ભેળવી દેવામાં આવ્યું. શહેરનો વહીવટ સિટી કાઉન્સિલ અને સિટી મૅનેજર દ્વારા ચાલે છે. નજીકમાંથી જ નૅશનલ ટ્રેઇલ હાઇવે પસાર થાય છે તથા શહેર બહાર સાન્ટા અનિટા રેલમાર્ગ આવેલો છે. અહીં પ્લાસ્ટિક, સૌંદર્યપ્રસાધનો, હીટરો, સિરૅમિક્સ, હવાઈ જહાજના ભાગો, વીજસાધનો તેમજ વીજાણુસાધનોના ઉદ્યોગો વિકસેલા છે.

ગિરીશભાઈ પંડ્યા