મોતીલાલ (જ. 4 ડિસેમ્બર 1910, સિમલા; અ. 17 જૂન 1965, મુંબઈ) : ભારતીય ચલચિત્રના જાણીતા અભિનેતા. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. મોતીલાલ રાજવંશનો જન્મ એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. તેમનો પરિવાર મૂળ દિલ્હીનો. દિલ્હીમાં બી. એ. સુધી અભ્યાસ કર્યા પછી તેઓ નૌકાદળમાં જોડાવા માટે મૌખિક પરીક્ષા આપવા મુંબઈ આવ્યા હતા, પણ માંદા પડી જવાને કારણે તેઓ તે પરીક્ષા આપી શક્યા નહોતા. દરમિયાન એક મિત્ર સાથે એક ચિત્રનું શૂટિંગ જોવા ગયા, જ્યાં દિગ્દર્શક પી. કે. ઘોષે તેમને અભિનેતા બનવા નિમંત્રણ આપતાં તેમણે તેનો સ્વીકાર કર્યો અને આમ તેઓ ચલચિત્ર અભિનેતા બન્યા. સૌપ્રથમ તેમણે એ સમયનાં મશહૂર અભિનેત્રી સવિતાદેવી સાથે ‘શહર કા જાદુ’ ચિત્રમાં અભિનય કર્યો.

1930 અને 1940ના સમયગાળામાં મોટા ભાગના કલાકારોનો અભિનય નાટકીય રહેતો, પણ મોતીલાલે માણસ વાસ્તવિક જીવનમાં જે રીતે બોલે-ચાલે છે અને વર્તન કરે છે તે રીતે જ કૅમેરા સામે સંવાદ બોલવા અને હાવભાવ વ્યક્ત કરવા પર ભાર મૂક્યો. તેમનો આ સ્વાભાવિક અભિનય અસરકારક બની રહ્યો. મોતીલાલે ભજવેલાં ઘણાં પાત્રો તેમના સહજ અભિનયને કારણે જ યાદગાર બની રહ્યાં છે. તેમાં રાજકપૂર અભિનીત ‘અનાડી’, ‘જાગતે રહો’, ‘પૈગામ’ અને ખાસ તો બિમલ રોય-નિર્દેશિત ‘દેવદાસ’માં ચુન્નીલાલનું પાત્ર નોંધપાત્ર છે. આ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું ‘ફિલ્મફેર’ પારિતોષિક મળ્યું હતું.

મોતીલાલે તેમના બીજા જ ચિત્ર ‘સિલ્વર કિંગ’થી સફળતા મેળવવા માંડી હતી. પહેલાં સવિતાદેવી અને પછી શોભના સમર્થ સાથે તેમની જોડી જામી હતી. એ સમયના વિવિધ સ્ટુડિયો સાથે પગારદાર તરીકે રહેવા કરતાં સ્વતંત્ર રહીને કામ કરવાનું તેમણે પસંદ કર્યું હતું. 1940માં એ. આર. કારદારના ચિત્ર ‘હોલી’ની સફળતા પછી તેમની ગણના પ્રથમ પંક્તિના અભિનેતાઓમાં થવા માંડી હતી. તેમના ઠાઠમાઠભર્યા જીવનને કારણે જતે દહાડે તેમની આર્થિક સ્થિતિ કથળી હતી. તેના કારણે 1950ના દાયકામાં જ તેમને ચરિત્ર-ભૂમિકાઓ ભજવવી પડી હતી.

મોતીલાલ

મોતીલાલને સંગીતનો શોખ હતો. જાણીતા ગાયક મૂકેશ તેમના પિતરાઈ હતા. તેઓ જ મૂકેશને ચલચિત્રોમાં લાવ્યા હતા. મોતીલાલે ‘છોટી છોટી બાતેં’ ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન કરવા ઉપરાંત તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનું નિધન આર્થિક બેહાલીની દશામાં જ થયું હતું.

તેમનાં નોંધપાત્ર ચલચિત્રો : ‘શહર કા જાદુ’ (1934), ‘સિલ્વર કિંગ’, ‘ડૉ. મધુરિકા’ (1935), ‘લગ્નબંધન’, ‘દો દીવાને’ (1936), ‘જાગીરદાર’, ‘કોકિલા’, ‘કુળવધૂ’ (1937), ‘થ્રી હન્ડ્રેડ ડેઝ ઍન્ડ આફ્ટર’, ‘હમ તુમ ઔર વોહ’ (1938), ‘આપ કી મરજી’ (1939), ‘અછૂત’, ‘દીવાલી’, ‘હોલી’ (1940), ‘અરમાન’ (1942), ‘તકદીર’, ‘તસવીર’ (1943), ‘પહલી નઝર’, ‘પિયા મિલન’, ‘સાવન’ (1945), ‘એક થી લડકી’ (1949), ‘મિ. સંપત’ (1952), ‘દેવદાસ’ (1955), ‘જાગતે રહો’ (1956), ‘અબ દિલ્હી દૂર નહિ’ (1957), ‘અનાડી’, ‘પૈગામ’ (1959), ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (1963), ‘લીડર’, ‘જી ચાહતા હૈ’ (1964), ‘છોટી છોટી બાતેં’, ‘વક્ત’ (1965), ‘દુનિયા હૈ દિલવાલે કી’ અને ‘યહ ઝિંદગી કિતની હસીન હૈ’ (1966).

હરસુખ થાનકી