મૉન્તાલે, યૂજેનિયો

February, 2002

મૉન્તાલે, યૂજેનિયો (જ. 12 ઑક્ટોબર, 1896 જિનોઆ; અ. 12 સપ્ટેમ્બર 1981, મિલાન) : ઇટાલિયન કવિ, ગદ્યકાર, સંપાદક અને અનુવાદક. તેમને 1975માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. 1930 તથા 1940ના દાયકામાં ઉગારેતી તથા ક્વૉસિમૉદોની સાથે મૉન્તાલેની ગણના કીમિયાગર કવિ તરીકે થયેલી. માલાર્મે, રેમ્બો અને વાલેરી જેવા ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓનો તેમના પર પ્રભાવ હતો. શબ્દોના ભાવનાત્મક સૂચિતાર્થો તેમજ કેવળ આત્મલક્ષી અર્થવાળા પ્રતીકવાદ દ્વારા તેઓ અનુભૂતિનું કાવ્યમાં રૂપાન્તર કરવા પ્રયાસ કરતા. જોકે, મૉન્તાલેએ એમનાં ઉત્તરાર્ધનાં કાવ્યોમાં તેમના વિચારોને સીધેસીધા અને સરળ ભાષામાં રજૂ કરેલા. તેમને ઘણાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં અને વિવેચકો દ્વારા પણ સારો આદર પામ્યા હતા. તેમની ઘણી કાવ્યરચનાઓના અનુવાદ થયા છે.

પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવ પામેલા મૉન્તાલેએ યુદ્ધ પછીના સમયમાં ફાસીવાદનો વિરોધ કરેલો. એ જ સમયે તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓની શરૂઆત થયેલી. તેઓ સાહિત્યિક સામયિક ‘પ્રિમો ટેમ્પો’(1922)ના સહસ્થાપક હતા. તેમણે પ્રકાશક બેમ્પૉરડ (1927 –28) માટે કામ કર્યું, ફ્લૉરેન્સમાં ગૅબિનેત્તો વ્યૂસેક્સ ગ્રંથાલયના નિયામક તરીકે (1928–38) સેવા આપી હતી. ‘લ ફિયેરા લેટરોરિયા’ (1938–48) માટે કાવ્યવિવેચકનું કામ અને 1948માં મિલાનના દૈનિક ‘કૉરિયેર દેલા સેરા’માં સાહિત્ય-સંપાદક અને પછીથી સંગીત-સંપાદક તરીકે કામ કર્યું.

યૂજેનિયો મૉન્તાલે

મૉન્તાલેના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કટલફિશ બોન્સ’(1925)માં યુદ્ધ પછીના સમયનો કડવો નિરાશાવાદ વ્યક્ત થયો છે. આ સંગ્રહમાં તેમણે એકલતા, હતાશાનાં તથા ખડકાળ દરિયાકાંઠાનાં પ્રતીકો દ્વારા તેમની લાગણીઓને અભિવ્યક્ત કરી છે. ‘ધ હાઉસ ઑવ્ ધ કસ્ટમ્સ ઑફિસ ઍન્ડ અધર પોએમ્સ’ (1932); ‘ધી ઑકેઝન્સ’ (1939) તથા ‘લૅન્ડ્ઝ એન્ડ’(1943)ની રચનાઓ વિવેચકોને વધારે અંતર્મુખી અને ધૂંધળી લાગી છે. ત્યારબાદ ‘ધ સ્ટૉર્મ ઍન્ડ અધર પોએમ્સ’ (1978) મારઝોત્તો પારિતોષિક વિજેતા નીવડી હતી અને તેનાથી આરંભાતી રચનાઓ અગાઉ કરતાં વધુ સુશ્લિષ્ટ તથા આત્મસંવેદના-સભર છે. તેમના અન્ય કાવ્યસંગ્રહો છે ‘સેતુરા’ (1962; અં. અ. 1969); ‘એકોર્દિ એ પાસ્તેલિ’ (1962; અં. અ. ‘હાર્મની ઍન્ડ પેસ્ટલ્સ’), ‘ઇલ કોલ્પેવોલ’ (1966, અં. અ. ‘ધી ઓફેન્ડર’) અને ‘ઝેનિયા’ (1966, અં. અ. 1970). અંતિમ સંગ્રહ 1963માં અવસાન પામેલી પત્ની મોસ્કાના સ્મરણમાં રચાયેલાં પ્રણયકાવ્યોનો સંચય 1973માં પ્રકાશિત થયો. 1948, 1949 અને 1957માં એમણે ‘કલેક્ટેડ પોએઝી’ના ત્રણ ગ્રંથો પ્રકાશિત કર્યા. પોતાની કવિતાના અનુવાદ ઉપરાંત મૉન્તાલેએ શેક્સપિયર, ટી. એસ. એલિયટ અને જિરાર્ડ માન્લે હૉપકિન્સ તેમજ હર્મન મેલ્વિલ, યૂજીન ઓ’નીલ અને અન્ય ગદ્યસર્જકોની કેટલીક કૃતિઓના અનુવાદો કર્યા. તેમની પોતાની વાર્તાઓ તથા રેખાંકનોનો અંગ્રેજીમાં અનુવાદ ‘ધ બટરફ્લાય ઑવ્ દિનાર્ડ’ (1970) નામે પ્રગટ થયો છે.

યોગેશ જોશી