મૉન્ટગૉલ્ફિયર બંધુઓ

February, 2002

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ : ફ્રાન્સના કાગળ-ઉદ્યોગ સાથે સંકળાયેલા બે બંધુઓ જોસેફ અને જૅક્સ. બલૂનની શોધ કરવાનું શ્રેય પણ તેમને જાય છે. તેમણે શોધેલું બલૂન ગરમ હવાનો ઉપયોગ કરતું હતું. તેમણે પ્રથમ આ પ્રકારનું બલૂન 1782માં બનાવ્યું, જે ઘણું નાનું હતું.

જૂન 1783માં તેમણે પહેલી વાર મોટું બલૂન બનાવ્યું અને સપ્ટેમ્બર 1783માં તેમણે જે બલૂન ઊંચે ચડાવ્યું તેમાં એક કૂકડો, બતક અને ઘેટાને પણ મુસાફર તરીકે તેમણે મોકલ્યાં. આ ઉડ્ડયન ફ્રાન્સના રાજા લૂઈ સોળમાની હાજરીમાં થયું. એ પછીના મહિને ફ્રેન્ચ વિજ્ઞાની ઝાં એફ. થિલાત્રે દ રોઝિયર પણ મૉન્ટગૉલ્ફિયર સાથે બલૂનમાં ઊંચે ગયો, પણ આ બલૂન દૂર ન ચાલી જાય માટે જમીન સાથે લાંગરીને રખાયેલું. નવેમ્બર, 1783માં આ ફ્રેન્ચ વિજ્ઞાની અને ફ્રાન્સના ઉચ્ચ વર્ગના (nobleman) માર્કિવસ દ આરલાન્દે મળીને ફ્રાન્સના પૅરિસ શહેર પર બલૂનમાં આશરે 25 મિનિટ સુધી મુક્ત ઉડ્ડયન કર્યું.

મૉન્ટગૉલ્ફિયર જોસેફ મિશેલ : મૉન્ટગૉલ્ફિયર બંધુઓમાંનો મોટો ભાઈ જોસેફ મિશેલ ફ્રાન્સના વિદાલોં – લે – એનોલે (vidalon – Les – Annolay) શહેરમાં 26 ઑગસ્ટ, 1740ના રોજ જન્મ્યો હતો. 13 વર્ષની નાજુક વયે તે ઘરેથી ભાગી ગયેલો, પણ પછી થોડા સમય બાદ પાછો આવેલો અને પછી ગણિત, કુદરતી વિજ્ઞાનો અને રસાયણશાસ્ત્ર(mathematics, natural sciences & chemistry)નો ઘણા રસથી અભ્યાસ કરી તેમાં નિપુણતા મેળવી. તેણે રસાયણશાસ્ત્ર માટે એક પ્રયોગશાળા (laboratory) પણ ખોલી. તેના નાના ભાઈ જૅક્સ (Jaques) સાથે મળી તેણે ગરમ હવાથી ઊડતા બલૂનની 1783માં શોધ કરી. 1799માં તેના નાના ભાઈના અવસાન બાદ તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક પ્રયોગો ને શોધખોળ પર કેન્દ્રિત કર્યું. બલૂન ઉપરાંત તેણે પૅરાશૂટ, કૅલરી-મીટર અને પ્રવાહી શક્તિથી ચાલતું દાબક યંત્ર (hydraulic press) અને દાબયુક્ત પ્રવાહી વડે ઉપર ચડાવવાનું યંત્ર (hydraulic ram) શોધ્યાં.

જોસેફ મિશલ મૉન્ટગૉલ્ફિયર

જૂન 26, 1810ના રોજ તે બેલારૂક લે બેઈન ખાતે મૃત્યુ પામ્યો.

મૉન્ટગૉલ્ફિયર જૅક્સ ઇટેન : બે ભાઈઓમાં નાનો જૅક્સ જાન્યુઆરી 7, 1745માં વિદાલોં શહેરમાં જન્મ્યો હતો. પિતાના કાગળ-ઉદ્યોગમાં જોડાતા પહેલાં તેણે સ્થપતિ બનવાની તાલીમ અને ડિગ્રી લીધી. તેણે સર્વપ્રથમ ચર્મપત્ર જેવો પાતળો કાગળ બનાવ્યો. તેના મોટા ભાઈ જોસેફ સાથે મળીને તેણે પ્રથમ બલૂન બનાવ્યું. બંનેએ એકબીજા સાથે મળીને એટલું કામ કરેલું કે બલૂનનો કયો ભાગ કોણે શોધ્યો કે બનાવ્યો તે કહેવુંય મુશ્કેલ છે. 2 ઑગસ્ટ 1799ના રોજ સર્વિયેર ખાતે તે મૃત્યુ પામ્યો.

જૅક્સ ઇટેન મૉન્ટગૉલ્ફિયર

પ્રકાશ રામચંદ્ર