મેઘાલય : ભારતના ઈશાન ભાગમાં બ્રહ્મપુત્ર નદીખીણથી દક્ષિણમાં આવેલું કુદરતી સૌંદર્યથી ભરપૂર પહાડી રાજ્ય. તે આશરે 25° 1´થી 26° 6´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 89° 50´થી 92° 49´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલું છે. તેની ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્યની તેમજ પશ્ચિમમાં અને દક્ષિણમાં બાંગ્લાદેશની સીમાઓ આવેલી છે. મેઘાલયનો શબ્દશ: અર્થ ‘વાદળોનું ઘર’ એવો થાય છે. હકીકતમાં આ રાજ્યના લગભગ બધા જ ભાગોમાં વર્ષભર આકાશ મહત્તમ વાદળછાયું રહે છે. વળી તે સૌથી વધુ વરસાદવાળા પ્રદેશ તરીકે પણ વિશ્વવિખ્યાત બન્યું છે.  આ રાજ્યની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 300 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 100 કિમી. જેટલી છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 22,429 ચોકિમી.નો છે. આ રાજ્ય આજે જૈન્તિયા હિલ્સ, પૂર્વ ગારો હિલ્સ, પશ્ચિમ ગારો હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, પશ્ચિમ ખાસી હિલ્સ, રિ-ભોઈ (Ri-Bhoi), અને દક્ષિણ ગારો હિલ્સ – એમ સાત જિલ્લાઓમાં વહેંચાયેલું છે.

પ્રાકૃતિક રચના અને જળપરિવાહ : મેઘાલયએ ડુંગરાળ ઉચ્ચપ્રદેશીય વિસ્તાર, એ આ રાજ્યની મધ્યમાં ખાસી, પૂર્વમાં જૈન્તિયા અને પશ્ચિમમાં ગારો ટેકરીઓ આવેલી છે. તેનાં શિખરો વિવિધ ઊંચાઈ (આશરે 1,220થી 1,830 મીટર) ધરાવે છે. પશ્ચિમે આવેલી ગારો ટેકરીઓ બ્રહ્મપુત્ર નદીખીણથી એકાએક આશરે 300 મીટર જેટલી ઊંચકાય છે. ગારો ટેકરીઓનું સર્વોચ્ચ શિખર નોકરેક (Nokrek) છે.

ગારો ટેકરીઓ પૂર્વ તરફ જતાં ખાસી તથા જૈન્તિયા ટેકરીઓમાં ભળી જાય છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં લંબાયેલી સપાટ શિરોભાગવાળી ખાસી ટેકરીઓને આવરતા મધ્યસ્થ ઉચ્ચપ્રદેશ કે મૅસિફ(massif)ને કારણે જ આ રાજ્યને ‘પૂર્વના સ્કૉટલૅન્ડ’ની ઉપમા મળેલી છે. અહીં પાટનગર શિલોંગ સમુદ્રસપાટીથી આશરે 1,496 મી.ની ઊંચાઈ પર આવેલું છે. જોકે શિલોંગ શિખર (Shillong Peak), એ રાજ્યનું સર્વોચ્ચ સ્થળ છે અને તે સમુદ્રસપાટીથી લગભગ 1,965 મી.ની ઊંચાઈ ધરાવે છે.

દક્ષિણની શ્રેણીબદ્ધ ટેકરીઓ બાંગ્લાદેશનાં સિલ્હટનાં મેદાનો તરફનો સીધો ઢોળાવ ધરાવે છે. રાજ્યના આ ભાગનો સામાન્ય દેખાવ જાણે કે સમુદ્રમાંથી ઊંચી સીધી કરાડ ધરાવતો ટાપુ ઊંચકાયેલો હોય તેવો લાગે છે. આ ઊંચી કરાડ પરથી અનેક ભવ્ય જળધોધ પડે છે. તે પૈકી મૉસ્માઈ (Mawsmai) જળધોધ સૌથી મોટો છે. નદીઓએ ટેકરીઓની વચ્ચે વચ્ચે ઊંડી, સાંકડી અને સીધા ઢોળાવવાળી ખીણોની રચના કરી છે. અહીં સીધા ઢોળાવવાળી કરાડો પરથી નીચે પડતા નદી-પ્રવાહો ઉત્કૃષ્ટ ભૂમિર્દશ્યોનું નિર્માણ કરે છે. વળી દક્ષિણની નીચી ટેકરીઓમાં તૃતીય જીવયુગ(Tertiary)ના ચૂનાખડકોમાં ખોતરાયેલી ચૂનામય ભૂશ્યાવલી (karst topographic features) ર્દષ્ટિગોચર થાય છે.

આ રાજ્ય સંખ્યાબંધ નદીઓ ધરાવે છે; આમ છતાં તે પૈકીની એક પણ નદી અસમતલ ભૂપૃષ્ઠને કારણે જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. ગારો ટેકરીઓમાં મંદા (Manda), ડાર્મિંગ (Darming) તથા જિન્જિરામ (Jinjiram) નદીઓ ઉત્તર તરફ વહે છે, જ્યારે રિંગ્ગે (Ringge) તથા ગનોલ (Ganol) નદીઓ પશ્ચિમ તરફ વહે છે. આ સિવાય આ ટેકરીઓમાં દક્ષિણ તરફ વહેતી નદીઓમાં સીમસંગ (Simsang) તથા ગુગીનો સમાવેશ થાય છે. આ પૈકી સીમસંગ એ ગારો ટેકરીઓની સૌથી મોટી નદી છે.

ખાસી તથા જૈન્તિયા ટેકરીઓમાંથી ઉત્તર તરફ વહેતી નદીઓમાં ખ્રી, ઉમટ્રેવ (Umtrew), ઉમિયામ તથા ઉમખેન આવે છે. તેની બાજુમાં જૈન્તિયા ટેકરીઓ તથા ઉત્તર કાચાર (North Cachar) ટેકરીઓ વચ્ચે કુપિલ નદી વહે છે. વળી કાયન્શી (Kynshi), ઉમિયામ મોફાન્ગ (Umiam Mawphang) તથા ઉમગોટ નદીઓ દક્ષિણમાં બાંગ્લાદેશ તરફ જાય છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને  પ્રાણીજીવન : આ રાજ્ય સામાન્ય રીતે નરમ કે સમધાત (mild) એવી મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે. તેનું ઉનાળાનું અને શિયાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે 25° સે.થી 15° સે. તથા 16° સે.થી 4° સે. જેટલું રહે છે. ખાસી ટેકરીઓમાં આવેલા શિલોંગમાં જુલાઈ માસનું સરેરાશ તાપમાન 21° સે. અને જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 9.5° સે. જેટલું અનુભવાય છે. આ રાજ્યનું આકાશ વાદળછાયું રહે છે. જૂનથી ઑગસ્ટ સુધીના ત્રણ માસ દરમિયાન આકાશ તેના 9/10 ભાગથી પણ વધુ વાદળછાયું રહે છે. અહીંની ખીણોમાં છેક નદીતળથી તે ઉચ્ચપ્રદેશની સમગ્ર સપાટીને આવરતું ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે.

મેઘાલયનો નકશો

દુનિયામાં સૌથી વધુ વરસાદ મેળવતા પ્રદેશો પૈકીનો એક પ્રદેશ આ રાજ્યમાં છે. 74 વર્ષથી પણ અધિક વર્ષના આંકડાઓની સરેરાશ કાઢતાં ચેરાપુંજીનો સરેરાશ વાર્ષિક વરસાદ 11,430 મિમી. (450 ઇંચ) તથા મૉસિનરામ (Mawsynram) નામના સ્થળનો સરેરાશ વાર્ષિક વરસાદ 17,779.93 મિમી. (700 ઇંચ) હોવાનો દાવો કરવામાં આવે છે. બંગાળના ઉપસાગર પરથી આવતા મોસમી પવનો મેઘાલયના ઉચ્ચપ્રદેશની દક્ષિણની ઊંચી કિનારીથી અવરોધાય છે અને આ રાજ્ય ‘ભૂપૃષ્ઠ પ્રકાર’નો ભારે વરસાદ મેળવે છે. જોકે અહીંથી થોડાક દૂરના ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટે છે; જેમ કે, ચેરાપુંજીથી આશરે 20 કિમી. ઉત્તરમાં આવેલું મૉફલૉન્ગ (Mawphlong) લગભગ 3,310 મિમી. વરસાદ મેળવે છે, જ્યારે શિલોંગની ટેકરીઓની વર્ષાછાયા(rainshadow)માં આવેલું પાટનગર શિલોંગ આશરે 2,253 મિમી. વાર્ષિક વરસાદ મેળવે છે.

રાજ્યના આશરે 70  % ભૂમિવિસ્તારમાં જંગલો છવાયેલાં છે. ભારે વરસાદ તથા સારી રીતે જળસિંચિત ભૂમિને લીધે આ રાજ્ય વૃક્ષો–ઝાડી તથા ઘાસના પ્રકારની કુદરતી વનસ્પતિથી સમૃદ્ધ છે. ઇમારતી લાકડું આપતાં અનેક વૃક્ષો પૈકી સાલ, સાગ, ચીડ (pine), ઓક, બર્ચ (birch), બીચ (beech), મૅગ્નોલિયા (Magnolia), હળદરવો (haldu) વગેરે મુખ્ય છે. આ સિવાય અહીં વાંસ, બરુ, નેતર વગેરેનું પ્રમાણ પણ ઘણું વધારે છે. રાજ્યના મધ્ય ભાગમાં સમશીતોષ્ણ ઘાસનાં તથા વધુ ઊંચાઈએ આલ્પાઇન (Alpine) ઘાસનાં બીડ આવેલાં છે. ઇમારતી લાકડા ઉપરાંત જંગલોમાંથી અન્ય અનેક પેદાશો પણ મળે છે.

આ રાજ્ય જીવજનનીય સામગ્રી(bio-genetic material)નો ભંડાર ધરાવે છે. અહીંનાં ખાસીનાં જંગલો તેની ઑર્કિડ (orchids) વનસ્પતિ માટે પ્રખ્યાત છે. તેના ખડકો તથા વૃક્ષોનાં થડ પર આશરે 250 જાતનાં રંગબેરંગી તથા વિચિત્ર પુષ્પો ધરાવતા છોડવા (orchids) થાય છે. વૈશ્વિક બજારમાં ‘ખાસી ઑર્કિડ’ની ભારે માંગ રહે છે.

આ રાજ્યના સમૃદ્ધ અને વૈવિધ્યભર્યા વન્ય પ્રાણીજીવન માટે તેની પ્રાકૃતિક રચનાઓ તથા વિવિધ પ્રકારનું વનસ્પતિજીવન જવાબદાર છે. રાજ્યમાં વન્યજીવોના રક્ષણ અને જાળવણી માટે નોકરેક (Nokrek) (47.48 ચોકિમી.) તથા બાલ્ફક્રમ (Balphakram) (220 ચોકિમી.) – એમ બે રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ નોંગખાયલેમ (Nongkhyllem) (29 ચોકિમી.), સિજુ (5.18 ચોકિમી.) અને બાઘમારા માટે કલશપર્ણ છોડ  (Baghmara Pitcher Plant) – એમ ત્રણ વન્યજીવ અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે. અહીં હાથીઓની વસ્તી વિશેષ છે. અન્ય સસ્તનોમાં વાઘ, રીંછ, શિયાળ, જંગલી ભુંડ, નાર, જંગલી બિલાડા, વિવિધ પ્રકારનાં હરણો, વરુ, સસલાં, સ્લો લૉરિસ (Slow loris), સોનેરી લંગૂર વાનર, હૂલૉક વાનર (hoolock) વગેરે મુખ્ય છે. આ સિવાય અહીં બિન્ટોરોન્ગ (bintorong) નામનું દુર્લભ પ્રાણી જોવા મળે છે. વળી અહીં રાક્ષસી કદની ખિસકોલીઓ તથા ઊડતી ખિસકોલીઓ, વિવિધ પ્રકારના સર્પો, મગરો અને કીડીખાઉ મળે છે. આમ અનેક પ્રકારનાં સ્થળચર અને જળચર પક્ષીઓ તથા જીવજંતુઓનું અહીં મોટું પ્રમાણ છે.

ખેતી : આ રાજ્ય ખેતીપ્રધાન છે અને તેની આશરે 80  % વસ્તી જીવનનિર્વાહ માટે ખેતીપ્રવૃત્તિ પર આધાર રાખે છે. અહીં જમીનવિહોણા ખેતમજૂરોનો વર્ગ અસ્તિત્વમાં નથી. આ રાજ્યમાં હવે ધીમે ધીમે સ્થળ બદલતી ખેતી-પદ્ધતિ (Jhum) બંધ થતી જાય છે અને તેને સ્થાને અન્ય સારી ખેતીપદ્ધતિઓનો ઉપયોગ થવા લાગ્યો છે. જમીનસંરક્ષણ ખાતાની યોજના અનુસાર પસંદગીના વિસ્તારનાં ઓછામાં ઓછાં 50 ખેડૂત-કુટુંબોને સુધારેલી જમીનો ફાળવવામાં આવી છે. અહીં ખેતી સાથે પશુપાલન તેમજ મરઘાં–બતકાં ઉછેર પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે. તેની સાથે સાથે તેમને ખાતર, બિયારણ, સિંચાઈ વગેરે સુવિધાઓ પણ આપવામાં આવી છે. જ્યાં આધુનિક પદ્ધતિથી ખેતી થતી હોય તેવા વિસ્તારોને સડકમાર્ગે સાંકળવામાં આવ્યા છે, જેથી ખેત-ઉત્પાદનને ઝડપથી બજારમાં પહોંચાડી શકાય.

આ રાજ્ય રાતા રંગની કાંપની તથા લૅટેરાઇટજન્ય (lateritic) જમીનો ધરાવે છે. આવી જમીનોમાં નાઇટ્રોજન તથા સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઊંચું હોય છે. એવી જ રીતે રાજ્યની ઉષ્ણ તથા સબ-ટ્રૉપિકલ ખેત-આબોહવાનું વૈવિધ્ય (agroclimatic variations) ફળો તથા શાકભાજીની ખેતી (horticulture) માટે વધુ સાનુકૂળ જણાય છે; જે સમધાત, ઉષ્ણકટિબંધીય તથા સબ-ટ્રૉપિકલ ફળો અને શાકભાજીના વાવેતર માટેની તકો પૂરી પાડે છે.

ખાસી ટેકરીઓ વચ્ચે આવેલું રમણીય સરોવર

અહીં ડાંગર તથા મકાઈ જેવા મુખ્ય ખાદ્યાન્ન પાકો ઉગાડાય છે. તેને બાદ કરતાં મેઘાલય તેનાં રસદાર સંતરાં માટે પ્રખ્યાત છે. આ સિવાય આ રાજ્યમાં અનેનાસ, કેળાં, જૅકફ્રૂટ (jackfruit) તેમજ સમધાત આબોહવામાં થતાં જરદાળુ (plums), પેર (pear) અને પીચ (Peach) જેવાં ફળોનું પણ ઉત્પાદન થાય છે. વળી અહીં પરંપરાગત તથા રોકડિયા પાકોમાં બટાટા, હળદર, આદું, મરચાં, મરી, સોપારી, ટોપિયોકા (topioca), કપાસ, તમાકુ, શણ, મેસ્ટા (mesta), અળશી, સરસવ વગેરેનું વાવેતર થાય છે. આજે હવે બિનપરંપરાગત ખેતીના પાકો જેવા કે તેલીબિયાં (મગફળી, સોયાબીન, સૂર્યમુખી વગેરે), કાજુ, ચા અને કૉફી, બિલાડીના ટોપ (mashrooms), ઔષધીય વનસ્પતિના પાકો, રંગબેરંગી પુષ્પોના પરરોહી છોડવા (orchids) અને તેજપત્તા(tezpata)ની ખેતી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

રાજ્યમાં આજે સપાટી પરના જળથી તથા ભૂગર્ભજળથી આશરે 2.18 લાખ હેક્ટર ભૂમિમાં સિંચાઈ કરવામાં આવે છે. આમ છતાં સિંચાઈનો વ્યાપ વધારવાના પ્રયત્નો ચાલુ છે.

ખનિજસંપત્તિ તથા ઉદ્યોગો : આ રાજ્યમાં સિલિમેનાઇટ (silimanite), કૅઑલિન (kaolin), ફેલ્સ્પાર (felspar), ક્વાર્ટ્ઝ, અબરખ, ચિરોડી (gypsum), ચૂના-ખડક, બૉક્સાઇટ, અગ્નિજિત માટી, કાચની રેતી, કોરંડમ (corumdum), કોલસો વગેરે ખનિજો મળી આવે છે. આ પૈકી સિલિમેનાઇટ એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું સિરૅમિક મૃદ-ખનિજ છે અને આ રાજ્ય દેશનું આશરે 95  % સિલિમેનાઇટ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત રાજ્યના મધ્ય અને પશ્ચિમ ભાગમાં કોલસાની ખાણો આવેલી છે. અહીંની કોલસા તથા ચૂના-ખડકોની અનામતો અનુક્રમે 5,620 લાખ ટન તથા 45,000 લાખ ટન અંદાજવામાં આવી છે. આ રાજ્યમાં ઉમિયામ-બારાપાની (Umiam-Barapani) નદી દ્વારા જળવિદ્યુતનું ઉત્પાદન થાય છે.

મેઘાલય ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC) પોતાના રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે ઉદ્યોગ-સાહસિકોને લોન અને બીજી આર્થિક મદદ કરે છે. પરંપરાગત કુટિરઉદ્યોગો ઉપરાંત અહીં મધ્યમ અને નાના પાયા પરના ઉદ્યોગોમાં લાકડાં વહેરવાના; પ્લાયવુડ બનાવવાના; સિમેન્ટ, રસાયણો અને પીણાંને લગતા એકમો મુખ્ય છે. વધુમાં મેઘાલય વીજાણુ (electronics) વિકાસ નિગમ દ્વારા ઉમિયામ-ખાવન (Umiam-Khawn) ખાતે સ્થપાયેલું કારખાનું ટૅન્ટેલમ કેપૅસિટરનું ઉત્પાદન કરે છે. વળી આ રાજ્યમાં બેકરી, રાચરચીલું, લોખંડની જાળીઓ, ટાયર, મરીમસાલા વગેરેને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે.

પરિવહન અને પ્રવાસન : આ રાજ્યમાં ડુંગરાળ ભૂપૃષ્ઠને લીધે આંતરિક પરિવહનનાં સાધનોનો વિકાસ ઓછો થયો છે. તેથી કેટલાક વિસ્તારો અલગ પડી ગયેલા છે. આ રાજ્યમાં કાચી તથા પાકી સડકોની કુલ લંબાઈ આશરે 8,000 કિમી. જેટલી છે. આ રાજ્યમાં થઈને નં. 40, નં. 44 અને નં. 51 – એમ ત્રણ રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે; તેમની લંબાઈ લગભગ 456 કિમી. જેટલી થવા જાય છે. પાટનગર શિલોંગ આ ધોરી માર્ગોથી દેશના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. આ રાજ્યમાં માત્ર એક કિમી. જેટલો લાંબો રેલમાર્ગ છે ખરો, પણ તે રાષ્ટ્રનાં રેલમાર્ગ સાથે સંકળાયેલ નથી. વળી શિલોંગમાં રાજ્યના આંતરિક ભાગોને જોડતી ‘વાયુદૂત’ (Vayudoot) નામની હવાઈ સેવા ચાલે છે.

આ રાજ્યમાં કુદરતે છુટ્ટે હાથે તેની ભવ્યતા અને સુંદરતાની લહાણી કરી છે, જેથી અહીંના પ્રદેશો પર્યટકો માટે આકર્ષણરૂપ બની રહેલા છે. અહીંનાં વિવિધ પ્રાકૃતિક ભૂમિર્દશ્યો તથા લીલીછમ હરિયાળી ધરાવતા વનાચ્છાદિત વિસ્તારો પ્રવાસીઓ માટે નયનરમ્ય અને મનમોહક છે. હરિયાળા ડુંગરો તથા પ્રકૃતિની ગોદમાં આવેલાં હવા ખાવાનાં સ્થળો અને આરોગ્યધામોમાં માનવી હરેફરે તો તેનું મન પ્રફુલ્લિત થઈ જાય તેવું સુંદર અહીંનું વાતાવરણ છે.

પાટનગર શિલોંગમાં આરોગ્ય વિહારધામ (health resort), જળધોધ, સંગ્રહાલય, સરોવર, હસ્તકૌશલ્યની ચીજોનું સ્ત્રીઓ દ્વારા ચલાવાતું બજાર, પોલો મેદાન, ગૉલ્ફ કોર્સ, નાનું પ્રાણીસંગ્રહાલય વગેરે જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત જોવલ (Jowal) તથા તુરા (Tura) હવા ખાવાનાં સ્થળો છે. જોવલથી આશરે 24 કિમી. દૂર નાર્ટિયાન્ગ (Nartiang) ખાતે એક જ ખડકમાંથી કોતરી કાઢેલા વિશાળ સ્તંભો તેમજ શિલોંગથી આશરે 55 કિમી. પશ્ચિમના મેદાનમાં આવેલો આશરે 200 મી. ઊંચો ગ્રૅનાઇટનો ગુંબજ – એ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ છે. વળી પર્યટકો જાક્રેમ(Jakrem)ના ગરમ પાણીના ઝરા તથા ચેરાપુંજી પાસેના જળધોધની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

પરંપરાગત વેશભૂષામાં ખાસી મહિલાઓ

વસ્તી અને વસાહતો : આ રાજ્યની વસ્તી લગભગ 29,64,007 (2011) તથા સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી. દીઠ 28 વ્યક્તિઓ જેટલી છે. રાજ્યમાં વસ્તીનું વિતરણ, તેની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જોવા મળે છે. પૂર્વ ખાસી હિલ્સ તથા પશ્ચિમ ગારો હિલ્સ – આ બે જિલ્લાઓમાં વસ્તીનું પ્રમાણ વધારે છે. તેની તુલનામાં દક્ષિણ ગારો જિલ્લામાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. મેઘાલયમાં શિક્ષિત વસ્તીનું પ્રમાણ 49  % જેટલું છે. પાટનગર શિલોંગમાં નૉર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી આવેલી છે. ખાસી અને ગારો – એ અહીંની મુખ્ય ભાષાઓ છે. આ સાથે જૈન્તિયા તથા અંગ્રેજી, એ રાજ્યની વહીવટી ભાષાઓ છે. અહીં પ્નાર-સિન્ટેન્ગ (Pnar-Synteng), નેપાળી અને હૈજોન્ગ (Haijong) ભાષાઓ ઉપરાંત મેદાનોમાં બંગાળી અને આસામી તથા હિન્દી ભાષાઓનો ઉપયોગ થાય છે.

આ પહાડી રાજ્યમાં ગારો, ખાસી અને જૈન્તિયા – એમ મુખ્ય ત્રણ આદિમ જાતિઓના લોકો વસવાટ કરે છે, જેઓ અનેક પેટા જાતિજૂથોમાં વહેંચાયેલા છે. અહીંના મોટાભાગના નિવાસીઓ તિબેટો-બર્મન (ગારો) તેમજ મોન-ખ્મેર(Mon-Khmer) (ખાસી)માંથી ઊતરી આવેલા છે અને તેમની ભાષાઓ અને બોલીઓ પણ આ જૂથની છે. રાજ્યમાં મુખ્યત્વે હિન્દુ, ખ્રિસ્તી તથા પાશુપત ધર્મ પળાય છે. થોડાંક જૂથો મુસ્લિમ, બૌદ્ધ અને શીખ ધર્મ પણ પાળે છે.

આ રાજ્યના લોકો ખડતલ અને મહેનતુ છે. ગીત-સંગીત, નૃત્ય અને મદ્યપાન, એ અહીંના લોકોના આંતરિક જીવનનો એક ભાગ ગણાય છે. અહીં જોવા મળતાં વિવિધ પ્રકારનાં વાદ્યો લોકોની કલાવૃત્તિની સાક્ષી પૂરે છે. અહીંનો મુખ્ય તહેવાર વાન્ગલા (Wangla) છે. તહેવારોમાં આકર્ષક વેશભૂષા તથા અલંકારોથી સુસજ્જ થઈને યુવક-યુવતીઓ અને આધેડ સ્ત્રી-પુરુષો ગીત-સંગીત તથા નૃત્યોની રમઝટ જમાવે છે.

ગારો આદિવાસીઓ પશ્ચિમ મેઘાલયમાં ડુંગરો પર નાનાંનાનાં છૂટાંછવાયાં ગામોમાં વસે છે. તેઓ 15 જેટલી વિવિધ ટોળીઓમાં વહેંચાયેલા છે. તેમનામાં માતૃપ્રધાન કુટુંબવ્યવસ્થા અસ્તિત્વમાં છે. ખાસી અને જૈન્તિયા ટેકરીઓમાં વસતા આદિવાસી લોકોનાં ખોરાક, ટેવો, આર્થિક પ્રવૃત્તિઓ તથા સામાજિક રીતરિવાજો પણ ગારો ટેકરીઓ પર વસવાટ કરતા લોકો જેવાં જ છે. તેઓ ડુંગરોના ટોચના વિસ્તારો તથા નદીખીણના તળવિસ્તારોને ટાળીને મધ્યમ ઢોળાવો પરનાં ગામડાંમાં વસે છે.

આ રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ 18.6  % જેટલું છે. પાટનગર શિલોંગ રાજ્યનું સૌથી મોટું શહેર છે. પાટનગરની વસ્તી 1,43,007 અને બૃહદ વસ્તી 3,54,325 (2011) જેટલી છે. અન્ય શહેરોમાં તુરા (Tura), માવલાઈ (Mawlai), નોન્ગ-થાયમાઈ (Nongthymmai) અને જોવાઈ(Jowai)નો ક્રમ આવે છે.

ઇતિહાસ : ભારતનું બંધારણ ઘડાયું, ત્યારથી આસામ રાજ્યની ખાસી, ગારો, નાગા, મિઝો વગેરે આદિમ જાતિઓની માગણી હતી કે તેમના પોતપોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણી થાય તેમજ કોઈ પણ પ્રકારના શોષણ કે હસ્તક્ષેપ વગર તેમનો આર્થિક વિકાસ સધાય તેવી ગોઠવણ થવી જરૂરી છે. આમ તો જિલ્લા-પરિષદો દ્વારા તેમની સંસ્કૃતિની જાળવણીની જોગવાઈઓ કરવામાં આવી હતી.

આગળ જતાં અસંતુષ્ટ નાગા લોકોએ હિંસાત્મક તોફાનો કરતાં છેવટે આસામમાંથી નાગાલૅન્ડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એવી જ રીતે મિઝો વિસ્તારમાં પણ હિંસાત્મક બનાવો બનતાં કેન્દ્રશાસિત મિઝોરમ પ્રદેશની રચના થઈ. આગળ જતાં તેને પણ અલગ રાજ્યનો દરજ્જો અપાયો; પણ ગારો અને ખાસી જાતિઓના નેતાઓએ પોતાના અલગ રાજ્યની માગણી શાંતિમય રીતે કરવાનું ચાલુ રાખ્યું. ઈ.સ. 1954માં તુરા શહેરમાં ભરાયેલી આદિવાસી નેતાઓની પરિષદમાં તેમનો અલગ પર્વતીય પ્રદેશ બનાવવાની વિધિવત્ માગણી થઈ, પણ કેન્દ્રના રાજ્ય-પુનર્રચના કમિશને ઈ. સ. 1956માં આ માગણીનો અસ્વીકાર કર્યો.

સરકારના આવા નિર્ણયથી ખાસી અને ગારો નેતાઓમાં નિરાશા વ્યાપી, પણ તેમણે તેમની અલગ રાજ્યની માગણી ચાલુ રાખી. આમ ને આમ બેત્રણ વર્ષો વીતી ગયાં. ઈ. સ. 1960માં આસામ રાજ્ય-સરકારે આસામી ભાષાને રાજ્યની વહીવટી ભાષા બનાવવાનો નિર્ણય કરતાં વિધાનસભામાં તે અંગેનો ખરડો દાખલ કર્યો. આમ થતાં બીજી પર્વતીય જાતિઓને એમ લાગ્યું કે આ તો તેમના ઉપર જોરજુલમથી આસામી ભાષા ઠોકી બેસાડવાની એક તરકીબ છે. આને પરિણામે આસામના પ્રધાનમંડળના સભ્ય અને ગારો નેતા શ્રી વિલિયમસન સાંગમાએ રાજીનામું પણ આપ્યું. તે પછી શિલોંગમાં જુદા જુદા રાજકીય પક્ષોના પર્વતીય નેતાઓની પરિષદ ભરાઈ. અહીં પર્વતીય સર્વપક્ષીય નેતાઓનું સંગઠન રચાયું. આગળ જતાં આ સંગઠને અલગ રાજ્યની લડતમાં નેતૃત્વ પૂરું પાડ્યું. આ દરમિયાન આસામીને રાજભાષા જાહેર કરતો ખરડો પસાર થયો.

તે પછીનાં વર્ષોમાં કેન્દ્રીય નેતાઓએ અલગ પર્વતીય રાજ્યની માગણીને બાજુ પર રાખી, આ જાતિઓનો ઉત્કર્ષ સાધવાની કેટલીક યોજનાઓ તૈયાર કરી. આ અંગે તેમણે ખાસી તથા ગારો જાતિઓના નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરી. અંતે ઈશાન સીમાનાં રાજ્યોમાં એકતા જળવાઈ રહે તેમજ તેમને વધુ ને વધુ સ્વાયત્તતા આપવામાં આવે તે માટેના મુદ્દાઓનો સ્વીકાર થયો.

ઈ. સ. 1968માં કેન્દ્ર સરકારે ખાસી અને ગારો ટેકરીઓના જિલ્લાઓથી બનેલા અલગ મેઘાલય રાજ્યની રચના કરવાની ઘોષણા કરી. આમ મેઘાલય પર્વતીય રાજ્ય આસામ રાજ્યમાં 2જી એપ્રિલ 1970થી અસ્તિત્વમાં આવ્યું અને તે પછી સંપૂર્ણ અલગ મેઘાલય રાજ્યનો જન્મ 20 જાન્યુઆરી, 1972ના રોજ થયો. શિલોંગને આ રાજ્યનું પાટનગર બનાવવામાં આવ્યું. તે એકગૃહી વિધાનસભા ધરાવે છે. જેમાં કુલ 60 વિધાનસભ્યો હોય છે. રાજ્ય લોકસભાની બે અને રાજ્યસભાની એક બેઠક ધરાવે છે.

બીજલ પરમાર