મૅસ્ટ્રોવિક, ઇવાન (જ. 15 ઑગસ્ટ, 1883, ક્રોએશિયા; અ. 16 જાન્યુઆરી 1962) : યુગોસ્લાવિયાના પ્રથમ આધુનિક શિલ્પી.

ઇવાન મૅસ્ટ્રોવિકની એક શિલ્પકૃતિ

1902માં તેમણે વિયેના સેસેશન ગ્રૂપ સાથે પોતાનાં શિલ્પોનું પ્રદર્શન કર્યું. 1910માં તેઓ પૅરિસ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇંગ્લૅંડ તથા ફ્રાંસમાં પોતાનાં શિલ્પ પ્રદર્શિત કર્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુગોસ્લાવિયાની ઝાગ્રેબ એકૅડેમી ઑવ્ આર્ટના તેઓ નિયામક બન્યા.

1926માં પ્રસિદ્ધ શિલ્પ ‘મૉન્યુમેન્ટ ઑવ્ ગ્રેગરી, બિશપ ઑવ્ નિન’નું  કાંસામાં નિર્માણ કર્યું. બેલ્ગ્રેડ નજીક માઉન્ટ અવલા પર 1935થી 1938 દરમિયાન ‘મૉન્યુમેન્ટ ટુ ધી અનનોન સોલ્જર’ નામે યુદ્ધમાં ખપી ગયેલા સૈનિક માટે વિશાળ શિલ્પસમૂહનું સર્જન કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગેસ્ટાપોએ મૅસ્ટ્રોવિકને કેદ કર્યા. વૅટિકને દરમિયાનગીરી કરીને તેમને છોડાવ્યા પછી મૅસ્ટ્રોવિક યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા  ગયા અને ત્યાંના નાગરિક બની પહેલાં સિરક્યૂઝ યુનિવર્સિટી, પછી યુનિવર્સિટી ઑવ્ નોત્રદામમાં શિક્ષણ પ્રદાન કર્યું. તેમનાં ભવ્ય શિલ્પો પર ઘનવાદી અને ઍસિરિયન-બૅબિલોનિયન શિલ્પની અસર જોઈ શકાય છે.

અમિતાભ મડિયા