મૅગ્માજન્ય નિક્ષેપો (magmatic deposits) : મૅગ્મામાંથી તૈયાર થયેલા નિક્ષેપો. પોપડાની જુદી જુદી ઊંડાઈવાળા વિભાગોમાં મૅગ્માના સ્ફટિકીકરણની ક્રિયાને પરિણામે વિવિધ અગ્નિકૃત ખડકો તૈયાર થવાની સાથે સાથે 1,500° થી 900° સે. તાપમાન અને ઊંચાથી મધ્યમ દબાણના સંજોગોની અસર હેઠળ, તેમાં રહેલા ઘટકોના પ્રમાણ મુજબ ઓછાવત્તા મૂલ્યવાળા આર્થિક ખનિજનિક્ષેપો પણ બનતા રહે છે.

મૅગ્માજન્ય નિક્ષેપો પ્લૅટિનમ, પ્લૅટિનૉઇડ્ઝ (મુખ્યત્વે પેલેડિયમ), ક્રોમિયમ, ટાઇટેનિયમ, તાંબું, નિકલ, કોબાલ્ટ, ફૉસ્ફરસ, હીરા, લોહ, ઍલ્યુમિનિયમ, નિઓબિયમ, ઝકૉર્નિયમ અને વેનેડિયમનાં ખનિજો માટેના પ્રાપ્તિસ્રોત ગણાય છે. પ્લૅટિનમ, હીરા, ક્રોમિયમ, તાંબું અને નિકલનાં ખનિજો ડ્યુનાઇટ, પેરિડોટાઇટ, પાયરૉક્સિનાઇટ કે તેના પ્રકારો સાથે; ટાઇટેનિયમ, વેનેડિયમ, તાંબું, નિકલ, પ્લેટિનૉઇડ્ઝનાં ખનિજો ગૅબ્રો, નોરાઇટ, ઍનૉર્થૉસાઇટ જેવા બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકપ્રકારો સાથે સંકળાયેલાં મળે છે. કેટલાક મૅગ્માજન્ય નિક્ષેપો તેમની વધુ વિશિષ્ટ ઘનતાને કારણે બેઝિક-અલ્ટ્રાબેઝિક-અલ્કલ ખડકોમાં વિક્ષેપવિહીન શાંત સ્થિર પરિસ્થિતિ હેઠળ ગુરુત્વ સ્તરબદ્ધતાની રચના કરે છે, જે આ પ્રકારના નિક્ષેપો માટે લાક્ષણિકતા બની રહે છે; દા.ત., દક્ષિણ આફ્રિકામાંના બુશવેલ્ડના ક્રોમાઇટ-નિક્ષેપો તેમજ ઓરિસાના ડ્યુનાઇટ સંકેન્દ્રિત ક્રોમાઇટ-નિક્ષેપો ગુરુત્વ-સ્વભેદનનાં ઉદાહરણો છે. આ પ્રકારના નિક્ષેપો મૅગ્માની પ્રારંભિક સ્ફટિકીકરણની પેદાશો છે. પછીથી તૈયાર થતાં ખનિજો અગાઉનાં ખનિજોની આંતરજગાઓમાં સ્થાન પામતાં હોય છે; દા.ત., બુશવેલ્ડના પ્લૅટિનમ-નિક્ષેપો. છેલ્લે રહેતો અવશિષ્ટ મૅગ્મા લોહ જેવાં ખનિજ-ઘટકોથી સમૃદ્ધ હોય છે; દા.ત., સ્વીડનમાં ટેબર્ગનાં ટાઇટેનિયમયુક્ત લોહધાતુખનિજો. એ પણ શક્ય છે કે સ્વભેદન દરમિયાન થતા વિક્ષેપને કારણે અન્યત્ર ધસી જઈ ડાઇક કે સિલ જેવાં અંતર્ભેદનો તૈયાર કરે છે; દા.ત., સ્વીડનમાં કિરુનાના લોહધાતુખનિજ નિક્ષેપો પ્રારંભિક કક્ષાના છે. છેલ્લા તબક્કામાં થતાં પેગ્મેટાઇટ અંતર્ભેદનો ખનિજ-નિક્ષેપો સાથે સંકળાયેલાં હોય છે. આ બધા જ નિક્ષેપો સરળ બંધારણવાળા હોય છે.

વર્ગીકરણ : લિન્ડગ્રેન, નિગ્લી તેમજ અન્ય ખનિજશાસ્ત્રીઓ દ્વારા સ્વીકૃત, મૅગ્માજન્ય નિક્ષેપોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે :

1. સ્ફટિકીકરણ ક્રિયાથી થયેલા નિક્ષેપો :

        (i) પ્રારંભિક મૅગ્માજન્ય નિક્ષેપો

        (ii) અંતિમ મૅગ્માજન્ય નિક્ષેપો

2. પ્રવાહી–અદ્રાવ્યતાથી થયેલા નિક્ષેપો

1. સ્ફટિકીકરણનિક્ષેપો (crystallisation deposits) : (i) પ્રારંભિક મૅગ્માજન્યનિક્ષેપો (early magmatic deposits) : સ્ફટિકીકરણની પ્રારંભિક કક્ષાએ 1,300° થી 1,000° સે. તાપમાને મૅગ્મા દ્રવમાંથી તૈયાર થતા ઑલિવિન, પાયરૉક્સિન વગેરે જેવાં ખડક-નિર્માણ ખનિજોની સાથે સાથે સંકેન્દ્રણ પામતાં ધાતુખનિજોનો આ પ્રકારમાં સમાવેશ કરવામાં આવેલો છે. તે પટ-સ્વરૂપે અથવા ગુરુત્વ-સ્વભેદન-રચિત સ્તરવાહક સ્વરૂપે અથવા નાનાં વિભાગીય જૂથ, વીક્ષાકાર કે રેખીય સ્વરૂપમાં કે વિખેરણ-સ્થિતિમાં રહેલાં જોવા મળે છે. ક્રોમાઇટ (ક્યારેક પ્લૅટિનમ સહિત) તેમજ ટાઇટેનોમૅગ્નેટાઇટ-નિક્ષેપો આ કક્ષાએ તૈયાર થતા હોય છે અને તે મોટેભાગે ડ્યુનાઇટ અને નોરાઇટ ખડકો સાથે સંકળાયેલા હોય છે. આ ઉપરાંત ક્યારેક પ્રાકૃત પ્લૅટિનમ, હીરા, સ્પાઇનેલ જેવાં ખનિજો પણ ક્રોમાઇટ જૂથમાં તૈયાર થતાં હોય છે. રશિયા, યુરલ, અલ્તાઇ, નૉર્વે, સ્વીડન અને રશિયાના ટાઇટેનોમૅગ્નેટાઇટ-નિક્ષેપો બેઝિક–અલ્ટ્ર્રાબેઝિક ખડક સહજાત પ્રારંભિક મૅગ્માજન્ય ઉત્પત્તિવાળા છે.

આ પ્રકારમાં મૂકી શકાય એવાં બે જગપ્રસિદ્ધ ઉદાહરણો ‘દક્ષિણ આફ્રિકી બુશવેલ્ડ જૂથ’ અને ઝિમ્બાબ્વેની ‘ગ્રેટ ડાઇક’ છે. ટ્રાન્સવાલનું બુશવેલ્ડ જૂથ વિશાળ (460 કિમી. પૂર્વપશ્ચિમ x 250 કિમી. ઉત્તરદક્ષિણ) લોપોલિથ પ્રકારનું છે. તે પ્રોટેરોઝોઇક ક્વાર્ટ્ઝાઇટ અને જ્વાળામુખી ખડકોમાં અંતર્ભેદન પામેલું છે. તેમાં ક્રોમાઇટ-નિક્ષેપો સ્તરબદ્ધ અલ્ટ્રાબેઝિક ખડકો સાથે તૈયાર થયેલા છે. મધ્ય ઝિમ્બાબ્વેમાં આવેલી ગ્રેટ ડાઇક પણ વિશાળ પરિમાણ (560 કિમી. ઉ. દ. x 3થી 13 કિમી. પૂર્વ પશ્ચિમ)  ધરાવે છે. ડ્યુનાઇટ–પેરિડોટાઇટ–પાયરૉક્સિનાઇટ–ગૅબ્રો-નોરાઇટ સંકુલ સાથે સંકળાયેલા ઉચ્ચ કક્ષા (48થી 50  % Cr2O3, 11  % Fe2O3)ના પટ-સ્વરૂપ ક્રોમાઇટ-નિક્ષેપો તેના તળભાગ પર સંકેન્દ્રિત થયેલા છે.

નિકલનાં ખનિજો સહિતના નોરાઇટ-માઇક્રોપેગ્મેટાઇટ તથા અંતિમ કક્ષા દરમિયાનની ડાઇક અંતર્ભેદનોની રેખાઓ દ્વારા દર્શાવેલી સડબરી (ઑન્ટેરિયો, કૅનેડા) થાળાની રચનાત્મક સ્થિતિ.

ભારતમાં મળી આવતા પ્રારંભિક મૅગ્માજન્ય નિક્ષેપોમાં (અ) ગુરુત્વ-સ્વભેદનક્રિયામાં સ્ફટિકીકરણથી સંકેન્દ્રણ પામેલા ઓરિસાના નૌસાહી–સુકિન્ડા-વિસ્તારના ક્રોમાઇટ-જથ્થા; (આ) મૅગ્માના પ્રારંભિક સ્ફટિકીકરણ વખતે તૈયાર થયા પછી યજમાન ખડકોમાં અલ્ટ્રાબેઝિક અને બેઝિક (ગૅબ્રો) અંતર્ભેદનો સાથે શિરાઓ તેમજ વીક્ષાકાર સ્વરૂપે રહેલા જથ્થા અને બિહારના સિંગભૂમ જિલ્લામાં આવેલા દુબ્લાબેરાના વેનેડિયમયુક્ત મૅગ્નેટાઇટ-નિક્ષેપો તથા (ઇ) મધ્યપ્રદેશના મઝગાંવ અને આંધ્રપ્રદેશના વજ્રાકુડુરની કિમ્બરલાઇટ નળીમાં વિખેરણ-સ્વરૂપે રહેલા હીરાનો સમાવેશ કરી શકાય.

(ii) અંતિમ મૅગ્માજન્ય નિક્ષેપો (late magmatic deposits) : મૅગ્માના સ્ફટિકીકરણના અંતિમ તબક્કામાં તૈયાર થતા નિક્ષેપોનો આ પ્રકાર હેઠળ સમાવેશ કરવામાં આવેલો છે. યુરલ, કૉકેસસ, સાઇબિરિયા, કામચાટકા, આલ્બેનિયા, કૅનેડા, ગ્રીસ, યુગોસ્લાવિયા, ટર્કી, ઈરાન, પાકિસ્તાન, ભારત, ફિલિપાઇન્સ, માડાગાસ્કર અને ક્યૂબામાં આ પ્રકારના નિક્ષેપો મળે છે.

મૅગ્માજન્ય ટાઇટેનિયમ નિક્ષેપો : રશિયા અને કૅનેડામાં આવેલા અંતિમ મૅગ્માજન્ય ઉત્પત્તિવાળા ટાઇટેનિયમ-નિક્ષેપો જગપ્રસિદ્ધ છે. સેંકડો વર્ગ કિમી.માં ફેલાયેલા વિશાળ એનૉર્થૉસાઇટ પર્વતસંકુલ સાથે સંકળાયેલા ટાઇટેનિયમ-નિક્ષેપો આર્થિક ર્દષ્ટિએ ઘણા જ મહત્વના બની રહેલા છે.

મૅગ્માજન્ય વેનેડિયમ નિક્ષેપો : દુનિયાભરમાં અજોડ ગણાતા વેનેડિયમધારક વિશાળ નિક્ષેપજથ્થા કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં આવેલા છે. તે મૅગ્માજન્ય સ્વભેદન પામેલા એનૉર્થૉસાઇટ, ગૅબ્રો–નોરાઇટ અને ગૅબ્રો–પાયરૉક્સિનાઇટ–ડ્યુનાઇટ-ખડક-જૂથો સાથે સંકળાયેલા છે.

ભારતમાં મળી આવતા અંતિમ મૅગ્માજન્ય નિક્ષેપોમાં (ક) કર્ણાટકના હસન જિલ્લામાં ઍમ્ફિબોલાઇટ અને બેઝિક શિસ્ટ ખડકોમાં પટ્ટાઓ (bands) સ્વરૂપે રહેલા ટાઇટેનોમૅગ્નેટાઇટ-નિક્ષેપો, (ખ) ઓરિસાના મયૂરભંજમાં ગૅબ્રો-એનૉર્થૉસાઇટ-ખડકજૂથમાં રહેલા વેનેડિયમયુક્ત મૅગ્નેટાઇટ-નિક્ષેપો અને (ગ) આંધ્રપ્રદેશના વિશાખાપટનમ્ જિલ્લામાં કાઝીપટનમ્ નજીક ચાર્નોકાઇટ નાઇસમાંની ઈશાન–નૈર્ઋત્ય પત્રબંધી રચનાને ભેદતી, અવશિષ્ટ મૅગ્માજન્ય પ્રવાહીમાંથી ભૂસંચલનજન્ય વિક્ષેપથી અંતર્ભેદન પામેલી મૅગ્નેટાઇટડાઇકનો સમાવેશ કરી શકાય.

2. પ્રવાહી અદ્રાવ્યતા નિર્મિત નિક્ષેપો (liquation deposits) : મુખ્યત્વે તાંબા-નિકલના સલ્ફાઇડથી બનેલા આ પ્રકારના ધાતુખનિજ-નિક્ષેપો રશિયા, ફિનલૅન્ડ, સ્વીડન, કૅનેડા, યુ.એસ., દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં મળે છે. તે બધા જ મૅગ્માજન્ય સ્વભેદન પામેલા મૅગ્નેશિયમ-સમૃદ્ધ બેઝિક–અલ્ટ્રાબેઝિક ખડક-સંકુલો સાથે સંકળાયેલા છે. અહીંનાં ભૂકવચો(shields)માં થયેલાં અંતર્ભેદનો સ્તરબદ્ધતાવાળાં છે, તેમનું ખડકબંધારણ બે પ્રકારની ઉત્પત્તિસ્થિતિવાળું છે – એક, ભૂમધ્યકૃત પ્રકાર (hypabyssal facies) કે જે પેરિડોટાઇટ, પાયરૉક્સિનાઇટ, ગૅબ્રો-નોરાઇટ અને ગૅબ્રોડાયોરાઇટથી બનેલા છે; બીજો, ઉચ્ચસપાટપ્રદેશીય જળકૃત આવરણમાં અંતર્ભેદન પામેલો છીછરી ઊંડાઈનો ઉપ-જ્વાળામુખી પ્રકાર (sub-volcanic facies), કે જે ગૅબ્રો-ડૉલેરાઇટ, ડૉલેરાઇટ અને પિક્રાઇટથી બનેલો છે. વધુ બેઝિક છે તે તળભાગોને અને ઓછો બેઝિક છે તે ઉપરના સ્તરોને આવરી લે છે.

અહીં મુખ્ય ખનિજો પિરોટાઇટ, ચાલ્કોપાયરાઇટ અને પેન્ટલેન્ડાઇટ છે; જ્યારે ગૌણ ખનિજો મૅગ્નેટાઇટ, પાયરાઇટ, ક્યૂબાનાઇટ, બૉર્નાઇટ, નિકોલાઇટ, મિલેરાઇટ વગેરે છે. અધાત્વિક ખનિજો ઑલિવિન, બેઝિક પ્લેજિયોક્લેઝ, પાયરૉક્સિન, ગાર્નેટ, એપિડોટ, સર્પેન્ટાઇન, ઍક્ટિનોલાઇટ, શંખજીરું, ક્લોરાઇટ અને કાર્બોનેટ છે.

કૅનેડાના (ઑન્ટોરિયો) સડબરી નિકલ-નિક્ષેપો દુનિયાભરમાં જાણીતા છે અને તે આ પ્રકારની ઉત્પત્તિસ્થિતિવાળા છે. આ વિસ્તાર આર્કિયન વયના ગ્રૅનાઇટ-નાઇસ અને ક્વાર્ટ્ઝાઇટના બંધારણવાળો છે, જે ઘણી જાડાઈના પ્રોટેરોઝોઇક ખડકસ્તરોથી આચ્છાદિત છે. રચનાત્મક ર્દષ્ટિએ આ એક અધોવાંકમય થાળું છે. તેનો તળભાગ આર્કિયન ખડકોથી બનેલો છે. તેમાં પ્રોટેરોઝોઇક સ્તરોની જમાવટ થયેલી છે. આખોય વિસ્તાર સ્તરભંગોની બે શ્રેણીથી છેદાયેલો છે. પ્રોટેરોઝોઇક થાળાની કિનારી પર જ્યાં સ્તરભંગોની શ્રેણી અરસપરસ ગૂંથાય છે ત્યાં સડબરી નગર આવેલું છે. જળકૃત ખડકસ્તરો અંતર્ભેદિત છે. જ્યાં આ નિક્ષેપો સ્થિત છે તે વિભાગની ઊંડાઈ 2થી 3 કિલોમીટર છે. આખોય વિભાગ અંડાકારમાં વિસ્તરેલો છે. લંબાઈ 60 કિમી. પૂર્વ-પશ્ચિમ છે અને પહોળાઈ 25 કિમી. ઉત્તર-દક્ષિણ છે.

સડબરી-નિક્ષેપોની ઉત્પત્તિ માટે જોકે બે અધિતર્કો રજૂ થયેલા છે : (અ) મૅગ્માજન્ય ઉત્પત્તિ – મૂળભૂત દળદાર નોરાઇટમાં પ્રવાહી અદ્રાવ્યતાને કારણે નિમ્ન કક્ષાના નિક્ષેપોનું વિખેરણ થયેલું; ત્યારપછી અંતિમ મૅગ્માજન્ય સ્ફટિકીકરણ તબક્કાએ સલ્ફાઇડ-સિલિકેટ દ્રવનું અંતર્ભેદન થવાથી ઉચ્ચકક્ષાના નિક્ષેપોનું દળદાર બ્રેસિયાકરણ થયેલું છે; આ ઉત્પત્તિસ્થિતિને વધુ મહત્વ અપાય છે. (આ) ઉલ્કાજન્ય ઉત્પત્તિ – આ નિક્ષેપો કોઈ વિશાળ કદના ગ્રહાણુની પૃથ્વી સાથે અથડામણ થવાથી તૈયાર થયેલા હોવાનું પણ માનવામાં આવે છે.

ભારતમાં મળી આવતા આ પ્રકારના નિક્ષેપોમાં (ક) બિહારના હિસાતુ-બેલ્બેથન પટ્ટો-જેમાં સીસા-જસત-તાંબાના સલ્ફાઇડ-નિક્ષેપો અમિશ્રિત પ્રવાહીઓમાંથી સંકેન્દ્રણ પામીને બનેલા છે. (ખ) ઝારખંડના સિંગભૂમ વિસ્તારમાં જોવા મળતા તાંબાના પટ્ટાવાળા પરિવર્તિત બેઝિક શિસ્ટ (ક્લૉરાઇટ–બાયોટાઇટ શિસ્ટ) સાથે સંકળાયેલા નિકલયુક્ત ચાલ્કોપાયરાઇટના છૂટક છૂટક જથ્થાઓ ભૂસંચલનજન્ય વિક્ષેપને કારણે અમિશ્રિત પ્રવાહીઓનું અંતર્ભેદન થવાથી બનેલા છે.

ગિરીશભાઈ પંડ્યા