મૅગ્નેસાઇટ : મૅગ્નેશિયા અને મૅગ્નેશિયમ ધાતુપ્રાપ્તિ માટેનું મુખ્ય ખનિજ. રાસા. બં. : MgCO3. લોહ, મૅંગેનીઝ અને કોબાલ્ટ દ્વારા મૅગ્નેશિયમનું થોડા પ્રમાણમાં વિસ્થાપન થઈ શકે છે. સ્ફટિક વર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વ. : સામાન્ય: તેના સ્ફટિકો મળતા નથી, મળે તો મોટે ભાગે રહોમ્બોહેડ્રલ હોય છે. તેનું રચનાત્મક માળખું કૅલ્સાઇટ જેવું હોય છે. તે દળદાર, ઘનિષ્ઠ, સ્થૂળથી સૂક્ષ્મ દાણાદાર હોય છે; ક્યારેક મૃણ્મય(ખડી જેવું)થી પૉર્સેલન જેવું, ક્યારેક રેસાદાર કે પત્રબંધી રચનાવાળું પણ મળે છે. પારદર્શકથી પારભાસક. સંભેદ : રહોમ્બોહેડ્રલ સમાંતર, પૂર્ણ. ભંગસપાટી : વલયાકાર, બરડ. ચમક : કાચમય, નિસ્તેજ પણ હોય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, લોહ, અશુદ્ધિ હોય ત્યારે પીળાથી કથ્થાઈ ઝાંયવાળું. તાજું તોડેલું હોય ત્યારે ઝળહળતું શ્વેત હોય છે. ચૂર્ણરંગ : સફેદ, રંગ મુજબની ઝાંયવાળો. કઠિનતા : 3.75થી 4.25, પરંતુ સામાન્યપણે 4. વિ.ઘ. : 3.0થી 3.1, પ્રકા. અચ. : ω = 1.700, ε = 1.509. પ્રકા. સંજ્ઞા : –Ve.

પ્રાપ્તિસ્થિતિ : મૅગ્નેશિયમ-સમૃદ્ધ ખડકોની પરિવર્તન-પેદાશ તરીકે બહોળા પ્રમાણમાં મળે છે. વિકૃત ખડકોમાં સ્તર-સ્વરૂપે મળે; જળકૃત ખડકોમાં મળે; ઉષ્ણજળજન્ય ધાતુખનિજ-શિરાઓમાં અસાર ખનિજ તરીકે મળે; ક્વચિત્ અગ્નિકૃત ખડકોમાં પ્રાથમિક ખનિજ તરીકે મળે. મૅગ્નેસાઇટ પેરિડોટાઇટ, સોપસ્ટોન અને ડૉલોમાઇટ સાથે સંકળાયેલું હોઈ શકે છે. તેથી તેને પેરિડોટાઇટ–ડ્યુનાઇટની તેમજ અન્ય મૅગ્નેશિયમયુક્ત ખડકોની પરિવર્તન-પેદાશ હોવાનું માનવામાં આવે છે. તે ખૂબ જ ખવાણ પામેલા અલ્ટ્રાબેઝિક ખડકોમાં સામાન્ય રીતે શિરાઓની ગૂંથણી-સ્વરૂપે મળતું મૃણ્મય, ગચ્ચાં કે ખડી જેવા દેખાવવાળું પ્રમાણમાં ઘનિષ્ઠ ખનિજ બની રહે છે.

પ્રાપ્તિસ્થાનો : ચીન, રશિયા, ઉત્તર કોરિયા, ટર્કી અને ઑસ્ટ્રિયા મુખ્ય ઉત્પાદક દેશો છે. આ ઉપરાંત તે ભારત, યુ.એસ., નૉર્વે, બ્રાઝિલ, મંચુરિયા, અલ્જિરિયા, ઝાયર અને દક્ષિણ આફ્રિકામાંથી પણ મળે છે. દુનિયાભરનો મૅગ્નેસાઇટનો કુલ અનામત જથ્થો 2.80 અબજ ટન જેટલો હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે, આ પૈકી ચીન (82 કરોડ ટન), રશિયા (72 કરોડ ટન), ઉત્તર કોરિયા (49 કરોડ ટન) અને ભારત (23.3 કરોડ ટન) ભેગાં મળીને દુનિયાનો 80  % અનામત જથ્થો ધરાવે છે. દુનિયાભરનું તેનું વાર્ષિક ઉત્પાદન 1.2 ટન જેટલું થાય છે.

ક્લોરાઇટ શિસ્ટમાં જડાયેલો મૅગ્નેસાઇટ સ્ફટિક

ભારત : ભારતમાં તે મુખ્યત્વે સેલમ–તામિલનાડુ (80 %),  કર્ણાટક, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર (ઉધમપુર), તથા ઉત્તરપ્રદેશ(અલમોડા, પિથોરાગઢ)માંથી મેળવાય છે, જે ડૉલોમાઇટ કે સર્પેન્ટાઇન જેવા મૅગ્નેશિયમયુક્ત ખડકોના સહયોગમાં શિરાઓ-સ્વરૂપે મળે છે. આ ઉપરાંત તે હિમાચલ પ્રદેશ તેમજ કેરળમાંથી પણ મળી રહે છે. ભારતનું મૅગ્નેસાઇટનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન આશરે 5થી 6 લાખ ટનની આજુબાજુનું રહે છે. ભારત આ ખનિજમાં સ્વાવલંબી છે. ઉત્પાદનના સંદર્ભમાં તે દુનિયામાં આઠમું સ્થાન ધરાવે છે; અર્થાત્, દુનિયાના તેના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 4.2  % જેટલો ગણાય.

ઉપયોગો : મૅગ્નેશિયમ કુદરતમાં મુક્ત સ્થિતિમાં મળતું નથી, ઘણુંખરું તે મૅગ્નેસાઇટ ખનિજમાંથી મેળવાય છે. મૅગ્નેસાઇટ કાર્બનડાયૉકસાઇડના 10,000 psi દબાણ હેઠળ 740° સે. તાપમાન સુધી અને 30,000 psi દબાણ હેઠળ 850° સે. તાપમાન સુધી સ્થાયી (stable) રહી શકે છે. તેનો ઑક્સાઇડ પેરિક્લેઝ (મૅગ્નેશિયમનું અપરિવર્તનીય, નિષ્ક્રિય પ્રતિકારક્ષમતાધારક સ્વરૂપ) મૅગ્નેસાઇટને ઊંચા તાપમાને ગરમ કરવાથી મેળવી શકાય છે. તેની ઉષ્માઅવરોધક્ષમતા ઊંચી હોવાથી ભઠ્ઠીની દીવાલો માટે અગ્નિરોધક ઈંટો બનાવવામાં તે વપરાય છે. મૅગ્નેસાઇટ બધા જ ઘર્ષકોમાં મૃદુ ઘર્ષક ગણાય છે. સંશ્લેષણ-દ્રવ્ય તરીકે તથા કૃત્રિમ પથ્થર, ટાઇલ્સ, અગ્નિરોધક ફર્શ માટે, વિશિષ્ટ પ્રકારના સોરેલ સિમેન્ટની બનાવટમાં તેમજ મૅગ્નેશિયમ ધાતુપ્રાપ્તિ માટે તે ઉપયોગમાં લેવાય છે. મૅગ્નેસાઇટના અન્ય ઔદ્યોગિક ઉપયોગોમાં  કૉસ્ટિક મૅગ્નેશિયાની બનાવટ, પોલાદ-ઉદ્યોગમાં વાપરવા માટે અગ્નિરોધક દ્રવ્ય તેમજ કાર્બોનિક વાયુ માટેના પ્રાપ્તિદ્રવ્યનો સમાવેશ થાય છે. ઝગમગતા પ્રકાશની તેજસ્વી આભા આપતો મૅગ્નેશિયમનો તાર તેની જાણીતી બનાવટ છે. ઍલ્યુમિનિયમ-મૅગ્નેશિયમ જેવી તેમજ અન્ય હલકી ધાતુઓ સાથેની મિશ્રધાતુઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા