મુબર્રદ (જ. 25 માર્ચ 826, બસરા; અ. ઑક્ટોબર 898, બગદાદ) : બગદાદના ભાષાશાસ્ત્રી તથા વ્યાકરણશાસ્ત્રી. આખું નામ અબ્બાસ મુહમ્મદ ઇબ્ન યઝીદ અલ-સુમાલી-અલ-અઝદી. તેમણે બસરામાં તે સમયના વિખ્યાત ભાષાશાસ્ત્રીઓ તથા વિદ્વાનો અલ-જર્મી અલ-માઝિની અને અલ-અસ્મઈના શિષ્ય અસ-સિજિસ્તાન પાસે શિક્ષણ પ્રાપ્ત કરીને અરબી વ્યાકરણમાં પારંગતતા મેળવી હતી. તે સમયે વ્યાકરણશાસ્ત્રની 2 ધારાઓ હતી : બસરા અને કૂફા. મુબર્રદ બસરાની વ્યાકરણ-ધારા સાથે સંબંધ રાખતા હતા અને કૂફાના સઅલબ તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. 860માં મુબર્રદે શિક્ષણ-પારંગત થયા પછી સૌપ્રથમ સામરરા નગરમાં અબ્બાસી વંશના ખલીફા મુતવક્કિલ સાથે સંબંધ બાંધ્યો. ખલીફાના મૃત્યુ પછી બગદાદ જઈને તેમણે શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને નિફતવૈહ, ઇબ્ન દુરુસ્તવૈહ તથા ઇબ્ન કૈસાન જેવા શિષ્યો તૈયાર કર્યા. અલ ફિહરિસ્તના કર્તા ઇબ્ન અલ નદીમે કુરાનશાસ્ત્ર, વ્યાકરણ, સાહિત્ય, છંદ:શાસ્ત્ર, વાક્ચાતુર્ય અને તત્વજ્ઞાન જેવા વિષયો ઉપર લખાયેલાં મુબર્રદનાં 44 પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. આમાંથી ઉપલબ્ધ પુસ્તકોમાં ‘અલ કામિલ ફિલ અદબ’ ભાષાશાસ્ત્રનો આકરગ્રંથ છે. તે યુરોપ તથા મધ્યપૂર્વમાં અનેક વખત પ્રસિદ્ધ થયો છે. આ ઉપરાંત ‘કિતાબુલ મુક્તઝિબ’, ‘કિતાબુત તઆઝી વલ મરાસી’, ‘કિતાબુત નસબિ અદનાન વ કહતાન’, ‘રિસાલા’ અને ‘કિતાબુલ મુઝક્કર વલ મુઅન્નસ’ની હસ્તપ્રતો મળે છે. વળી તે સિવાયનાં તેમનાં છ પુસ્તકોનાં નામનિર્દેશ બીજાઓની કૃતિઓમાં થયેલાં જોવા મળે છે.

મક્સૂદ એહમદ

અનુ. : મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી