મિર્ડાલ, ગુન્નાર કાર્લ

February, 2002

મિર્ડાલ, ગુન્નાર કાર્લ (જ. 8 ડિસેમ્બર 1898, ગુસ્તાફ પૅરિશ, સ્વીડન; અ. 17 મે 1987, સ્ટૉકહોમ) : અગ્રણી સ્વીડિશ અર્થશાસ્ત્રી અને 1974ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સમગ્ર શિક્ષણ સ્ટૉકહોમ ખાતે. 1923માં સ્ટૉકહોમ યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી અને 1923–27 દરમિયાન વકીલાત કરતાં કરતાં ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખ્યું. 1927માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી સંપાદન કરી અને તુરત જ સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે દાખલ થયા. દરમિયાન 1925–29ના ગાળામાં જર્મની અને ઇંગ્લૅંડમાં ટૂંકા સમયગાળાના બે અભ્યાસક્રમો પૂરા કર્યા.

ગુન્નાર કાર્લ મિર્ડાલ

1929–30માં રૉકફેલર-ફેલો તરીકે અમેરિકાની મુલાકાત લીધી. 1933માં સ્ટૉકહોમ યુનિવર્સિટીમાંથી ગુસ્તાવ કૅસલ (1866–1945) નિવૃત્ત થતાં પૉલિટિકલ ઇકૉનૉમી ઍન્ડ ફાઇનાન્શિયલ સાયન્સની ચૅર પર અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. દરમિયાન 1930–33ના ગાળામાં જિનીવા ખાતેની પોસ્ટગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ સ્ટડીઝ સંસ્થામાં ઍસોસિયેટ પ્રૉફેસર તરીકે કામ કર્યું હતું. 1936–38ના ગાળામાં સ્વીડનની સોશિયલ ડેમૉક્રૅટિક પાર્ટીના પ્રતિનિધિ તરીકે દેશની સંસદના સભ્ય રહ્યા. 1938માં ન્યૂયૉર્કના કાર્નેગી કૉર્પોરેશન વતી અમેરિકાની નિગ્રો પ્રજાની સમસ્યાનું અધ્યયન કર્યું; જેનાં તારણો ગ્રંથ રૂપે 1944માં પ્રકાશિત થયાં હતાં. 1938–45 દરમિયાન વૉશિંગ્ટન ખાતેના સ્વીડનના દૂતાવાસમાં આર્થિક સલાહકાર તરીકે ફરજ બજાવી. 1945–47ના ગાળામાં પોતાના દેશના વાણિજ્યમંત્રીપદે કામ કર્યું. 1947માં જિનીવા ખાતેના રાષ્ટ્રસંઘના યુરોપને લગતા આર્થિક આયોગના મહામંત્રી બન્યા અને તે પદ પર 1957 સુધી રહ્યા. 1957માં સ્ટૉકહોમ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક સ્ટડીઝમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. તે જ વર્ષે તેમણે એશિયા ખંડના કેટલાક દેશોની આર્થિક પરિસ્થિતિ અને તે વિસ્તારના દેશોની સરકારોની આર્થિક નીતિઓની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી, જેના પરિણામે મિર્ડાલનો બહુચર્ચિત ગ્રંથ ‘એશિયન ડ્રામા : ઍન ઇન્ક્વાયરી ઇનટૂ ધ પૉવર્ટી ઑવ્ નૅશન્સ’ 1968માં પ્રકાશિત થયો.

પ્રોફેસર મિર્ડાલે અર્થતંત્રની કુલ બચતો અને કુલ મૂડીરોકાણ – આ બંનેની સમતુલાના સંદર્ભમાં પ્રત્યાશિત (ex-ante) અને યથાર્થ (expost) બચતો અને મૂડીરોકાણ વચ્ચેના તફાવત પર પ્રકાશ પાડ્યો છે અને સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણમાં તે તફાવતનું મહત્વ સમજાવ્યું છે. સમગ્રલક્ષી આર્થિક પ્રક્રિયાઓને લગતા ગતિશાસ્ત્રના અધ્યયન પર પણ તેમણે ભાર મૂક્યો છે. અર્થશાસ્ત્રને તેના ઉચિત પૂર્વાપર સંબંધોમાં ઢાળવા માટે તેમણે તેની માન્યતાઓ અને સિદ્ધાંતોનું પણ સમગ્રલક્ષી અધ્યયન કર્યું છે અને તેના પરથી તેઓે એવા તારણ પર પહોંચ્યા છે કે આર્થિક ઉદ્દેશોની સ્પષ્ટ જાણકારી વિના આર્થિક કલ્યાણને લગતાં વિધાનો, દરખાસ્તો કે સિદ્ધાંતો રજૂ કરવાથી કોઈ નક્કર લાભ હાંસલ કરી શકાશે નહિ; તે એક અર્થ વગરની બૌદ્ધિક કસરત ગણાશે, જેનો સમાજના વાસ્તવિક જીવન સાથે કોઈ તાલમેલ બેસશે નહિ. મિર્ડાલના મતે સમાજવિદ્યા તરીકે અર્થશાસ્ત્ર એ સ્વભાવગત રીતે તર્કવાદી અને સાપેક્ષવાદી (rationalistic and relativistic) વિષય છે, જેની મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ તેમણે કરેલા વિશ્લેષણમાં અવગણના કરી છે. તેમાંથી પણ મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ જાણ્યેઅજાણ્યે અર્થશાસ્ત્રને હેતુમૂલક બનાવવાને બદલે આદર્શમૂલક બનાવ્યું છે, જે વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ સાથે સુસંગત બની શક્યું નથી. 1931માં પ્રસિદ્ધ થયેલ તેમના ગ્રંથમાં તેમણે જે. એમ. કેઇન્સ(1883–1945)ના સિદ્ધાંતોની આગાહી કરી હતી. તેમણે અર્થશાસ્ત્રીઓને સલાહ આપી હતી કે આર્થિક વિશ્લેષણમાં વાસ્તવિકતા દાખલ કરવા માટે તેમણે સ્પષ્ટ અને અસંદિગ્ધ ગણાય એવા મૂલ્યદર્શક/મૂલ્યસૂચક અભિપ્રાય વ્યક્ત કરવા જોઈએ. જીવનના છેલ્લા દાયકાઓમાં મિર્ડાલ સંસ્થાગત અર્થશાસ્ત્રના હિમાયતી બન્યા હતા.

તેમણે વિપુલ ગ્રંથરચના કરી છે : ‘પ્રાઇસ ફૉર્મેશન અન્ડર ચેન્જિયેબિલિટી’ (1927), ‘મૉનિટરી ઇક્વિલિબ્રિયમ’ (1931), ‘એન અમેરિકન ડાઇલેમા’ (1944), ‘ઇકૉનૉમિક થિયરી ઍન્ડ અન્ડરડેવલપ્ડ રીજન્સ’ (1957), ‘વૅલ્યૂ ઇન સોશિયલ થિયરી’ (1958), ‘બિયૉન્ડ ધ વેલ્ફેર સ્ટેટ’ (1960), ‘ચૅલેન્જ ટૂ ઍફ્લ્યૂઅન્સ’ (1963), ‘એશિયન ડ્રામા : ઍન ઇન્ક્વાયરી ઇનટૂ ધ પૉવર્ટી ઑવ્ નૅશન્સ’ (1968), ‘ઑબ્જેક્ટિવિટી ઇન સોશિયલ રિસર્ચ’ (1969), ‘ધ ચૅલેન્જ ઑવ્ વર્લ્ડ પૉવર્ટી’ (1970) તથા ‘અગેન્સ્ટ ધ સ્ટ્રીમ – ક્રિટિકલ એસેઝ ઇન ઇકૉનૉમિક્સ’ (1973).

મિર્ડાલને વિશ્વની ત્રીસ ઉપરાંત યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટની માનાર્હ ઉપાધિઓ દ્વારા સન્માન્યા હતા.

અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા હતા પ્રોફેસર ફ્રેડરિક ઑગસ્ટ વૉન હાયેક.

મિર્ડાલનાં પત્ની આલ્વા મિર્ડાલ થોડાક સમય માટે ભારતમાં સ્વીડનનાં રાજદૂત હતાં. તેમને 1983નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે