મારિવો, પ્યેર (જ. 4 ફેબ્રુઆરી 1688, પૅરિસ; અ. 12 ફેબ્રુઆરી 1763, પૅરિસ) : ફ્રેંચ નાટ્યકાર, નવલકથાકાર અને પત્રકાર. પૅરિસના અત્યંત ધનિક કુટુંબમાં જન્મ. પિતા વકીલ હતા અને પુત્રને પણ વકીલાતની તાલીમ આપેલી, પણ મારિવોને રાજદરબારમાં ભજવાતાં નાટકોમાં વધુ રસ હતો. વીસ વર્ષની ઉંમરે પહેલું નાટક ‘ધ પ્રૂડન્ટ ઍન્ડ ઇક્વિટેબલ ફાધર’ લખ્યું. 1708માં પૅરિસિયન સલોનમાં જોડાયા અને ત્યાંના વાતાવરણના પ્રભાવથી પત્રકાર બન્યા. 1717–1719 દરમિયાન નોવો મરક્યુરી મૅગેઝીનમાં ‘રિફ્લેક્શન્સ’ના શીર્ષક નીચે સમાજના વિવિધ વર્ગો વિશે પોતાનાં લખાણો પ્રસિદ્ધ કર્યાં અને પછી પોતાનું ‘લા સ્પેક્ટૅટર ફ્રાન્સિસ’ નામનું મૅગેઝીન શરૂ કર્યું, જે ચાર વર્ષ ચાલ્યું. 1720માં તેમની આર્થિક સ્થિતિ કથળી. ત્યારબાદ પત્નીનું યુવાન વયે અવસાન થયું. હવે સાહિત્યપ્રવૃત્તિ ઉપર તેમણે વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યું. અનેક સાહિત્ય-મંડળો સાથે તેઓ જોડાયા અને માદામ પોમ્પાદોર તરફથી પેન્શન પણ મેળવવા માંડ્યું.

મારિવોનાં કૉમેડી-ફ્રાંસેઝ માટે શરૂઆતમાં લખાયેલાં નાટકોમાં નોંધપાત્ર પાંચ અંકનું ટ્રૅજેડી ‘ઍનિબાલ’ (1727) પદ્યમાં લખાયેલું છે. ત્યારબાદ ફિલિપ્પે દ’ ઑર્લિયન્સ દ્વારા પ્રેરિત ઇટાલિયન થિયેટર ઑવ્ લેલિયોએ તેમને આકર્ષ્યા. તેમનાં અહીં ભજવાયેલાં નાટકોમાં ટૉમસન અને સિલ્વિયા મુખ્ય પ્રેમી યુગલ તરીકે ખ્યાતિ પામેલાં. 1723માં ‘હાર્લેક્વીન બ્રાઇટન્ડ બાય લવ’ અને 1730માં ‘ધ ગેઇમ ઑવ્ લવ ઍન્ડ ચાન્સ’ ભજવાયાં. આ બંનેમાં રોમૅન્ટિક સેટિંગ, સંવેદનશીલતા, ઊર્મિઓની સૂક્ષ્મતાનું નિરૂપણ અને બૌદ્ધિક વિનોદ ધ્યાનાકર્ષક છે, જેને તેમની પ્રણય-કૉમેડીનાં વિશિષ્ટ લક્ષણરૂપ ગણી શકાય. તેમની સામે મૉલિયરનાં નાટકો હતાં અને તે નાટકોનો પ્રભાવ મારિવોનાં નાટકો ઉપર દેખાયા વિના રહેતો નથી. મારિવોએ પોતાનાં નાટકોમાં વાસ્તવવાદ દાખલ કર્યો. તેમનાં નોકર-પાત્રોમાં વાસ્તવિક લાગણીઓનું હૂબહૂ નિરૂપણ જોવા મળે છે. પોતાનાં નાટકોમાં સમગ્રતયા સામાજિક વાતાવરણનું નિરૂપણ થયેલું છે. ત્રીસ જેટલી તેમની રચનાઓ ‘સૅટાયર્સ’ છે, જેમાં ‘આઇલ ઑવ્ સ્લેવ્ઝ’ (1725) તથા ‘આઇલ ઑવ્ રીઝન’(1727)માં સ્વિફ્ટના ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ની જેમ યુરોપિયન સંસ્કૃતિની ઠેકડી ઉડાવી છે. તેમનું ‘ધ ન્યૂ કૉલોની’ (1729) સ્ત્રી-પુરુષ-સમાનતાના પ્રશ્નને ચર્ચતું નાટક છે અને ‘સ્કૂલ ફૉર મધર્સ’(1724)માં મા-દીકરી વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ છે.

મારિવોનું માનવ-મન અંગેનું ચિંતન તેમની નવલકથાઓમાં પ્રગટ થાય છે. તેમની અધૂરી નવલકથા ‘લા વાઇ દ’ મારિવાને’ (1731–41) રિચર્ડસનની પામેલા જેવી સ્ત્રીની લાગણીઓ તથા સ્ત્રીસંવેદનશીલતા પ્રત્યેના અહોભાવની કથા છે, જ્યારે ‘ફૉર્ચ્યુનેટ પેઝન્ટ’(1734–35)માં એક સોહામણો તકવાદી ખેડૂત-યુવાન પોતાની પ્રગતિ માટે પોતાના આકર્ષક દેખાવથી પ્રૌઢ સ્ત્રીઓની સાથે કેવી રીતે સંબંધો કેળવે છે તેનું વર્ણન છે. બંને કૃતિઓમાં રૂઢિઓ, પ્રણાલિકાઓ વિરુદ્ધ સાહજિકતા-સ્વાભાવિકતા અને સહજ-નૈતિકતાના પોતે ટેકેદાર હોય તેવું પ્રતીત થાય છે. રૂસો જેવા ચિંતકે મારિવોના આ વલણને બિરદાવેલું. 1743માં મારિવો એકૅડેમી ફ્રાંસેઝના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, પરંતુ તેમની પ્રતિભાના પ્રમાણમાં પોતાના જીવનકાળ દરમિયાન તેઓ પૂર્ણ પ્રશંસા પામી શક્યા નહિ. જીવનનો અંતિમ તબક્કો ખૂબ જ અકિંચન અવસ્થામાં વીત્યો. છેક ઓગણીસમી સદીમાં સેન્ટ બવ જેવા વિવેચકે તેમના પ્રદાનનું પુનર્મૂલ્યાંકન કરતાં તેમને ‘એજ ઑવ્ રીઝન’ અને ‘એજ ઑવ્ રોમૅન્ટિસિઝમ’ વચ્ચેની મહત્વની કડી ગણાવી, તેમના સર્જનને મહત્તા અર્પી. આજે પણ તેમનાં નાટકો ફ્રેંચ થિયેટરમાં ભજવાય છે, જે તેમના વિત્તના સંકેતરૂપ છે.

પંકજ જ. સોની