મારિયાગાંવ : આસામ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 15´ ઉ. અ. અને 92° 25´ પૂ. રે.ની આજુબાજુનો 1559.2 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદી, પૂર્વમાં નાગાંવ જિલ્લો, દક્ષિણે કર્બી અગલાંગ જિલ્લો અને મેઘાલય રાજ્યસરહદ, તથા પશ્ચિમે કામરૂપ અને દારાંગ જિલ્લા આવેલા છે. જિલ્લામથક મારિયાગાંવ તેના મધ્યદક્ષિણ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો મોટો ભાગ મેદાની છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદી વહે છે, બાકીની બધી બાજુઓ ટેકરીઓથી રક્ષાયેલી છે. દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં આસામ હારમાળામાંથી ફંટાઈને નીકળતી નાની ડુંગરધારો બ્રહ્મપુત્ર નદી તરફ વિસ્તરે છે. આખોય વિસ્તાર પ્રમાણમાં ઓછી એટલે કે 272થી 853 મીટર વચ્ચેની ઊંચાઈ ધરાવે છે અને આસામની મિકિર ટેકરીઓ જેવો દેખાય છે. ટેકરીઓની સાથે સાથે નાના નાના ટેકરાઓ પણ છે. જાગીરોદ રેલમથક તેમજ દબકા-લુમદિંગ નજીક અનામત જંગલ-વિસ્તાર છે. જિલ્લાની આખીય ઉત્તર સરહદ રચતી બ્રહ્મપુત્ર અહીંની મુખ્ય નદી છે. કોપિલી અને કાલાંગ પશ્ચિમ તરફ આવેલી નાની નદીઓ છે. કાલાંગ નદી મારિયાગાંવ અને કામરૂપ જિલ્લા વચ્ચેની સરહદ બનાવે છે.

મારિયાગાંવ જિલ્લો

ખેતીપશુપાલન : ડાંગર વર્ષમાં ત્રણ વાર લેવાતો અહીંનો મુખ્ય પાક છે. આ ઉપરાંત મકાઈ, ઘઉં તથા થોડા પ્રમાણમાં બાજરી, કઠોળ, અને તેલીબિયાં અહીંના અન્ય પાકો છે. અહીંના ગ્રામવિસ્તારના કેટલાક લોકો પશુપાલન અને મરઘાં-બતકાં ઉછેરના વ્યવસાયમાં રોકાયેલા છે. આ વ્યવસાયો દ્વારા તેઓ દૂધ, માંસ અને ઈંડાંનું ઉત્પાદન લે છે. ઢોરોના છાણમાંથી ખાતર તૈયાર કરે છે. ઢોરની ઓલાદ સુધારવા સરકાર તરફથી પ્રયાસો કરાય છે. તેમને માટે અહીં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો ખોલવામાં આવેલાં છે. ભેંસો, ઘેટાં, બકરાં અને ડુક્કરો અહીંનાં મુખ્ય પશુઓ છે. આ ઉપરાંત અહીં મોટા પ્રમાણમાં માછીમારીનો વ્યવસાય પણ ચાલે છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં ખાદ્યપેદાશો, લાકડાં અને તેની પેદાશો, કાગળ અને તેની પેદાશો તથા અધાત્વિક ખનિજ-પેદાશોના સાત જેટલા ઉદ્યોગો આવેલા છે. આશરે 1,886 જેટલા નાના પાયા પરના એકમો ચાલે છે. અહીં હાથસાળનાં ચાર તાલીમકેન્દ્રો અને વણાટકામનાં 2 વિસ્તરણ સેવાકેન્દ્રો આવેલાં છે. મારિયાગાંવ અને જાગીરોદ અહીનાં મુખ્ય વેપારી મથકો છે. ત્યાં આસામ સ્પિન સિલ્ક મિલ અને કાગળની મિલ આવેલી છે. બારપૂજિયા કૃષિકેન્દ્ર અને સાદડીઓ બનાવવાનું એકમ પણ છે. લહરિયાઘાટ ડાંગર, શણ અને સરસવના ઉત્પાદનનું મથક છે.

પરિવહનપ્રવાસન : જિલ્લાનાં મુખ્ય મથકો રાજ્યનાં બધાં મથકો સાથે બસસેવા દ્વારા જોડાયેલાં છે. જિલ્લાના માર્ગોની કુલ લંબાઈ 959 કિમી. જેટલી છે, તે પૈકી 106 કિમી.ના પાકા અને 853 કિમી.ના કાચા રસ્તા છે; 91 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો અને બાકીના અન્ય માર્ગો છે.

નાગાંવ જિલ્લાના નાગાંવ શહેરથી પશ્ચિમે આશરે 67 કિમી.ને અંતરે આવેલું માયાંગ અહીંનું મહત્વનું પ્રવાસી મથક છે, તથા નાગાંવથી પશ્ચિમે 30 કિમી.ના અંતરે આવેલા મહાદેવસાલ નજીક ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વનો જુંગાલ બાલરાહુનો કિલ્લો આવેલો છે. જિલ્લામાં વારતહેવારે મેળા અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 6,39,682 જેટલી છે. તે પૈકી 51 % પુરુષો અને 49 % સ્ત્રીઓ છે. જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 95 % અને 5 % જેટલું છે. જિલ્લાની મુખ્ય ભાષા આસામી છે. ધર્મ-વિતરણ મુજબ જોતાં અહીં હિન્દુ; મુસ્લિમ; બૌદ્ધ; ખ્રિસ્તી; જૈન; શીખ; અન્યધર્મી વસે છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 2,39,697 જેટલી છે. 1991 મુજબ જિલ્લાનાં 569 વસ્તીવાળાં ગામડાં પૈકી 514 ગામડાંમાં એક કે બીજા પ્રકારની શિક્ષણની સગવડો છે, બાકી 55 ગામડાંનાં બાળકો શિક્ષણ અર્થે નજીકનાં ગામોમાં જાય છે. જિલ્લાનાં 506 ગામોમાં પ્રાથમિક શાળાઓ, 160 ગામોમાં માધ્યમિક શાળાઓ, 88 ગામોમાં હાઈસ્કૂલો તથા 2 ગામોમાં ઉચ્ચ માધ્યમિક શાળાઓ આવેલી છે. 1996 મુજબ મારિયાગાંવ ખાતે 3 કૉલેજો આવેલી છે. 1991–92 મુજબ અહીં એક હૉસ્પિટલ અને 3 ગ્રામીણ કુટુંબ-કલ્યાણ નિયોજન-કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગ તથા પાંચ મંડળોમાં અને 4 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 3 નગરો અને 593 (24 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : તાજેતરનાં થોડાંક વર્ષો અગાઉ નાગાંવ જિલ્લાનું વિભાજન કરીને પશ્ચિમ વિભાગનો અલગ મારિયાગાંવ જિલ્લો રચવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા