મામેજવો : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Enicostemma littorale Blume. (સં. મામજ્જક; હિં. છોટા કિરાયતા; મ. કડાવિનાયી; ગુ. મામેજવો; ત. અને મલ. વલ્લારી) છે. તે અરોમિલ (glabrous), બહુવર્ષાયુ, લગભગ 50.0 સેમી. સુધી ઊંચી વધતી શાકીય જાતિ છે. ખેતરના છેડાઓ કે ઘાસના બીડમાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. સમગ્ર ભારતમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી અને દરિયાકિનારાના વિસ્તારોમાં તે જોવા મળે છે. પર્ણો સાદાં, સંમુખ, ચતુષ્ક (decussate), બંને છેડેથી સાંકડાં, અદંડી, ઉપવલયી-ભાલાકાર (elliptic-lancesolate), ચળકતાં લીલાં અને 2.5 સેમી.થી 4.5 સેમી લાંબાં હોય છે. તે સ્વાદમાં અત્યંત કડવાં હોય છે. પુષ્પો સફેદ કે વાદળી હોય છે અને કક્ષીય સમૂહોમાં ચક્રિલ (whorled) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પ્રત્યેક પર્ણની કક્ષમાં ત્રણ ત્રણ ફળ આવેલાં હોય છે.

આયુર્વેદ અનુસાર સમગ્ર છોડ ઉપયોગી છે. તે કડવો, પુષ્ટિકારક, ક્ષુધાવર્ધક (stomachic) અને રેચક હોય છે. તેનાં પર્ણનો 5.0 ગ્રા.થી 12.0 ગ્રા. જેટલો રસ થોડાંક મરી સાથે પિવડાવવાથી તાવમાં ફાયદો થાય છે. સૂકું ચૂર્ણ લગભગ 6.0 ગ્રા માત્રામાં છાશ સાથે આપવાથી મલેરિયામાં સારી અસર કરે છે. તે અતિસાર, કૃમિના રોગમાં અને મધુપ્રમેહમાં પણ આપી શકાય છે. તેનું ચૂર્ણ મધ સાથે આપવાથી તે રક્તશુદ્ધિ કરે છે અને જલશોફ (dropsy), વા, પાચનમાર્ગનાં ચાંદાં, સારણગાંઠ (hernia), સોજો, ખંજવાળ અને કીટક-વિષમાં લાભદાયી છે. તે આપવાથી ક્વિનાઇનની જેમ વમનેચ્છા (nausea), માથાનો દુખાવો કે કાને તમરાં બોલવાં જેવી ખરાબ આડઅસરો થતી નથી.

આ વનસ્પતિમાંથી એક કડવા ગ્લાયકોસાઇડનું અલગીકરણ કરવામાં આવ્યું છે. તે ઑફેલિક ઍસિડ ધરાવે છે. આ ઍસિડ કરિયાતા[Swertia chirayita (Roxb.) Lyons.]માં પણ હોય છે. તે કિરેટીનની જલાપઘટનીય (hydrolytic) નીપજ છે. મામેજવો કરિયાતાની અવેજીમાં પણ વપરાય છે.

ભાલચન્દ્ર હાથી