માતૃસત્તાક સમાજવ્યવસ્થા

January, 2002

માતૃસત્તાક સમાજવ્યવસ્થા : માનવઇતિહાસ જોતાં વિશ્વમાં આજે સાર્વત્રિક રીતે પુરુષપ્રધાન સમાજ-વ્યવસ્થાનું પ્રભુત્વ દેખાય છે. આમ છતાં કેટલાક આદિમ અને અન્ય સમુદાયોમાં માતૃપ્રધાન સમાજ-વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. જે. જે બેશોફેન, જે. એમ. મેક્લેનન, એલ. એચ. મૉર્ગન અને ફ્રેડરિક એન્જલ જેવા કેટલાક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ સમાજની ઉત્ક્રાંતિના ક્રમને તપાસતાં પ્રથમ માતૃપ્રધાન સમાજવ્યવસ્થા વિકસી હશે અને પછીના તબક્કાઓમાં પિતૃપ્રધાન સમાજવ્યવસ્થા વિકાસ પામી હશે તેમ દર્શાવે છે. જોકે આ મત આજે ગ્રાહ્ય રહ્યો નથી. પિતૃસત્તાક વ્યવસ્થા પણ માનવ-વિકાસના પ્રથમ તબક્કાથી જ વિકસી છે તેવો મત ગ્રાહ્ય થયો છે.

માતૃપ્રધાન સમાજવ્યવસ્થા એટલે માત્ર જેમાં સ્ત્રીઓ જ એકલી હોય અને પ્રજનન માટે પુરુષનો ઉપયોગ કરવામાં આવતો હોય અને તે પછી તેને મારી નાખવામાં આવતો હોય તેવા પ્રકારની કોઈ ત્રિયારાજ્યવાળી વ્યવસ્થા નથી; પરંતુ કુટુંબમાં પુરુષને બદલે સ્ત્રી કેન્દ્રસ્થાને હોય તેવી વ્યવસ્થા. આવી વ્યવસ્થા ધરાવતાં કુટુંબો માતૃમૂલક, માતૃવંશીય અને માતૃસત્તાક તરીકે ઓળખાય છે. આવા કુટુંબમાં સ્ત્રીનો દરજ્જો સૌથી ઊંચો હોય છે. કુટુંબની આર્થિક, સામાજિક, ન્યાય તથા ધાર્મિક કાર્યો સંબંધી સત્તા-નિર્ણય સ્ત્રી કે તેનાં સગાંઓને હસ્તક હોય છે. પતિ કે પુરુષનાં સગાં(સંતાનો)ને કોઈ અધિકાર, સત્તા, વારસો મળતાં નથી. તેમને અલબત્ત ભરણપોષણનો અધિકાર પ્રાપ્ત થાય છે. આવા કુટુંબમાં સ્ત્રીનો ભાઈ કે તેનાં સગાં સંચાલન-સત્તા ધરાવે છે અથવા સંચાલનમાં તેઓ મદદગાર બને છે. આવા કુટુંબમાં પિતા તરફથી પુત્રોને કોઈ જ વારસો કે સંપત્તિ પ્રાપ્ત થતાં નથી. સર્વ સંપત્તિ સ્ત્રી-આધીન હોય છે, જે માતા દ્વારા તેની પુત્રીઓને વારસામાં મળે છે; ક્યારેક બહેન, તેની દીકરીઓ કે ભાણેજને પણ તે મળે છે. લગ્ન પછી સ્ત્રી પોતાના પિયરમાં જ રહે છે. પુરુષ પત્નીને ત્યાં રહેવા આવે છે અથવા કેટલાક સમુદાયોમાં (જેમ કે દક્ષિણ ભારતમાં નાયરોમાં) મુલાકાતી પતિ જેવું તેનું સ્થાન જોવા મળે છે. આવા કુટુંબમાં વંશ પિતાના નામથી નહિ, પરંતુ સ્ત્રી કે માતાના નામથી ઓળખાય છે. એ રીતે માતાના કુળનું નામ પ્રાપ્ત થવાથી તે કુળ માતૃસત્તાક કહેવાય છે.

વિશ્વમાં અમેરિકાના ઍરિઝોનાના ઇંડિયનોમાં, માઇક્રોનેશિયાના પૂર્વ કૉરોલીનમાં લોકોપ જાતિમાં, પશ્ચિમ કૉરોલી ટાપુઓમાં યાપ જાતિમાં, અમેરિકાની ઇરોક્યુઅસ જાતિમાં, વ્યાન ડૉટ્સ એસ્કિમોમાં, આફ્રિકામાં તેલેનશ્યા અને અશાંતિ જાતિમાં તથા મઘ્ય બાંટુની જાતિઓમાં, લૅબ્રાડૉર ટાપુની જાતિઓમાં, ઓહામા ઇન્ડિયનોમાં, ન્યૂગિનીની આજુબાજુ આવેલા ટ્રોબ્રિયાન્ડ ટાપુઓની જાતિમાં તથા ભારતમાં આસામની ખાસા અને ગારો જાતિઓમાં અને દક્ષિણ ભારતમાં મલબારની નાયર જ્ઞાતિમાં માતૃસત્તાક-માતૃવંશીય સમાજવ્યવસ્થા જોવા મળે છે.

ભારતમાં નાયરોમાં આવાં કુટુંબો ‘તરવડ’, ખાસી જાતિમાં ‘કુર’ અને  ગારો જાતિમાં ‘મચોંગ’ તરીકે ઓળખાય છે. તેમાં નાનાં નાનાં કુટુંબો નાયરમાં ‘તવાજી’ અને ખાસીમાં ‘ઇંગ’ તરીકે ઓળખાય છે. આવું એક માતૃકુટુંબ અનેક પેઢીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા વિશાળ સંયુક્ત કુટુંબ જેવું હોય છે. નાયરોમાં સ્ત્રીનો ભાઈ ‘કર્ણવાન’ સર્વ વહીવટી સત્તા ધરાવે છે. ખાસીમાં નાની દીકરી ‘કા ખદ્દુ’ અને ગારોમાં ‘નોકના’ – વચલી દીકરી – સર્વ મિલકત, વારસો તથા માતૃ-અસ્થિ-વિસર્જનના અધિકારો-ધાર્મિક અધિકારો ધરાવે છે. કુટુંબના પુરુષ સભ્યોને મિલકતનો અધિકાર મળતો નથી; પરંતુ ભરણપોષણ પ્રાપ્ત થાય છે. કૌટુંબિક મિલકત અવિભાજ્ય ગણાય છે. આજના સંદર્ભમાં આસામમાં ખ્રિસ્તીકરણની અસર, શિક્ષણ આદિનો પ્રભાવ આદિવાસીઓમાં ફેલાતાં માતૃસત્તાકમાંથી પિતૃસત્તાક કુટુંબ તરફની ગતિ શરૂ થયેલી દેખાય છે.

અરવિંદ ભટ્ટ