માતૃદેવી : પ્રાચીન ભારતમાં પ્રચલિત માતૃશક્તિનું મૂર્તિસ્વરૂપ. ભારત ધર્મપરાયણ દેશ હોવાથી એમાં અનેક ધર્મસંપ્રદાયો તેમજ અનેકવિધ દેવી-દેવતાઓની ઉપાસના થતી જોવા મળે છે. પ્રાચીન કાલમાં પ્રકૃતિના દરેક તત્ત્વમાં જોવા મળતી વિશિષ્ટ શક્તિને કોઈ દેવતા-સ્વરૂપે ગણવામાં આવતી. આમાં માતૃ-દેવતાની કલ્પના જગતમાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં પણ શક્તિને માતૃસિદ્ધાંત સાથે સાંકળવામાં આવે છે; તેથી સ્વાભાવિક રીતે જ તે દેવીનો સંપ્રદાય ‘માતૃદેવી’ના સંપ્રદાય સાથે ઐક્ય ધરાવે છે. આદિ-માનવસમાજોમાં, ખાસ કરીને નૂતન પાષાણયુગી સમાજોમાં, સ્ત્રીઓનું સ્વાભાવિક રીતે પ્રાધાન્ય હતું. ગૉર્ડન ચાઇલ્ડ કહે છે તેમ, નૂતન પાષાણયુગમાં અનાજ-ઉત્પાદન, વાસણ બનાવવાં, પશુપાલન, દૂધ દોહવું વગેરે કાર્યો સ્ત્રીઓએ શરૂ કર્યાં હતાં. આથી સ્વાભાવિક રીતે સ્ત્રીત્વના સૌથી અગત્યના પાસારૂપ માતાને પૃથ્વી (પ્રકૃતિ) સાથે એકરૂપ ગણવામાં આવી. આમ બંનેનો ફલદ્રૂપતાની જનેતા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. બીજી બાજુ દેવો દ્વારા સર્જન, પાલન અને સંહારની સ્વાભાવિક પરિકલ્પના પણ ઊભી થઈ અને એ કલ્પનાને પણ શક્તિના સિદ્ધાંતમાં લાગુ કરીને દેવો પોતાની શક્તિ દ્વારા સૃષ્ટિ, પાલન અને સંહાર કરે છે તેમ મનાયું. વસ્તુત: માતૃ-શક્તિ દેવતાને પ્રવૃત્ત કરે છે અને એમને સમર્થ બનાવે છે તેવી ર્દઢ માન્યતા પ્રવર્તી.

પુરાવાઓ પરથી એમ સ્પષ્ટ જણાય છે કે અન્ય દેવતાઓની તુલનામાં શક્તિની ઉપાસના વધુ પ્રાચીન છે. નૂતન પાષાણયુગથી માણસ શક્તિને માતૃદેવી તરીકે પૂજતો હોવાનાં પ્રમાણો સીરિયા, એશિયા માઇનોર, પૅલેસ્ટાઇન, સાયપ્રસ અને ઇજિપ્તમાંથી મળી આવ્યાં છે. ભારતમાં એનાં સીધાં પ્રમાણ મળ્યાં નથી, પણ અહીં માતૃદેવીની પૂજા નૂતન પાષાણયુગમાં પણ પ્રચલિત હોવાનું એ પછીના હડપ્પીય સભ્યતામાંથી મળતા સંખ્યાબંધ પુરાવાઓથી અનુમાની શકાય છે. માતૃદેવી કે દેવીમાતાની પૂજાનો ઉદભવ ખરેખર કયે સ્થળે થયો હશે તે બાબત નિશ્ચિત થઈ શકી નથી, પરંતુ મળતા પુરાવાને આધારે સર જૉન માર્શલે એમ સૂચવ્યું છે કે સિંધુ અને નાઇલ નદી વચ્ચેના પ્રદેશમાં એનો ઉદભવ તામ્રપાષાણયુગ દરમિયાન થયેલો સંભવે છે.

હડપ્પાકાલીન માતૃદેવીઓની મૂર્તિઓ

હડપ્પીય સભ્યતા(ઈ. પૂ. 3500–ઈ. પૂ. 1500)ના અવશેષોમાંથી માતૃપૂજાને લગતા અવશેષો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આ સભ્યતા તેમજ એની પહેલાંની બલૂચિસ્તાનની ઝૂકર, ઝાંગાર વગેરે પ્રાગહડપ્પીય સભ્યતાઓમાંથી મળેલ માટીની પકવેલી સ્ત્રી-મૂર્તિઓની આકૃતિઓનો પૂજા-ઉપાસનામાં પ્રયોગ થતો હોવાનું જણાયું છે. તે પરથી ભારતમાં માતૃપૂજા લગભગ છેલ્લાં પાંચ-છ હજાર વર્ષોથી પ્રચલિત હોવાનું કહી શકાય.

ભારતમાં માતૃદેવીની મૂર્તિઓ ઈ. પૂ. 4થી અને 3જી સહસ્રાબ્દીની મળે છે. અલબત્ત, ઘાટ-ઘૂટમાં શરૂઆતની મૂર્તિઓ અણઘડ લાગે છે, પણ ધીમે ધીમે તેમાં સુડોળતા અને ચારુતા ઉમેરાતાં જણાય છે. આ બધી જ માટીની પક્વમૂર્તિઓની નોંધપાત્ર વિશેષતાઓ એ છે કે એ પૂર્ણ નગ્નાવસ્થા ધરાવે છે. એમાં જનનેન્દ્રિય અને સમુન્નત સ્તનોનું વિશેષ પ્રદર્શન કરેલું હોય છે. પગ નીચે પૂર્ણવિકસિત કમળનું આલેખન કરેલું હોય છે. હાથની સ્થિતિમાં સાધારણ રીતે બે હાથ ઉપર ઉઠાવેલા કે અંદર વાળીને સ્તનોને ગ્રહણ કરતા બતાવાય છે. કેટલીક માતૃદેવીઓની કેડમાં બાળક તેડેલું હોય છે.

ઐતિહાસિક કાલમાં મથુરામાંથી મળેલી પ્રાચીન માતૃમૂર્તિઓ ઉપર્યુક્ત તામ્રપાષાણયુગની પ્રતિમાઓ સાથે સામ્ય ધરાવે છે. માતૃદેવીની જૂનામાં જૂની પ્રતિમાઓ, શિશુનાગ-નંદકાલની એટલે કે ઈ. પૂ. પાંચમી-ચોથી સદીની મળે છે, જે ‘શ્રીચક્ર’ સ્વરૂપની છે. આવાં શ્રીચક્ર ભૂખરા કે સફેદ રંગના બનાવેલા વૃત્તાકાર કે ચપટા ઘાટની તકતીઓ પર નજરે પડે છે. તેમાં કાણાં અને કિનારીની વચ્ચે માતૃદેવીની આકૃતિ હોય છે. તેને ફરતી ચોતરફ ફૂલવેલ, વૃક્ષની ડાળીઓ કે પ્રાણીઓનાં રેખાંકનો કરેલાં હોય છે. માટીની આ પ્રકારની તકતીઓ મથુરા, રાજઘાટ, સંકિસા, બસાઢ, તક્ષશિલા, પટના, લોરિયા-નંદનગઢ વગેરે સ્થળોએથી મળી છે.

લોરિયા-નંદનગઢ અને પીપરાવાના સ્તૂપની ધાતુગર્ભ મંજૂષામાંથી પ્રાપ્ત થયેલા નમૂનાઓમાં સુવર્ણપત્ર પર અંકિત માતૃદેવીનું આછું તક્ષણ ખાસ નોંધપાત્ર છે.

રામજીભાઈ ઠા. સાવલિયા