મહાપ્રસ્થાન (1965) : ઉમાશંકર જોશી (1911–1988) કૃત 7 પદ્યનાટિકાઓનો સંગ્રહ. આ કવિએ 1944માં ‘પ્રાચીના’ નામે સંવાદકાવ્યોનો એક સંગ્રહ આપ્યો હતો. ‘મહાપ્રસ્થાન’ એનો સગોત્ર ગ્રંથ છે. તે પદ્યનાટક સિદ્ધ કરવાની દિશામાં ‘પ્રાચીના’ને અતિક્રમી જાય છે, ખાસ તો પદ્યનાટક માટે જરૂરી નેય અને પારદર્શી ભાષા સિદ્ધ કરવામાં અને એને વહન કરી શકે તેવા છંદ યોજવાની બાબતમાં. એ રીતે ટી. એસ. એલિયટ જેને કવિતાનો ત્રીજો સૂર (third voice of poetry) કહે છે, તે પ્રગટ કરવાનો અહીં સમર્થ પ્રયત્ન કવિએ કર્યો છે.

‘મહાપ્રસ્થાન’માં 7 રચનાઓ છે – ‘મહાપ્રસ્થાન’, ‘યુધિષ્ઠિર’, ‘મંથરા’, ‘ભરત’, ‘કચ’, ‘અર્જુન-ઉર્વશી’ અને ‘નિમંત્રણ’. ‘મહાપ્રસ્થાન’ અને ‘યુધિષ્ઠિર’ પદ્યનાટિકાઓ મહાભારતના અનુક્રમે મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ પર આધારિત છે. પરીક્ષિતને રાજ્ય સોંપી પાંડવો દ્રૌપદી સાથે હિમાલય ભણી પ્રસ્થાન કરે છે. પ્રથમ દ્રૌપદી અને તે પછી સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ હિમાદ્રિને ખોળે ઢળી પડે છે, અંતે યુધિષ્ઠિર અને શ્વાન રહે છે. શ્વાન સાથે જ સ્વર્ગમાં પ્રવેશ કરવાના આગ્રહમાં યુધિષ્ઠિર યમદેવ(ધર્મ)ની કસોટીમાંથી પાર ઊતરે છે. આ વસ્તુને મુખ્યત્વે ભીમ અને યુધિષ્ઠિરના સંવાદ દ્વારા નાટ્યક્ષમ બનાવીને રજૂ કરાયું છે. ‘યુધિષ્ઠિર’ નાટિકામાં આ ઘટના આગળ ચાલે છે, જેમાં નરકદર્શન પછી આત્મશોધન પછી યુધિષ્ઠિર ભાઈઓ સાથે સ્વર્ગમાં સ્થાન પામે છે. ‘મંથરા’ અને ‘ભરત’ બંનેનું વસ્તુ રામાયણના અયોધ્યાકાંડ પર અવલંબિત છે. અહીં કવિએ મંથરામાં રહેલાં એનાં બે વ્યક્તિત્વો, ઋજુલા અને કાલરાત્રિની કલ્પના દ્વારા પ્રસ્તુત કર્યાં છે. મંથરા કૈકેયીને કેવી રીતે રામને વનવાસ અને ભરતને ગાદી આપવાનાં વચન માગવા તત્પર કરે છે, તેની પ્રક્રિયા એમના સંવાદો દ્વારા માર્મિક રીતે નિરૂપાઈ છે. ‘ભરત’નું વસ્તુ પણ પરિચિત છે. ચિત્રકૂટમાં ભરત રામને પાછા લઈ જવા વિનંતી કરવા આવ્યો છે તે પ્રસંગ સત અને અસત વચ્ચેનો વિગ્રહ પ્રગટ કરે છે. ‘અર્જુન-ઉર્વશી’માં અર્જુન દ્વારા ઉર્વશીના પ્રેમપ્રસ્તાવનું પ્રત્યાખ્યાન છે. ‘કચ’માં પણ એ રીતે દેવયાનીના પ્રેમનું પ્રત્યાખ્યાન છે. ‘નિમંત્રણ’નો પ્રસંગ બૌદ્ધ સાહિત્યમાંથી લેવામાં આવ્યો છે. આ પ્રસંગમાં વૈશાલીની નગરવધૂ આમ્રપાલીએ ભગવાન બુદ્ધને પોતાને ત્યાં આવવા આપેલું નિમંત્રણ તેમણે સ્વીકાર્યું છે, તેનો ઉલ્લેખ છે. એ નિમંત્રણ મેળવી લેવાના લિચ્છવી શ્રેષ્ઠીઓના આગ્રહનો આમ્રપાલી અસ્વીકાર કરે છે અને એ રીતે ભગવાન બુદ્ધની કરુણાની છાલક પતિત લેખાતા જનને પણ મળી રહે છે એ સત્યની પ્રતીતિ ભવિષ્યમાં પણ સૌને થાય એવો સદાશય આમ્રપાલી સિદ્ધ કરીને રહે છે.

‘મહાપ્રસ્થાન’ની આગવી સિદ્ધિ વનવેલી છંદને પદ્યનાટ્યના માધ્યમ માટે સફળતાથી ખેડવામાં છે. બોલચાલનો ગદ્યલય કવિએ પ્રથમ 4 નાટિકાઓમાં સિદ્ધ કર્યો છે. શિખરિણીની 300 પંક્તિમાં રચાયેલા ‘કચ’માં 297 પંક્તિ કચની ઉક્તિ રૂપે છે અને એ રીતે એ ડ્રામૅટિક મૉનોલૉગના સ્વરૂપે આવે છે. ‘અર્જુન-ઉર્વશી’માં 12 શ્રુતિનો લઘુ વનવેલી છે. રંગભૂમિ પર ટકે એવી નાટ્યકવિતા સિદ્ધ કરવાનો કવિનો પ્રયત્ન ‘મંથરા’ જેવી નાટિકામાં સફળ થતો જોઈ શકાય છે.

ભોળાભાઈ પટેલ