મલહોત્રા, રવીશ (જ. 25 ડિસેમ્બર 1943) : ભારત-સોવિયેત સંયુક્ત અભિયાન અંતર્ગત રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના બે અંતરિક્ષયાત્રીઓ પૈકી વધારાના, એટલે કે જો છેક છેલ્લી ઘડીએ કશુંક અજુગતું બને તો એકને સ્થાને બીજાને મોકલી શકાય તે આશયથી અનામત રાખવામાં આવેલા એક અંતરિક્ષયાત્રી.

દુનિયાના સૌપ્રથમ અંતરિક્ષયાત્રી યુરી ગાગારિન (1934–1968) જ્યારે 1961માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમના માનમાં યોજાયેલા એક સ્વાગત સમારંભમાં તેમણે કહ્યું હતું કે કોઈ દિવસ એવું બનશે કે સોવિયેત અને ભારતીય અંતરિક્ષયાત્રી ભેગા મળીને અંતરિક્ષમાં સંશોધન કરશે. બીજા એક સમારંભમાં તેમણે કહેલું કે કોઈ ભારતીય અંતરિક્ષયાત્રી સાથે અંતરિક્ષમાં સફર કરવામાં તેમને ઘણો આનંદ થશે. તે પછી ગાગારીન તો ન રહ્યા, પણ સોવિયેત સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ લિઓનિદ બ્રેઝનેવ જ્યારે 1979માં ભારત આવ્યા, ત્યારે નવી દિલ્હીમાં આપેલા એક મહત્વપૂર્ણ ભાષણમાં તેમણે આ વિચારનું પુનરાવર્તન કર્યું. પાછળથી ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ પ્રસ્તાવ વધાવી લેતાં જાહેર કર્યું કે ભારતીય અંતરિક્ષયાત્રીઓને પ્રશિક્ષિત કરવાનું અને એમાંથી એકને સો – યુઝ ટી શૃંખલાના એક યાનની મદદથી અંતરિક્ષમાં મોકલવાના રશિયાના પ્રસ્તાવનો ભારત સહર્ષ સ્વીકાર કરે છે. તે પછી સોવિયેત સંઘ તરફથી સત્તાવાર આમંત્રણ મળતાં, ભારત–સરકારે, આવા કોઈ ભારતીય યુવાનની પસંદગીની જવાબદારી હવાઈદળના વડાને સોંપી. કુલ 200 જેટલી અરજીઓમાંથી 40, અને તેમાંથી વિવિધ પરીક્ષણોમાંથી પસાર કરીને આખરે ચારેક જેટલા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા. આ ચારેય જણને સોવિયેત સંઘ મોકલવામાં આવ્યા. જેમાંથી પછી ભારતીય હવાઈદળના બે ટેસ્ટ પાઇલટને પસંદ કરવામાં આવ્યા. જે પૈકીના એક તે, વિંગ કમાંડર સ્વીશ મલહોત્રા અને બીજા તે, સ્ક્વૉડ્રન-લીડર રાકેશ શર્મા. આ બેમાંથી માત્ર એક જણે અંતરિક્ષમાં જવાનું હતું, અને બીજાએ જો પહેલો કોઈ કારણસર ન જઈ શકે તો જવા માટે તૈયાર રહેવાનું હતું. આ તાલીમ મૉસ્કોથી 70 કિલોમીટર દૂર આવેલા સ્ટારસિટી ખાતેના યુરી ગાગારિન કૉસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં સપ્ટેમ્બર 1982થી આરંભાઈ. લગભગ 18 મહિના ચાલેલી આ આકરી કસોટીમાંથી બંને સફળતાપૂર્વક પાર ઊતર્યા તો ખરા, પણ મૂળ યોજના અનુસાર અંતરિક્ષમાં સફર તો આ બેમાંથી માત્ર એકે જ કરવાની હોઈ, અને બીજાની પસંદગી માત્ર એટલા માટે કરવાની હતી કે છેક છેલ્લી ઘડીએ કંઈક અણધાર્યું બને તો બીજાને પહેલાની અવેજીમાં મોકલી શકાય. એટલે પસંદગીનો આખરી કળશ રાકેશ શર્મા (જન્મ : 13 જાન્યુઆરી, 1949) પર ઢોળાયો અને તે અનુસાર 3 એપ્રિલ 1984ના રોજ રાકેશ શર્મા, અંતરિક્ષમાં પદાર્પણ કરનાર પહેલા ભારતીય બન્યા. પાછળથી શર્મા અને તેમની સાથે અંતરિક્ષમાં ગયેલા રશિયાના બે અંતરિક્ષયાત્રીઓને 12 મે ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનમાં એક શાનદાર સમારંભ યોજીને રાષ્ટ્રપતિના હસ્તે, શાંતિ-સમયના ભારતના સૌથી ઊંચા શૌર્યપદક અશોક ચક્ર વડે સંમાનિત કરવામાં આવ્યા. તે જ સમારંભમાં ભારતના રવીશ મલહોત્રાને અને રશિયાના તેવા બે વધારાના અંતરિક્ષયાત્રીઓને પણ સાથે સાથે કીર્તિ ચક્ર અર્પણ કરીને સંમાનિત કરવામાં આવ્યા હતા.

સુશ્રુત પટેલ