મત્તાનચેરી : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રકાંઠે, કોચીન પાસે આવેલું એક જૂનું નગર. 197૦માં આ નગરને કોચીનમાં ભેળવી દેવામાં આવેલું છે. આ નગર વિશેષે કરીને તો યહૂદી કોમના ‘પરદેશી દેવળ’ તેમજ કોચીનના રાજાઓના મહેલ માટે જાણીતું છે.

આ પરદેશી દેવળ 1568માં બાંધવામાં આવેલું. 1664માં પૉર્ટુગીઝો દ્વારા તેના કેટલાક ભાગનો નાશ થયેલો, પરંતુ તે પછીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. 1761માં બાંધેલું ડચ શૈલીનું ઘડિયાળ સહિતનું એક ટાવર પણ છે. તેના અંકો હિબ્રૂ ભાષામાં લખેલા છે. તેમાં કરેલી ટાઇલ્સની ફરસબંધી હાથથી રંગેલી વાદળી અને સફેદ રંગનાં પાંદડાંની ચીની નકશીવાળી છે. અહીં ચર્મપત્રના વીંટાના આકારનું ચાંદી અને સોનાથી અંકિત શિલ્પ-સુશોભન છે. ઘણા ઉત્સવો દર્શાવતી વસ્તુઓ પણ છે. તેમાં રાજા ભાસ્કર રવિ વર્મા દ્વારા ચોથી સદીમાં યહૂદીઓને ભેટ અપાયેલ પ્રાચીન આંતરગૂંથણીવાળી તાંબાની તકતીઓ પણ છે. સ્થળાંતર કરીને અહીં આવેલા યહૂદીઓ વીસમી સદીના ઉત્તરાર્ધમાં અહીં ટકવા માટે ખૂબ ઝૂઝેલા. 1555ના અરસાનો એક મહેલ કોચીનના રાજાનું નિવાસસ્થાન હતો. હવે તેમાં રામાયણના પ્રસંગો આલેખતાં ભિત્તિચિત્રો (mural paintings) રાખવામાં આવેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા