મણિરામ (જ. 1910, હિસાર, હરિયાણા) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાના ગાયક. તેમને પરિવારમાંથી જ શાસ્ત્રીય સંગીતનો વારસો મળેલો છે. તેમના પિતા પંડિત મોતીરામ પોતે સારા ગાયક હતા અને જમ્મુ તથા કાશ્મીર રિયાસતના દરબારમાં રાજગાયક હતા. તેમના કાકા પંડિત જ્યોતિરામ પણ સારા ગાયક હતા. મણિરામે નાની ઉંમરથી પિતા પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગ્રહણ કરવાની શરૂઆત કરી હતી, જે વીસ વર્ષ સુધી ચાલી. માત્ર તેર વર્ષની વયે તેમણે પોતાનો એકલ કાર્યક્રમ જાહેરમાં પ્રસ્તુત કર્યો. છવ્વીસ વર્ષના હતા ત્યારે 1936માં તેમણે હૈદરાબાદમાં સતત ચોવીસ કલાક સુધી એક જ બેઠકે પોતાનું ગાયન પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચોત્રીસ વર્ષની ઉંમરે કોઈ શારીરિક બીમારીને કારણે તેમનું ગળું એકાએક બંધ પડી ગયું હતું અને ઘણી દવાઓ છતાં તેમાં કોઈ સુધારો થતો ન હતો; પરંતુ સાણંદના ઠાકોરસાહેબ જયવંતસિંહ વાઘેલા જેઓ પોતે શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ અને બંદિશોના રચનાકાર હતા અને જેમના દરબારમાં પાછળથી પંડિત મણિરામ દરબારી ગાયક નિમાયા હતા તેમના આગ્રહને વશ થઈ એક દિવસ તેઓ તાનપૂરો લઈને કાલીમાતાના દરબારમાં ગાવા માટે બેસી ગયા. એક તરફ કાલીમાતા પ્રત્યે મનમાં અપાર ભક્તિ અને બીજી તરફ પોતાની ફરી ગાવા માટેની જીદને કારણે સૌના આશ્ચર્ય વચ્ચે તે જ બેઠકમાં તેમનું ગળું પૂર્વવત્ થઈ ગયું. ત્યારથી સાણંદના ઠાકોરસાહેબના તેઓ અનુરાગી બન્યા અને જ્યાં સુધી ઠાકોરસાહેબ જીવતા હતા ત્યાં સુધી વર્ષમાં ઘણી વાર સાણંદ ખાતેની તેમની હવેલીમાં મણિરામના ગાયનના કાર્યક્રમો આયોજિત થતા હતા.

તેઓ મેવાતી ઘરાનાના ગાયક હોવા છતાં અન્ય ઘરાનાની ગાયનશૈલી પ્રત્યે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો છે. તેમના બહોળા શિષ્યવર્ગમાં તેમના નાના ભાઈ અને વિખ્યાત ગાયક પંડિત જસરાજ અને પંડિત પ્રતાપનારાયણ સવિશેષ ઉલ્લેખનીય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે