મણિપુરી ભાષા અને સાહિત્ય

January, 2002

મણિપુરી ભાષા અને સાહિત્ય : સિનોટિબેટન ભાષાકુળની બે મહત્વની શાખાઓ, તેમાંની એક તે ટિબેટો-બર્મન જૂથ, તેની સાથે મણિપુરી સંકળાયેલી છે. બ્રાયન હૉટન હૉજ્સને આ ભાષાનો પ્રથમ અભ્યાસ કર્યો. તે પછી જ્યૉર્જ ગ્રિયર્સને મણિપુરીનાં મૂળ અને તેની વિલક્ષણતાઓ વિશે અભ્યાસ કર્યો. મણિપુરીને કાચીનમાં બોલાતી ભાષા સાથે સૌથી ગાઢ નાતો હોવાનું તેણે નોંધ્યું. વળી કેટલીક બાબતોમાં બર્મી અને ટિબેટી ભાષાઓ સાથે પણ તેનું મળતાપણું જણાયું. એ રીતે ગ્રિયર્સનની ર્દષ્ટિએ મણિપુરી કૂકી-ચીન અથવા મૈતેઈ ચીન નામનાં ભાષાજૂથ સાથે સંલગ્ન છે. પૉલ કે. બેનેડિક્ટ કાચીન ઉપરાંત કૂકી-નાગાની ભાષા સાથેનો તેનો સંબંધ દર્શાવે છે.

આજની મણિપુરી ભાષા મણિપુરમાં રાજકીય વર્ચસ્ ધરાવતી પરંપરાગત મૈતેઈ ભાષામાંથી ઉત્ક્રાન્ત થઈ છે. દંતકથાઓ, લોકગીતો તેમજ હસ્તપ્રતોના આધારે લાઈ હરોઓબા ઉત્સવ સાથે તેના ઓઉગ્રી નામના વિધિ-ગીતનો સંબંધ હોવાનું ઈ. સ. 33ના એક પુરાવા પરથી જાણવા મળ્યું છે. ઉપલબ્ધ હસ્તપ્રતો વગેરેના આધારે મણિપુરીની પ્રાચીન, મધ્ય અને અર્વાચીન એવી 3 ભૂમિકાઓ છે. પ્રાચીન તબક્કો સત્તરમી સદીના અંત સુધીનો લેખાય છે. મધ્ય તબક્કો ભારતીય આર્ય ભાષાઓ સાથે અને ખાસ તો સંસ્કૃત તેમજ બંગાળી સાથેનો તેનો સંબંધ દર્શાવે છે. આ તબક્કો ઓગણીસમી સદીના અંત સુધીનો છે. તે પછી અર્વાચીન સમય અંગ્રેજી કેળવણીના ફેલાવા સાથે આરંભાય છે. આ તબક્કામાં અંગ્રેજી અને તે સાથે હિન્દી-ઉર્દૂ શબ્દભંડોળની અસર મણિપુરી પર થયેલી વરતાય છે. 1891માં ઍંગ્લો-મણિપુરી યુદ્ધ પછી મણિપુર બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યું અને અંગ્રેજી કેળવણી પ્રાથમિક, માધ્યમિક અને પછી ઉચ્ચ કક્ષાએ અપાવા લાગી. તેના કારણે મણિપુરી ઉપર અંગ્રેજીની સારી એવી અસર થઈ. મણિપુરી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણની રીતે રચાયું. એ જ રીતે બંગાળીની પણ અસર થતાં મણિપુરી બંગાળી લિપિમાં લખાતું થયું. જોકે મૂળ મણિપુરી લિપિ લખાણમાં લાવવાનીયે જોરદાર ઝુંબેશ પણ ચાલી છે. મણિપુરીને હવે કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા માન્ય સાહિત્યિક ભાષાનો દરજ્જો સાંપડ્યો છે અને હવે એ ભાષાને અધ્યયન-પ્રચાર માટે શાળા, કૉલેજો, સાંસ્કૃતિક મંડળોનો તથા રેડિયો, પત્રો વગેરે જેવાં સમૂહમાધ્યમોનો ભારે સહકાર સાંપડ્યો છે અને તેથી મણિપુરી ભાષા તેમજ સાહિત્યના સર્વતોમુખી વિકાસની મજબૂત ભૂમિકા હવે રચાઈ છે.

મણિપુરી સાહિત્યના બે તબક્કાઓ સહેલાઈથી પાડી શકાય : (1) હિન્દુત્વની અસર વિનાનો તબક્કો, (2) હિન્દુત્વની અસરવાળો તબક્કો. હિન્દુત્વની અસર વિનાના તબક્કાનું પણ બે પેટા તબક્કાઓમાં વિભાજન થઈ શકે : (ક) પ્રાચીન કાળથી સોળમી સદી સુધીનો; (ખ) સત્તરમી સદીનો. મણિપુરી સાહિત્યનો શરૂઆતનો તબક્કો ઘણી સદીઓ સુધી ચાલ્યો ને એમાં સમયે સમયે કેટલાંક પરિવર્તનો પણ થયાં. આ તબક્કામાંના સાહિત્યમાં તેમના સર્જકોનાં નામ-સમય વગેરેની માહિતી મળતી નથી. વળી આ સાહિત્ય ભારતીય આર્ય ભાષા-સાહિત્યના પ્રભાવથી અલિપ્ત રહેલું જણાય છે.

મણિપુરી સાહિત્યમાં પ્રારંભિક તબક્કો ધાર્મિક વિધિવિધાન પ્રસંગે ગવાતાં ગીતો ને સ્તોત્રોરૂપ કવિતાનો જણાય છે. એમાં જે વિધિવિધાનનાં ગીતો છે તેમનો સંબંધ લાઈ-હરાઓબા નામના મૈતેઈઓના ધાર્મિક ઉત્સવ સાથે છે. આ ઉત્સવમાં ઓઉગ્રી, ખૅન્ચો, અનોઈરોલ અને લાઈરેમ્મા પાઓસા જેવાં ગીતોનું ગાન અનિવાર્ય લેખાતું હતું. સત્તરમી સદીની ‘પન્થોઈપી ખોન્ગ્કુલ’ નામની હસ્તપ્રતમાં તે ગીતો જોવા મળે છે. ઓઉગ્રીમાં સૂર્ય ઉપરાંત પૃથ્વી અને તેનાં પ્રાણીઓના સર્જનની વાત છે. આ ગીત ઈ. સ. 33ની સદીમાં થયેલા નૉન્ગ્ડા લાઈરેન પખાન્ગ્બાના રાજ્યાભિષેક વેળાએ ગવાયેલું. વળી ‘હિઝન હિરાઓ’ નામનું દીર્ઘ કથનાત્મક કાવ્ય પણ ઉત્સવ પ્રસંગે રજૂ થતું. ‘અહોન્ગ્લોન’, ‘યકેઈબા’, ‘પખન્ગ્બા લન્ગ્યેન્સેઈ’ અને ‘કુમ્ડન્સેઈ’ એ સામાજિક પર્વ-પ્રસંગોએ ગવાતાં અગત્યનાં વિધિગીતો છે. તેમાં સર્જનાત્મકતાની ર્દષ્ટિએ ‘યકેઈબા’ ધ્યાનાર્હ છે.

વળી મણિપુરી જનસમાજમાં વીરતા અને પરાક્રમનો સવિશેષ મહિમા હોઈ એને લગતાં કાવ્યોની એક મજબૂત પરંપરા જોવા મળે છે. તેમાં ‘ચેન્ગ્લેરિયોન’, ‘ટુટેન્ગ્લોન’, ‘નુમિટ કપ્પા’, ‘નન્ગ્પાન પૉમ્પી લ્યુવાઓપા’, ‘થવાન થાબા હિરન’ અને ‘ચૈનારોલ’ જેવાં રંગીન શૈલીમાં રચાયેલાં વૈવિધ્યસભર વીર-ચરિત્રોનો ફાળો મહત્વનો છે. ‘ચેન્ગ્લેરિયોન’માં વીરબાળક ચિન્ગ્જિન નરન પન્ગન્ડાનાં અતિમાનવીય પરાક્રમોનું ચિત્રણ છે. ‘ટુગેન્ગ્લોન’ની કથા પણ મૈતેઈ રાજવીઓની કુલગાથા છે. ‘નુમિટ કપ્પા’ રૂપકકથા છે. ‘થવાન થાબા હિરન’ કરુણાન્ત કથા છે. ‘ચૈનારોલ’ની કથામાં માનગૌરવ માટે પ્રાણને હોડમાં મૂકનાર વીરાત્માઓનું વાસ્તવિક ચિત્રણ છે. ‘ખગેમ્બા’ (1597–1652) નામના મહાન મૈતેઈ રાજાની સાહસપૂર્ણ સિદ્ધિઓનું ચિત્રણ ‘નન્ગ્સામેઈ’માં છે.

વીરત્વની સાથે જ સ્નેહનો મહિમા ‘નન્ગ્પાન પૉમ્પી લ્યુવાઓપા’માં જોવા મળે છે. તેમાં પ્રેમી પોતાની પ્રિયતમાના આત્માને પાછો મેળવવા માટે યમરાજને પણ લલકારે છે. ‘નાઓથિન્ગ ફમ્બાલ કાબા’ લન્ગ્માઈ રાજકુમારીના પ્રણયને નિરૂપતી કરુણાન્ત કથા છે. ‘ખોન્ગ્ચોમ્નુપી નોન્ગ્કારોલ’ ઉચ્ચ કુળની 6 લુવાન્ગ કન્યાઓના 6 આદિવાસી જુવાનો સાથેના પ્રેમની કથા છે, જેમાં સામાજિક રૂઢિઓ સામેનો પ્રેમીજનોનો સંઘર્ષ નિરૂપાયો છે. ‘ચોથે થન્ગ્વાઈ પખન્ગ્પા’ પણ ઑર્ફિયસ અને યૂરિડિસીની કથાનું સ્મરણ કરાવે એવી પ્રગાઢ પ્રેમની કથા છે. જોકે અહીં મૃત પતિની  પાછળ એની પત્ની જાય છે અને ભય-આતંકના રાજા પાસેથી પોતાના પતિના આત્માને પાછો મેળવે છે.

આ ઉપરાંત આ ગાળા દરમિયાન ‘પોઈરેઈટોન ખુન્થોક’ આ ખીણમાં પહેલી સદીના અંતભાગમાં થઈ ગયેલા એક સાહસવીરની કથા છે, જેની હસ્તપ્રત આ ભાષાની મૂળ લિપિમાં લખાયેલી જૂનામાં જૂની હસ્તપ્રતો પૈકીની એક છે. આ કૃતિ મણિપુરી સાહિત્યના એક સીમાચિહ્નરૂપ છે. આમ તો આ પ્રાચીન સમયની કૃતિઓ પઠન કે ગાન માટેની હોઈ એમાં ઓછેવત્તે અંશે કવિતાનાં તત્વો પણ જોવા મળે છે; પરંતુ આ ‘પોઈરેઈટોન ખુન્થોક’ એમાં અપવાદરૂપ છે. તેમાં ગદ્ય છે અને તેમાં અલંકારોનો ઠઠારો નથી. સલ્કાઓમાં ગોધાયુદ્ધની કથાનું લાક્ષણિક રૂપ જોવા મળે છે. મૈતેઈ રાજા ચરૈરોન્ગ્બા(1697–17૦9)રચિત ‘લેઈરોન’માં નિસર્ગની વનશ્રી ને જલશ્રીનું રમણીય આલેખન છે. મણિપુરી સાહિત્યમાં ઐતિહાસિક તવારીખ પર નિર્ભર કથાત્મક ગ્રંથોમાં ‘નિન્ગ્થોઉરોલ લમ્બુબા’ ‘મણિપુરની રાજતરંગિણી’ તરીકે ઓળખાય છે. તે એ પ્રકારનો જૂનામાં જૂનો ગ્રંથ છે.

અઢારમી સદીના આગમન સાથે મણિપુરી સાહિત્યમાં મોટો વળાંક આવે છે. માત્ર રાજકીય જ નહિ, ધાર્મિક અને સામાજિક ઇતિહાસમાંયે મહત્વનાં પરિવર્તનો આવે છે. રાજા ચરૈરોન્ગ્બાએ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય સ્વીકાર્યો તેમ છતાં તે તેની પ્રજાને એ સંપ્રદાયનો રંગ લગાડી શક્યો નહોતો; પરંતુ એનો પુત્ર પમ્હેઈબાગ – રીબનિવાજ (17૦9–1748) રાજા થયો ત્યારે મોટાં પરિવર્તનો આવ્યાં. તેણે શાંતિદાસ ગોસ્વામીની પ્રેરણાથી રામની ઉપાસના સ્વીકારી અને પ્રજાને પણ આ નવી ઉપાસના તરફ વાળી. તેનો પ્રભાવ સાહિત્યમાં પણ પડ્યો. પ્રાચીન મણિપુરી, સંસ્કૃત અને બંગાળીમાં કલમ ચલાવી જાણનારા લેખકો પ્રકાશમાં આવ્યા. સમગ્ર રામાયણ તેમજ મહાભારતનાં કેટલાંક રસપ્રદ પર્વો પ્રાચીન મણિપુરીમાં ઊતર્યાં. આ ગાળાના નવા લેખકોમાં અગ્રેસર અન્ગોમ ગોપીએ કૃત્તિવાસના રામાયણનો આધાર લઈ જે રામકથા આપી તેમાં વાલ્મીકિ-રામાયણનો તેમજ સ્થાનિક વાતાવરણનોયે યત્કિંચિત્ પ્રભાવ જોઈ શકાય છે. બંગાળના વૈષ્ણવ ધર્મનો પ્રભાવ મણિપુરી નૃત્ય તેમજ નાટ-સંગીત પૂરતો મર્યાદિત ન રહેતાં મણિપુરી સાહિત્યમાંયે વિસ્તર્યો. ગોપીરામસિંગ વાન્ગ્ખેઈ, માધવરામ વાહેન્ગ્બા, લબાન્ગસિંગ કોન્થોઉજમ્બા, નિન્ગ્થોઉજમ્બા  માધવ અને વૃંદાવન વાયેન્ગ્બા જેવા કેટલાક જૂની મણિપુરી અને ભારતીય-આર્ય સાહિત્યના પારંગત સાહિત્યકારો આ ગાળામાં મળે છે. તેમાંયે માધવરામ સૌથી વધુ ધ્યાનપાત્ર સાહિત્યકાર છે. ‘લન્ગ્લોન’ (નીતિવચનો), ‘વિરાટસન્થુપ્લોન’ (વિરાટ પર્વ) અને ‘ચિન્ગ્થાન્ગખોમ્બા મહારાજ ગંગા ચટ્પા’ (મહારાજા ભાગ્યચંદ્રની શ્રીપતક્ષેત્રની યાત્રાનો વૃત્તાંત) તેમની ચિરંજીવી રચનાઓ છે. આ ભાગ્યચંદ્રના શાસનકાળ દરમિયાન જ મધ્યયુગીન મણિપુરી સાહિત્યની પરાકોટિ સધાઈ હતી.

ઓગણીસમી સદી દરમિયાન રાજાઓનાં ઐતિહાસિક ચરિત્રો લખાવા માંડ્યાં; જેમ કે, ‘સમ્સોક ન્ગમ્બા’માં ગરીબનિવાજની બ્રહ્મદેશ પરની જીતનું બયાન છે. ‘ખાહી ન્ગમ્બા’ (1829) અને ‘આવા ન્ગમ્બા’(187૦)માં અનુક્રમે મહારાજા ગંભીરસિંગે (1815–184૦) ખાસી અને બ્રહ્મદેશ સામે દાખવેલા વીરત્વનો વૃત્તાંત છે. ‘ચંદ્રકીર્તિ મહારાજ જિલા ચાંગ્બા’(1875)માં મહારાજ ચંદ્રકીર્તિની હિન્દુસ્તાનના ગવર્નર જનરલ સાથે 1876માં સિલ્ચર ખાતે થયેલી મુલાકાતનું તાર્દશ વર્ણન છે.

વળી મણિપુરી કથાસાહિત્યના પૂર્વાવતારરૂપ કૃતિઓમાં નળદમયંતીને અનુસરતી ‘ધનંજોઈ લાઈબુ નિન્ગ્બા’, કલ્પના અને વાસ્તવનો સુમેળ નિરૂપતી ‘સનમનિક’, બોધિસત્વનો આદર્શ આલેખતી ‘અરોન્ગ નંદકુમાર’ અને સ્વર્ગલોક અને પૃથ્વીલોકની વાત રજૂ કરતી ‘બીરસિંગ પાંચાલી’ ઉલ્લેખપાત્ર છે.

વળી નવા ધર્મનો ઉદય જ્યારે થવામાં હતો તે સમયે અઢારમી સદીના મધ્યમાં પરંપરાગત ધર્મે પોતાનું માથું ઊંચકતાં ‘સનમહી લૈકાન’ અને ‘સનમહી લૈહુઈ’ જેવી કૃતિઓ રચાઈ; પણ પછી પરંપરાગત ધર્મનું જોર ઓસરી ગયું, અને 1891માં તો બ્રિટિશ શાસનનો આરંભ થતાં નવા યુગનો – નવા વાતાવરણનો સાંસ્કૃતિક-સાહિત્યિક ક્ષેત્રે પ્રભાવ પડ્યો. 189૦માં ‘મણિપુરેર ઇતિહાસ’ નામે પહેલું મુદ્રિત પુસ્તક કોલકાતાના બાપ્ટિસ્ટ મિશન પ્રેસ તરફથી પ્રગટ થયું. અંગ્રેજોના શાસન સાથે અંગ્રેજી કેળવણી તથા પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમજ ખ્રિસ્તી ધર્મ વગેરેનું વર્ચસ્ વધ્યું અને તેની દૂરગામી અસરો મણિપુરી ભાષા-સાહિત્યમાં વરતાવા લાગી. બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યના સંપર્કે મણિપુરની જનતામાં પોતાનાં ભાષા-સાહિત્ય માટેની અસ્મિતા પ્રજ્વલિત થઈ અને તેથી નવા ઉત્સાહ ને જોમ સાથે મણિપુરી ભાષા-સાહિત્યનું ખેડાણ થવા લાગ્યું.

સ્વાતંત્ર્ય પૂર્વેના દાયકાઓમાં રોમૅન્ટિક આદર્શવાદ, પ્રકૃતિપ્રેમ તથા મણિપુરના ગૌરવ માટેનો ઉત્સાહભર્યો ઉપક્રમ મણિપુરી કવિતામાં પ્રભાવક રહેલો જણાય છે. ચાઓબાસિંગ (1896–1995), કમલસિંગ (1899–1934) અને અંગાન્ઘાલસિંગ (1892–1944) અર્વાચીન મણિપુરી સાહિત્યના અગ્રેસર લેખકો હતા. તેમણે કવિતા, ટૂંકી વાર્તા નાટક અને નિબંધમાં સારા પ્રમાણમાં પ્રદાન કર્યું છે. કમલની ‘માધબી’, ચાઓબાની ‘લબંગલતા’ અને અંગાન્ઘાલની ‘જહેરા’ નવલકથાઓનું આકર્ષણ આજે પણ છે. ચાઓબાએ મણિપુરી કવિતાને નવું પરિમાણ આપ્યું. કમલની કવિતામાં સ્વદેશપ્રેમ, માનવતાવાદ અને વૈશ્વિકતાનું દર્શન પ્રગટ થયું. અંગાન્ઘાલસિંગની કવિતામાં ગ્રામીણ જીવનનો પરિવેશ જોવા મળે છે. તેમનું ‘ખમ્બા થોઈબી શેઈરેન્ગ’ (194૦) મણિપુરીઓના પ્રથમ મહાકાવ્ય તરીકે પ્રતિષ્ઠિત છે. તેમાં લોકકવિતાની રાસડાની શૈલીનો આશ્રય લેવામાં આવ્યો છે. આ પછી કવિ દોરેન્દ્ર, નવલકથાકાર શીતલજિત તેમજ અન્ય અનેક સાહિત્યકારો મણિપુરી સાહિત્યને પોતપોતાની રીતે સમૃદ્ધ કરતા રહ્યા છે.

બીજા વિશ્વયુદ્ધનો પ્રભાવ મણિપુરી સાહિત્ય પર પણ પડ્યો જણાય છે. યુવાપેઢી પોતાની આગવી ઓળખ સાહિત્યમાં પ્રગટ કરવા કટિબદ્ધ છે. આ યુવાપેઢીને પરંપરાગત ભાવનાવાદ આકર્ષતો નથી. આધુનિક સમાજમાં પ્રવર્તતી નૈતિક કટોકટી પ્રતિ તેઓ સવિશેષ દત્તચિત્ત છે. નીલકાન્ત, સમરેન્દ્ર, પદ્મકુમાર, બીરેન, ઈબોપિશકસિંગ, આર. કે. મધુબીર અને આઈબોમ્ચા વગેરેએ પોતાની આધુનિક જીવન વિશેની સંવેદના નિખાલસતાથી કવિતામાં પ્રગટ કરી છે. રામસિંગ, રજનીકાન્ત, પાચા મૈતેયી અને એચ. ગુનોસિંગ તેમની નવલકથાઓમાં યુદ્ધખોરીની કરુણતા દર્શાવવા સાથે સમકાલીન જીવનની વિક્ષિપ્તતા પણ દર્શાવે છે. યુદ્ધોત્તર મણિપુરી સાહિત્યની વિષય અને સ્વરૂપ અંગેની પ્રૌઢિનાં પ્રભાવક દર્શન નાટકમાં થાય છે. બોર્માની, ટોમ્બા, બીરમંગોલ, જી. સી. ટોન્ગ્બ્રા, રામચંદ્રન, એ. સમરચંદ્ર, કન્હાઈલાલ અને ટોમ્ચોઉએ મણિપુરી રંગભૂમિને એમની નાટ્યરચનાઓથી જીવતી રાખી અને લોકોને સંસ્કારશિક્ષણ સાથે મનોરંજન પૂરું પાડ્યું. ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમ. કે. બિનોદિનીદેવી, પ્રકાશસિંગ, એન. કુંજમોહનસિંગ, ઈ. દિનમણિસિંગ અને એલ. વીરમણિસિંગનો ફાળો નોંધપાત્ર છે. મણિપુરીમાં હવે અનુવાદ-સાહિત્યનો વિકાસ પણ નોંધપાત્ર પ્રમાણમાં થઈ રહ્યો છે.

ચન્દ્રકાન્ત શેઠ