ભોજપુર : મધ્યપ્રદેશના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલા રાયસેન જિલ્લાના ગોહરગંજ તાલુકાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ. તે ગોહરગંજથી ઉત્તરે 13 કિમી. અંતરે બેટવા નદી નજીક પૂર્વ તરફ આવેલું છે. આ ગામ તેના અદભુત કોતરણીવાળા, ભવ્ય શિવમંદિર અને એક વખતના વિશાળ બંધ માટે જાણીતું બનેલું છે. પરમાર વંશના રાજા ભોજે અગિયારમી સદીમાં આ ગામમાં શિવમંદિર બંધાવેલું હોવાનું કહેવાય છે, પરંતુ ગૅઝેટિયર તેને બારમી કે તેરમી સદીમાં બંધાયેલું હોવાનું જણાવે છે. આ મંદિર લંબચોરસ આકારનું છે. તેના ચાર દળદાર સ્તંભો પર અધૂરો છોડેલો, કોતરણીથી સજાવટ કરેલો ઘુમ્મટ પણ છે. આ મંદિરમાં 2.3 મીટર ઊંચાઈવાળું શિવલિંગ છે.

શિવમંદિરની તદ્દન નજીકમાં એ જ અરસામાં બંધાયેલું અધૂરા બાંધકામવાળું એક જૈનમંદિર પણ છે. તેમાં 6 મીટર ઊંચી આદિનાથ(ઋષભદેવ)ની પ્રતિમા છે.

ભોજપુરની પશ્ચિમે ક્યારેક એક વિશાળ જળાશય હતું. આજે તો ત્યાં તેના અસ્તિત્વની સાક્ષીરૂપ બે ભાગમાં વહેંચાયેલા બંધના ભગ્નાવશેષો જ માત્ર જોવા મળે છે. પંદરમી સદીમાં આ બંધનો નાશ કરવામાં આવેલો. અહીં આવેલી ટેકરીથી રચાતા અવરોધને કારણે જળાશયનું સ્થાન પસંદ કરાયેલું. ટેકરીઓની વચ્ચે 90 મીટર અને 450 મીટરના બે ખુલ્લા ભાગ હતા. ત્યાં રેતીખડકનાં ગચ્ચાં અને માટીની પૂરણી કરીને રાજા ભોજના વખતમાં બંધ તૈયાર કરવામાં આવેલો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત બેટવા નદીના રેતીખડકવાળા કાંઠે એક ગુફા પણ છે. ત્યાં દેવીની એક મૂર્તિ છે. 1980ના દસકાનાં છેલ્લાં વર્ષો દરમિયાન કોઈ એક સાધુને ખોદકામ દરમિયાન આ મૂર્તિ મળી આવેલી.

ગિરીશભાઈ પંડ્યા