ભોજક, રસિકલાલ ચીમનલાલ

January, 2001

ભોજક, રસિકલાલ ચીમનલાલ (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સ્વરકાર. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ કિશોરાવસ્થાથી જ પ્રથમ સ્થાન મેળવતા હતા.

ભાવનગર રાજ્યના દરબારી સંગીતકાર અને તેમના પિતરાઈ ભાઈ દલસુખરાય ભોજક પાસે તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક તાલીમ લીધી. ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયા પછી વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલા ડાયમંડ જ્યુબિલી બ્રૉડકાસ્ટિંગ સ્ટેશનની સ્વરપરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા. મુંબઈની પ્રસિદ્ધ એચ.એમ.વી. ગ્રામોફોન કંપની દ્વારા તેમનાં 4 ગુજરાતી ગીતો રેકર્ડ કરાતાં તેમને ગુજરાતભરમાં ખ્યાતિ મળી.

રસિકલાલ ચીમનલાલ ભોજક

1950માં આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર કલાકાર (staff artist) તરીકે તેમની નિમણૂક થઈ ત્યારથી સતત 35 વર્ષ સુધી તેમનું લોકપ્રિય સંગીત ગુજરાતને મળતું રહ્યું. 1951માં સુગમ સંગીત વિભાગમાં સંગીત નિયોજક (composer) તરીકે તેમની પસંદગી થઈ. 1952માં તે ઉપર્યુક્ત સંગીત-એકમના નિર્માતા બન્યા. એ જ વર્ષે નટમંડળના ઉપક્રમે રજૂ થયેલ જયશંકર ‘સુંદરી’ દિગ્દર્શિત સંગીતપ્રધાન નાટક ‘મેના ગુર્જરી’નું સંગીત તેમણે સ્વરબદ્ધ કર્યું. પ્રસ્તુત સંગીતનાટકની આકાશવાણીના ઑપેરાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં તથા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ ઑવ્ ઑપેરા પ્રસંગે દિલ્હી ખાતે તેમણે પ્રભાવક રીતે રજૂઆત થઈ.

1951થી 1959 સુધી આકાશવાણી–અમદાવાદ ખાતે કેન્દ્રનિયામક તરીકેનો હવાલો સંભાળ્યો. આકાશવાણી–રાજકોટ કેન્દ્ર ખાતે સુગમ સંગીત વિભાગના વડા તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક લોકગાયકોની સ્વરબંદિશો પ્રસારિત કરી તેમણે લોકચાહના મેળવી.

1959માં ઇન્દોર ખાતે સંગીત પ્રોડ્યુસર તરીકે તેમની બદલી થઈ.

1962માં ભારત પરના ચીની આક્રમણ વખતે યોજાયેલ સંગીતકાર્યક્રમમાં હરિકૃષ્ણ પ્રેમી રચિત કથાગીત ‘શહીદ કી માં’ની રચનાને તેમણે દર્દીલી સુરાવલીમાં હૃદયસ્પર્શી કંઠે રજૂ કર્યું. જેનાથી તેમને દેશવ્યાપી ખ્યાતિ મળી. મધ્યપ્રદેશના બસ્તર અને છત્તીસગઢ જિલ્લાના પ્રાદેશિક લોકસંગીતની લાક્ષણિકતા આત્મસાત્ કરી પોતાની સ્વરરચનાઓમાં તેનો તેમણે કલામય વિનિયોગ કર્યો હતો.

1965માં અમદાવાદ ખાતે પુન: બદલી થઈ, ત્યારે નવરાત્રિ દરમિયાન નિમંત્રિત પ્રેક્ષકો સમક્ષ ગુજરાતના ગરબાની રજૂઆત કરી, તેનું સહ-પ્રસારણ કરી, વિકાસ-પ્રસાર માટેનું સુંદર વાતાવરણ ઊભું કર્યું. શિવમહિમ્ન:સ્તોત્ર, સંભવામિ યુગે યુગે, રામચરિતમાનસ, ગીતગોવિન્દ, તથા નરસિંહ અને દયારામની કેટલીયે રચનાઓને શ્રોતાવર્ગ સમક્ષ ભાવવાહી સ્વરોમાં પ્રસારિત કરવામાં તેઓ અગ્રેસર રહ્યા હતા.

તેઓ સ્પષ્ટવક્તા, સંગીત-રિહર્સલમાં શિસ્તના ચુસ્ત આગ્રહી અને સમૂહગાનમાં સ્વરની સંવાદિતાના ઉત્કટ હિમાયતી હતા. ગીતરચનાનાં મૂળ ભાવને પ્રામાણિકપણે વફાદાર રહી તે અનુસાર તેઓ સ્વરબંદિશો કરતા હતા.

ગુજરાતના લગભગ તમામ જાણીતા ગીતકારોની રચનાઓને તેમની સ્વરગૂંથણીનો લાભ મળ્યો હતો. ‘સ્વરમ્’ નામની સંસ્થાના સ્વરકાર તરીકેની જવાબદારી તેમણે અવસાન સુધી સંભાળી હતી.

ગુજરાત સરકારનો 1989–90ના વર્ષનો ગૌરવ પુરસ્કાર તેમને મરણોત્તર અપાયો હતો.

બળદેવભાઈ કનીજિયા