ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય

January, 2001

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય (Directorate of Geology and Mining) : ગાંધીનગર, ગુજરાત રાજ્ય : ખનિજ-વહીવટ, ખનિજ-સંશોધન અને ખનિજ-પૃથક્કરણનાં કાર્યો કરતું ગુજરાત રાજ્યનું એક ખાતું. તેની વડી કચેરી ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેલી છે. થોડાંક વર્ષ અગાઉ તેનું આ ઉપર દર્શાવેલું નામ બદલીને ‘કમિશનરેટ ઑવ્ જિયૉલોજી ઍન્ડ માઇનિંગ’ રાખવામાં આવેલું છે. વહીવટી, સંશોધનાત્મક, પ્રાયોગિક તથા અન્ય કામગીરીની સરળતા માટે વડી કચેરી સહિત એકવીસ જિલ્લા કચેરીઓ, ચાર સંશોધન વર્તુળ કચેરીઓ અને પ્રયોગશાળા જેવા વિભાગોમાં આ ખાતાને વહેંચી નાખવામાં આવેલું છે. સંશોધન વર્તુળ કચેરીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ ખાતે આવેલી છે. પ્રાયોગિક કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે.

ખાતાના કાર્યક્ષેત્રના વિસ્તારોમાં રાજ્ય સરકારના સ્ટેટ જિયોલૉજિકલ પ્રોગ્રામિંગ બૉર્ડ દ્વારા પૂર્વઆયોજિત ભૂસ્તરીય નિરીક્ષણ, તલસ્પર્શી નિરીક્ષણ તથા શારકામનાં ક્ષેત્રીય કાર્યો અમલમાં મુકાય છે. આ યોજનાઓના અમલ બાદ ભૂસ્તરીય ક્ષેત્રીય સંશોધન અહેવાલો તૈયાર કરવામાં આવે છે. ખનિજ-આધારિત ઉદ્યોગો કે ખનિજ-ઉત્ખનન-પરિયોજનાઓ શરૂ કરવામાં રસ ધરાવતા ઉદ્યોગકારોને માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે તે અંગેના અહેવાલો સુલભ કરવામાં આવે છે.

આ ખાતાના મુખ્ય મથક ગાંધીનગર ખાતે ‘શિલાવિજ્ઞાન અને ખનિજ રાસાયણિક પૃથક્કરણ પ્રયોગશાળા’ ખનિજ ઉદ્યોગગૃહો કે ખનિજ-પટ્ટેદારો દ્વારા રાસાયણિક તથા ભૌતિક ગુણધર્મોની ચકાસણી માટે રજૂ થતા ખડક અને ખનિજ નમૂનાઓનું અભિજ્ઞાન કરી, તેના પૃથક્કરણ અહેવાલ નહિ નફા નહિ નુકસાનના ધોરણે નિયત મૂલ્યથી તૈયાર કરી આપે છે. આ ઉપરાંત, ખાનગી ઇસમો દ્વારા રજૂ થતા નમૂનાઓનું પૃથક્કરણ પણ ખાતાકીય નમૂનાઓની સરખામણીમાં અગ્રિમતાના ધોરણે તે કરી આપે છે.

પ્રયોગશાળાના શિલાવિજ્ઞાન, ખનિજ-રસાયણ અને દૂરસંવેદનના વિભાગો ખનિજ-પૃથક્કરણ, ખડક-ખનિજઓળખ તથા ખડકસ્તર-વયનિર્ધારણનાં  પ્રાયોગિક કાર્યો આધુનિક પૃથક્કરણ–ઉપકરણોની સહાયથી કરે છે. શિલાવિજ્ઞાન વિભાગ સૂક્ષ્મદર્શક યંત્રોની મદદથી ખડક-ખનિજ-છેદોનાં બંધારણ અને તેમની ગોઠવણી, મૉડેલ પૃથક્કરણ, વિશિષ્ટ ઘનતા, ખડક-કાપ તેમજ પૉલિશ માટેના ગુણધર્મો તથા ઇજનેરી ગુણધર્મોની ચકાસણીનું કાર્ય કરે છે. ખનિજ-રસાયણ-વિભાગ એક્સરે ડિફ્રૅક્ટૉમિટર, ઍટમિક ઍબ્સૉર્પ્શન સ્પેક્ટ્રોમિટર, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમિટર, ડિફરન્શિયલ થર્મલ ઍનલાઇઝર-થર્મલ ગ્રૅવિમેટ્રિક ઍનલાઇઝર, માલવન પાર્ટિકલ સાઇઝ ઍનલાઇઝર, સેડિમેન્ટેશન બૅલેન્સ, બૉમ્બ કૅલરીમીટર જેવાં સાધનોની સહાયથી તથા સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓથી રાસાયણિક ગુણધર્મોની તેમજ ભૌતિક ગુણધર્મોની ચકાસણી કરે છે. દૂર-સંવેદન-વિભાગ સૅટેલાઇટ ઇમેજરી તથા એરિયલ ફોટોગ્રાફની સહાયથી ભૂસ્તરીય નકશાઓમાં સ્તરરચના તથા ખડકસ્તરોની ગોઠવણીનો સ્તરાનુક્રમ, રચનાત્મક લક્ષણો વગેરેના અભ્યાસ દ્વારા વ્યાપારીય ખડકો-ખનિજોની ઉપલબ્ધિના સંભવિત વિસ્તારોને અંકિત કરે છે. પ્રયોગશાળા પૃથક્કરણ-મૂલ્યોના દરોની વાર્ષિક સમીક્ષા કરી, દર વર્ષે સુધારેલા પૃથક્કરણદરનાં મૂલ્યોની યાદી બહાર પાડે છે.

ખાતાની વહીવટી પાંખ મુખ્ય તેમજ ગૌણ ખનિજના ઉત્ખનન માટેનાં કાર્યો પર દેખરેખ રાખે છે અને તેમનું સંચાલન કરે છે. ગુજરાત ગૌણ ખનિજ ધારા 1966 મુજબ નિયત કરેલ રાજભાગ (રૉયલ્ટી), ડેડ રેન્ટ, સરફેઇસ રેન્ટના હિસાબ તથા બિનઅધિકૃત ઉત્ખનન-કાર્ય પર નિયંત્રણ, રૉયલ્ટીની ઉચાપતની રોકનું કાર્ય ‘ફ્લાઇંગ સ્ક્વૉડ’ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા અને રાજકોટ વિભાગીય કચેરીઓ મારફતે થાય છે. ગૌણ ખનિજોના ઉત્ખનન-પટ્ટાઓની અરજીઓ, મંજૂરી-હુકમો, કરારખત, નવીનીકરણ, રદબાતલ જેવાં કાર્યો ખાતાની જિલ્લા-કચેરીઓ જિલ્લા-સમાહર્તાના સક્ષમપણા નીચે અમલમાં મૂકે છે. મુખ્ય ખનિજ માટેના ઉત્ખનન-પટ્ટાઓના તક્નીકી અને જમીન-ઉપલબ્ધિના અહેવાલો અંગે તે રાજ્ય સરકારને ભલામણ કરે છે. વળી, કેન્દ્ર સરકારનું ખાણમંત્રાલય પણ રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગનાં કાર્યોને તેમનાં સલાહસૂચનો તથા દોરવણી મુજબ અમલમાં મૂકે છે.

કમિશનર-કચેરી દ્વારા મુખ્યમથકની આંકડાકીય બાબતો, ખાણપટ્ટા, ક્ષેત્રીય અહેવાલ, તક્નીકી બાબતો, પ્રકાશન વગેરેનો સામાન્ય વહીવટ થાય છે. ફ્લાઇંગ સ્ક્વૉડ વિભાગોના સંબંધિત અધિકારીઓની  સહાયથી રાજ્યમાં ખનિજ અને ખાણકાર્ય કચેરીનું સંચાલન કરવામાં આવે છે. રાજ્યમાં મુખ્ય તથા ગૌણ ખનિજ-પટ્ટેદારો દ્વારા ઉત્ખનનકાર્ય પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે થાય તેની ચોકસાઈ રખાય છે. ખાણોના ખનનકાર્ય પર નિયંત્રણ રાખતા કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પરામર્શથી સલામતી માટે પૂરતી કાળજી લેવાય છે. રાજ્ય સરકારના ખનિજ વિકાસ નિગમ (mineral development corporation)ના પ્રૉજેક્ટોના સંચાલન અને વિકાસ માટે ખાતા દ્વારા તક્નીકી સલાહસૂચનો તથા ખનિજ-સંશોધનનાં પરિણામોની ઉપલબ્ધિ ખાતાના વડાના પ્રતિનિધિત્વ હેઠળ કરવામાં આવે છે. આ ખાતું રાજ્યમાં ખનિજ-ઉદ્યોગમાં મૂડીરોકાણ આકર્ષવા રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ, પરિસંવાદો, કાર્યશાળાઓ, ચર્ચાબેઠકો તથા પ્રદર્શનોનું આયોજન કરે છે તેમજ તેમાં ભાગ પણ લે છે. ખનિજ-ઉદ્યોગોનાં વિકાસ અને ઉત્ખનન કાર્ય-યાંત્રિકીકરણ માટે તે દોરવણી તથા સલાહસૂચનો પણ આપે છે.

આ ખાતાની કચેરી રાજ્યમાં ખાણ અને ખનિજ-પ્રવૃત્તિઓનું સંચાલન કરી ખનિજ-જથ્થાઓ તથા તેમની ગુણવત્તાના ધોરણે ખનિજ-આધારિત ઉદ્યોગોના વિકાસ માટે, બહુમૂલ્ય ખનિજ-પ્રૉજેક્ટો માટેના પ્રોફાઇલ્સ, તલસ્પર્શી અભ્યાસ-અહેવાલો વગેરે વખતોવખત પ્રકાશિત કરે છે. આ ઉપરાંત કચેરીનાં કાર્યો તથા ખનિજ-ખાણને સ્પર્શતી બાબતોને આવરી લેતું ત્રૈમાસિક ‘મિનરલ વેલ્થ’ રાજ્યની ખનિજરસિક જનતા માટે પ્રકાશન-શાખા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

જયંતી વિ. ભટ્ટ