ભૂસંનતિ (geosyncline)

January, 2001

ભૂસંનતિ (geosyncline) : ઘણી લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતું વિશાળ પરિમાણવાળું દરિયાઈ થાળું, પૃથ્વીના પોપડાનો એવો ભાગ જે લાખો વર્ષોને આવરી લેતા લાંબા ભૂસ્તરીય કાળગાળા સુધી અવતલન પામતો જતો હોય તેમાં આજુબાજુના ખંડીય વિસ્તારોમાંથી ઘસારાજન્ય શિલાચૂર્ણનો જથ્થો કણજમાવટ પામતો જતો હોય તથા જમાવટના બોજથી વધારે ને વધારે દબતો જતો હોય. ક્રમશ: જમાવટ અને અવતલનની ક્રિયા જેમાં થતી રહે એવા થાળાને ભૂસંનતિમય થાળું અથવા ભૂસંનતિ કહે છે. થાળું જેમ જેમ દબતું જાય અને જમાવટ પામતું જાય છે તેમ તેમ દાબનાં પ્રતિબળો કાર્યરત બને છે, વિરૂપતા ઉદભવે છે, સંરચનાઓ આકાર લેતી જાય છે, ભીંસ વધતી જાય છે, ખડકસ્તરો વિકૃતીકરણ પામતા જાય છે. આવી જમાવટના નીચેના વિભાગ પર થતા વધુ પડતા દાબ અને તાપમાનની અસર હેઠળ ક્યારેક મૅગ્મા તૈયાર થાય છે. તે ઉપરનાં ખડકસ્તરોમાં અંતર્ભેદન પામી ગ્રેનાઇટના આગ્નેય જથ્થાઓનું નિર્માણ કરે છે, ક્યારેક એ જ મૅગ્મા પ્રસ્ફુટન પામી જ્વાળામુખી ખડકો પણ બનાવે છે. જમાવટ અને અવતલન વચ્ચે સમતુલા જળવાય ત્યાં સુધી આ પ્રમાણેનો ઘટનાક્રમ ચાલુ રહે છે. સંતુલન જોખમાતાં સમગ્ર થાળું ઉત્થાનના ક્રમિક તબક્કાઓમાં ફેરવાતું જઈ, વિશાળ ગેડપર્વત-પટ્ટામાં પરિણમે છે, સાથે સાથે જાતજાતના સ્તરભંગો, ગેડીકરણ, ધસારા, નેપ વગેરે જેવાં મોટા પાયા પરનાં રચનાત્મક લક્ષણો પણ તેમાં ઉદભવતાં જાય છે. આવી પર્વતરચનાઓમાં સ્થાનભેદે અને ઉપલબ્ધ સંજોગભેદે સ્તરનમન વિરૂપતા અને વિકૃતિભેદ જોવા મળે છે. આખીય આલ્પ્સ-હિમાલય પર્વતમાળા બિલકુલ આ પ્રમાણેના જ ઘટનાક્રમમાં તૈયાર થયેલી છે. ભૂસ્તરીય અતીતમાં આલ્પ્સ-હિમાલયની જગાએ ટેથિયન ભૂસંનતિમય થાળું અસ્તિત્વ ધરાવતું હતું. પર્મિયનથી ઇયોસીન સુધીના લાંબા કાળગાળા દરમિયાન તેમાં જમાવટ થયા કરેલી. આમ આ બંને પર્વતસંકુલો ભૂસંનતિમય થાળામાં થયેલી જમાવટની અંતિમ પેદાશ છે. મૅક્સિકોનો અખાત વર્તમાન ભૂસંનતિમય થાળાનું નાના પાયા પરનું ઉદાહરણ છે.

ભૂસંનતિમય થાળાથી માંડીને ગેડપર્વત રચના સુધીનો આખોય ઘટનાક્રમ સમજવા માટે પૃથ્વીની સપાટી પર જોવા મળતાં કેટલાંક ભૂપૃષ્ઠ લક્ષણોની વિગતોમાં ઊતરવું જરૂરી છે. પૃથ્વીના પોપડાને ભૂપૃષ્ઠરચનાત્મક માળખાના સંદર્ભમાં તેનાં પ્રાકૃતિક લક્ષણોને એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ પડી જતાં નીચે મુજબના ત્રણ વિભાગોમાં વહેંચી શકાય છે : (1) ખંડીય ભૂમિભાગો ; તે સમુદ્ર-સપાટીથી શરૂ થાય છે અને 8872 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ ધરાવે છે. તેમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો તથા ખીણપ્રદેશો આવેલા છે. સામૂહિક રીતે જોતાં તેમની સરેરાશ ઊંચાઈ માત્ર 800 મીટર જેટલી જ થાય છે. તેમના બંધારણમાં રહેલા ખડકો ઓછી વિશિષ્ટ ઘનતાવાળા એટલે કે હલકા છે. તેમના મધ્યસ્થ ભાગોમાં અતિપ્રાચીન(પ્રી-કૅમ્બ્રિયન) ભૂકવચ આવેલાં છે, કિનારી-ભાગો વિરૂપતા અને વિકૃતીકરણ પામેલી પર્વતમાળાઓથી વીંટળાયેલા છે. આવી પર્વતમાળાઓના બંધારણમાં રહેલા ખડકોનાં વય કેમ્બ્રિયનથી અર્વાચીન કાળ સુધીનાં હોઈ શકે છે. (2) વિશાળ મહાસાગરીય થાળાં : ખંડોની ઊંચાઈની તુલનામાં આ વિભાગની ઊંડાઈ વધુ છે. તેમાં મધ્ય મહાસાગરીય ડુંગરધારો, સમુત્પ્રપાતો, જુદા જુદા પ્રકારના ઢોળાવો, મેદાની લક્ષણવાળા તળવિસ્તારો, 11 કિમી. જેટલી ઊંડાઈ ધરાવતી ખાઈઓ, સપાટ શિરોભાગવાળા ગીયૉટ, તથા શૃંખલાબદ્ધ કે છૂટા છૂટા જ્વાળામુખી-ટાપુઓ આવેલા છે. સામૂહિક રીતે જોતાં તેમની સરેરાશ ઊંડાઈ 5 કિમી. જેટલી છે. તેમના બંધારણમાં રહેલા ખડકો વધુ વિશિષ્ટ ઘનતાવાળા એટલે કે ભારે છે. ખંડોની તુલનામાં તે પ્રાચીન નથી, તેમના ખડકોનાં વય ઓછો ભૂસ્તરીય કાળગાળો આવરી લે છે. (3) ખંડીય કિનારીઓ : ઉપર્યુક્ત બે વિભાગોને જોડતો, ઓછા પ્રમાણમાં વિસ્તરેલો વિભાગ.

આ ત્રણેય વિભાગો તેમનાં ભૂપૃષ્ઠ-લક્ષણોમાં ઘણી વિવિધતા ધરાવે છે. પશ્ચિમ પૅસિફિક ધાર પરનો પટ્ટો ભૂકંપીય અને જ્વાળામુખીની ર્દષ્ટિએ ઘણો જ ક્રિયાશીલ છે. દૂરતટીય ટાપુઓની દ્વીપચાપો પણ ત્યાં જોવા મળે છે; જ્યારે દક્ષિણ આટલાન્ટિક ધાર પરનો પટ્ટો ભૂકંપ, જ્વાળામુખી અને દ્વીપચાપોથી રહિત છે.

ખંડો : ખંડોમાં અલગ અલગ લક્ષણોવાળા બે વિભાગો છે : (1) જળકૃત અને જ્વાળામુખી ખડકોથી બનેલા લાંબા રેખીય પર્વતપટ્ટા. તે ગેડવાળા છે અને તેમનો મોટો-ભાગ વિકૃતીકરણ પામેલો છે, વળી તેમાં પ્રી-કૅમ્બ્રિયન કાળથી મૅગ્માજન્ય ખડકોનાં સંખ્યાબંધ અંતર્ભેદનો પણ થયેલાં છે. આવા વિભાગો પૃથ્વી પરના નબળા વિભાગો-mobile belts-તરીકે ઓળખાય છે. (ii) ખંડોના મધ્યસ્થ ભાગો લાંબા ભૂસ્તરીય કાળથી વિક્ષેપરહિત રહેલા છે. તે પ્રી-કૅમ્બ્રિયન કાળના આગ્નેય અને વિકૃત ખડકોથી રચાયેલા છે. તેમને પૃથ્વી પરના સ્થાયી (stable) વિભાગો અથવા અવિચલિત પ્રદેશો કે ભૂકવચ (shields) તરીકે ઓળખવામાં આવે છે.

ગેડપર્વત વિસ્તારો : અરવલ્લી, ઍપેલેશિયન, આલ્પ્સ, હિમાલય કે રૉકીઝ જેવી ગેડ-પર્વતમાળાઓ મોટેભાગે તો સ્થાયી ભૂકવચોની બાહ્યકિનારીઓ પર આવેલી છે. તે વિવિધ પ્રકારની ગેડ તેમજ ધસારા-સપાટીઓનાં લક્ષણોવાળી છે. રેખીય કે ચાપ આકારમાં ઘણી લંબાઈમાં વિસ્તરેલી છે. તેમના બંધારણમાં રહેલા સ્તરો જે થાળામાં જ્યારે પણ જામ્યા હશે ત્યારે ક્ષૈતિજ વલણ ધરાવતા હતા, પરંતુ આજે તો તે અમુક ચોક્કસ દિશાકીય નમનસ્થિતિવાળા બની રહેલા છે; એટલું જ નહિ તે અગાઉ જણાવ્યું તેમ, ગેડવાળા, ઘસારાસપાટીઓમાં તૂટીને સરકી ગયેલા કે એકબીજા પર ચઢી ગયેલા તેમજ વિક્ષેપ પામેલા નજરે પડે છે. દુનિયાભરની મોટાભાગની ગેડપર્વતમાળાઓ આ પ્રકારનાં જટિલ લક્ષણો ધરાવતી હોવાનું જણાયું છે. ન્યૂયૉર્ક જિયોલૉજિકલ સોસાયટી, યુ.એસ.ના ભૂસ્તરશાસ્ત્રી જેમ્સ હૉલે ત્યાંની ઍપેલેશિયન ગેડપર્વતમાળાનાં આવાં જટિલ લક્ષણોનો વિશદ અભ્યાસ કરીને તેમજ એવી અન્ય પર્વતમાળાઓનાં એવાં જ લક્ષણો સાથે સરખાવીને 1859માં તારવ્યું કે ‘‘કોઈ પણ પર્વતમાળાની રેખીય દિશાસ્થિતિ તેની મૂળભૂત જમાવટની દિશાસ્થિતિને અનુરૂપ રહેતી હોય છે.’’ અર્થાત્ તેમણે ભૂતકાળમાં પૃથ્વીના પટ પર અસ્તિત્વ ધરાવતા થાળામાં થયેલી અતિશય જાડાઈવાળી કણજમાવટ તથા તેની દિશાકીય સ્થિતિનું આજની જટિલ લક્ષણો ધરાવતી પર્વતમાળાઓ વચ્ચે ઉત્પત્તિજન્ય સંકલન કરી આપ્યું. લાંબા ભૂસ્તરીય કાળગાળા સુધી કણજમાવટ કરતા રહેતા આવા થાળા માટે તેમણે સર્વપ્રથમ વાર ભૂસંનતિ (geosyncline) શબ્દ પ્રયોજ્યો; સાથે સાથે એ પણ સમજાવ્યું કે આવું કોઈ પણ થાળું જેમ જેમ જમાવટ પામતું જાય છે, તેમ તેમ તેના નિક્ષેપબોજથી તે તેટલા જ પ્રમાણમાં ક્રમશ: અવતલન પણ પામતું જાય છે. ક્યારેક એક ભૂસ્તરીય યુગ જેટલા કાળગાળા સુધી આ સ્થિતિ ચાલુ રહે છે; દા.ત., એપૅલેશિયન ભૂસંનતિમય થાળું, ટેથિયન ભૂસંનતિમયથાળું વગેરે થાળામાં જામતા પ્રચંડ બોજથી વધુ નીચેના થરો દબાતા જઈ ઘનિષ્ઠ થતા જાય છે, વિક્ષેપ પામે છે, વિરૂપ બને છે, અનુકૂલન કરવામાં તેમાં કરચલીઓ પડે છે, થાળાની બાહ્ય કિનારીઓ તરફ ફંટાય છે, ખેંચાય છે, ક્યારેક તૂટે છે તો ક્યારેક વિકૃતીકરણ પણ થતું રહે છે. આ ઉપરાંત સૌથી નીચેના થરો દાબ અને ગરમીના સંજોગો હેઠળ પીગળી જઈ મૅગ્મા(ગ્રૅનાઇટિક મૅગ્મા)માં પણ ફેરવાય છે. આ મૅગ્મા-સ્તરોમાં થતી રહેતી વિરૂપતા અને વિક્ષેપ વખતે ઉપરના થરોમાં અંતર્ભેદકો રૂપે પ્રવેશે છે. કણજમાવટ અને અવતલન વચ્ચે લાંબા ગાળે જ્યારે પણ સંતુલન જોખમાય ત્યારે અવતલનને બદલે ઉત્થાનની સ્થિતિ શરૂ થઈ જાય છે, કારણ કે થાળું જે કણજમાવટનો જથ્થો મેળવે છે તે તેની નજીકના આજુબાજુના ભૂમિભાગના ધસારા અને ધોવાણથી આવ્યો હોય છે. આમ આવા બે ભાગો વચ્ચે સમતુલા ન જળવાવાથી આ વિશાળ જમાવટજથ્થાની ઊંચકાવાની સ્થિતિ ઉદભવે છે, જેમાં વધુ વિરૂપતા, વધુ ગેડીકરણ અને ધસારા-સપાટીઓનું પણ નિર્માણ થતું રહે છે. આ કારણે ભૂસંનતિમય થાળાં એ ભવિષ્યનાં પર્વતસ્થળો ગણાય છે. પૃથ્વીના પટ પર વિદ્યમાન વિશાળ પર્વતમાળાઓ ભૂતકાળમાં આવી જ ક્રિયાપદ્ધતિથી તૈયાર થયેલી છે. ઉત્થાનની આ પ્રકારની ક્રિયાપદ્ધતિમાં થાળાની આજુબાજુના ભૂમિભાગો પણ અમુક પ્રમાણમાં ઊંચકાય છે, તો વળી અવરોધાતા નજીકના કેટલાક ભાગો દબાતા જઈને અગ્રઊંડાણ(foredeep)માં પણ ફેરવાય છે; દા.ત., હિમાલયની તળેટીમાં આવેલું સિંધુ-ગંગાનું થાળું આજે મેદાની વિસ્તાર દેખાય છે. પરંતુ વાસ્તવમાં રચનાત્મક ર્દષ્ટિએ તે તેના તળભાગોમાં વળાંકોવાળું અને ઉત્તર-દક્ષિણ બાજુઓ પર સ્તરભંગોવાળું અગ્રઊંડાણ જ છે.

તેમ છતાં દુનિયાની બધી જ પર્વતમાળા ભૂસંનતિમય થાળાના ઉત્થાનના પરિણામે થયેલી નથી, અથવા બધાં જ જળકૃત થાળાં ભૂસંનતિમાં ફેરવાઈ શકે એવું પણ નથી; જેમ કે સ્વિટ્ઝર્લૅન્ડના જુરા પર્વતો ઓછી જાડાઈવાળા જળકૃત ખડકોના જથ્થા છે, તે તદ્દન ઓછા પ્રમાણમાં ગેડીકરણ કે ધસારા-સપાટીઓવાળા છે, તેમાં આગ્નેય પ્રક્રિયા કે વિકૃતીકરણ થયાં નથી કે  નેપરચનાઓ પણ જોવા મળતી નથી. એ જ રીતે પશ્ચિમ યુ.એસ.નો કૉલોરાડોનો ઉચ્ચપ્રદેશ ઘણી જાડાઈના નિક્ષેપો ધરાવે છે અને ઘણા લાંબા સમય સુધી તેની નિક્ષેપજમાવટની ક્રિયા ચાલેલી છે તેનું ઉત્થાન પણ થયેલું છે, તેમ છતાં તે ગેડપર્વતમાળા નથી કે ભૂસંનતિનું પરિણામ નથી. વળી બે બાજુ તરફ સ્તરભંગો થાય અને વચ્ચેનો પ્રદેશ ઉત્થાન પામે તો તે પર્વતનું સ્વરૂપ જરૂર મેળવે તથા જ્વાળામુખી-પ્રસ્ફુટનની પણ હારબંધ રેખીય પર્વતરચના થઈ શકે. આ પ્રકારનાં ઉદાહરણોને ભૂસંનતિજન્ય ગેડપર્વતમાળાઓમાં ગણી શકાય નહિ.

ભૂસંનતિમય થાળામાં થયેલા કણજમાવટના જથ્થામાંથી ગિરિનિર્માણ થવાની ક્રિયાપદ્ધતિ નીચે મુજબના ત્રણ તબક્કામાં થતી હોય છે : (i) ભૂસંનતિમય કણજમાવટ તબક્કો; (ii) વિક્ષેપજન્ય (ભૂસંચલનકારક) તબક્કો અને (iii) ગિરિનિર્માણ તબક્કો.

જેમ્સ હૉલ (1859), જે. ડી. દાના (1866, 1873), ઈ. હૉગ (1900), આર્ગંડ (1922), કોબર (1923), સ્યુચર્ટ (1923), સ્ટિલે (1924, 1936) કાય (kay) (1945), પાયવે અને સિનિટઝીન (1950), ઑબોવીન (1959) તથા ક્રાઉસ (1960) વગેરેએ ભૂસંનતિની સંકલ્પનાઓ રજૂ કરેલી છે. આ બધી સંકલ્પનાઓ તેના ભૂસ્તરીય-ઐતિહાસિક ર્દષ્ટિબિંદુઓનો ચિતાર આપે છે. તેમણે રજૂ કરેલાં વર્ગીકરણોમાં ભૂસંનતિના પ્રકારોનાં થોડાંઘણાં નામોના ફેરફાર સિવાય પાયાનો કોઈ ખાસ તફાવત જણાતો નથી.

ગિરીશભાઈ પંડ્યા