ભિવાની

January, 2001

ભિવાની : હરિયાણા રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 22´થી 29° 4´ 35´´ ઉ. અ. અને 75° 28´થી 76° 28´ 45´´ પૂ.રે. વચ્ચેનો 5140 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિસ્સાર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રોહતક જિલ્લો; દક્ષિણ તરફ મહેન્દ્રગઢ જિલ્લો તથા પશ્ચિમ સરહદે રાજસ્થાનની સીમા આવેલી છે.

ભિવાની જિલ્લો (હરિયાણા)

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાની આબોહવા અર્ધશુષ્ક રહે છે. જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં વિવિધ આકાર અને કદવાળા રેતીના ઢૂવા આવેલા છે. અહીંના અર્ધસૂકા ભૂમિભાગો ઘાસ જેવી વનસ્પતિથી આચ્છાદિત રહે છે. જમીનો રેતાળ, ગોરાડુ તેમજ રેતીમિશ્રિત ગોરાડુ પ્રકારની છે. પૂર્વ તરફના અર્ધા ભાગમાં ભૂગર્ભજળસ્તર નીચું છે, પશ્ચિમ ભાગમાં પણ એવી જ ભૂગર્ભ-જળ-પરિસ્થિતિ પ્રવર્તે છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતીની પેદાશો પર નિર્ભર છે. પ્રદેશ અર્ધશુષ્ક રહેતો હોવાથી ખેતી નહેર-સિંચાઈ પર આધારિત રહે છે. સિંચાઈ ઉપલબ્ધ હોવાથી અહીંના કૃષિપાકોમાં મુખ્યત્વે ઘઉં, બાજરો અને ચણાનો સમાવેશ થાય છે. અન્ય ખાદ્યાન્ન તેમજ કપાસનું વાવેતર પણ થાય છે. ભેંસ, ઘેટાં, બકરાં અને ઊંટ અહીંનું મુખ્ય પશુધન છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં 56 જેટલાં ઔદ્યોગિક કારખાનાં છે. તે પૈકીનાં 23 કાપડ-ઉદ્યોગને લગતાં છે. મધ્યમકક્ષાના એકમોમાં કૃત્રિમ અને સુતરાઉ રેસાનો તેમજ તેના કાપડના એકમો, સિમેન્ટ, પોલાદ-પટ્ટીઓ, ગુંદર, ગોળ, શુદ્ધ તેલ તથા વનસ્પતિ ઘીના એકમોનો સમાવેશ થાય છે. ખાદ્યપેદાશો, સુતરાઉ કાપડની પેદાશો, રબર, પ્લાસ્ટિક, ખનિજતેલની અને કોલસાની પેદાશો, લાકડાની પેદાશો, રાચરચીલું, રસાયણો અને રાસાયણિક પેદાશો, યાંત્રિક સાધનો તેમજ વીજસાધનો જેવા નાના પાયા પરના એકમો પણ આવેલા છે. અહીંના ભિવાની વનસ્પતિ લિ. અને રામા ફાઇબર્સ લિ. જેવા ઉદ્યોગો વિશેષ ઉલ્લેખનીય છે. જિલ્લામાં પગરખાં, કાપડ, સિમેન્ટ તથા સરસિયાનું ઉત્પાદન લેવાય છે. કાપડ, કઠોળ, સરસવ અને શાકભાજીની નિકાસ તથા ટ્રૅક્ટરો, કૃત્રિમ રેસા, ચોખા અને મગની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : સમગ્ર જિલ્લો, તેનાં તાલુકા-મથકો તથા અન્ય સ્થળો રેલમાર્ગો અને સડકમાર્ગોથી જોડાયેલાં છે. અહીંનાં સંખ્યાબંધ સ્થળો તેમની પ્રાચીનતાની સાક્ષી પુરાવે છે. તેમાં મંદિરો, ટોડર સિંઘની તેમજ બાબા શમી દયાલની સમાધિઓ, શ્યામેસર તળાવ, લોહારૂનો કિલ્લો, તથા રાજા ખેત્રીની મસ્જિદ અને કબરનો સમાવેશ થાય છે. ભિવાની ધાર્મિક ટ્રસ્ટોના નગર તરીકે ઓળખાય છે તથા અહીં ઓછામાં ઓછાં 300 જેટલાં નાનાંમોટાં મંદિરો આવેલાં હોવાથી તેને ભારતનું નાનું કાશી પણ કહેવાય છે.

ભિવાનીથી ઈશાનમાં 11 કિમી.ને અંતરે આવેલા મિતાથલ ગામમાં 1968માં પુરાતત્વીય ઉત્ખનન હાથ પર લેવામાં આવેલું. મળી આવેલી ચીજવસ્તુઓ પરથી ઈ. પૂ. 2000-3000 વર્ષે ત્યાં ગંગા-જમનાના વિભાજક પ્રદેશમાં તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિ વિકસી હોવાનું જાણવા મળે છે, તેમાંથી પૂર્વ-હરપ્પનથી અંતિમ હરપ્પન કાળગાળાનો સળંગ સાંસ્કૃતિક ઇતિહાસ જાણી શકાયો છે. 1913માં અગાઉ અહીં કરાયેલા ઉત્ખનનમાંથી સમુદ્રગુપ્તના સમયના સિક્કાઓનો જથ્થો મળી આવેલો. 1965થી 67 દરમિયાન આ સ્થળેથી મણકા તેમજ તાંબાનાં પાત્રો મળેલાં, જે તત્કાલીન ઉપયોગમાં લેવાતાં સાધનોની યાદ અપાવે છે. 1968ના ઉત્ખનનમાંથી 75 x 300 x 3 મીટરના અને 150 x 300 x 5 મીટરના અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા બે મધ્યમ કદના ટેકરા મળી આવેલા છે; તેમાંથી જૂના મણકા, બંગડીઓ, ટૅરાકોટાનાં પાત્રો, પાષાણની ચીજવસ્તુઓ, છીપલાં, તાંબા-હાથીદાંત અને હાડકાંમાંથી બનાવેલી વસ્તુઓ મળી આવેલાં છે. ઉત્તર ભારતીય વિસ્તારમાં આજ સુધીમાં મળેલાં મહત્વનાં પ્રાગ્-ઐતિહાસિક ખોજનાં સ્થળો પૈકી મિતાથલની ગણના થાય છે. ત્યાં પૂર્વ હરપ્પનથી અંતિમ હરપ્પનના એક હજાર વર્ષના કાળગાળામાં લોકવસવાટ હોવાનું જાણવા મળે છે. આ હકીકતો પરથી હરિયાણાના આ પ્રદેશની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે.

ભિવાનીથી વાયવ્યમાં 23 કિમી.ને અંતરે આવેલું તોશામ ગામ ત્યાંની ઊંઘતા ઊંટના આકારવાળી વિલક્ષણ ટેકરીને કારણે જાણીતું બનેલું છે. ઊંટના ઢેકાનો ભૂપૃષ્ઠ ભાગ 244 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે અને આજુબાજુની રણ રેતીના પ્રદેશથી અલગ તરી આવે છે. આ સ્થળ પણ હરિયાણાનાં પ્રાચીન સ્થળો પૈકીનું એક ગણાય છે. અહીંના સ્થાનિક લોકો તેને પાંડવોની ભૂમિ તરીકે તો કેટલાક તપસ્વીઓની તપોભૂમિ તરીકે ઓળખાવે છે; વળી તેને પૃથ્વીરાજ ચૌહાણ(ચાહમાનો)ના દિલ્હીના પાટનગરના એક ભાગ તરીકે પણ ગણાવે છે. મુઘલ કાળ દરમિયાન, તુરસામ ખાન નામના પઠાણે અહીં હુમલો કર્યો હોવાનું પણ કહેવાય છે. આ ટેકરીના એક ઢોળાવ પરથી કોતરેલા શિલાલેખો પણ મળ્યા છે. આ શિલાલેખોને અહીંના જૂનામાં જૂના ખાતરીબદ્ધ અવશેષો ગણાવાય છે. આ હકીકત 1875માં જનરલ કનિંગહામના ધ્યાન પર આવેલી. શિલાલેખો ટેકરીના મધ્ય ભાગની ઊંચાઈ પર બે અલગ અલગ પાષાણો પર મળી આવેલા છે. આ પૈકીનો એક પાષાણ 2 મીટર પહોળો અને ½ મીટર ઊંચો છે, તેના પર ત્રણ લેખ છે. બાકીના બીજા પાષાણ પર નાના નાના લેખ છે. આ બંને લેખો ચોથી-પાંચમી સદીના હોવાનું કહેવાય છે. નાના લેખો પરથી તત્કાલીન ભારતના ધાર્મિક ઇતિહાસની ઝાંખી થાય છે.

પુરાતત્વીય ર્દષ્ટિએ જોતાં, અહીંથી કુશાણ ગુપ્ત સમયની 31 x 25 x 5 સેમી. કદની મોટી ઈંટો પણ મળેલી છે. તે સંભવત: અહીંની ટેકરી પરના કિલ્લાના અવશેષો હોઈ શકે છે. તોશામ ટેકરીથી ઉત્તર તરફ બીજી પણ એક નાની ટેકરી આવેલી છે. તેના ઉપર એક ઇમારત પણ છે. તેને અહીંના લોકો બારાદરી અથવા પૃથ્વીરાજની કચેરી તરીકે ઓળખાવે છે. આ ઇમારતમાં 5 મીટર ઊંચાઈ ધરાવતી આડી-ઊભી બે પાંખ છે અને ઇમારત પર નાનો ઘુમ્મટ પણ છે. તે પ્રારંભિક સુલતાન કાળની હોવાનું કહેવાય છે. આ ઇમારતની દીવાલો ચૂનાદ્રવ્યથી જોડેલા કાંકરાઓમાંથી બનાવેલી છે.

કલિયાણા : ઉપર કથિત ટેકરીના તળેટી ભાગમાં કલિયાણા ગામ આવેલું છે. તે ભિવાનીથી દક્ષિણે આશરે 40 કિમી. અંતરે તેમજ ચરખી દાદરીથી પશ્ચિમે 10 કિમી-અંતરે આવેલું છે. આ ગામ રાજા કલિયાણનું રાજધાનીનું સ્થળ હતું. રાજાના નામ પરથી આ સ્થળને કલિયાણા નામ અપાયેલું છે. એક વખતનું આ નગર આજે નાનકડું ગામ બની રહેલું છે. તેની આસપાસ મળી આવતા અવશેષો પરથી કહી શકાય છે કે એક કાળે તે વધુ વસ્તી ધરાવતું મોટું નગર હશે. 1326(હિજરી સંવત 725)માં રાજા કલિયાણે દિલ્હીના સુલતાન અલફખાન (ગ્યાસ-ઉદ-દ્દીન તઘલખનો પુત્ર) સામે બળવો કરેલો. સૈયદ હિદાયત ઉલ્લાહ(મુબારીઝ ખાન)ની આગેવાની હેઠળના સૈન્યે રાજા કલિયાણ પર આક્રમણ કરેલું, જેમાં તેઓ બંને મરાયેલા. ત્યારબાદ આ નગર અલફખાનના એક અમલદાર મીર બૈયકને સોંપેલું.

કલિયાણાની ટેકરીઓ આજે પણ ત્યાંના નમનીય (હાલતા) રેતીખડક (સાંગ-ઈ-લાર્ઝ, flexible sandstone) માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ પથ્થરને ‘ઇતલ-કોલમાઇટ’ (Ital-Columite) પણ કહે છે. આ પથ્થરો અહીં 400 મીટરની ઊંચાઈએથી મળે છે. આ પ્રકારના નમનીય રેતીખડક દુનિયાભરમાં ભારત અને બ્રાઝિલ – આ બે જ દેશોમાં મળે છે. રાજ્ય સરકારે આ સ્થળને મનોરંજન તેમજ આરામના એક સ્થળ તરીકે વિકસાવ્યું છે. પ્રવાસીઓ માટે જરૂરી બધા જ પ્રકારની સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવેલી છે.

જન્માષ્ટમી એ ભારતનો એક અતિ મહત્વનો તહેવાર છે, પરંતુ ભિવાનીમાં તો આ તહેવારને 1951થી કરોડીમલ ચેરીટી ટ્રસ્ટે વિશેષ મહત્વ આપ્યું છે. જન્માષ્ટમીની રાત્રિએ ત્યાં રોશની થાય છે અને ભિવાનીમાં આ તહેવાર નવ દિવસ સુધી ઊજવાતો રહે છે. આ તહેવાર માણવા, હિસાર, રોહતક, ગુરગાંવ, જિંડ, મહેન્દ્રગઢ, સંગરૂર, ચુરુ અને જૂનજૂનુ તેમજ દિલ્હીથી પણ શ્રદ્ધાળુઓ અવરજવર કરતા જ રહે છે. વર્ષમાં અન્ય સમયે બીજા મેળા તથા તહેવાર ઊજવાતા રહે છે.

ઇતિહાસ : આ જિલ્લાનું નામ જિલ્લામથક પરથી અપાયેલું છે.  એક લોકોક્તિ ચાલી આવે છે કે નીમ નામનો જાટ રાજપૂત એ વખતે હિસાર જિલ્લાના હાંસી તાલુકાના કૌંત ગામ(ભિવાની નજીકના ગામ)માં આવીને વસેલો. સ્થાનિક જાટ લોકોને તે ગમ્યું નહિ. તેથી તેની હત્યા કરવાનું કાવતરું રચ્યું. ત્યાંની એક જાટ સ્ત્રી બહનીએ તેને ચેતવ્યો. આ સાંભળી તેણે ત્યાંના જાટ લોકોને મિજબાનીમાં બોલાવી મારી નાખ્યા. બહની સાથે લગ્ન કર્યાં અને બહનીના નામ પરથી ત્યાં એક ગામ વસાવ્યું. 19મી સદીના પ્રારંભમાં તે ઝાઝરના નવાબની હકૂમત હેઠળ દાદરી વિભાગનું નાનકડું ગામ હતું. 1810માં બ્રિટિશ લોકોએ તેનો કબજો મેળવ્યો, ત્યારે તે નગર બની ગયું હતું. ચરખી દાદરીની જગાએ ધીમે ધીમે તેનું મહત્વ વધતાં ત્યાં મંડી(બજાર)નો વિકાસ થયો અને ભિવાની મોકાનું સ્થળ બનતું ગયું.

1971માં ભિવાની હિસાર જિલ્લામાં હતું. 1972ના ડિસેમ્બરમાં હરિયાણા સરકારે ભિવાની, બાવની ખેરા, દાદરી અને લોહારુ તાલુકાઓને ભેગા કરીને ભિવાનીનો અલગ જિલ્લો રચ્યો છે.

ભિવાની (શહેર) : હરિયાણા જિલ્લાનું નગર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 47´ ઉ. અ. અને 76° 08´ પૂ. રે. તે ગંગાની સહાયક નદીને કાંઠે થરના રણના ઈશાન ભાગમાં આવેલું છે. 1817માં અંગ્રેજોએ મુક્ત બજાર-સ્થળ (free-market site) તરીકે તેને પસંદ કરેલું. 1867માં ત્યાં મ્યુનિસિપાલિટીની સ્થાપના થવાથી તેને તેમાં ભેળવી દેવામાં આવ્યું. તે સડક અને રેલમાર્ગનું જંકશન હોવાથી રાજસ્થાન સાથેના વેપાર માટેનું મોકાનું સ્થળ બની રહેલું છે. અહીં જિનિંગ-પ્રેસિંગ મિલો હોવા ઉપરાંત તે નાની નાની ચીજવસ્તુઓનું ઉત્પાદન-મથક પણ છે. અહીં કુરુક્ષેત્ર યુનિવર્સિટી સંલગ્ન પાંચ કૉલેજો તથા એક તકનીકી સંસ્થા આવેલી છે. વસ્તી : 1,21,449 (1991).

ગિરીશભાઈ પંડ્યા