ભિલાઈ

January, 2001

ભિલાઈ : છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં આવેલું નગર અને દેશનું મહત્ત્વનું લોખંડ-પોલાદનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 21° 13´ ઉ. અ. અને 81° 26´ પૂ. રે. તે દુર્ગ નગરથી પૂર્વ તરફ થોડાક અંતરે દક્ષિણ–પશ્ચિમ રેલવિભાગમાં આવેલું છે. વ્યવસ્થિત યોજના કરીને નગરને બાંધવામાં આવેલું છે તેમાં શહેરના દસ વિભાગ (sectors) પાડેલા છે, આ કારણે અહીં વસ્તીની ગીચતા જોવા મળતી નથી. અહીંના મોટાભાગના આવાસો એક મજલાના છે.

ભારતની બીજી પંચવર્ષીય યોજના (1956–61) દરમિયાન ભારત સરકારે રશિયાના સહકારથી અહીં નગરના અગ્નિવિભાગમાં લોખંડ-પોલાદનો વિશાળઉદ્યોગ સ્થાપ્યો છે. આ ઉદ્યોગને ધમધમતો રાખવા માટે ધલ્લી-રાજહરાથી લોહઅયસ્ક, નંદિનીમાંથી ચૂનાખડક, ઝરિયાથી કોલસો, બાલાઘાટથી મૅંગેનીઝનો કાચો માલ તથા કોસા તાપવિદ્યુત મથકેથી વીજઊર્જા અને તંદુલા નહેરમાંથી પાણી મેળવવામાં આવે છે. આ બધાં સ્થળો ભિલાઈથી ઘણાં દૂર નથી. અહીંથી મુખ્યત્વે રેલમાર્ગ માટેના પાટા તથા ઇમારતી બાંધકામ માટેના સળિયાઓનું ઉત્પાદન લેવાય છે, આ ઉપરાંત ભરતર લોખંડ અને લોહ ગઠ્ઠા પણ અહીંથી જ પૂરા પાડવામાં આવે છે. આ શહેરમાં સિમેન્ટનું કારખાનું, લાટીઓ તેમજ ગંધકના તેજાબ અને ઍમોનિયમ સલ્ફેટના એકમો પણ આવેલા છે. લોખંડ-પોલાદના કારખાના ખાતેના મરોડા જળાશય નજીક ભારત–રશિયા સહકારને મૂર્તિમંત કરતો ‘મૈત્રીબાગ’ પણ વિકસાવવામાં આવેલો છે.

અહીં 1740 સુધી હૈહયવંશી રાજપૂતોનું સામ્રાજ્ય હતું. તે પછીથી તે મરાઠાઓના શાસન હેઠળ આવેલું. 1853થી તેનો વહીવટ બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યો અને 1947માં અખંડ ભારતમાં તેનું વિલીનીકરણ થયું. દુર્ગભિલાઈ નગરની સંયુક્ત વસ્તી : 6,88,670 (1991).

ગિરીશભાઈ પંડ્યા