ભાષા અને ભાષાવિજ્ઞાન

અધ્યયન પદ્ધતિઓ, ભાષાવિજ્ઞાનની શાખાઓ, ભાષાની વ્યાખ્યા, ભાષા : અવગમનનું સાધન, ભાષાની ઉત્પત્તિ, ભાષા અને વાણી, ભાષા અને બોલી, ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો, ભાષાનું સ્વરૂપલક્ષી અધ્યયન, ધ્વનિવિચાર, રૂપવિચાર, વાક્યવિચાર, ભાષાનું ઐતિહાસિક અધ્યયન, ભાષાપરિવર્તન, ભાષાઓનું સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ (typological classification), ભાષાકુળો, ભાષાનું શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિએ અધ્યયન કરતું શાસ્ત્ર કે વિજ્ઞાન.

ભાષાવિજ્ઞાનનો વિષયપ્રદેશ કે એનું કાર્યક્ષેત્ર (scope) ભાષાઓ છે. જગતમાં બોલાતી કોઈ પણ ભાષા એના અધ્યયનનું ક્ષેત્ર છે. એ ભાષાઓમાંથી કોઈ ભાષાઓ સુધરેલા કે સુસંસ્કૃત સમાજની હોય, તો કોઈ અસંસ્કૃત કે આદિવાસી સમાજની હોય. કોઈ ભાષા જીવંત કે પ્રવર્તમાન હોય, તો કોઈ ભાષા લુપ્ત થઈ ગઈ હોય કે મૃતપ્રાય હોય.

ભાષાવિજ્ઞાન ભાષકની વાચિક ટેવોનો અભ્યાસ કરે છે. એ ટેવો કે વાચિક ઘટનાનું વિશ્લેષણ કરે છે. પછી એ ઘટનાનું સ્વરૂપ, ઘટનાનાં અંગભૂત તત્વો, એમના આંતરસંબંધો, એમનાં કાર્ય આદિ વિશે તર્કબદ્ધ વિચારણા કરે છે. એ વિચારણાને અંતે એમાં કોઈ ચોક્કસ વ્યવસ્થા દેખાતી હોય, તો એને અંગે સ્પષ્ટ તારણો આપે છે. તારણોમાં કશી એકરૂપતા દેખાતી હોય તો એને સુવ્યવસ્થિત સૂત્રમાં, નિયમબદ્ધ રીતે રજૂ કરે છે. આમ ભાષાવિજ્ઞાન ભાષાનો એવી વૈજ્ઞાનિક ઢબે વિચાર કરે છે કે તેના ફલસ્વરૂપે કેટલાક સાર્વત્રિક નિયમો મળી રહે છે. ભાષાવિજ્ઞાન વિજ્ઞાન હોઈ તેની આગવી પરિભાષા છે. ધ્વનિઘટકો, રૂપઘટકો, વાક્યઘટકો આદિ અંગેની વિચારણા એના વૈજ્ઞાનિક અધ્યયનનું ફળ છે. ભાષાવિજ્ઞાન ભાષાનાં સ્વરૂપતંત્ર (language system) અને વ્યાપાર વિશે જાણવાનો અને એ જાણકારીને વ્યવસ્થિત રીતે મૂકી આપવાનો પ્રયત્ન કરે છે.

અધ્યયનપદ્ધતિઓ

‘ભાષાવિજ્ઞાન’માં ભાષાઓનું અધ્યયન જુદી જુદી ર્દષ્ટિએ કરવામાં આવતું હોય છે એથી એ અધ્યયનની પદ્ધતિઓ પણ જુદી જુદી હોય છે.

નીચે જણાવ્યા પ્રમાણેની મુખ્ય ત્રણ પદ્ધતિએ ભાષાનું અધ્યયન કરી શકાય છે :

(1) વર્ણનાત્મક અધ્યયનપદ્ધતિ (descriptive method) : આ પદ્ધતિનો અભિગમ વર્ણનાત્મક હોય છે. આ પદ્ધતિએ ભાષાના બંધારણ-તંત્રનું વર્ણન મળે છે. અધ્યેય ભાષામાં કયા કયા ધ્વનિઓ છે, કયાં કયાં રૂપો કે રૂપરચનાઓ છે, એમાં વાક્યરચનાનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન હોય છે. આ પદ્ધતિ બોલાતી પ્રવર્તમાન ભાષાનું અધ્યયન કરવામાં ઉપયોગી નીવડે છે. કોઈ પણ અજાણી ભાષા શીખવી હોય તો આ પદ્ધતિ જ સહાયરૂપ નીવડે છે. વર્ણનાત્મક પદ્ધતિ માત્ર ભાષાનું સ્વરૂપ જ સમજાવે. તેનાં મહત્વનાં લક્ષણોનો ખ્યાલ આપે.

(2) ઐતિહાસિક અધ્યયનપદ્ધતિ (historical method) : ઐતિહાસિક અધ્યયનપદ્ધતિ ભાષાનો ઇતિહાસ તપાસે છે. કોઈ એક વર્તમાન ભાષાના આધારે એના પ્રાચીનતમ સ્વરૂપ સુધી પહોંચી, ત્યાંથી શરૂ કરી આજ સુધી આવતાં એ ભાષામાં કાળક્રમે કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં એનો અભ્યાસ કરે છે. કડીબદ્ધ પુરાવાઓ એકઠા કરી ભાષાનાં ધ્વનિઓ, રૂપરચના, વ્યાકરણ, શબ્દાર્થ અને શબ્દભંડોળમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં તે એ જણાવે છે; સાથે સાથે કોઈ એક મૂળ ભાષામાંથી જુદી જુદી ભાષાઓ કઈ રીતે ઉદભવી તેની માહિતી આપે છે. ટૂંકમાં, કોઈ એક ભાષામાં કાળક્રમે થતા ફેરફારો કેમ થયા, એ ભાષા ઉપર અન્ય ભાષાની કેવી અસરો પડી અને એને પરિણામે વિકસતી ભાષાનું સ્વરૂપ કેવું બન્યું એ આ પદ્ધતિએ જ જાણી શકાય છે.

આ પદ્ધતિથી ઐતિહાસિક યુગ સુધીના ભાષારૂપ સુધી પહોંચી શકાય; અર્થાત્ ભાષાના લિખિત પુરાવાઓ મળે ત્યાં સુધી જઈ શકાય.

પ્રત્યેક ભાષાને પોતાનો ઇતિહાસ હોય છે, ભૂતકાળ હોય છે. સમયના એક તબક્કા કરતાં સમયના બીજા કે અન્ય કોઈ તબક્કામાં એનું સ્વરૂપ જુદું હોય છે. એટલે એના વિકાસનો અને એના સ્વરૂપમાં આવેલાં પરિવર્તનોનો અભ્યાસ આ પદ્ધતિએ કરી શકાય છે.

આવું અધ્યયન ભાષાઓ વચ્ચે આનુવંશિક સંબંધ પણ સ્પષ્ટ કરી આપે છે. પરિણામે આનુવંશિક ઐતિહાસિક વર્ગીકરણ કરવામાં આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે. આ પદ્ધતિએ જગતની બેથી અઢી હજાર જેટલી ભાષાઓને વિવિધ કુળોમાં કે પરિવારોમાં વર્ગીકૃત કરી શકાઈ છે.

(3) તુલનાત્મક અધ્યયનપદ્ધતિ (comparative method) : વિવિધ ભાષાઓનો અભ્યાસ કરતાં એ ભાષાઓમાં કેટલીક સમાનતાઓ જોવા મળે છે. પરિણામે આ બધી ભાષાઓ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હશે એ જાણવા અધ્યેય ભાષા સાથે સંલગ્ન ભાષાઓની તુલના કરીને અધ્યયન કરવામાં આવે છે. તેને તુલનાત્મક અધ્યયન કહેવાય છે.

ચોક્કસ સમયાવધિમાં બોલાતી કોઈ બે ભાષાઓમાં દેખાતી સમાનતાઓ કોને આભારી છે એ આથી જાણી શકાય છે.

આમ તો તુલનાત્મક અધ્યયનપદ્ધતિ ઐતિહાસિક પદ્ધતિ સાથે જ સંકળાયેલી છે. આ અધ્યયનપદ્ધતિથી ખાસ તો સંલગ્ન ભાષાઓની તુલના દ્વારા એમાંનાં સામ્ય-વૈષમ્યોને તારવી લઈ શકાય છે. આ પદ્ધતિએ ભાષાનું પારિવારિક વર્ગીકરણ કરી શકાય છે. આમ, સંલગ્ન ભાષાઓના અધ્યયન દ્વારા એમના કુળક્રમ, આનુવંશિક સંબંધ કે ઇતિહાસને આધારે અધ્યેય ભાષાને કોઈ એક કુળમાં મૂકી શકાય છે. સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ કરવામાં પણ આ પદ્ધતિ ઉપયોગી થાય છે. આમ ભારતીય આર્ય ભાષાઓ કરતાં દ્રાવિડી, આફ્રો-એશિયન જેવી અન્ય ભાષાઓ કઈ કઈ બાબતમાં શા માટે જુદી છે અને શા માટે અમુક ભાષા સાથે સંબદ્ધ નથી એના ઉત્તરો આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે.

ભાષાના કાર્યક્ષેત્રમાં આ સિવાયની કેટલીક બાબતોનો પણ સમાવેશ થાય છે : ભાષાવિજ્ઞાન ભાષામાળખાનાં મહત્નાં તત્વોની અલગ-અલગ તપાસ પણ કરે છે અને એ રીતે તેનાં અલગ અલગ અધ્યયનક્ષેત્રો બાંધી આપે છે.

ભાષાવિજ્ઞાનની શાખાઓ

અધ્યયનની જે કક્ષાએ માત્ર ભાષાના ધ્વનિઓનો જ વિચાર કે અભ્યાસ કરવામાં આવે છે તેને ‘ધ્વનિવિચાર’, ધ્વનિવિજ્ઞાન કે ધ્વનિશાસ્ત્ર (phonetics) કહે છે.

આ ધ્વનિઓનું વળી, મુખ્ય બે ર્દષ્ટિએ અધ્યયન થતું હોઈ એ અધ્યયનના બે વિભાગો પડે છે :
1. ધ્વનિસ્વરૂપશાસ્ત્ર (phonetics) અને 2. ધ્વનિતંત્ર (phonology કે phonemics).

(1) ધ્વનિસ્વરૂપશાસ્ત્ર : તે માનવીના વાચિક ધ્વનિઓનું વર્ણન કે વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરે છે. આ શાસ્ત્ર વાચિક ધ્વનિઓ કે વાગ્-અવયવો દ્વારા રચાતા ધ્વનિઓનો, એમના ગુણનો–સ્વર-વ્યંજન આદિનો–પરિચય આપે છે.

(2) ધ્વનિઘટકશાસ્ત્ર : તે વાચિક ધ્વનિઓમાંથી ભાષાના ધ્વનિઘટકો તારવતાં શીખવે છે. અર્થભેદક બનતા ધ્વનિને ધ્વનિઘટક કહે છે. આથી કોઈ એક ભાષામાં અર્થભેદક બનતા ધ્વનિઓ કયા કયા છે એની તારવણી કરતાં તે શીખવે છે.

પહેલું શાસ્ત્ર ભાષાનિરપેક્ષ છે. એની વિચારણા જગતની કોઈ પણ ભાષાને લાગુ પડે છે. બીજું શાસ્ત્ર ભાષાસાપેક્ષ છે. એની વિચારણા કોઈ ચોક્કસ ભાષાને જ કેન્દ્રમાં રાખીને થાય છે.

અધ્યયનની બીજી કક્ષાએ માત્ર ‘રૂપો’નો જ વિચાર થાય છે. રૂપોનો કે અર્થના એકમોનો વિચાર કરતી શાખાને રૂપવિચારરૂપ-વિજ્ઞાન (morphology) કહે છે. ભાષા-અધ્યયનની આ કક્ષાએ રૂપ, રૂપઘટક, ઉપરૂપઘટક, મુક્ત ઘટક, બદ્ધઘટક (પ્રત્યયો) આદિ અંગેની સમજ મળે છે.

(3) વાક્યવિચાર–વાક્યવિજ્ઞાન (syntax) : ધ્વનિઓ અને રૂપો કે રૂપરચનાની મદદથી વિસ્તારકક્ષાની રચનાઓ બનાવી શકાય છે. એમાં ‘ઉક્તિ’ કે ‘વાક્ય’નો સમાવેશ થાય છે. ભાષક પોતાના ભાવને વ્યક્ત કરવા ‘રૂપો’ને કોઈ ચોક્કસ વ્યવસ્થાથી સાંકળે છે. રૂપોના પરસ્પર સંબંધથી બનતી રચના તે વાક્ય. જેમાં માત્ર વાક્ય અને વાક્યમાં પ્રવેશતા ઘટકોનો જ વિચાર થતો હોય તે વાક્યવિજ્ઞાન.

(4) શબ્દાર્થશાસ્ત્ર (symantics) : કેટલાક ભાષાવિજ્ઞાનીઓ ભાષાના અધ્યયનમાં શબ્દાર્થશાસ્ત્રનો પણ સમાવેશ કરે છે. તેઓ ‘રૂપવિચાર’ અને ‘વાક્યવિચાર’ના એક વિભાગ લેખે ‘અર્થવિચાર’ને પણ મહત્ત્વ આપે છે. જોકે કેટલાક આને સ્વતંત્ર શાખા ગણતા નથી, પણ ધ્વનિઘટકતંત્ર અને વાક્યતંત્રને સાંકળનાર એક કક્ષા જ ગણે છે. અર્વાચીન વ્યાકરણો પણ માત્ર રૂપતંત્ર અને વાક્યતંત્રને જ પ્રાધાન્ય આપે છે અને તેથી અલગ રીતે તેઓ અર્થતંત્રને માન્ય કરતા નથી.

ભાષાવિજ્ઞાનમાં એકથી વધારે ભાષાઓને લક્ષમાં રાખીને પણ અધ્યયન કરવું કેટલીક વાર અનિવાર્ય થઈ પડે છે.

સામાન્ય રીતે કોઈ એક જ ભાષા એના ભાષાક્ષેત્ર કે ભાષાસમાજમાં કઈ કઈ રીતે બોલાય છે એને લક્ષમાં રાખીને વિચારણા થાય છે. એક જ ભાષાસમાજમાં બોલાતી ભાષામાં કયા કયા વિવર્તો–ઉચ્ચારણ – વ્યાકરણ–શબ્દભંડોળ આદિના–દેખાય છે એની ચર્ચા કરતાં એ બોલીઓને લગતી માહિતીનું સંકલન પણ કરે છે. આમ એ બોલીભેદને લક્ષમાં રાખી બોલીભૂગોળના નકશા તૈયાર કરવાની કામગીરી પણ કરે છે.

આમ, ભાષાનાં સ્વરૂપ–તંત્ર–વ્યાપાર આદિ જાણકારીને વ્યવસ્થિત રીતે મૂકી આપતું ભાષાવિજ્ઞાન ભાષા વિશે પ્રવર્તતા અસ્પષ્ટ ખ્યાલો કે ભ્રમણાઓને દૂર કરી ભાષાકીય સમજને સ્પષ્ટ કરવાની કામગીરી કરે છે.

ભાષાની વ્યાખ્યા

લક્ષણો : ભાષાવિજ્ઞાન ‘ભાષા’ના સ્વરૂપ વિશે વૈજ્ઞાનિક ઢબે વિચારણા કરે છે. તેથી ભાષાની કોઈ સ્પષ્ટ સમજ કે વ્યાખ્યા તેમાં જરૂરી બને છે. ભાષાનો પ્રયોગ કરનાર બધી વ્યક્તિઓ ‘ભાષા’ એટલે શું તેનો ખુલાસો ન કરે તો સમજાય એવું છે. ભાષાની વ્યાખ્યા આપવાનું કામ એ રીતે અઘરું પણ લાગે.

ભાષાવિજ્ઞાનીઓએ ભાષાના સ્વરૂપનો શાસ્ત્રીય વિચાર કર્યો છે અને તે અંગે કેટલાક ખ્યાલો આપ્યા છે. મનુષ્યના વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવાની ધ્વનિરૂપ સંજ્ઞાની વ્યવસ્થા તે ભાષા છે. ‘એન્સાઇક્લોપીડિયા અમેરિકાના’એ ભાષાની વ્યાખ્યા આપતાં એમ કહ્યું છે : ‘Any means of expressing thoughts is language.’ ‘એન્સાક્લોપીડિયા બ્રિટાનિકા’માં પણ ‘Any means of communication between human beings is language.’ એમ બંનેમાં ભાષાની વ્યાખ્યા અપાઈ છે.

વ્યવહારમાં ‘ભાષા’ શબ્દ ઘણા–બધા સંદર્ભે વપરાયેલો હોવાથી એના સચોટ અર્થની બાબતમાં મૂંઝવણ થાય એવું છે; જેમ કે,

(1) અભિવ્યક્તિ કે અવગમનનું કોઈ પણ માધ્યમ કે સાધન તે ભાષા.

(2) મૌન એ સ્નેહની ભાષા.

(3) ચેષ્ટા કે સંકેતો એ મૂંગાની ભાષા છે.

(4) પશુ-પંખીની ભાષા.

(5) મોંથી ઉચ્ચારાતા વર્ણો વડે સમાજમાં વસતા મનુષ્યો પરસ્પર વ્યવહાર કરે છે. આવા વ્યવહારનું સાધન તે ભાષા.

ઉપર નિર્દેશેલા પ્રયોગો જોતાં એવું જણાય છે કે અભિવ્યક્તિ અનેક સાધનો દ્વારા થઈ શકે છે. એને માટે ચેષ્ટા, ઇશારા જેવા સંકેતો વપરાય છે. મૌનથી અભિવ્યક્તિ સાધી શકાય છે. જેમ ‘ભાષા’ દ્વારા, તેમ આવાં સાધનો દ્વારા પણ, વ્યવહાર થઈ શકે છે. અભિવ્યક્તિના આવા કોઈ પણ માધ્યમને ભાષા કહેવામાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે. રૂઢ રીતે જોતાં ‘ભાષા’નો સમગ્ર વ્યવહાર મૌખિક અવાજો ઉપર આધાર રાખતો હોય છે. ‘હાથથી કરાતા સંકેતોની ભાષા’, ‘ચિત્રની ભાષા’ જેવા પ્રયોગોમાં ‘ભાષા’ શબ્દનો અર્થ ઘણો વ્યાપક છે.

‘પશુપંખીની ભાષા’ અને ‘મોંથી ઉચ્ચારાતા વર્ણો વડે સમાજમાં વસતા મનુષ્યો પરસ્પર વ્યવહાર કરે છે તે સાધન તે ભાષા’ – ભાષા અંગેનાં આવાં ઉક્તિવિધાનો ‘ભાષા’ના રૂઢાર્થ પ્રતિ લઈ જનારાં છે. ‘ભાષા’ શબ્દ પણ સંસ્કૃત શબ્દ ‘ભાષ્’ એટલે બોલવું ઉપરથી જ ઊતરી આવ્યો છે. એ બોલાતી બાબત છે. ભાષાવ્યવહાર માટે પશુપંખીઓ તેમ મનુષ્યો સામાન્ય રીતે મૌખિક અવાજોનો ઉપયોગ કરે છે.

ભાષા એ બોલાતી બાબત છે ખરી, પણ મોં દ્વારા જે કંઈ બોલાય, કે જે કંઈ અવાજો નીકળે એ બધું ભાષા નથી. જે કંઈ બોલાય એને ભાષા ગણીએ તો જેમ પશુપંખીના અવાજોને તેમ બાળકના નિર્દોષ અને નિરર્થક બબડાટને પણ ભાષા કહેવાનો પ્રસંગ આવે.

પશુપંખીઓ મૌખિક અવાજોનો ઉપયોગ કરે છે, પણ એમના અવાજોને માનવીય ભાષામાં હોય છે તેવી અર્થસંકેતોની જટાજાળ વળગાડી શકાતી નથી. પશુપંખીના અવાજો પ્રમાણમાં ઘણા સીધાસાદા અને કોઈ પરિસ્થિતિનું સીધેસીધું સૂચન કરનારા હોય છે. શેરીનો કૂતરો અજાણ્યા કૂતરાને જોઈને ભસે એટલું જ. એનું સ્વાગત કરવા માટે વ્યવસ્થિત ધ્વનિવચનો ન ઉચ્ચારી શકે. એમના અવાજો ગણતર હોય છે. વળી, એમના અવાજોમાં દેશ-કાળ અનુસાર કશો ફરક પડતો લાગતો નથી. ભાષાના ધ્વનિઓનું સંયોજન કરી મનુષ્ય જેમ સંકુલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરી શકે છે તેમ પશુ-પંખીઓ કરી શકતાં નથી. આથી માત્ર ધ્વનિઓ કે અવાજોને માટે ‘ભાષા’ શબ્દનો પ્રયોગ યુક્ત કે સયુક્તિક નથી. જો અવાજો કે ધ્વનિઓ કશાકના સંકેતો બને, એ સંકેતો કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે એવી વ્યવસ્થા જેમાં હોય એને જ ‘ભાષા’ કહેવાય.

‘ભાષા’ જે ધ્વનિસંકેતો યોજે છે તેમનું સ્વરૂપ નિરાળું હોય છે. અગાઉ ર્દશ્ય સંકેતોની વાત કરી છે. ભાષાના સંકેતો ધ્વનિમય કે વાચિક હોય છે. એમાં અમુક નિશ્ચિત અર્થવ્યવસ્થા હોય છે, સંઘટના હોય છે. આથી ભાષાની ઓળખ આ રીતે આપી શકાય : ‘મૌખિક અવાજોના ઉપયોગ દ્વારા ચોક્કસ અર્થભાવ સાથેની ચોક્કસ પ્રકારની સંઘટના કે સંરચના જે સાધનમાં હોય તે સાધન તે ભાષા.’

ભાષાવિદોએ પણ આ સંદર્ભમાં તેની વ્યાખ્યા આપી છે :

‘ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલ સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ.’ (સપિર).

‘ભાષા યાર્દચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે, જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથનાં સભ્યો એકબીજાંનો સહકાર સાધે છે અને એકબીજાંના સંપર્કમાં આવે છે.’ (સ્તૂર્ત્વાં).

‘ભાષાઓ એટલે યાર્દચ્છિક સંકેતપદ્ધતિ દ્વારા સંદેશાવ્યવહાર કરવાની માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્ય-શ્રાવ્ય આદતોની વ્યવસ્થાઓ.’ (હૉલ).

આમ, ભાષાના સંકેતો વાણીમય કે ધ્વનિમય છે, ને તેની સંકેતપદ્ધતિ નિરાળી હોય છે.

ભાષામાં ગમે તે અવાજોને સ્થાન નથી, પણ માત્ર મૌખિક-વાચિક એટલે કે વાગ્-અવયવો દ્વારા નિર્માતા ધ્વનિઓ કે અવાજોને એમાં સ્થાન છે. તેના સંકેતો યાર્દચ્છિક છે એટલે ધ્વનિઓ અને એમના દ્વારા સૂચવાતા પદાર્થો વચ્ચે માત્ર યર્દચ્છાનો સંબંધ છે. અમુક ધ્વનિ કે ધ્વનિજૂથ ઉપર અર્થનું આરોપણ કરવામાં કોઈ એક ભાષાસમાજની પોતાની ઇચ્છા કે યર્દચ્છા જ કામ કરતી હોય છે. એમાં ધ્વનિઓ અને એ ધ્વનિઓ જે પદાર્થનો બોધ કરે છે એમની વચ્ચે આકૃતિ, રૂપ, રંગ આદિ કશાયનો સંબંધ હોતો નથી. એક જ વસ્તુ કે પદાર્થનો બોધ કરવા માટે જુદી જુદી ભાષામાં જુદા જુદા ધ્વનિસંકેતોની વ્યવસ્થા હોય છે. અમુક પ્રકારના પશુ માટે સંસ્કૃતમાં ‘શ્ર્વાન’, ગુજરાતીમાં ‘કૂતરો’ ને અંગ્રેજીમાં ‘DOG’ જેવા ધ્વનિસંકેતો છે.

ભાષાના સંકેતો સંઘટિત હોઈ, એમાં ચોક્કસ પ્રકારની એક વ્યવસ્થા હોઈ તેને શીખી કે શીખવી શકાય છે. ભાષાના સંકેતોમાં નવનિર્માણની શક્તિ હોય છે. એથી તો પહેલાં કદાપિ ન સાંભળ્યાં હોય એવાં નવાં નવાં વાક્યો ઉચ્ચારી શકાય છે.

ભાષા વ્યવહારનાં અન્ય સાધનો કરતાં વધુ કાર્યક્ષમ છે. એની કાર્યક્ષમતાનું રહસ્ય જ એની નિરાળી સંકેતપદ્ધતિ છે, જેનો ભિન્ન ભિન્ન સ્થળ અને સમયમાં ઉપયોગ થઈ શકે છે. એને લિપિબદ્ધ કરીને સંઘરી કે સાચવી પણ શકાય છે. એ રીતે લિપિઓ ભાષા સાથે સંકળાયેલી વધારાની સગવડ છે.

ભાષા : અવગમનનું સાધન : ભાષાવિજ્ઞાનીઓએ ભાષાની વ્યાખ્યાઓ આપતાં વ્યવહારના એક સાધન તરીકે તેનો નિર્દેશ કર્યો છે. ભાષા અભિવ્યક્તિ અને સંક્રમણની પ્રક્રિયા છે. કોઈ એક વ્યક્તિને ઉદ્દીપન થાય અને બીજી વ્યક્તિ એની પ્રતિક્રિયા કરે એ ભાષાને કારણે જ શક્ય બને છે. ભાષા કેવળ અભિવ્યક્તિ નથી, પણ અવગમન પણ છે. ભાષકના મનમાં કોઈ ભાવ, લાગણી, વિચાર જન્મે અર્થાત્ તેનું ઉદ્દીપન થાય એ પૂરતું નથી. આવા ઉદ્દીપનને સામા માણસના મન સુધી પહોંચાડાય અને એ રીતે સામેથી કોઈ પ્રતિક્રિયા થાય ત્યારે જ અવગમન થયું મનાય. આ સંદર્ભમાં ભાષાનો પ્રત્યાયનના વ્યાપાર તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે.

ઉદ્દીપનને સામા માણસ સુધી પહોંચાડવાની પ્રક્રિયા તે પ્રત્યાયન કે અવગમન. પ્રત્યાયન કે અવગમન માટે ઓછામાં ઓછી બે વ્યક્તિઓની જરૂર પડે છે : એક વક્તા કે ભાષક અને બીજી શ્રોતા કે પ્રતિભાવક. એક વ્યક્તિ પોતાના ભાવોને બીજી વ્યક્તિ સુધી પહોંચાડે તો જ અવગમન થયું ગણાય. અલબત્ત, બે વ્યક્તિઓ વચ્ચે અવગમન કરાવવામાં કોઈ સાધનની હાજરી અનિવાર્ય હોય છે. કશા માધ્યમ વગર અવગમન શક્ય નથી.

અવગમન માટે જુદાં જુદાં માધ્યમોનો ઉપયોગ થતો જોઈ શકાય છે. આમાંનાં કેટલાંક માધ્યમો માત્ર ર્દશ્ય હોય છે. : ચિત્રો દ્વારા અવગમન થઈ શકે છે. લિપિ એક રીતે જોઈએ તો ચિત્ર જ છે. લિપિ આવા ર્દશ્ય માધ્યમનું ઉત્તમ ઉદાહરણ છે. ભાષકો જે ભાષાનો પ્રયોગ કરે છે તેને ર્દશ્ય સંકેતોમાં લિપિબદ્ધ કરી શકાય છે. ભાષાને લિપિની સગવડ મળી હોવાથી મનુષ્યના અનુભવોને સાચવી શકાય છે. પ્રાપ્ત કરેલું જ્ઞાન અનુગામી પેઢી સુધી પહોંચાડી શકાય છે. જ્ઞાનપ્રાપ્તિ અને વૈજ્ઞાનિક સિદ્ધિ કે પ્રગતિમાં લિપિનો પરોક્ષ ફાળો છે જ.

કેટલીક વાર ‘ચેષ્ટા’, ‘ઇશારા’, ‘સંકેતો’ આદિ સાધનો કે માધ્યમોનો અવગમનના સાધન તરીકે ઉપયોગ થતો હોય છે. આવાં ઇંગિતો કશાકના સંકેત બને છે અને અવગમન સધાય છે. ખોંખારો, કાળો સાલ્લો, ખભે દફતરવાળા બાળનું ચિત્ર વગેરે આ પ્રકારના સંકેતો કે અવગમનનાં સાધનો છે. હોઠ ઉપર હાથ મૂકીને પાણી પીવાની ઇચ્છા વ્યક્ત કરી શકાય. નાક ઉપર આંગળી મૂકીને સામી વ્યક્તિને ચૂપ રહેવા કહી શકાય. ઘરમાં નાની વહુને ઘૂમટો તાણવો પડતો હોય ત્યારે સસરાજી ઘરમાં આવતા પૂર્વે ખોંખારો ખાય અને વહુ એમની ઉપસ્થિતિ જાણી જાય. એકસામટી પાંચ-દસ સ્ત્રીઓ કાળા સાલ્લા પહેરી નીકળે તો કોઈનું મરણ થયું હશે એમ જણાય.

આ અને આવા ઘણા બધા સંકેતોમાં વાણીનો સદંતર અભાવ હોય છે અને છતાં અવગમન થતું હોય છે. કોઈક રસ્તાની ડાબી બાજુએ કોઈ પાટિયા ઉપર દફતરવાળા કોઈ છોકરાનું ચિત્ર દેખાય ત્યારે વાહનચાલક બાજુમાં જ શાળા હોવાનું જાણીને વાહન ધીમે હંકારે છે.

આધુનિક યુગમાં અંધજન માટે શોધાયેલી લિપિ, ટેલિગ્રાફ, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, ફૅક્સ જેવાં સાધનો પણ અવગમનનાં નોંધપાત્ર માધ્યમો છે.

વ્યવહારમાં થતા આ પ્રકારના અવગમન માટેના સંકેતોને ભાષાવિજ્ઞાનીઓએ ત્રણેક પ્રકારે સમજાવ્યા છે :

1. કેટલાક સંકેતો આબેહૂબ મૂળ પદાર્થ જેવા જ હોય છે. ‘ફોટોગ્રાફ’ આનું ઉત્તમ ઉદાહરણ છે. ફોટોગ્રાફ જોઈને કોઈ કહી શકે, સમજી શકે કે એ અમુક માણસનો છે.

2. કેટલાક સંકેતો મૂળ પદાર્થને કેટલેક અંશે જ મળતા આવતા હોય છે. આનાં ઉદાહરણો છે : રેલવેના ફાટક આગળનું પાટિયા ઉપરનું ચિત્રણ, અને ફૂટપાથ ઉપરના પાટિયા ઉપર દફતરવાળા બાળકનું ચિત્ર.

3. કેટલાક સંકેતો એવા હોય છે કે એ જેનો બોધ કરે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કે સામ્ય ધરાવતા નથી.

ભાષાના સંકેતો આમાં ત્રીજા પ્રકારના છે. એ સંકેતો વાચિક કે વાણીમય છે. મૌખિક અવાજો કે ધ્વનિઓના બનેલા છે. ભાષાની કાર્યપદ્ધતિ અવગમનનાં બીજાં સાધનો કરતાં ચઢિયાતી છે તે આ સંકેતોની સંકુલ વ્યવસ્થાને કારણે જ. ભાષાના ધ્વનિઓ કશાકના સંકેત બને છે. એ સંકેત બંને પક્ષે સ્વીકાર્ય હોય ત્યારે જ અવગમન સધાય છે. ભાષાના સંકેતોની વિશેષતા એ છે કે એ ધ્વનિમય હોય છે, યાર્દચ્છિક હોય છે. ભાષક ધ્વનિઓના સંકેતો મૂકે છે અને શ્રોતા એને ગ્રહણ કરે છે ત્યારે જ અવગમન સધાય છે.

અવગમનનાં અન્ય સાધનોની સરખામણીમાં ભાષા જ અવગમનનું શ્રેષ્ઠ સાધન છે. ‘ભાષા’ સિવાયનાં અન્ય સાધનોની કેટલીક મર્યાદાઓ છે. સંકેતોનો વપરાશ સમયાદિની અમુક મર્યાદામાં જ શક્ય બને છે. જેમ કે, સંદેશો મોકલનાર અને સંદેશો ઝીલનાર એમ બેયની હાજરી અમુક પ્રકારની અવગમનની પદ્ધતિમાં અનિવાર્ય બને છે. શ્ય સંકેતો અંધારામાં કામ ન આપે, તેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિને જોઈ શકતી ન હોય ત્યારે પણ એનો ઉપયોગ થઈ ન શકે. ચેષ્ટા કે ઇશારાઓ દ્વારા કોઈ વાત સમજાવવી હોય તો ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે ને છતાંયે સંતોષકારક રીતે ન પણ સમજાવી શકાય.

ભાષાની અસાધારણ કાર્યક્ષમતાનું રહસ્ય જ એની નિરાળી સંકેતપદ્ધતિ છે. ભાષાના સંકેતો વાચ્ય તેમજ શ્રાવ્ય સ્વરૂપના હોય છે. એ યાર્દચ્છિક કે પ્રતીકાત્મક હોય છે. એક જ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ માટે જુદી જુદી ધ્વનિશ્રેણીઓ વાપરી શકાય છે. કૂતરાને ‘કૂતરો’, ‘શ્વાન’, ‘DOG’, ‘HOUND’ વગેરે ધ્વનિશ્રેણીથી ઓળખી શકાય છે.

ભાષાના સંકેતોમાં અનેકસ્તરીય વ્યવસ્થા હોય છે. આમ તો ભાષક ગણતર ધ્વનિઓનો જ ઉપયોગ કરતો હોય છે, પણ એ ધ્વનિઓની જ મદદથી અસંખ્ય રૂપો અને વાક્યો બનાવી શકાય છે. ભાષાના વિશિષ્ટ માળખા સિવાય અભિવ્યક્તિ કે અવગમન શક્ય બનતું નથી. કેવળ ધ્વનિઓને સામાન્ય રીતે કશો જ અર્થ હોતો નથી, પણ એમનાં વિવિધ સંયોજનો દ્વારા અર્થની અભિવ્યક્તિ નિશ્ચિત કરી શકાય છે, તે પછી એમને કોઈ વાક્યગત વ્યવસ્થામાં ગોઠવી અનેક પ્રકારે વાક્યાર્થો નિપજાવી શકાય છે. વાક્યમાં રૂપોને જોડવાની પણ ચોક્કસ પદ્ધતિ હોઈ ભાષા એક સાંકેતિક વ્યવસ્થા હોવાનું યોગ્ય રીતે જ કહેવાયું છે.

અવગમનના સાધન તરીકે ભાષાને કાળપરિમાણે ગમે ત્યારે વાપરી શકાય છે. રોમન સામ્રાજ્ય નાશ પામ્યું હોવા છતાં એને વિશે વાત કરી શકાય છે. આજના માનવસમાજ અને તેની સંસ્કૃતિના વિકાસમાં ભાષાનો ફાળો અત્યંત મહત્વનો છે. ભાષા જેવું સમર્થ સાધન મનુષ્ય પાસે ન હોત તો તે કશી જ પ્રગતિ કરી શક્યો ન હોત. ભાષાના વિશિષ્ટ ઉપયોગથી જ મનુષ્ય અન્ય જીવોમાં અનન્ય સ્થાન ભોગવે છે. એક ભાષાવિજ્ઞાનીએ તો એટલે સુધી કહ્યું છે કે, માનવજાતિએ ભાષાનો ઉપયોગ કર્યો ત્યારથી જ એ માનવ બનવા માંડી. આમ ભાષા જ સંસ્કૃતિવિકાસનું, સામાજિક વિકાસનું મોટામાં મોટું પરિબળ છે.

ભાષાની મહત્વની કામગીરી અવગમનની છે; તોપણ બીજી કેટલીક નોંધપાત્ર કામગીરીઓ પણ તે બજાવે છે : લાગણી અને વિચારોની અભિવ્યક્તિ ભાષામાં જ થાય છે. લાગણી અને વિચારોનું પૃથક્કરણ કરવામાં પણ ભાષા જ મદદરૂપ નીવડે છે. સામાજિક વ્યવહારનું એ મહત્વનું સાધન છે. વળી એ જ્ઞાન-સાધન પણ છે તેમ સાહિત્યનું પણ એ સબળ માધ્યમ છે. ભાષા વડે માહિતીની સાચવણી અને હેરફેર થઈ શકે છે. અમૂર્ત ભાવોની અભિવ્યક્તિ થઈ શકે છે. એમાં નવનિર્માણની પણ અનેકવિધ શક્યતાઓ રહેલી જણાય છે તેથી જ ભાષા અવગમનનું સર્વોત્તમ સાધન ગણાઈ છે.

ભાષાની ઉત્પત્તિ (origin of language)

ભાષાવિજ્ઞાનના વણઊકલ્યા કોયડામાંનો આ એક છે. વેન્દ્રે જેવા ભાષાવિજ્ઞાનીએ તો ભાષાની ઉત્પત્તિ અંગેની વિચારણાને ભાષાવિજ્ઞાનના ક્ષેત્રની બહારની ગણી છે. ભાષાની ઉત્પત્તિ અંગે તરેહતરેહની કલ્પનાઓ અને સિદ્ધાંતો મળે છે, છતાં એમાંથી ભાષાની ઉત્પત્તિ અંગે કોઈ નિશ્ચિત અભિપ્રાય બાંધી શકાતો નથી.

‘ભાષા ઈશ્વરદત્ત છે’ એવો કેટલાકનો મત છે. પ્રાચીન ગ્રીક દાર્શનિકો પૈકી કેટલાક આવો મત ધરાવતા હતા. જોકે સૉક્રેટીસ આ મતથી વિરુદ્ધ હતો. આ મત અનુસાર જગતમાં મનુષ્યની ઉત્પત્તિની સાથોસાથ એની ભાષા પણ ઉત્પન્ન થઈ છે. માનવી જેમ શ્વાસ લેતો એમ બોલતો પણ થયો. કેટલાક તો બાઇબલના ‘જૂનો કરાર’ની ભાષાને માનવની આદિ ભાષા ગણવાના મતના છે. આ મત સ્વીકૃત બન્યો નથી. ભાષાની દિવ્યતાના આ સિદ્ધાંતને હર્ડર નામના ભાષાવૈજ્ઞાનિકે નિર્મૂળ ઠેરવ્યો છે. એની દલીલ છે કે આવી અવ્યવસ્થિત, તર્કદૂષિત ભાષાનું સર્જન ઈશ્વર કઈ રીતે કરી શકે ? ઈશ્વરે ભાષાનું નિર્માણ કર્યું જ હોય તો એ સુઘટિત અને તાર્કિક હોય. ભાષાને ઈશ્વરનું સર્જન કે દેન ન ગણતાં માનવીય સર્જન ગણવું જોઈએ.

ભાષાની ઉત્પત્તિ અંગે બીજો એક મત એવો છે કે કોઈ ભાષાસમાજે પરસ્પરની સંમતિથી પોતાના ઉપયોગ માટે ભાષાનું સર્જન કર્યું. એમણે નક્કી કર્યું કે આ પદાર્થને આ નામ આપવું. પહેલાં મનુષ્યો સંકેતો દ્વારા પોતાના મનોભાવ પ્રગટ કરતા. પાછળથી પોતાના ઉપયોગ માટે ભાષા ઘડી. આ મત પણ અશાસ્ત્રીય છે.

અનુકરણધ્વનિસિદ્ધાંત (બાઉવાઉ મત) : આ વાદ એવું માનતો જણાય છે કે પ્રાકૃતિક ધ્વનિ અને પ્રાણીઓના ધ્વનિઓના અનુકરણ દ્વારા ભાષાની ઉત્પત્તિ થઈ. મૅક્સમ્યુલર જેવો ભાષાવિજ્ઞાની આ મતને ‘બાઉ-વાઉ’ મત કહે છે. આ સિદ્ધાંત મુજબ પ્રારંભિક શબ્દો પ્રાકૃતિક અવાજો અને પ્રાણીઓના અવાજોના અનુકરણમાંથી જન્મ્યા હતા. માણસે કાગડા-કૂતરાના અવાજો સાંભળ્યા અને એમનું અનુકરણ કરી શબ્દો નિપજાવ્યા : કા… કા… પરથી ‘કાક’ જેવા. કુદરતનાં નદી, પવન આદિ સત્ત્વોના અવાજો ઉપરથી ધ્વનિસૂચક શબ્દો મળ્યા હશે એમ એમનું માનવું છે. અહીં ઉચ્ચ કક્ષાનાં પ્રાણીમાનવો કાગડા-કૂતરા જેવાં પ્રાણીઓના અવાજોનું અનુકરણ કરી ભાષા નિપજાવે એ વાત ગળે ઊતરતી નથી. કૂતરાનો બાઉવાઉ અવાજ સાંભળી માનવ ભાષા શીખ્યો એવી માન્યતાને કારણે આ સિદ્ધાંત ‘બાઉ-વાઉ’ મત તરીકે પ્રચલિત બન્યો. આ મતની કેટલાક વિદ્વાનોએ પુષ્ટિ કરી છે, તો કેટલાકે એનો વિરોધ પણ કર્યો છે.

ભાવોદગારમાંથી ભાષાની ઉત્પત્તિ (પુહપુહ મત) : આવો મત ધરાવતા ભાષાવિદો તીવ્ર લાગણીઓને પરિણામે જે ઉદગારો નીકળે છે એમાંથી ભાષા ઉત્પન્ન થઈ એવું માને છે. આનંદ, ઉલ્લાસ, ભય, રોષ આદિ મનના ભાવાવેશોને સમયે વિશિષ્ટ ધ્વનિઓ નીકળે છે. ધીરે ધીરે એવી સ્થિતિ ન હોય ત્યારે પણ એવા ધ્વનિઓ કાઢવાની શક્તિ મનુષ્યોમાં આવી ગઈ હશે ને એ રીતે પછી ભાષાની ઉત્પત્તિ થઈ હશે. આ ભાવાવેશ સમયના એક વિશિષ્ટ ધ્વનિ ‘પુહ’ને લક્ષમાં રાખી ભાષાની ઉત્પત્તિ અંગેના આ સિદ્ધાંતને ‘પુહ-પુહ સિદ્ધાંત’ પણ કહે છે. ભાષાના ઘડતરમાં આવા –પ્રાથમિક લાગણીઓના– ઉદગારો કારણભૂત બન્યા હશે એવું સ્વીકારીએ, તોપણ એમાંથી જ ભાષાની ઉત્પત્તિ થઈ એ માનવું વાજબી નથી.

સામૂહિક સહજ ધ્વનિ સિદ્ધાંત (‘યોહેહોનો સિદ્ધાંત) : આ સિદ્ધાંતનો પ્રણેતા નોઈરે નામનો એક ભાષાવિજ્ઞાની છે. એનું કહેવું એમ છે કે માણસોનો સમૂહ જ્યારે કોઈ શ્રમભર્યું કામ કરે છે ત્યારે એના ઉચ્છવાસ સાથે અમુક પ્રકારના ધ્વનિઓ સહજ રીતે કે કુદરતી રીતે નીકળે છે. એથી એ ધ્વનિઓને કાર્ય સાથે સાંકળી શબ્દોનું ઘડતર થાય છે. આજે પણ આપણે તોતિંગ લાકડું કે લોખંડના ભારે ગર્ડર કે ગટરના પાઇપોને ઉપાડતા–ખસેડતા મજૂરો ‘હઇસો-હઇસો’ જેવા શ્રમજન્ય ઉદગારો કાઢે છે. આવા કોઈ શ્રમજન્ય ઉદગારોમાં ભાષાનું મૂળ હોવાનું માનતો આ સિદ્ધાંત યો-હે-હો સિદ્ધાંત (Yo-he-ho theory) તરીકે ઓળખાયો છે.

આ સિદ્ધાંત પણ સ્વીકાર્ય બન્યો નથી. આ સિદ્ધાંત ભાષાના ઉદ્ગમની કોઈ જ પ્રક્રિયા સમજાવી શકતો નથી. એ જે બાબત ગ્રાહ્ય રાખે છે તે માત્ર અનુકરણવાચક શબ્દો કે ઉદ્ગારવાચક ધ્વનિઓની છે. ભાષાનાં એ ગૌણ અંગો છે. આનાથી ભાષાના પ્રધાન અંગની ઉત્પત્તિનો ખુલાસો થતો નથી.

નૃવંશશાસ્ત્રીય સિદ્ધાંત : આ મત નૃવંશશાસ્ત્રનો આધાર લઈ ભાષાની ઉત્પત્તિ સમજાવે છે. ગર્ભમાંથી વિકાસ પામતો જઈ માનવ જેમ પોતાનું અંતિમ સ્વરૂપ ધારણ કરે છે તેમ તેણે ભાષા સિદ્ધ કરી હશે એમ આ મતવાદીઓનું મંતવ્ય છે. શિશુ જે નિર્હેતુક ધ્વનિઓ કાઢે છે એ ધ્વનિઓ જ ભાષાના આદિમ અને નૈસર્ગિક ધ્વનિઓ હશે એટલે આવા કોઈ ધ્વનિઓમાંથી જ ભાષા ઉદભવી હશે એમ તેમનું માનવું સર્વથા અયોગ્ય નથી. આમ છતાં ધ્વનિઓ મળ્યા પછીનું એનું સંકલિત રૂપ કઈ રીતે પ્રાપ્ત થયું તેનો વિચાર તો બાકી જ રહે છે.

મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત : આદિમાનવનો ઉદગાર એની કોઈ લાગણીને પ્રગટ કરતો હશે. આવા લાગણીના વિવિધ ઉદગારોની મદદથી જ આદિ માનવે ભાષા સરજી હશે. આમ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ ભાષાની ઉત્પત્તિનો ખુલાસો કરવાનો પ્રયત્ન થયો છે.

ભાષાના ઉદગમ સંબંધે મનોવિજ્ઞાનને આધારે કેટલાક સમર્થ ભાષાતત્ત્વવિદોએ ચર્ચા કરી છે.

ફ્રેન્ચ ભાષાશાસ્ત્રી વાન્દ્રે ભાષાની ઉત્પત્તિના પ્રશ્નને ભાષાવિજ્ઞાનના ક્ષેત્રની બહારનો ગણવા કહે છે. આ મતને આધારે ભાષાના ઉદભવનો અને આદિમ સ્વરૂપનો નિર્ણય કરવાનું કામ અઘરું છે. ભાષાની ઉત્ક્રાંતિમાં મનોવૈજ્ઞાનિક બળો કામ કરી ગયાં હશે એવી કલ્પના કરી શકાય.

માનવશરીર-રચનાના વિશિષ્ટ વિકાસને કારણે ભાષાની ઉત્પત્તિ થઈ હશે એવો મત ધરાવતા ભાષાવિદો પણ છે. બ્લૂમફીલ્ડે દર્શાવ્યું છે તેમ, ભાષા સંકુલ પ્રવૃત્તિ છે. એ શરીરનાં અનેક અંગો ઉપર અવલંબે છે, તોપણ કેવળ મગજને જ વાણીનું કેન્દ્ર ગણવું યોગ્ય નથી. આ સિદ્ધાંતથી માનવ-ધ્વનિઓ કેટલીક શારીરિક પ્રક્રિયા પર આધાર રાખે છે એ વાત સમજાય છે, પણ એનાથી ભાષાની ઉત્પત્તિ થઈ હશે એ કારણ માન્યામાં આવતું નથી. આ મત પણ સ્વીકાર્ય બની શક્યો નથી.

સંકેત કે ચેષ્ટાઓમાંથી ભાષાનો ક્રમિક વિકાસ થયો હશે એમ કેટલાક ભાષા-વૈજ્ઞાનિકોનું માનવું છે.

એક ભાષાવિજ્ઞાની કહે છે કે જ્યારે ધ્વનિની સાથે અર્થનું સંકલન થયું હશે ત્યારે જ ભાષાનું નિર્માણ થયું હશે.

પ્રથમ માનવ-ધ્વનિસમૂહો સાહજિક હશે. અને એ ધ્વનિઓની સંઘટના સીધીસાદી હશે; તેથી બધાને સમજાયા હશે અને ભાષાઓમાં પ્રયોજાયા હશે.

માનવે પ્રથમ ઇશારાથી કે સંકેતોથી ભાષા વિકસાવી હશે; એમાં અનુકરણાત્મક ધ્વનિઓ સંકળાયા હશે અને એમાંથી જ કાર્યસાધક ભાષા બની હશે.

આમ છતાં ભાષાના ઉદગમ અંગેના મૂળભૂત પ્રશ્નો ઉપરની કોઈ પણ વિચારણાથી ઊકલતા નથી. આથી એટલું જ કહેવું યોગ્ય થશે કે આટઆટલી વિચારણાઓ છતાં ભાષાની ઉત્પત્તિ અંગે કોઈ નિશ્ચિત સંતોષકારક ઉકેલ મળી શક્યો નથી.

જોકે ફ્રેન્ચ ભાષાવિજ્ઞાની ઈ. એચ. સ્તૂર્ત્વાંની ભાષાની ઉત્પત્તિ અંગેની એક નૂતન વિચારણા મળી છે ખરી. એની વિચારણામાં જીવશાસ્ત્રની ર્દષ્ટિ મુખ્ય પ્રેરક બળ છે. આમ છતાં એનું માનવું છે કે આદિમ જાતિઓની ભાષાનું અધ્યયન પણ ભાષાની ઉત્પત્તિ અંગે કશો જ પ્રકાશ પાડતું નથી. સ્તૂર્ત્વાં માત્ર માનવેતર પ્રાણીઓના ધ્વનિઓ અને માનવના ધ્વનિઓમાં રહેલા સામ્ય-વૈષમ્યનું વિવરણ કરે છે ત્યારે ભાષાની ઉત્પત્તિ માટે કેટલીક અર્થસૂચક સામગ્રીનો જ નિર્દેશ કરે છે. એણે માનવભાષાની ઉત્ક્રાંતિ અને ઉત્પત્તિ અંગે રજૂ કરેલી વિચારણામાં ભાષાની ઉત્પત્તિ માટેનાં પરિબળોનું જ્ઞાન થાય છે, પણ ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વાત તો અધૂરી જ રહે છે. માનવીની ઉત્ક્રાંતિ માટેનું મુખ્ય બળ સમાજરચનાને ગણીએ તો સમાજઘડતરની સાથે સાથે માનવભાષા ઘડાતી ગઈ હશે. એ રીતે આદિમ માનવભાષાના અને આધુનિક માનવભાષાના સ્વરૂપ વચ્ચે મોટું અંતર હોવાની સંભાવના રહી છે.

ભાષા અને વાણી

વ્યવહારમાં વપરાતા કેટલાક શબ્દો એના ચોક્કસ અર્થ અને સ્પષ્ટ વપરાશની બાબતમાં મૂંઝવે એવા હોય છે. ‘ભાષાવિજ્ઞાન’માં વપરાતો ‘ભાષા’ શબ્દ આ પ્રકારમાં આવે. નિત્યના વપરાશમાં એનો જે અર્થ થાય છે તે ભાષાવિજ્ઞાનમાં નથી. આવું ‘વાણી’ શબ્દની બાબતમાં છે. અંગ્રેજીમાં language અને speechમાં જે ભેદ છે તે ભેદ ભાષા અને વાણી વચ્ચે ભાષાવિજ્ઞાનમાં કરવામાં આવ્યો છે.

વાણી એટલે ભાષા બોલવાની આખીયે ઘટના – સમગ્ર વાગ્-વ્યવહાર. વાગ્-વ્યવહારની ઘટનામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. પ્રત્યેક વ્યક્તિની બોલચાલની રીતમાં ભિન્નતા જોવા મળે છે : કોઈ અચકાતાં, અચકાતાં બોલતું હોય છે; તો કોઈ વચ્ચે વચ્ચે ભૂલો કરતાં કરતાં બોલતું હોય છે. કોઈ અમુક ઘટનાઓનું પુનરાવર્તન કરતાં કરતાં બોલે છે; તો ક્યારેક બોલનાર વ્યક્તિના મનોભાવ કે પરિસ્થિતિ અનુસાર એના બોલવામાં જુદાપણું હોય છે. આમ, વાગ્-વ્યવહાર વખતે વાણીમાં અપાર વૈવિધ્ય પ્રગટતું દેખાય છે.

વાણીમાં આશ્રય તો ભાષાનો જ લેવાય છે, છતાં એમાં ‘ભાષા’ સિવાયની ઘણી બધી બાબતો હોય છે. પરિણામે કોઈ એક વ્યક્તિ એક જ  વાક્ય જુદી જુદી રીતે બોલે તો અર્થ બદલાતો જણાય છે. ‘આપ, અહીંથી જશો ?’ એ વાક્ય સમજાવટથી બોલાય; ધીમે સાદે બોલાય; ઉગ્ર રીતે બોલાય; ઊંચે સાદે બોલાય; રોષભર્યા અવાજે બોલાય તદનુસાર એમાં મૃદુતા, વેધકતા, ઉગ્રતા, કર્કશતા, તોછડાપણું આદિ આવવાનાં. વાણીમાં આવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. ભાષા વાણી ‘અંતર્ગત’ હોય છે, જેની પોતાની એક નિયત વ્યવસ્થા હોય છે.

મનુષ્યનો સઘળો વાણી-વ્યવહાર ભાષાની ચોક્કસ વ્યવસ્થા સાથે મેળ ધરાવે છે એટલે કે તેની વાણી હમેશાં ભાષાની વ્યવસ્થાથી નિયંત્રિત હોય છે. વ્યક્તિ બોલે છે તે વાણી અને એમાંથી જ એની ભાષા ઘડતર પામે છે. વાણીમાંનાં વૈયક્તિક તત્વો બાદ કરીને ભાષાની વ્યવસ્થા સ્વીકારાય છે. વાણી એ મનુષ્યની સાહજિક ઉચ્ચારણપ્રક્રિયા છે. એના સ્વરૂપનું સંપૂર્ણ વિશ્લેષણ શક્ય નથી. જ્યારે ભાષા વાણીમાંથી જ પ્રગટતી એક વ્યવસ્થા હોઈ, એનું વિશ્લેષણ શક્ય છે.

ભાષા અને વાણી એ પરસ્પરાવલંબી હોવા છતાં ભિન્ન પણ છે. ભાષાનો અભ્યાસ કરનારે તે બંનેની ભિન્નતા ધ્યાનમાં રાખવાની હોય છે.

ભાષા એક સંકેતવ્યવસ્થા છે, તો વાણી એ સંકેતવ્યવસ્થાનો વ્યવહારમાં વિનિયોગ છે. ભાષા હમેશાં એકરૂપ કે એકાત્મક હોય છે જ્યારે વાણી વૈવિધ્યસભર હોય છે. ભાષા એકંદરે સ્થિર સ્વરૂપની હોય છે અને તે ધીમે ધીમે બદલાતી હોય છે, જ્યારે વાણીમાં ઉચ્ચારણોનો ભાગ ખૂબ પરિવર્તનશીલ હોય છે. ભાષા ઔપચારિક શિક્ષણનો વિષય બનતી હોય છે. તેની તુલનામાં વાણી કુદરતી કે નૈસર્ગિક લાગે છે. વ્યક્તિ-વ્યક્તિએ આગવી છટાઓ પ્રગટ કરનારો તેનો વ્યવહાર હોય છે. તેનાં અનેક પાસાં હોય છે. એ રીતે તે બહુરૂપી ઘટના છે.

વાણીની સહજ શક્તિ જતી રહે તોપણ ભાષાની શક્તિ જતી રહેતી નથી. ભાષા કેળવાયેલી આદત હોવાથી એ વાણીથી સ્વતંત્ર રીતે રહી શકે છે, એટલે તો મૃતભાષા પણ શીખવાનું શક્ય બને છે.

ભાષા અને બોલી

‘ભાષાવિજ્ઞાન’ ભાષાનું સ્વરૂપલક્ષી-બંધારણલક્ષી કે ઐતિહાસિક અધ્યયન કરે છે તેમ કોઈ એક ભાષા એના ભાષકો કઈ રીતે પ્રયોજે છે એનું પણ અધ્યયન કરે છે. ભાષાસમાજ મોટા ભૌગોલિક વિસ્તાર ઉપર ફેલાયેલો હોવાથી એના ભાષકો વચ્ચે સંબંધોની કે વ્યવહારની વધતી-ઓછી માત્રા હોવાથી એક જ ભાષા સર્વત્ર એકરૂપે પ્રયોજાતી નથી. એક જ ભાષા બોલાતી હોય એવા વિસ્તારમાં પણ ઉચ્ચારણ-વ્યાકરણ-શબ્દભંડોળ આદિની બાબતમાં ઠીક ઠીક જુદાપણું દેખાતું હોય છે. જો ભાષાના કોઈ આદર્શ–માન્ય સ્વરૂપની વિભાવના નજર સામે રાખવામાં આવે તો એના કરતાં જુદું પડતું અન્ય ભાષારૂપ પણ દેખાય. માન્ય ભાષાથી જુદા પડતા પ્રયોગને ‘બોલી’ એવું નામ અપાયું છે. ‘ભાષાવિજ્ઞાન’ આવી બોલીઓને લગતી માહિતીનું સંકલન કરે છે અને બોલીભૂગોળના નકશાઓ તૈયાર કરવાની કામગીરી પણ બજાવે છે. બોલીઓનું વૈજ્ઞાનિક ઢબે અધ્યયન થયું હોઈ આવું અધ્યયન કરતા વિજ્ઞાનને બોલીવિજ્ઞાન (dialectology) કહે છે.

એક જ ભાષા બોલતા સમાજને ‘ભાષાસમાજ’ કહે છે. એમાં વ્યવહાર માટેની સામાન્ય ભાષા એક જ હોય છે, છતાં એમાં સ્થળ-પરિમાણે કશુંક જુદાપણું દેખાય છે. એક જ ભાષા જુદી જુદી રીતે પ્રયોજાતી હોવાનું સંભળાય છે. ક્યાંક ઉચ્ચારણોની ભિન્નતા હોય : ‘ભીંત-ભેંત’, ‘વીંટી-વટી’, ‘ગામ-ગૉમ’. ક્યાંક એક જ વસ્તુ કે પદાર્થોનું સૂચન કરવા માટે જુદા જુદા શબ્દો હોય : ‘લોટો-કળશ્યો’; ‘તગારું-તબકડું-કતેડું-તબાહરું’. તો ક્યાંક વ્યાકરણમાં જુદાપણું હોય : ‘નથી-નઈં’, ‘આવશે-આવશિ’; ‘કાપ્યો-કાય્પો’. કેટલીક વાર એવું પણ બને કે બે ભાષકો એકબીજાની ભાષા-વ્યવહારભાષા એક જ હોય છતાં એકબીજાને બરાબર સમજી ન શકે એટલી ભિન્નતા એમાં હોય. વળી એક જ ભાષાસમાજ વિવિધ સામાજિક સ્તરો, વ્યાવસાયિક ભિન્નતા આદિ ધરાવતો હોવાથી તેમાં એક જ ભાષા અનેક સ્વરૂપે સાંભળવા મળે છે.

આમ, પ્રાદેશિક, સામાજિક, વ્યાવસાયિક ભિન્નતાઓને કારણે કે અન્ય કારણોસર એક જ ભાષાસમાજમાં તેની માન્ય ભાષાના જુદા જુદા સ્વરૂપભેદો જોવા મળે છે. આમાંના મોટા પ્રાદેશિક અને સામાજિક સ્વરૂપભેદો બોલીઓ તરીકે ઓળખાવાય છે. કેટલાક સ્વરૂપભેદો સાવ નાના સ્તરના, નાના જૂથના કે સૂક્ષ્મ હોય છે. એમને એક જ બોલીના જુદા જુદા સ્તરો કે શૈલીભેદો કહેવામાં આવે છે.

આવા બોલીભેદો સર્જનારાં કેટલાંક પરિબળો હોય છે :

1. વાગ્વ્યવહારની વધતીઓછી ઘનતા. ભાષાસમાજમાં અમુક વ્યક્તિઓ સામાજિક રીતે બંધાયેલી કે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોઈ એમની ભાષામાં વ્યવહારની ઘનતા પ્રમાણમાં વધારે હોય છે. આમ હોવાથી ભાષા પ્રમાણમાં એકરૂપ હોય છે. કેટલીક વાર એક જ ભાષાસમાજમાં રહેતા લોકોના પરસ્પર સંબંધો એકસરખા હોતા નથી. અર્થાત્ એમની વચ્ચે વાગ્-વ્યવહારની ઘનતા ઓછી હોય છે. તેથી એમાં ભાષાભેદોની શક્યતા પ્રમાણમાં વધારે હોય છે. આમ, મોટા ભાષાસમાજમાં બોલીભેદો રહેવાના.

2. સામાજિક ભાષાસ્તરો : તે બોલીભેદ સર્જનારું બીજું એક મહત્વનું પરિબળ ગણાય. સમાજ બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, વાઘરી, વોરા જેવી અનેક કોમોનો બનેલો હોય છે. એમાં પ્રત્યેક કોમને પોતાની ભાષા કે બોલી હોય છે. એટલે તો બોલીને બ્રાહ્મણોની બોલી, વાણિયાઓની બોલી, વોરાલોકોની બોલી જેવાં લેબલો લગાડાય છે.

3. વ્યાવસાયિક ભિન્નતા : તે પણ બોલીભેદ સર્જનારું એક કારણ છે. ધંધાદારી માણસો એમની ભાષામાં પોતપોતાના વ્યવસાયને લગતી વિશિષ્ટ શબ્દાવલીનો પ્રયોગ કરે છે. વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વેપારીઓ, ચોરલૂંટારા વગેરે પોતાની વિશિષ્ટ શબ્દાવલીનો ઉપયોગ કરે છે. આમ તો ગ્રાહકો છતાં વકીલનો ગ્રાહક ‘અસીલ’ અને ડૉક્ટરનો ગ્રાહક ‘પેશન્ટ’ તરીકે ઓળખાશે. વેપારી પોતાના ગ્રાહક માટે ‘બોકડો’ ‘જેવો શબ્દ પ્રયોજે !

જોકે આ પ્રકારની ધંધાકીય પરિભાષાના વપરાશવાળી બોલીઓને અંગ્રેજીમાં ‘trade jargons’ કહેવામાં આવે છે. વળી ધંધાદારીઓમાં પણ ચોર-લૂંટારુ, જુગારી, દાણચોર, સટોડિયા જેવા પોતાની વાતચીતમાં કેટલીક સાંકેતિક કે છૂપી બોલીનો ઉપયોગ કરતા હોય છે; જેમ કે, ‘પેટી’, ‘વધેરવું’, ‘પાઘડી ફેરવી’, ‘દેવાળું ફૂંક્યું’ વગેરે. આવી સાંકેતિક બોલીને ‘પારસી’ (Parsi) કહે છે.

ઘણી વાર અમુકતમુક સામાન્ય જૂથના લોકો-વિદ્યાર્થીઓ, લુખ્ખાઓ, રખડુ વગેરે પણ મજાક-કટાક્ષ કે વક્રોક્તિ માટે વિશિષ્ટ બોલી પ્રયોજતા હોય છે. આવા બોલીભેદને અંગ્રેજીમાં ‘slang’ એવું નામ અપાયું છે. વિદ્યાર્થીઓ પીરિયડ છોડે એને માટે ‘ગુલ્લી મારી’; શિક્ષક બરાબર સમજાવી ન શકે તો તેને ‘બામ’, ‘ઍનેસિન’ કે ‘ઍસ્પ્રો’; સાથે ને સાથે જ રહેતી વ્યક્તિઓ માટે ‘ટ્રેલર’; એક જ સ્થળે વધારે છોકરીઓ ભેગી થઈ હોય તો ‘લીલોતરી’ જેવા શબ્દપ્રયોગો સાંભળવા મળતા હોય છે.

4. સામાજિક વહેમો અને માન્યતાઓ : સામાજિક વહેમો અને માન્યતાઓને કારણે પણ બોલીપ્રયોગો થતા હોય છે. કેટલીક વાર અમંગળના વાચક હોય એવા પ્રયોગો ટાળવાનું વલણ દેખાય છે. ભાષામાં આવા નિષિદ્ધ પ્રયોગો(taboo)નો ઉપયોગ પણ નોંધપાત્ર છે.

‘મરી ગયો’ને સ્થાને ‘સ્વર્ગવાસી’ ‘ગોલોકવાસી’, ‘વૈકુંઠવાસી- ‘પરલોકવાસી થયા’ કે ‘દેવ થયા’ જેવા શબ્દો; ‘બંગડી ફૂટી’ને બદલે ‘નંદવાણી’; ‘દુકાન બંધ કરવી’ ને માટે ‘વધાવવી’ કે ‘વસ્તી કરવી’ જેવા બોલીપ્રયોગો નોંધાયા છે.

ટૂંકમાં પ્રાદેશિક, સામાજિક, વ્યાવસાયિક આદિ ભિન્નતાઓને કારણે કે અન્ય કારણોસર એક જ ભાષા જુદી જુદી રીતે સંભળાય છે. આમાંના મોટા પ્રાદેશિક ભાષાભેદોને બોલી કહે છે, અર્થાત્ ભાષા અને બોલી વચ્ચેનો મુખ્ય ભેદ હોય તો તે ભૌગોલિક વિસ્તારનો જ છે.

આમ જોતાં માન્ય ભાષા ‘ભાષા’ અને ‘બોલી’ વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી; માત્ર વ્યવહારનો જ ભેદ છે. બંને વ્યવહારનાં ક્રમિક સોપાનો છે.

કેટલાક બોલીને માન્ય ભાષાનું બગડેલું કે વિકૃત સ્વરૂપ ગણે છે. ભાષા ક્યારેય વિકૃત હોતી નથી. સુધરેલા-સંસ્કારી માણસો જે ભાષારૂપ વાપરે છે તે પ્રમાણમાં શિષ્ટ કે માન્ય હોય છે, જ્યારે અભણ, ગ્રામવાસીઓ પ્રમાણમાં જુદું ભાષારૂપ વાપરે છે. એ ભાષા કરતાં જુદો પ્રયોગ હોઈ બોલી તરીકે ઓળખાય છે. જોકે ભાષા એટલે ભણેલાગણેલા અને સુસંસ્કૃત માણસો બોલે તે; અને બોલી એટલે ગ્રામીણ-અભણ લોકો બોલે તે – એવા ભેદને ભાષાવિજ્ઞાનમાં કોઈ સ્થાન નથી.

આમ ‘ભાષા’ અને ‘બોલી’ વચ્ચે કોઈ ભેદ હોય તો તે આટલો જ છે : ભાષા વિશાળ ભૌગોલિક વિસ્તારમાં બોલાતી હોય છે, તો બોલી નાનકડા પ્રદેશમાં કે ક્ષેત્રમાં બોલાય છે.

ભાષા એક રીતે તો કોઈ બોલીનું જ માન્ય રૂપ છે. એમાં અનેક બોલીઓનાં તત્વો સમાઈ જતાં હોઈ એ કોઈ પણ એક બોલી સાથે સમરેખ હોતી નથી, જ્યારે બોલીમાં વ્યક્તિના જન્મસ્થાનની બોલીનાં લક્ષણો જળવાતાં હોય છે. બોલીમાં પ્રાદેશિકતાનાં તત્વો જળવાયેલાં હોવાનું જણાય છે.

ભાષામાં સામાજિક વ્યવહારની વિશાળતા–સર્વગમ્યતા જાળવવાનો પ્રયત્ન હોય છે. માન્ય ભાષા પર આખા ભાષા-સમાજનો હકદાવો રહે છે. કોઈ એક પ્રદેશ એના ઉપર દાવો કરી ન શકે. સામાન્ય રીતે માન્ય ભાષામાં શિક્ષણ અપાય છે, કૉર્ટ-કચેરી અને સરકારી વહીવટમાં એનો ઉપયોગ થાય છે. સાહિત્ય પણ સામાન્ય રીતે એમાં સર્જાતું હોય છે. માન્ય ભાષા એક આદર્શ છે. એ સંસ્કૃતિની સૂચક છે. જોકે એ આદર્શ સુધી પહોંચી શકાય કે કેમ એ એક સવાલ છે. સામાન્ય રીતે પ્રત્યેક વ્યક્તિ પોતાની બાલ્યાવસ્થાની બોલીનાં લક્ષણો વત્તાઓછા અંશે જાળવી રાખે છે, વળી માન્ય ભાષા સિવાયના અન્ય સંપર્કોથી એ તદ્દન અલિપ્ત રહી શકતી નથી. આથી એ માન્ય ભાષાની તદ્દન નિકટની શિષ્ટ ભાષા બોલી શકે, પણ માન્ય ભાષાનો એનો આદર્શ તો અસ્પૃશ્ય જ રહે.

માન્ય ભાષાના ઘડતરમાં કેટલાંક ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિબળો ભાગ ભજવે છે; રાજકીય કે ઐતિહાસિક ર્દષ્ટિએ કોઈ સ્થળ મહત્વનું બને તો ત્યાં બોલાતી બોલી ‘માન્ય ભાષા’ બને છે. પ્રત્યેક માન્ય ભાષા કોઈ બોલીમાંનાં ગતિશીલ તત્વોનો સ્વીકાર કરે જ છે. એ એમ ન કરે તો તળપદી બોલીઓ બોલતા ગ્રામીણ સમાજથી દૂર ફેંકાઈ જાય.

માન્ય ભાષા અને બોલીઓ વચ્ચે જનકજન્યનો સંબંધ પણ નથી. સમકાલીન માન્ય ભાષાઓ અને બોલીઓ જ્યારે કોઈ એક મૂળ પ્રાચીન ભાષાસ્વરૂપમાંથી વિકસતી હોય છે ત્યારે એમનો એકબીજા સાથેનો સંબંધ સમકક્ષ જ હોય છે. ભાષામાંથી બોલીઓ વિકસે, બોલીઓને મહત્વ મળતાં એ જ ‘ભાષા’ બને. ટૂંકમાં, બોલી અને ભાષાનો સંબંધ સાપેક્ષ છે. ગુજરાતીની ર્દષ્ટિએ સોરઠી, હાલારી, ચરોતરી, સૂરતી વગેરે બોલીઓ છે, તો અપભ્રંશની ચર્ચાવેળાએ ‘ગુજરાતી’ એની બોલી છે. ભાષામાત્ર બોલીઓ ઉપર જ નભી શકે. બોલીઓ વગર ભાષામાં ગતિ કે વિકાસ સંભવી ન શકે.

સામાન્ય રીતે જે-તે પ્રદેશની બોલીઓને તેની પ્રાદેશિકતાવાચક સંજ્ઞાથી ઓળખવાનું વલણ જણાય છે; જેમ કે, સૂરતી, ચરોતરી, સૌરાષ્ટ્રી વગેરે. આથી એક એવો ભ્રામક ખ્યાલ ઊભો થાય છે કે બોલીઓને જે-તે પ્રદેશની સીમાઓની માફક નિશ્ચિત ભૌગોલિક સીમાઓ હોય છે. ભૌગોલિક નકશાની ર્દષ્ટિએ જે-તે પ્રદેશની સીમાઓ નિશ્ચિત હોય છે, પણ સૂરતી કે ચરોતરી બોલીની એવી સીમાઓ હોઈ શકે નહિ. એક બોલીનો પ્રદેશ ક્યાં પૂરો થાય છે અને બીજીનો ક્યાંથી શરૂ થાય છે એ સુનિશ્ચિત કરવાનું કામ અશક્ય છે. કેટલીક વાર એવું પણ બનતું દેખાય કે અમુક બોલીપ્રદેશના બે અંતિમ છેડાની બોલી વચ્ચે તફાવત હોય અને તે છેડાની નજીકની બીજી બોલી સાથે એનું નિકટનું સામ્ય પણ હોય. આમ હોવાથી જ માત્ર પ્રદેશોને જ અનુલક્ષીને બોલીભેદના નકશા તૈયાર ન કરી શકાય. આને બદલે અમુક-અમુક બોલીનાં લક્ષણો ધ્યાનમાં રાખી એ ક્યાં ક્યાં બોલાય છે તે નોંધતા જઈ જે-તે બોલીનો વિસ્તાર નક્કી કરવામાં આવે છે.

આ રીતે અમુક ભાષાપ્રદેશમાં પ્રચલિત બોલીનાં લક્ષણોની ભૌગોલિક સીમાઓ દર્શાવતી રેખાઓ આંકવામાં આવે છે, જેને બોલીભેદની રેખાઓ (isoglosses) કહે છે. આવી રેખાઓ દ્વારા બોલીવિસ્તારોનું જે ચિત્ર ખડું થાય છે તે સરળ નહિ, પણ સંકુલ હોય છે. બોલીભેદની રેખાઓ એકબીજીને સમાંતર હોતી નથી, પણ એકબીજીને કાપતી આડીઅવળી પથરાયેલી હોય છે. એથી જ તો ભાષાસમાજ ભરતભરેલી રંગીન ચાદર જેવો જણાય છે.

બોલીભેદની સંકુલ રેખાઓ જોતાં એક એવી પ્રતીતિ પણ થાય છે કે બોલીનું સ્વરૂપ અમુક પ્રદેશસંદર્ભે ભાગ્યે જ નિશ્ચિત થઈ શકે.

બોલીભેદની રેખાઓ દ્વારા તૈયાર થતા નકશાઓ વડે જ બોલી-વિસ્તારોનું યથાર્થ ચિત્ર સ્પષ્ટ થઈ શકે. કોઈ વાર બે વિસ્તારો બોલીભેદની રેખાઓના સમુચ્ચયથી જુદા પડી જતા હોય છે, ત્યારે એમને બે રીતે ઓળખવામાં આવે છે : 1. પ્રસારકેન્દ્ર અને 2. અવશિષ્ટ કેન્દ્ર. સાંસ્કૃતિક મહત્વને લીધે જે કેન્દ્રમાંથી બોલીનાં લક્ષણો ફેલાવો કે વિસ્તાર પામતાં હોય તેને ‘પ્રસારકેન્દ્ર’ કહે છે. જો બોલીભેદની રેખાઓ કોઈ એક નાના પ્રદેશને બિલકુલ અલગ તારવીને પસાર થતી હોય તો એ અલગ થયેલા વિસ્તારને ‘અવશિષ્ટ કેન્દ્ર’ કહે છે.

ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો

‘ભાષા’ એક વિશિષ્ટ ઘટના છે. એનું કાર્યક્ષેત્ર કે એનો વ્યાપ ઘણો મોટો છે. ભાષાની સંઘટના, ઉક્તિનું સ્વરૂપ, ઉચ્ચારણ સમયેનાં માનવીનાં વલણો, સામાજિક જીવનની પરિસ્થિતિ વગેરે બાબતો અંગે વિચારણા કરતાં ભાષાવિજ્ઞાનનો અન્ય વિજ્ઞાનો સાથેનો સંબંધ સ્પષ્ટ થાય છે. ભાષાની ઉચ્ચારણપ્રક્રિયા જોતાં એનો શરીરવિજ્ઞાન સાથેનો; ભાષકની સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં વિચાર કરતાં એનો સમાજવિજ્ઞાન સાથેનો; વિચારો, લાગણીઓ, મનોવલણની અભિવ્યક્તિનો અભ્યાસ કરતાં એનો મનોવિજ્ઞાન સાથેનો; કશાક વિષયનું રહસ્ય પામવામાં ભાષા કેવી રીતે કામ કરે છે તે તપાસતાં એનો તત્ત્વજ્ઞાન સાથેનો સહજ કે નિકટતમ સંબંધ પ્રતીત થાય છે.

1. ભાષાવિજ્ઞાન અને શરીરવિજ્ઞાન : ભાષા માનવીના વાગ્-અવયવો દ્વારા નિર્માણ પામતા ધ્વનિઓની એક વિશિષ્ટ સંઘટના છે. ભાષાના બધા જ ધ્વનિઓ માનવીના વાગ્અવયવો દ્વારા નિર્માણ પામે છે. ધ્વનિઓના ઉચ્ચારણમાં જુદા જુદા વાગ્-અવયવો જુદાજુદા પ્રકારની કામગીરી બજાવે છે. એમાં ફેફસાં, શ્વાસનળી, નાદતંત્રીઓ, લૅરિંક્સ, ફૅરિંક્સ, જીભ, દાંત, હોઠ, નાક, પડજીભ આદિ શારીરિક અવયવો ધ્વનિઓના નિર્માણમાં સહાયભૂત થાય છે. ધ્વનિ-નિર્માણમાં શરીરના જ આ અવયવો મદદરૂપ થતા હોઈ ધ્વનિ-ઉત્પાદનની પ્રક્રિયામાં એ શારીરિક અંગો કેવી કામગીરી બજાવે છે એ જાણવા ‘શરીરવિજ્ઞાન’ની જાણકારી મદદરૂપ નીવડે છે. ઉચ્ચારણ વખતે થતી શારીરિક પ્રક્રિયાઓનું જ્ઞાન ન હોય તો આપણે ધ્વનિનો અભ્યાસ ન કરી શકીએ, અને એવી શારીરિક પ્રક્રિયાઓનું જ્ઞાન ‘શરીરવિજ્ઞાન’ની જાણકારી વગર મળી ન શકે.

વળી ભાષાનું શ્રવણેન્દ્રિય મારફતે જ ગ્રહણ થાય છે. મુખ દ્વારા કે વાગ્-અવયવો દ્વારા નિર્માયેલા ધ્વનિઓ શ્રોતાના કાનમાં જઈ અટપટી રચનામાંથી પસાર થઈ એના ચિત્તતંત્ર સુધી પહોંચે છે. તે પ્રક્રિયાના અભ્યાસમાં પણ શરીરવિજ્ઞાન મદદરૂપ નીવડે છે.

ભાષા ઉચ્ચારણ પામી શ્રોતાના કાન સુધી પહોંચે એ દરમિયાન બાહ્ય વાતાવરણમાંથી પસાર થાય છે. તે વખતે એને વાતાવરણના અવરોધોની અસર પહોંચે છે, અને તેથી તેનું ભૌતિક સ્વરૂપ કેવું થાય છે એ જાણવા ‘ભૌતિકવિજ્ઞાન’નો સહારો લેવો પડે છે. એથી ભાષાવિજ્ઞાનનો ભૌતિકવિજ્ઞાન કે પદાર્થવિજ્ઞાન સાથે પણ સંબંધ છે એમ કહી શકાય.

2. ભાષાવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન : માનવીની ભાષાને અને એ જે ભાષાસમાજનો સભ્ય છે એને બહુ જ ગાઢ સંબંધ છે. માનવીએ પ્રાપ્ત કરેલી ભાષા એના ભાષાસમાજની જ દેન છે. ભાષા વારસાગત નથી, પણ સમાજમાંથી પ્રાપ્ત થાય છે. જન્મેલા બાળકને તુરત જ જંગલમાં છોડી દેવામાં આવે તો એ કાળક્રમે ચાલતાં કે દોડતાં શીખશે, પણ ભાષા તો નહિ જ શીખે. ભાષાની સહજોપલબ્ધિ માટે સમાજરચનાનું પરિબળ એક મહત્ત્વની બાબત છે. ભાષા સમાજ કે સંસ્કૃતિ વગર ન સંભવે.

માનવી જ્યારે ભાષા બોલે છે ત્યારે એ શુદ્ધ બોલે છે કે નહિ એટલું જ જાણવું પૂરતું નથી. માનવી સમાજની અન્ય વ્યક્તિઓ સાથે ભાષાવ્યવહાર કરે છે ત્યારે સામાજિક સંદર્ભો પણ એની ભાષાસામગ્રી પર અસર કરે છે. વ્યક્તિ પોતાના સામાજિક મોભાને, સામેની વ્યક્તિના મોભાને, સ્થળને, પ્રસંગને અને વિષયને પણ કેન્દ્રમાં રાખે છે. આ બધી બાબતોને લક્ષમાં રાખી એ વાગ્રૂપોની પસંદગી કરતો હોય છે. ટૂંકમાં, હરેક વ્યક્તિની ઉક્તિ એના સામાજિક-સાંસ્કૃતિક અર્થની દ્યોતક હોય છે. નોકર સાથે વાતચીત કરતાં વપરાતી ભાષાનું સ્વરૂપ અને વડીલ કે માનનીય વ્યક્તિ સાથે થતી વાતચીતનું ભાષારૂપ સ્પષ્ટ તફાવત દર્શાવે છે. ઉત્સવપ્રસંગે ભાષાનું જે સ્વરૂપ હોય તે શોકપ્રસંગે ન જ હોય. ઉત્સવપ્રસંગે માણસો ઉલ્લાસમાં આવી મોકળાશથી ભાષાનો પ્રયોગ કરે છે. વળી મરણપ્રસંગે વપરાતા નિષિદ્ધ શબ્દો પાછળ પણ સામાજિક સંદર્ભ રહેલો હોય છે. આવે સમયે ‘મરી ગયા’ જેવા શબ્દોને સ્થાને ‘સ્વર્ગવાસી થયા’ કે ‘દેવલોક પામ્યા’ જેવા પ્રયોગો કેમ આવ્યા એ સમાજવિજ્ઞાનના અભ્યાસથી સમજાય છે.

આમ, ભાષા અને સમાજ પરસ્પર સંકળાયેલાં છે. ભાષા વગર સમાજની અને સમાજ વગર ભાષાની કલ્પના કરવી દુષ્કર છે. સમાજમાં વસતાં મનુષ્યોને પરસ્પર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થઈ અને તેમાંથી જ ભાષાનો જન્મ થયો અને તેના કારણે સમાજ અસ્તિત્વમાં આવ્યો. આમ, ભાષા અને સમાજ અન્યોન્યાશ્રયી છે. એથી જ ભાષાવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન પણ પરસ્પરાવલંબી છે અને ગાઢ સંબંધ ધરાવે છે.

3. ભાષાવિજ્ઞાન અને મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનનું મૂળ લક્ષ્ય તો મનુષ્યના વર્તનનો અભ્યાસ કરવાનું છે. ભાષા પણ મનુષ્યના વર્તનનો જ એક ભાગ છે. માનવવાણી એ માનવીનું ભાષામય વર્તન છે. માનવીના આવા વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાનના સહારા વગર થઈ ન શકે. માનવવાણી એ કોઈ પરિસ્થિતિનું પરિણામ છે. અમુક પરિસ્થિતિમાં મનમાં અમુક જ વિચારો કેમ ઉદભવ્યા એની જાણકારી માનસશાસ્ત્ર જ આપી શકે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ પ્રેરણા કારણભૂત હોય છે. આવી પ્રેરણા માનવીને કેવી પરિસ્થિતિમાં અને કેવી રીતે થાય છે એની તપાસ એ મનોવિજ્ઞાનનો વિષય છે. માનવવાણી આવી પરિસ્થિતિનું સૂચન કરે છે. એની અભિવ્યક્તિ માટે અમુક જ શબ્દો પસંદગી કેમ પામ્યા એનો જવાબ તો મનોવિજ્ઞાન જ આપી શકે.

મનોવિજ્ઞાનના સહારાથી માનવીના ભાષાવિષયક વર્તનનો અભ્યાસ થઈ શકતો હોવાથી બંને શાસ્ત્રો પરસ્પર સંબદ્ધ છે. એવો અભ્યાસ કરતું ‘psycho-linguistics’નું કાર્યક્ષેત્ર પણ વિકસ્યું છે.

4. ભાષાવિજ્ઞાન અને તત્વજ્ઞાન : તત્વજ્ઞાન સામાન્ય રીતે પરમતત્ત્વને પામવા કે ઓળખવાનો પ્રયત્ન કરે છે. જે અમૂર્ત છે એને ભાષાના સાધન દ્વારા મૂર્ત કરવાનો પ્રયાસ થાય છે. બુદ્ધિ દ્વારા જીવ, જગત, માયા, ઈશ્વર જેવી અગમ્ય બાબતોનાં રહસ્યોની પ્રાપ્તિ માટે એ રચ્યુંપચ્યું રહે છે. જોકે હજુ સુધી એ કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચ્યું જણાતું નથી. આમ છતાં, તત્વજ્ઞાન જેવા ગૂઢ વિષયને સમજાવવા અને અગમ્ય તત્વોની જાણકારી આપવા એણે આધાર તો ભાષાનો જ લેવો પડે છે. ભાષાના શબ્દો તત્વજ્ઞાનના બધા જ વિભાવોને સર્વાંગસંપૂર્ણ રીતે વર્ણવી શકે એવા હોતા નથી. આમ છતાં તત્વજ્ઞાન અને ભાષાવિજ્ઞાનનો સંબંધ ગાઢ હોવાનું જણાય છે.

અર્વાચીન કાળમાં એવું જણાવા લાગ્યું છે કે ભાષાનું કાર્ય તત્વજ્ઞાનની પહોંચ બહારનું છે. જીવ, જગત અને માનવજીવન વિશેની મનુષ્યની વિચારણાના મૂળમાં જે પાયાના વિભાવો (concepts) પડેલા છે તેમનું વિશ્લેષણ કરવું એ જ તત્વજ્ઞાનનું સાધ્ય છે.

આવી તપાસ ભાષિક રૂપોની સામગ્રી વગર શી રીતે થઈ શકે ? વિભાવોની સ્પષ્ટતા પણ શબ્દો દ્વારા જ કરવી પડે. સવાલ એ છે કે શબ્દો અમૂર્ત વિભાવોને વર્ણવવા સમર્થ છે ખરા ?

તત્વજ્ઞાનને આ રીતે ભાષા પાસે જ જવું પડે છે. આમ ઊંડેથી વિચારીએ તો તત્વજ્ઞાનને ભાષાવિજ્ઞાનનો સહારો લીધા વિના ચાલતું નથી.

આથી અમૂર્તને મૂર્ત કરવા માટે તત્વજ્ઞાન પાસે ભાષાથી વધુ કામયાબ અન્ય કોઈ સાધન નથી.

5. ભાષાવિજ્ઞાન અને ઇતિહાસ : ઇતિહાસને જાણવામાં ભાષા-વિજ્ઞાન મૂલ્યવાન ફાળો આપે છે. આજે ગ્રીક અને રોમન સામ્રાજ્યો સાવ ધ્વસ્ત થઈ ગયાં છે, પણ ઇતિહાસે ભાષાના માધ્યમ દ્વારા એમની માહિતીને સંઘરી છે. ભાષાને લિપિની સગવડ મળી હોવાને કારણે ભાષાને સંઘરી શકાય છે અને એને ગમે તે સમયે ઉકેલી પણ શકાય છે. પ્રાચીન શિલાલેખો, હસ્તપ્રતો, તામ્રપત્રો આદિ લખાણો કોઈ ને કોઈ ભાષામાં હોય છે. પ્રાચીન કાળની જાણકારી મેળવવા માટે ઇતિહાસનાં એ સાધનોનું લખાણ મદદરૂપ થાય છે. ભાષાનો ઇતિહાસ સાચવી શકાયો ન હોત તો સંસ્કૃત ભાષા સાથેના લૅટિન, ગ્રીક, જર્મૅનિક ભાષાના સંબંધ-સામ્યનો ખ્યાલ ન મળત.

ઐતિહાસિક રીતે ભાષાવિજ્ઞાનમાં એટલું પુરવાર થઈ શક્યું છે કે આજે અમુક પ્રજા જે ભાષાઓ બોલે છે તે એક કાળે એક જ કુળની કે એક જ જાતિની હતી. આમ ઐતિહાસિક વિગતો કે સંદર્ભની જાણકારી ભાષાના કુલ-સ્વરૂપની તપાસમાં સહાયક બને છે.

અર્વાચીન ગુજરાતી ભાષામાં અરબી-ફારસી, અંગ્રેજી-પૉર્ટુગીઝ શબ્દો કેમ આવ્યા એ જાણવા માટે ઐતિહાસિક કે સાંસ્કૃતિક સંદર્ભની જાણકારી અનિવાર્ય થઈ પડે છે. ગુજરાતમાં મુઘલો કે મુસ્લિમોના શાસનકાળમાં અરબી-ફારસીનો વપરાશ ગુજરાતીના શબ્દભંડોળમાં એ પ્રકારના શબ્દોના પ્રવેશનું કારણ છે. અંગ્રેજો અને પૉર્ટુગીઝોના સંપર્કને કારણે એમની ભાષાના શબ્દો ગુજરાતીમાં સ્વીકારાયા છે. પ્રજાસંપર્કના આવા જીવતા-જાગતા પુરાવાઓ ભાષાના ઇતિહાસમાંથી મળે છે. તો સામે પક્ષે ભાષાના કેટલાક કોયડા ઉકેલવામાં ઇતિહાસ મદદરૂપ થઈ શકે છે.

6. ભાષાવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્ર : અર્વાચીન સમયમાં પ્રાપ્ય કે વર્તમાન ભાષાના સ્વરૂપને આધારે તેનું પગેરું કાઢતાં એના પ્રાચીનતમ સ્વરૂપ સુધી પહોંચી શકાય એ માટે નૃવંશશાસ્ત્ર ખૂબ ઉપયોગી નીવડે છે. આદિ માનવો ક્યાં રહેતાં હતાં ? ક્યારે રહેતા હતા ? એ કઈ ભાષા બોલતા હતા ? – જેવી બાબતોના ઉત્તરો નૃવંશશાસ્ત્રના અભ્યાસને આધારે આપી શકાય છે. આમ, ભાષાવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્ર વચ્ચે પણ કેટલોક મૂળગત સંબંધ છે.

ભાષા માનવીને સૌપ્રથમ ક્યારે પ્રાપ્ત થઈ એ વિશે વિદ્વાનોએ ઊંડી ગવેષણા કરી હોવા છતાં એ અંગે કશા સ્પષ્ટ તારણ ઉપર આવી શકાયું નથી. આથી તો આ પૂર્વે સૂચવ્યું તેમ, ભાષા-વિજ્ઞાનીઓએ ભાષાની ઉત્પત્તિ ક્યારે થઈ એ પ્રશ્નને ભાષાવિજ્ઞાનના વિષયપ્રદેશની બહારનો ગણ્યો છે. જો નૃવંશશાસ્ત્રનો કડીબદ્ધ ઇતિહાસ હોત તો આજે આદિ-માનવસમાજ પાસે ભાષાનું સાધન હતું કે કેમ અને હતું તો એમાં કેવા પ્રકારના ધ્વનિઓ હતા વગેરે વિશે સ્પષ્ટતા થઈ શકી હોત.

ભાષાનું સ્વરૂપલક્ષી અધ્યયન

ભાષાનું સ્વરૂપલક્ષી અધ્યયન તેના બંધારણનાં તત્વોને આધારે થાય છે. કોઈ પણ ભાષાના બંધારણના મહત્વના ઘટકો ત્રણ છે : (1) ધ્વનિઓ, (2) ધ્વનિઓની મદદથી નિર્માતાં રૂપો, (3) રૂપોની મદદથી નિર્માતાં વાક્યો અને (4) રૂપોના અર્થો.

આ ચારે ઘટકોનો અલગ અલગ વિચાર થયો હોઈ એમનાં અલગ અલગ વિજ્ઞાનો કે એમની અલગ અલગ શાખાઓ અસ્તિત્વમાં આવેલાં છે. એ વિજ્ઞાન-શાખાઓ આ પ્રમાણે છે :

(1) માત્ર ધ્વનિઓનો જ વિચાર કરતી ભાષાવિજ્ઞાનની શાખા તે ધ્વનિવિજ્ઞાન (phonetics) : આ શાખામાં કોઈ એક ભાષામાં કયા કયા ધ્વનિઓ છે, એ કઈ રીતે ઉચ્ચારાય છે અને તે ભાષા-વ્યવસ્થાના એકમો કઈ રીતે બને છે એની વિચારણા થતી હોય છે.

(2) ધ્વનિઓને કશો જ અર્થ હોતો નથી, છતાં એમની જ મદદથી અર્થ વ્યક્ત કરી શકાય છે. ‘રૂપ’ઘડતરમાં ધ્વનિઓ કેવા પ્રકારની કામગીરી કરે છે, એમનું સ્વરૂપ કેવું છે તે અધ્યયનનો વિષય હોય છે. જે કક્ષાએ માત્ર રૂપોનો જ વિચાર કરવામાં આવે છે, તેને રૂપવિજ્ઞાન (morphology) કહે છે.

(3) ભાષામાં એક છેડે અર્થ વગરના એકમો–ધ્વનિઓ છે તો બીજે છેડે અર્થની નિષ્પત્તિ કરે એવા એકમો–શબ્દો, શબ્દગુચ્છો કે વાક્યો છે. જે કક્ષાએ માત્ર વાક્યનો જ વિચાર થતો હોય તેવી ભાષાવિજ્ઞાનની શાખાને વાક્યવિજ્ઞાન (syntax) કહે છે.

(4) રૂપો સાથે અર્થ પણ જોડાતો હોય છે. અર્થનો જ વિચાર કરતું એક અલગ તંત્ર પણ હોય છે. અર્થનો જ વિચાર કરતી એ શાખા અર્થવિજ્ઞાન (semantics) નામે જાણીતી છે.

1. ધ્વનિવિચાર

ધ્વનિવિજ્ઞાન (phonetics) : અધ્યયનની આ કક્ષાએ માત્ર ભાષાના ધ્વનિઓનું જ અધ્યયન કરવામાં આવે છે. તેમનું મુખ્યત્વે બે ર્દષ્ટિએ અધ્યયન થાય છે : (1) સ્વરૂપષ્ટિએ : આ ર્દષ્ટિએ અધ્યયન કરતા શાસ્ત્રને ધ્વનિસ્વરૂપશાસ્ત્ર (phonetics) કહે છે. તે ભાષામાં પ્રયોજાતા ધ્વનિપ્રકારોની ઓળખ આપે છે. તે કોઈ પણ ધ્વનિનું ભૌતિક સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ આપે છે. એ રીતે તે સ્વર, વ્યંજન, અર્ધસ્વર, સ્પર્શ, સંઘર્ષી, સ્પર્શ-સંઘર્ષી, ઘોષ-અઘોષ, અલ્પપ્રાણ-મહાપ્રાણ કોને કહેવાય એની સમજ આપે છે. આ શાસ્ત્ર જગતની કોઈ પણ ભાષાના ધ્વનિઓની ઓળખ આપે છે અને એ પ્રકારના ધ્વનિઓ કઈ કઈ રીતે ઉચ્ચારાય છે એ બતાવે છે.

સ્વરૂપર્દષ્ટિએ ભાષાના ધ્વનિઓનું ‘ઉત્પાદન’, ‘વહન’ અને ‘શ્રવણ’–એ ત્રણ પાસાંને લક્ષમાં રાખીને અધ્યયન કરી શકાય છે. આ ર્દષ્ટિએ થયેલા ધ્વનિવિચારના અનુક્રમે,

(1) ઉચ્ચારણમૂલક ધ્વનિવિચાર (articulatory phonetics); (2) ભૌતિકી-સંચારિકી ધ્વનિવિચાર (acoustic phonetics) અને (3) શ્રવણમૂલક કે શ્રુતિલક્ષી ધ્વનિવિચાર (auditory phonetics) એવા ત્રણ પ્રભેદ પડે છે.

(1) ઉચ્ચારણમૂલક ધ્વનિવિચારમાં ધ્વનિઓનું માત્ર ઉચ્ચારણને લક્ષમાં રાખી અધ્યયન થાય છે. એમાં કયાં કયાં વાચિક અંગો દ્વારા, કઈ કઈ જાતના ધ્વનિઓ, કઈ કઈ રીતે ઉચ્ચારાય છે તેનું વર્ણન કરવામાં આવે છે. આ વિજ્ઞાન મનુષ્યના ‘વાગ્-ધ્વનિ’(vocal sounds)નું વિજ્ઞાન છે. એટલે ઉચ્ચારણપ્રક્રિયામાં કયા કયા વાગ્-અવયવો કયા કયા પ્રકારની કામગીરી બજાવે છે અને કઈ કઈ જાતના ધ્વનિઓ ઉત્પન્ન કરે છે તે વર્ણવાય છે. આ વિચારણામાં ફેફસાં, નાદતંત્રી, પડજીભ, હોઠ, જીભ, ગ્રસનિકા અને નાસિકાવિવર જેવાં વિવિધ ઉચ્ચારણઅંગોની કામગીરી દર્શાવાય છે.

ધ્વનિઓનું સ્વરૂપ પારખવાનું કામ ઉચ્ચારણ-ર્દષ્ટિએ મહત્વનું હોઈ ભાષાવિજ્ઞાન આ પદ્ધતિનો અનિવાર્યતયા ઉપયોગ કરે છે.

(2) ભૌતિકી-સંચારિકી ધ્વનિવિચારમાં, ધ્વનિ ઉત્પન્ન થયા પછી શ્રોતાના કાન સુધી પહોંચવા જે ગતિસંચાર કરે છે તેનું અધ્યયન થાય છે. ધ્વનિ નીપજે એ પછી એ વાયુમોજાંના આંદોલનરૂપે અસ્તિત્વ ધરાવે છે. શ્રોતાના કાન સુધી પહોંચે એ પૂર્વે વાયુમોજું બાહ્ય વાતાવરણમાંથી પસાર થતું હોય છે. ત્યારે તેને અવરોધ નડવાની શક્યતાઓ રહે છે અને એ અવરોધોને કારણે તેની પ્રકૃતિમાં પણ તફાવત પડી શકે છે. આ અધ્યયન ચોકસાઈપૂર્વક કરવા માટે વૈજ્ઞાનિક સાધનોની જરૂર રહે છે. એથી આ પદ્ધતિ ભાષાવિજ્ઞાનની પ્રયોગશાળાઓ પૂરતી સીમિત રહે છે.

(3) શ્રવણમૂલક કે શ્રુતિલક્ષી ધ્વનિવિચારમાં ધ્વનિઓનું અધ્યયન સાંભળવાની પ્રક્રિયાને લક્ષમાં રાખીને થાય છે. ધ્વનિ વાયુમોજાંનાં આંદોલનરૂપે અસ્તિત્વ ધરાવે છે અને તેથી શ્રાવ્ય બને છે. આ અધ્યયન માટે કાનની રચનાની સંપૂર્ણ માહિતી જરૂરી બને છે અને એ માટે ‘શરીરવિજ્ઞાન’નું પણ અધ્યયન કરવું પડે છે. આ પદ્ધતિ પણ બહુ પ્રચારમાં નથી.

ઉચ્ચારણમૂલક ધ્વનિવિજ્ઞાન (articulatory phonetics) : ઉચ્ચારણપ્રક્રિયા (articulatory) : ભાષા યાર્દચ્છિક વાચિક ધ્વનિસંકેતોની વ્યવસ્થા હોઈ તેમાં વાણીના અવયવો દ્વારા નિર્માણ પામતા ધ્વનિઓને જ સ્થાન છે. ભાષાના ધ્વનિઓનું નિર્માણ પામતા કેટલાક વાગ્-અવયવો દ્વારા થાય છે. જોકે કેવળ વાણીના જ કહી શકાય એવા અવયવો માણસ પાસે નથી. આમ છતાં બીજી કેટલીક કામગીરી કરતા અવયવોનો ધ્વનિનિર્માણમાં પણ ઉપયોગ કરાતો હોય છે. ઉચ્ચારણપ્રક્રિયામાં કામ કરતા વાગ્-અવયવો અને તેમની કામગીરીની વિગતો નીચે મુજબ છે :

ફેફસાં (lungs) : તે ધમણ જેવાં છે. તે બહારની હવાને અંદર લેવાનું અને અંદરની હવાને બહાર કાઢવાનું કામ કરે છે. ફેફસાંમાંથી બહાર આવતી હવા એના વહનમાર્ગમાં જુદી જુદી રીતે અવરોધાતાં જુદા જુદા ધ્વનિઓ પેદા થાય છે. નાદતંત્રીઓના કંપનનો આધાર હવાના વધતા-ઓછા દબાણ ઉપર છે. એ કંપનો અનુસાર આંદોલનની તીવ્રતા પણ વધે-ઘટે છે. એથી ધ્વનિ મોટો કે ધીમો બને છે. વળી, બહાર નીકળતી હવાને જુદે જુદે ઠેકાણે અને જુદી જુદી રીતે અવરોધ કે અટકાવ થાય છે. એ અવરોધનાં સ્થાન અને પ્રયત્ન પ્રમાણે ભિન્ન ભિન્ન વાચિક ધ્વનિઓ મળે છે.

સ્વરપેટી (lyrinx) : ફેફસાંમાંથી હવા શ્વાસનળી મારફતે બહાર આવે છે એ દરમિયાન તે સ્વરપેટીના કાણામાંથી પસાર થાય છે. એ સ્વરપેટીમાં બે પડદા હોય છે, જે નાદતંત્રીઓ (vocal cords) તરીકે ઓળખાય છે. બહાર આવતી હવાના ઘસારાથી એ નાદતંત્રીઓ જુદી જુદી માત્રામાં કંપે છે. કંપની જુદી જુદી માત્રાએ હવાનાં વિવિધ આંદોલનો જન્મે છે અને તે ધ્વનિમાં પરિવર્તિત થાય છે. નાદતંત્રીઓ માત્ર ધ્વનિ જ નિષ્પન્ન કરતી નથી, પણ ઘોષ-અઘોષ, મર્મર જેવા ધ્વનિપ્રકારોના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે.

નાદતંત્રીઓની અવસ્થાઓ અને ભિન્ન ભિન્ન ધ્વનિઓનું નિર્માણ :

(1) નાદતંત્રીઓ સાવ છૂટી હોય ત્યારે ફેફસાંમાંની હવા ક્યાંય રોકાયા વગર કે અવરોધ પામ્યા વગર બહાર આવે છે અને ત્યારે જે ધ્વનિ નીપજે છે તેને ‘સ્વર’ (vowel) કહે છે : ગુજરાતીમાં ‘અ’, ‘આ’ જેવા ધ્વનિઓ.

ફેફસાંમાંથી બહાર આવતી હવાને જો મુખમાર્ગમાં પૂરો કે આંશિક અવરોધ નડે ત્યારે જે ધ્વનિ નીપજે છે, તેને ‘વ્યંજન’ (consonant) કહે છે : ગુજરાતીમાં ક્ થી મ્ સુધીના વ્યંજનો).

(2) નાદતંત્રીઓ સાવ બંધ હોય કે એકદમ ભેગી હોય ત્યારે બહાર આવતી હવા સંપૂર્ણપણે અવરોધાય છે. નાદતંત્રીઓ છૂટી પડતાં હવા સ્ફોટ કે ધડાકા સાથે બહાર આવે છે અને ત્યારે જે ધ્વનિઓ નીપજે છે તેમને ‘સ્ફોટકો’ (stops) કે ‘સ્પર્શધ્વનિ’ઓ કહે છે; જેમ કે ગુજરાતી ક્, ખ્, ટ્, ડ્ વગેરે.

નાદતંત્રીઓ સાવ છૂટી કે ખુલ્લી હોય ત્યારે કે સંપૂર્ણ બિડાયેલી હોય ત્યારે નિષ્કંપ રહે છે. નાદતંત્રીની નિષ્કંપ અવસ્થા હોય ત્યારે જે ધ્વનિનું નિર્માણ થાય તેને અઘોષ (unvoiced) કહે છે; ગુજરાતી ક્, ટ્, પ્ જેવા.

તંગ કે ખેંચાયેલી નાદતંત્રીઓ હવાના સ્પર્શથી ધ્રૂજે કે કંપે છે. આવી અકંપ નાદતંત્રીઓ દ્વારા નિર્માતા ધ્વનિને ઘોષ (voiced) કહે છે : ગુજરાતી ગ્, દ્, બ્ જેવા.

હવાને બહાર નીકળવાનો માર્ગ સાંકડો હોય ત્યારે હવા ઘસારા સાથે બહાર આવે છે. આવી સ્થિતિમાં જે ધ્વનિઓ નિષ્પન્ન થાય તેમને સંઘર્ષી ધ્વનિઓ (fricatives) કહે છે : ગુજરાતીના શ્, સ્, હ્ જેવા.

હવાને સંપૂર્ણપણે અવરોધ નડતો ન હોય, હવા પૂર્ણપણે ઘસાયા વગર બહાર આવતી હોય ત્યારે જે ધ્વનિઓ નીપજે તેમને ‘સ્પર્શ-સંઘર્ષી’ (affricates) કહે છે : ગુજરાતીના ચ્, છ્ જેવા.

(3) કંઠવિવર-ગ્રસનિકા (pharynx) : ગ્રસનિકા એ મુખપથ અને નાસિકાપથ નીચેનો, જીભની પાછળનો ભાગ છે. નાદતંત્રીઓમાંથી પસાર થયેલું વાયુમોજું ગ્રસનિકા પાસે થઈ આગળ વધે છે, ત્યારે જીભનો પાછલા મૂળનો ભાગ ગળાની દીવાલ સાથે હવાનો સંપૂર્ણ અવરોધ કરી શકે છે. ગ્રસનિકા વાયુમાર્ગને સાંકડો બનાવે છે. એટલે હવા ઘસાઈને કે સંઘર્ષ અનુભવીને બહાર આવે છે. આવે વખતે જે ધ્વનિઓ નીપજે તેમને સંઘર્ષી ધ્વનિઓ કહે છે : ગુજરાતીના શ્, સ્ જેવા.

(4) નાસિકાવિવર : નાસિકાવિવર માત્ર નાદોદનના ખંડ તરીકે કામ આપે છે. પડજીભ વાયુમાર્ગને એવી રીતે રોકે છે કે વાયુમોજું નાક અને મોં એમ બંને માર્ગે બહાર આવે છે. આમ, હવા નાક અને મોં એમ બંને માર્ગે બહાર આવે ત્યારે જે ધ્વનિઓ નીપજે છે તેમને નાસિક્ય ધ્વનિ (nasals) કે અનુનાસિક કહે છે : ગુજરાતીના ન્, મ્ જેવા.

(5) પડજીભ (uvula) : તાળવાના છેડે જે લટકતો પોચો સ્નાયુ દેખાય છે તેને પડજીભ કહે છે. એ હવાને નાસિકામાર્ગમાં ‘જવા દેવાનું’ કે ‘ન જવા દેવાનું’ કામ કરે છે. ધ્વનિરૂપે બહાર આવતું વાયુમોજું કાં તો મુખમાર્ગેથી બહાર આવે, કાં તો બંને માર્ગે બહાર આવે.

નાસિકાપથ બંધ હોય ત્યારે હવા મુખમાર્ગેથી જ બહાર નીકળે છે. એ વખતે જે ધ્વનિ પેદા થાય તે નિરનુનાસિક ધ્વનિ હોય છે : ક્, ગ્, ટ્, ડ્, પ્, બ્ જેવા. હવા નાક અને મોં – એમ બંને માર્ગે બહાર નીકળે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અનુનાસિક કે નાસિક્ય ધ્વનિઓ : ગુજરાતી ન્, મ્ જેવા.

(6) જીભ (tongue) : કેટલાક ધ્વનિઓના ઉચ્ચારણમાં જીભની પણ કામગીરી છે. જીભ આગળપાછળ ખસી શકે છે તેમ ઊંચીનીચી પણ થઈ શકે છે.

મુખપથમાંથી હવા બહાર નીકળતી હોય તે સમયે જીભનો કોઈ એક ભાગ ઊંચોનીચો થાય અને મુખનાં પોલાણોમાં વિવિધ આકારો સર્જે તો એનાથી ધ્વનિસ્વરૂપ બદલાય છે. એ રીતે સ્વરોના વૈવિધ્યમાં જીભ મહત્ત્વની કામગીરી બજાવે છે. વળી જીભનો કોઈ એક ભાગ ઉચ્ચારણસ્થાનના સંપર્કમાં આવે ત્યારે જુદી જુદી જાતના કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય જેવા વ્યંજનો મળે છે.

(7) હોઠ (lips) : ફેફસાંથી બહાર નીકળેલી હવા હોઠ આગળ પણ અવરોધાતી હોય છે. નીચેનો હોઠ ઉપલા હોઠના સંપર્કમાં આવી હવાને અવરોધે છે ત્યારે જે ધ્વનિ નીપજે છે તેને ઓષ્ઠ્ય (labial) ધ્વનિ કહે છે : ગુજરાતીમાં પ્, ફ્, બ્ વગેરે.

(8) દાંત : દંત્ય (dental) ધ્વનિઓના નિર્માણમાં દાંત કારણભૂત હોય છે. જીભનું ટેરવું દાંતના સંપર્કમાં આવે અને જે ધ્વનિ નીપજે છે તેને દંત્ય કહે છે : ગુજરાતીના ત્, થ્, ધ્, વગેરે.

2. ધ્વનિઘટકશાસ્ત્ર (phonemics)

ધ્વનિસ્વરૂપશાસ્ત્રમાં ધ્વનિઓનું સ્વરૂપર્દષ્ટિએ અધ્યયન થાય છે, તો ધ્વનિઘટકશાસ્ત્રમાં કોઈ ચોક્કસ ભાષાની વ્યવસ્થાના ઘટકરૂપ એકમો તરીકે જ ધ્વનિઓનું અધ્યયન થતું હોય છે. વાગ્-અવયવો દ્વારા આમ તો અસંખ્ય પ્રકારના ધ્વનિઓનું નિર્માણ થઈ શકે છે. એ વાચિક ધ્વનિઓમાંથી અમુક નિર્ધારિત ભાષાના સંદર્ભમાં કયા ધ્વનિ ભાષાસાપેક્ષ અને કયા ધ્વનિ ભાષા-નિરપેક્ષ એ નક્કી કરવાનું કાર્ય આ શાસ્ત્ર કરે છે.

જે વાચિક-ધ્વનિ ભાષાની વ્યવસ્થાનો ઘટકરૂપ એકમ હોય એને જ ધ્વનિઘટક (phoneme) કહે છે. જે ધ્વનિથી અર્થભેદ થાય એવા જ ધ્વનિઓ ભાષામાં ઘટકો તરીકે માન્ય થાય છે. આમ અર્થભેદક ગુણવાળા ધ્વનિને ધ્વનિઘટક કહે છે.

ધ્વનિઘટકશાસ્ત્ર વાચિક ધ્વનિઓમાંથી ધ્વનિઘટકોની તારવણી કરે છે. એ ભાષાના ધ્વનિઓને અર્થના સંદર્ભમાં મૂલવે છે. એમાં ધ્વનિઘટકોની વિચારણા કોઈ એક ભાષાના સંદર્ભે થતી હોય છે.

ધ્વનિઘટક એટલે ધ્વનિગુણ ધરાવતો ભેદક, વ્યાવર્તક, લઘુતમ એકમ કે ઘટક. કાર્યકારી (functional) ધ્વનિને જ ધ્વનિઘટક (phoneme) કહે છે. બીજી બધી પરિસ્થિતિ એકસરખી હોય છતાં કોઈ એક ધ્વનિથી અર્થમાં તફાવત જન્મે એને ધ્વનિઘટક કહી શકાય.

કામ, ગામ, ઘામ–એ શબ્દોમાં ક્, ગ્, ઘ્ – એ ત્રણ ધ્વનિઓથી અર્થભેદ થતો હોઈ તે અર્થભેદક ગુણવાળા ધ્વનિઓ ગણાય છે. ત્રણેય કંઠ્યસ્થાનના સ્પર્શ, નિરનુનાસિક ધ્વનિઓ છે, પણ પ્રત્યેક ધ્વનિ બીજા કોઈ પણ ધ્વનિથી એક ગુણધર્મની બાબતે જુદો છે. ક્ અઘોષ-અલ્પપ્રાણ છે, તો ગ્ ઘોષ-અલ્પપ્રાણ છે : જ્યારે ઘ્ ઘોષ-મહાપ્રાણ છે. આમ, અહીં ઉદાહૃત વાચિક-ધ્વનિઓનો કોઈ એક ધર્મ એવો છે જેથી અર્થભેદ થાય છે.

ધ્વનિઘટકને ઉપધ્વનિઘટક (allophone) પણ હોઈ શકે, એ અર્થભેદક ન હોય, પણ એના ઉચ્ચારણમાં વૈશિષ્ટ્ય હોય. કાકાકૌવા શબ્દમાં ત્રણેય ‘ક’ જુદી જુદી રીતે ઉચ્ચારાય છે, પણ એનાથી અર્થભેદ થતો ન હોઈ એ બધા એક જ ધ્વનિ ક્ ના પર્યાયો છે. ધ્વનિના આવા પર્યાયગત ઘટકને ઉપધ્વનિઘટક કહે છે.

આમ જે બે-ત્રણ રીતે ઉચ્ચારાય પણ જેનાથી અર્થભેદ ન થાય તે ‘ઉપધ્વનિઘટક’. સ્વતંત્ર ધ્વનિઘટકો અમુક પરિસ્થિતિમાં એકબીજાને સ્થાને આવી શકે, જ્યારે ઉપધ્વનિઘટકો એકબીજાને સ્થાને આવી શકે નહિ.

કોઈક વાર અમુક ધ્વનિઓ વચ્ચે મુક્ત હેરફેર પણ થતી હોવાનું દેખાય છે. ગુજરાતીમાં છ્/સ્ (છે, સે), લ્/ળ્ (શાલા-શાળા), ક્/ચ્ (ક્યારે-ચ્યારે), શ્/સ્ (દશ-દસ), જ્/ઝ્ (મજા-મઝા) અને સ્/હ્ (સાચું-હાચું) આવી મુક્ત હેરફેર (free-variation) ધરાવે છે.

ધ્વનિઘટકના પ્રકારો (ગુજરાતી સંદર્ભે) : ખંડીય ધ્વનિઘટકો (segmental) : કેટલાક ધ્વનિઘટકોને એક પછી એક લખી શકાય છે અને ઉક્તિમાં આવ્યા હોય તો એમના ખંડ કે વિભાગ પાડી શકાય છે. એથી આવા ધ્વનિઘટકોને ખંડીય ધ્વનિઘટકો કહે છે.

ઉચ્ચારણસ્થાન અને પ્રયત્નરીતિને આધારે :

સ્વરો (vowels) : ઉચ્ચારણ વખતે સ્વરયંત્ર પછી કોઈ પણ સ્થાને હવા અવરોધાય નહિ ત્યારે ઉત્પન્ન થતા ધ્વનિઓ. મુખપથમાંથી વાયુમોજું બહાર આવતું હોય ત્યારે જીભનો અમુક ભાગ અમુક હદ સુધી ઊંચો થઈ મુખમાં અમુક પ્રકારનાં પોલાણો સર્જે. એમાંથી વાયુમોજું પસાર થાય અને અનુકંપન પેદા થાય ત્યારે નીપજતા ધ્વનિઓ : અ, આ, ઇ, ઉ, એ, ઓ, ઍ, ઑ. એમના ભેદક ધર્મો છે : અગ્રત્વ, મધ્યત્વ, પૃષ્ઠત્વ; ઉચ્ચત્વ, મધ્યત્વ, નિમ્નત્વ.

સ્વરોમાં હ્રસ્વત્વ-દીર્ઘત્વ (કાલમાન) ભેદક નથી. સમયની માત્રાને લક્ષમાં રાખી હ્રસ્વ-દીર્ઘનો ભેદ કરવામાં આવે છે. કાલમાનના સંદર્ભે જ એ હ્રસ્વ-દીર્ઘ કહેવાય છે.

હ્રસ્વ સ્વરને ઉચ્ચારવા જેટલો સમય જોઈએ એના કરતાં બમણો સમય દીર્ઘ સ્વરના ઉચ્ચારણ માટે જોઈએ છે.

સાનુનાસિક સ્વરો (nasal vowels) : ‘એ’ અને ‘ઓ’ સિવાયના બાકીના સ્વરો સાનુનાસિક તરીકે આવી શકે છે. અર્થાત્ નીચે મુજબ છ સ્વરો સાનુનાસિક છે :

        ઈં (ઈંટ),       ઊં (ઊંટ),      અં (હં),

        આં (આંતરડું),  ઍં (અઠવાડ),  ઑં (ઠૉંસો)

મર્મર સ્વરો (murmer vowels) : બધા જ સાદા સ્વરો મર્મરયુક્ત સ્વરો (murmer) તરીકે આવી શકે છે :

        ઈ (બ્હીક)      એ (દ્હેરું)      અ (ત્હમારું)

        આ (ત્હારું)      ઉ (મ્હૂરત)      ઓ (લ્હોવું)

મર્મર-સ્વરો : મર્મરધ્વનિના ઉત્પાદનમાં નાદતંત્રીની અવસ્થા ભાગ ભજવે છે, કોઈ વાર એવું બને કે નાદતંત્રી સંપૂર્ણ બિડાવાને બદલે તેની વચ્ચે થોડીક જગ્યા રહી જાય અને એ સકંપ હોય એટલે ઉચ્ચારણમાં ઘસારા જેવો ધ્વનિ સંભળાય. આને ‘મર્મર’ ધ્વનિ કહે છે.

સંવૃત-વિવૃત (close & open vowels) : જે સ્વરોના ઉચ્ચારણ વખતે મોં પૂરેપૂરું ખુલ્લું રહે ત્યારે નીપજતા સ્વરો તે વિવૃત : ઍ, ઑ.

જે સ્વરોના ઉચ્ચારણ વખતે મોં ઓછું ખુલ્લું રહે ત્યારે ઊપજતા સ્વરો તે સંવૃત : અ, આ, ઇ, ઉ, એ, ઓ.

અર્ધસ્વર (semi-vowel) : જે ધ્વનિઓ ઉચ્ચારણની પરાકાષ્ઠાએ પહોંચતા નથી તેવા ધ્વનિઓ. સ્વર શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ ન પહોંચે તો એને અર્ધસ્વર કહે છે. જઈશું > જયશું : આ ઉક્તિમાં ‘ઈ’ અર્ધસ્વર તરીકે ઉચ્ચારાય છે.

વ્યંજનો (consonants) : ગુજરાતી ભાષામાં નીચેના ધ્વનિઓ કાર્યકારી કે ધ્વનિઘટકો છે : એમને એમનાં ઉચ્ચારણ અને ઉચ્ચારણરીતિ અનુસાર અહીં દર્શાવ્યા છે.

સ્પર્શનિરનુનાસિક અઘોષ ઘોષ સ્પર્શઅનુનાસિક
અલ્પપ્રાણ મહાપ્રાણ અલ્પપ્રાણ મહાપ્રાણ
કંઠ્ય ક્ ખ્ ગ્ ઘ્ (ઙ્)
મૂર્ધન્ય ટ્ ઠ્ ડ્ ઢ્ ણ્
દંત્ય ત્ થ્ દ્ ધ્ ન્
ઓષ્ઠ્ય પ્ ફ્ બ્ ભ્ મ્
સ્પર્શ-સંઘર્ષી તાલવ્ય: ચ્ છ્ જ્ ઝ્ (ઞ્)
પ્રકંપી (દંત્ય) ર્
પાર્શ્વિક લ્
થડકારાવાળા ળ્
સંઘર્ષીશ્(તાલવ્ય) સ્ (દંત્ય) હ્ (કંઠ્ય)
અર્ધસ્વર ય્, વ્

સ્પર્શ-વ્યંજનોના ભેદક ધર્મો :

1. નિરનુનાસિકત્વ-અનુનાસિકત્વ

2. અઘોષત્વ-ઘોષત્વ

3. અલ્પપ્રાણત્વ-મહાપ્રાણત્વ

4. ઉચ્ચારણ-સ્થાન

સ્પર્શ-સંઘર્ષી : બધા જ ધ્વનિઓ માત્ર એક જ સ્થાન-તાલવ્ય-ના. પણ બાકીના ધર્મો સ્પર્શધ્વનિઓ જેવા જ.

સંઘર્ષી ધ્વનિઓ : માત્ર સ્થાનભેદે જુદા જુદા. એમાં અઘોષત્વ-ઘોષત્વ, અલ્પપ્રાણત્વ-મહાપ્રાણત્વ, નિરનુનાસિકત્વ-અનુનાસિકત્વ જેવા ધર્મો ભેદક નથી.

સ્પર્શ-વ્યંજનો (stops) : પ્રથમ હવાને સંપૂર્ણ અવરોધ નડે. નાદતંત્રીઓ છૂટી પડતાં હવા ઘડાકા કે સ્ફોટ સાથે બહાર આવે.

સ્પર્શ-સંઘર્ષી (fricative) : ઉચ્ચારણ વખતે હવા પ્રથમ કોઈ સ્થાને અવરોધ પામે, પણ તરત જ એ ઘસારા સાથે બહાર આવે ત્યારે નીપજતા ધ્વનિઓ.

સંઘર્ષી ધ્વનિઓ (spirants) : હવાને પસાર થવાનો વાયુમાર્ગ સાંકડો હોય ત્યારે હવા સંઘર્ષ કે ઘસારા સાથે બહાર આવે ત્યારે નીપજતા ધ્વનિઓ.

પાર્શ્વિક ધ્વનિઓ (lateral) : મુખમાર્ગમાં જીભ તાળવાને અડકી હોય તેથી હવા સીધેસીધી બહાર આવી શકતી નથી, પણ જીભની બેઉ ધાર(પાર્શ્વ)ને ઘસાઈને પસાર થાય ત્યારે નીપજતો ધ્વનિ.

પ્રકંપી (trilled) : ઉચ્ચારણમાં ક્યારેક જીભ ધ્રૂજે અને જે ધ્વનિ પેદા થાય તેને પ્રકંપી ધ્વનિ કહે છે.

થડકારાવાળા ધ્વનિ (flapped) : આવા ધ્વનિના ઉચ્ચારણમાં જીભ થડકો ખાય છે. એ ઊંચી જઈ નીચે પછડાય છે.

અર્ધસ્વર/અર્ધવ્યંજન (semi-vowel) : જે ધ્વનિઓ ઉચ્ચારણની પરાકાષ્ઠાએ પહોંચતા નથી એવા ધ્વનિઓ. ગાય અને લાવો એ ઉક્તિઓમાં ય્, વ્ ગાઈ અને લાઓ રૂપે સંભળાય છે.

નિરનુનાસિક-અનનુનાસિક (non-nasalized–nasalized) : વાયુમોજું સંપૂર્ણપણે મુખમાર્ગમાંથી બહાર નીકળે ત્યારે ઉચ્ચારાતા ધ્વનિઓ તે નિરનુનાસિક. એને મૌખિક (oral) ધ્વનિઓ પણ કહે છે.

વાયુમોજું મુખ અને નાક એમ બંને માર્ગે બહાર નીકળે ત્યારે જે ધ્વનિઓ નીપજે તે અનુનાસિક કે નાસિક્ય ધ્વનિઓ.

ગુજરાતીમાં ત્રણ સ્વતંત્ર અનુનાસિક વ્યંજનો છે : ણ્, ન્, મ્. એ પરસ્પર ભેદક તરીકે આવી શકે છે. પણ ઙ્ અને ઞ્ પરસ્પર ભેદક નથી. એથી કેટલાક એમને એક જ ધ્વનિના ઉપઘટકો ગણે છે. એમની ઉપસ્થિતિ સ્થાનનિયત છે. ઙ્ માત્ર કંઠ્ય વ્યંજનો પૂર્વે જ આવે છે. ઞ્ માત્ર તાલવ્ય વ્યંજનો પૂર્વે જ આવે છે.

આમ, વ્યંજનના કુલ ચાર અનુનાસિક ઘટકો મળે છે : 1. સ્થાનનિયત અનુનાસિક, ર. ણ્ મૂર્ધન્ય, 3. ન્ દંત્ય અને 4. મ્ ઓષ્ઠ્ય.

અઘોષ-ઘોષ (unvoiced-voiced) : અઘોષ-ઘોષ ધ્વનિઓનું ભેદક તત્ત્વ નાદતંત્રીઓ નિષ્કંપ છે કે સકંપ છે એ છે. સંપૂર્ણ બિડાયેલી કે સાવ ખુલ્લી નાદતંત્રીઓ હવાના સ્પર્શથી ધ્રૂજતી નથી – નિષ્કંપ રહે છે. એથી નીપજતો ધ્વનિ અઘોષ હોય. જ્યારે તંગ કે ખેંચાયેલી નાદતંત્રીઓ હવાના સ્પર્શથી ધ્રૂજે છે–એ સકંપ હોય છે, એથી જે ધ્વનિ નીપજે તે ઘોષ હોય છે,

અલ્પપ્રાણ-મહાપ્રાણ (unaspirated–aspirated) : આ બે ધ્વનિઓ વચ્ચેનું ભેદક તત્વ તે ફેફસાંમાંથી બહાર આવતી હવાનો જથ્થો કે બળ છે.

હવાનો જથ્થો કે બળ પ્રમાણમાં અલ્પ હોય ત્યારે ઉચ્ચારાતો ધ્વનિ તે અલ્પપ્રાણ અને હવાનો જથ્થો કે બળ પ્રમાણમાં વધારે હોય ત્યારે નીપજતો ધ્વનિ તે મહાપ્રાણ.

ઉચ્ચારણસ્થાન (point of articulation) : કંઠ્ય : જીભનો પૃષ્ઠભાગ પોચા તાળવાના સંપર્કમાં હોય ત્યારે નીપજતા ધ્વનિઓ તે કંઠ્ય (velar).

તાલવ્ય : જીભનો મધ્યભાગ કઠણ તાળવાના સંપર્કમાં આવે ત્યારે તાલવ્ય સ્થાનના (palatal) ધ્વનિઓ મળે.

મૂર્ધન્ય : જીભનો અગ્રભાગ મૂર્ધા કે વર્ત્સના સંપર્કમાં આવે ત્યારે મૂર્ધન્ય કે વર્ત્સ્ય (alvelar) ધ્વનિઓ નીપજે.

દંત્ય : જીભનું ટેરવું દાંતના સંપર્કમાં આવે ત્યારે નીપજતા ધ્વનિઓ તે દંત્ય (dental).

ઓષ્ઠ્ય : નીચલો હોઠ ઉપલા હોઠ સાથે બિડાય ત્યારે ઓષ્ઠ્ય (labial) ધ્વનિઓ નીપજે.

અધિખંડીય ધ્વનિઘટકો (non-segmental/supra-segmental)

જે ધ્વનિઓના ખંડ ન પડે કે જેમનું વિભાજન થઈ ન શકે તેવા ધ્વનિઘટકોને અધિખંડીય ધ્વનિઘટકો કહે છે. જેમ ધ્વનિઘટકોમાં તેમ અધિખંડીય ધ્વનિઘટકોમાં અર્થભેદ કરવાનો ગુણ હોય છે.

અધિખંડીય ધ્વનિઘટકો ઉક્તિના કોઈ ભાગ ઉપર વિસ્તરેલા હોય છે. ગુજરાતીમાં આવા ઘટકો ચાર છે : 1. જંક્ચર, 2. પ્લુતિ, 3. સૂર, 4. ભાર. એમને સહવર્તી ધ્વનિઘટકો પણ કહે છે, કારણ કે એમની હાજરીથી જુદી જુદી અર્થછાયાઓ અસ્તિત્વમાં આવે છે.

1. જંક્ચર (juncture) : ઉક્તિના ધ્વનિઘટકો વચ્ચેના સાંધણને કે વિરામને જંક્ચર કહે છે. ક્યારેક અટક્યા વગર જ એક ધ્વનિ પછી બીજો ધ્વનિ ઉચ્ચારાય છે, તો ક્યારેક બે ધ્વનિઓ વચ્ચે ક્યાંક થોડોક વિરામ લેવામાં આવે છે કે અવકાશ રાખવામાં આવે છે.

આમ, ઉક્તિમાં વિરામ કે એની આંતરિક સીમા જેનાથી સૂચવાય તેને જંક્ચર કહે છે. જંક્ચર + આવી નિશાનીથી દર્શાવાય છે.

શુભ કામના કરો. > શુભ કામ + ના કરો.

એનો ધારો છે. > એ + નોધારો છે.

ફરિયાદ કરશે. > ફરી + યાદ કરશે

ટેબલ નીચે છે. > ટેબલ + નીચે છે.

2. પ્લુતિ : ઉક્તિના અંશને લંબાવીને બોલતાં અર્થભેદ થાય. પ્લુતિ એટલે લંબાણ.

હા. જી./ હા… જી. (કંટાળો કે ચીડ)

હા./ હા… (સંશય કે શંકા)

3. સૂર કક્ષા (pitch) : નાદતંત્રીઓના કંપની ગતિને ‘સૂર’ કહે છે. વધતી-ઓછી ગતિને કારણે સૂર ઊંચો(આરોહ)-નીચો(અવરોહ) થાય છે.

ગુજરાતીમાં વિધાનવાક્ય અને પ્રશ્નવાક્ય વચ્ચે ભેદ કરવામાં સૂર મદદ કરે છે.

રમેશ ઘેર છે ↓ (વિધાનવાક્ય)

રમેશ ઘેર છે ↑ (પ્રશ્નવાક્ય)

સૂરના આરોહને કે અવરોહને ‘તીર’ના નિશાનથી દર્શાવાય છે.

4. ભાર (stress) : ઉક્તિમાંના કોઈ અંશનો ખાસ નિર્દેશ કરવા એની ઉપર વિશેષ ભાર મૂકીએ ત્યારે કશોક અર્થભેદ થાય છે.

મહેશ બજારમાંથી પેન્સિલ લાવ્યો. ઉક્તિમાંના ‘મહેશ’, ‘બજારમાંથી’, ‘પેન્સિલ’ જેવા અંશો ઉપર ભાર મૂકીને બોલીએ તો અનુક્રમે મહેશ લાવ્યો (બીજું કોઈ નહિ.), બજારમાંથી લાવ્યો (ઑફિસમાંથી કે બીજેથી નહિ), પેન્સિલ લાવ્યો (બીજું કંઈ નહિ), જેવા અર્થો મળે છે.

રૂપવિચાર (morphology)

ભાષા અવાજોની બનેલી છે. ભાષામાં ઉપયોગમાં લેવાતા અવાજને ‘ધ્વનિ’ કહેવામાં આવે છે.  [ધ્વનિ ભાષાનો પાયાનો ઘટક છે. એટલે તો ભાષાવિદોએ ભાષાને યાર્દચ્છિક વાચિક ધ્વનિસંકેતોની વ્યવસ્થા કહી છે.]

ભાષા ધ્વનિઓની બનેલી છે એ ખરું, પણ એકલા ધ્વનિઓ કશો જ અર્થ ધરાવતા નથી. ધ્વનિઓનું સંયોજન કરી અર્થના એકમો કે ઘટકો બનાવાય છે. ધ્વનિઓના આવા અર્થયુક્ત સંયોજનને ‘રૂપ’ (form કે morph) કહે છે. આવા ‘રૂપ’નો વિચાર કરતી ભાષાવિજ્ઞાનની શાખાને ‘રૂપવિજ્ઞાન’ કહેવામાં આવે છે.

ગુજરાતીમાં વ્ અને ર્ ધ્વનિનું સંયોજન કરી ‘વર’ અને ‘રવ’ એવાં બે ધ્વનિજૂથો મળે છે. તેના ઉપર અર્થનું આરોપણ કરાતાં તેઓ કશાકના સંકેતો બને છે. પહેલાં વ્ અને ર્ માત્ર ધ્વનિઓ હતા, પછી એ અર્થના સંકેતો કે ‘રૂપ’ બન્યા. ધ્વનિ કે ધ્વનિઓનું સંયોજન કરી મેળવાતા અર્થના એકમોને જ રૂપ કહે છે. ભાષા ધ્વનિઘટકોની માત્ર ગોઠવણી નથી. એમાં અમુક એક કે સમુદાયરૂપ ધ્વનિઘટકો સાથે અર્થ પણ જોડાયેલો હોય છે.

‘રૂપવિચાર’માં માત્ર રૂપોનો જ અભ્યાસ થાય છે. ભાષાવિજ્ઞાનમાં રૂપ એટલે અર્થનો નાનામાં નાનો એકમ કે ઘટક. એકમ તરીકે એ લઘુતમ કે વ્યાવર્તક હોય. એના અર્થ સહિતના નાના વિભાગો થઈ ન શકે. કદાચ વિભાગો કરીએ તો ક્યારેક અર્થ બદલાય તો ક્યારેક સમૂળગો અર્થ ન રહે; જેમ કે, ‘કામ’ શબ્દમાં કા મ્ એ ધ્વનિઓ કે ધ્વનિજૂથના વિભાગો – ‘કા’ અને ‘મ’ કરીએ તો અર્થ રહેતો નથી.

કોઈ પણ ઉક્તિના અર્થ સહિતના જેટલા વિભાગો પડી શકે તે બધા જ અંશોને ‘રૂપ’ કહી શકાય. જેમ કે, ‘અણઆવડતો’ ઉક્તિના અણ + આવડત + ઓ – એમ વિભાગો પાડી શકાય છે. અહીં વિભાજિત પ્રત્યેક ઘટક કશોક અર્થ દર્શાવતો હોઈ એ રૂપ છે.

આમ, રૂપો માત્ર ધ્વનિઓની ગોઠવણી નથી, પણ એમાં અમુક કે સમુદાયરૂપ ધ્વનિઘટકો સાથે અર્થ પણ સંકળાયેલો છે.

રૂપ (morph) : ઉક્તિના લઘુતમ સાર્થ અંશને રૂપ — ‘મૉર્ફ’ કહે છે. ‘કડક’, ‘કડપ’, ‘કડવું’, ‘કડકડ’ જેવી ઉક્તિઓમાં ‘કડ’ અંશ સમાન છે, લઘુતમ પણ છે, પણ સાર્થ નથી; એથી એ ‘રૂપ’ નથી. જ્યારે ‘આવજે’, ‘કરજે’, ‘લખજે’, ‘વાંચજે’ જેવી ઉક્તિઓમાં ‘જે’ અંશ સમાન છે, લઘુતમ છે અને સાથે સાર્થ પણ છે; એથી એ ‘રૂપઘટક’ છે.

રૂપઘટક (morpheme) : અર્થની ર્દષ્ટિએ કોઈ પણ ઉક્તિ કે ઉક્તિના ઘટકો કોઈ ચોક્કસ ભાષાની વ્યવસ્થાના ઘટકો બને તો તે બધાને ‘રૂપઘટક’ કહે છે. ‘અણઆવડતો’ ઉક્તિમાંના બધા જ ઘટકો અણ–આવડ–ત + ઓ ગુજરાતી ભાષાની વ્યવસ્થાના ઘટકો છે. તેથી એ બધા રૂપઘટકો છે. અંગ્રેજી Hand, Hands, Handy, Handed, Handful જેવી ઉક્તિઓનાં Hand, s, y, ed, ful – એ પણ બધા રૂપઘટકો છે.

રૂપઘટકો સ્વતંત્ર કોશગત અર્થ ધરાવતા હોય છે કે કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોય છે.

ગુજરાતીના રૂપઘટકોમાં ‘આવડ’ કોશગત અર્થ ધરાવે છે, જ્યારે ‘અણ’ વિરુદ્ધાર્થ’, ‘ત’ સંજ્ઞા અને ‘ઓ’ બહુવચન સૂચવવાની કામગીરી કરે છે.

અંગ્રેજીની ઉપરની ઉક્તિઓમાં ‘Hand’ કોશગત અર્થ ધરાવે છે, s, y, ed, ful જેવા રૂપઘટકો કોશગત અર્થ ધરાવતા નથી. એ પ્રત્યય તરીકેની કામગીરી બજાવે છે.

ઉપરૂપઘટક (allomorph) : ભાષામાં કેટલીક વાર કોઈ એક રૂપઘટક એક જ ધ્વનિરૂપે કે ધ્વનિશ્રેણીરૂપે રજૂ ન પણ થતો હોય એવું બને છે; જેમ કે, ગુજરાતીમાં ભૂતકાળ દર્શાવવા માટે ય્, ધ્, ફ્, ત્ જેવા રૂપઘટકો વપરાય છે. તો અંગ્રેજીમાં બહુવચન દર્શાવવા સ્, ઝ્, ઇઝ્, અન્ જેવાં રૂપો વપરાય છે. અહીં બંને ભાષામાં એક-એક રૂપઘટક નથી; પણ વિવિધ રૂપઘટકો છે. ‘ય્’, ‘ધ્’ જેવા રૂપઘટકોનું કાર્ય માત્ર ભૂતકાળ દર્શાવવાનું છે; તો ‘સ્’, ‘ઝ્’, ‘ઇઝ્’, ‘અન્’ જેવા અંગ્રેજીના રૂપઘટકોનું કામ બહુવચન દર્શાવવાનું છે તે નીચેની ઉક્તિઓ જોતાં સ્પષ્ટ થશે :

બોલ્યો, લખ્યો, ખાધો, પીધો, નાઠો, પેઠો, સૂતો, હતો, બુક્સ, રૅટ્સ, હૅન્ડ્ઝ, ફ્રેન્ડ્ઝ, ડિશિઝ, ફિશિઝ, ઑક્સન, ચિલ્ડ્રન. અહીં ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા વિવિધ રૂપઘટકો છે.

પ્રયોગની ર્દષ્ટિએ એ બધા રૂપઘટકોનું સ્થાન જુદું જુદું છે. જ્યાં એમાંનો કોઈ એક રૂપઘટક આવે ત્યાં બીજો રૂપઘટક આવી શકતો નથી. એમની વચ્ચે વપરાશની બાબતમાં નિયંત્રણ છે.

જે રૂપો સમાનાર્થી હોય, એક જ પ્રકારની રૂપરચનામાં પ્રવેશી શકતાં હોય એ બધાં જ ઉપરૂપઘટકો તરીકે ઓળખાય છે.

ઉપરૂપઘટકોનો અર્થ અને તેમનું કાર્ય એક જ હોય છે; પણ એમનું ધ્વનિસ્વરૂપ જુદું જુદું હોય છે. કોઈ એક રૂપઘટકની ર્દષ્ટિએ બીજું રૂપઘટક કે રૂપઘટકનો પર્યાય ઉપરૂપઘટક જ કહેવાય.

રૂપઘટકોનાં એમનાં કાર્યોને લક્ષમાં રાખી વિવિધ વર્ગો પાડવામાં આવ્યા છે : 1. મુક્ત રૂપઘટકો (free forms), બદ્ધ રૂપઘટકો (bound forms), 2. સામગ્રીઘટકો (contentives) અને કાર્યઘટકો (functors); 3. અંગસાધક (derivational) ઘટકો અને પદસાધક (inflectional) ઘટકો; 4. પ્રત્યય (affix).

1. મુક્ત રૂપઘટક અને બદ્ધ રૂપઘટક : જે રૂપઘટકો સ્વતંત્ર ઉક્તિ તરીકે એકલા આવી શકે, જેમને એકલા બોલી કે પ્રયોજી શકીએ તેવા રૂપઘટકોને મુક્ત રૂપઘટકો કહે છે, ગુજરાતીમાં ‘હાથ’, ‘પગ’, ‘બેસ’, ‘લખ’ વગેરે મુક્ત રૂપઘટકો છે. મુક્ત રૂપો ઉક્તિરૂપે આવે કે કોઈ ઉક્તિના કેન્દ્રમાં હોય.

જે રૂપઘટકો સ્વતંત્ર ઉક્તિ તરીકે આવી ન શકે, જેમને એકલા બોલી કે પ્રયોજી ન શકાય તેવા રૂપઘટકોને બદ્ધ રૂપઘટકો કહે છે. ‘હાથમાં, ‘પગે’, ‘બેસશે’, ‘લખનાર’ જેવી ઉક્તિઓમાં ‘માં’, ‘એ’, ‘શે’, ‘નાર’ આ પ્રકારના રૂપઘટકો છે.

2. મુક્ત રૂપઘટકો કોશગત અર્થ ધરાવતા હોવાથી કે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ આદિનો વિભાવ સ્પષ્ટ કરતા હોવાથી એમને સામગ્રી-ઘટકો કહે છે. જ્યારે બદ્ધ રૂપઘટકો કશો જ કોશગત અર્થ ધરાવતા નથી; પણ ઉક્તિમાં કશુંક કાર્ય બજાવતા હોવાથી એ ‘કાર્યઘટકો’ તરીકે ઓળખાય છે.

‘ટેબલ’, ‘હાથ’, ‘ચોપડી’, ‘બુક’, ‘બેસ’, ‘થા’ – એ સામગ્રી–ઘટકો છે, તો

‘ઓ’, ‘જે’, ‘અણ’, ‘ત’, ‘ય્’, ‘ધ્’, ‘ઠ્’, ‘ત્’, ‘સ્’, ‘ઝ્’, ‘ઇઝ્’, ‘ચન્ – કાર્યઘટકો છે.

કાર્ય–ઘટકો કે બદ્ધ ઘટકો હમેશાં પ્રત્યય તરીકે જ આવે છે. કેટલાક રૂપઘટકો એવા હોય છે, જેમને કોશગત અર્થ હોતો નથી, પણ રૂપરચનામાં પ્રવેશી અંગરચના કે પદરચના બનાવતા હોય છે.

સામાન્ય રીતે આવા ઘટકો આધારવર્તી રૂપઘટકની સાથે કે કેન્દ્રવર્તી રૂપઘટકની સાથે આગળ, પાછળ કે વચ્ચે જોડાતા હોઈ કે fix થતા હોઈ એમને affix કહે છે કે ગુજરાતીમાં એમને પ્રત્યય કહે છે.

આવા પ્રત્યયો બે પ્રકારની કામગીરી કરે છે :

(1) કેન્દ્રવર્તી-આધારવર્તી કે મુક્ત રૂપઘટકની સાથે જોડાઈ અંગ બનાવે કે

(2) કેન્દ્રવર્તી કે આધારવર્તી રૂપઘટકની સાથે જોડાઈ પદ બનાવે. જેમ કે, સમજ + ઉ = સમજુ; ગેર + લાભ = ગેરલાભ; જ્ઞાન + ઈ = જ્ઞાની. અહીં પ્રત્યયો અંગ બનાવે છે. આવા અંગસાધક પ્રત્યયો જેને લાગે એમના અર્થમાં વધારો કરે કે વિરુદ્ધાર્થ દર્શાવે કે પદનું પ્રકાર-પરિવર્તન કરે. ‘સમજ’ અંગને ‘ઉ’ લાગી ‘સમજુ’ બને છે. અહીં ‘સમજ’ સંજ્ઞામાંથી ‘સમજુ’ વિશેષણ સિદ્ધ થાય છે.

જ્યારે ‘ગામનો’, ‘વિદ્યાર્થીઓ’, ‘લખશે’, ‘વાંચ્યું’ જેવી ઉક્તિઓમાં ‘ગામ + નો’, ‘વિદ્યાર્થી + ઓ’, ‘લખ + શે’, ‘વાંચ્ + યું’ માં ‘નો’, ‘ઓ’, ‘શે’ અને ‘યું’ છે તો પ્રત્યયો જ; પણ એ વાક્યકક્ષાએ પદોનો સંબંધ (લિંગ, વચન, વિભક્તિ, કાળ આદિનો) દર્શાવતા હોવાથી એમને પદસાધક પ્રત્યયો કહ્યા છે. પદસાધક પ્રત્યયો લાગતાં પદપ્રકાર બદલાતો નથી, તેમ અર્થ પણ બદલાતો નથી.

પદસાધક પ્રત્યયો હમેશાં પ્રકૃતિ કે અંગની પાછળ જ લાગે. એ પ્રત્યયો પૂર્વે અંગ જે પ્રકારનું હોય તદનુસાર પદસાધક પ્રત્યયોને નામિક પદસાધક કે આખ્યાતિક પદસાધક પ્રત્યયો તરીકે ઓળખાવાય છે.

સંજ્ઞા, સર્વનામ, વિશેષણ – એ ત્રણ નામિક અંગોને લિંગ, વચન અને વિભક્તિ દર્શાવવા જે પ્રત્યયો લાગે તે બધા જ નામિક પદસાધક પ્રત્યયો છે.

‘ઓ’, ‘ઈ’, ‘ઉ’ (લિંગસાધક); ‘આ’ ‘આં’, ‘ઓ’ (વચનસાધક); ‘ને’, ‘એ’, ‘થી’, ‘ન્’, ‘માં’ વિભક્તિદર્શક પ્રત્યયો આ પ્રકારના છે.

કેટલાક પદસાધક પ્રત્યયો માત્ર આખ્યાતિક અંગ કે ક્રિયાવાચક પદોને લાગતા હોવાથી એમને આખ્યાતિક પદસાધક પ્રત્યયો કહ્યા છે.

આખ્યાત કે ક્રિયાપદને લાગતા ‘અવ’, ‘આવ’, ‘આડ’, ‘એડ’ (પ્રેરક માટેના); ‘ય્’, ‘ઠ્’, ‘ઘ્’ ‘ત્’ ‘શ્’ (કાળદર્શક); ‘ઉં’, ‘ઈએ’, ‘એ’, ‘ઓ’ (પુરુષવાચક) તથા ‘ત્’, ‘નાર’, ‘વ્’, ‘જ્’ (અર્થદર્શક કે કૃદંતસાધક) પ્રત્યયો આ વિભાગમાં આવે.

પ્રત્યયો આધારવર્તી રૂપઘટકની સાથે ક્યાં ક્યાં જોડાય છે તેને અનુસરીને પણ એમની ઓળખ અપાય છે.

કેટલાક પ્રત્યયો કેન્દ્રવર્તી ઘટકની આગળ કે પૂર્વે જોડાતા હોવાથી એમને પૂર્વ-પ્રત્યય (prefix) કહ્યા છે; જેમ કે ‘ગેરસમજ’, ‘વણલોભી’ ‘અધર્મ’, ‘બદનામ’, ‘કવેળા’, સુવિચાર-માં ‘ગેર’, ‘વણ’, ‘અ’, ‘બદ’, ‘ક’ અને ‘સુ’ પૂર્વ-પ્રત્યયો છે.

કેટલાક પ્રત્યયો કેન્દ્રવર્તી ઘટકની પાછળ જોડાતા હોવાથી તેમને પર-પ્રત્યયો (suffix) કહે છે; જેમ કે ‘જ્ઞાની’, ‘મરણ’, ‘ચઢાઈ’, ‘લડત’, ‘ખેપિયો’, ‘બુઢાપો’, ‘મોટપણ’માં ‘ઈ’, ‘ણ’, ‘આઈ’, ‘ત’, ‘ઇય’, ‘પો’ અને ‘પણ’ પરપ્રત્યયો છે.

કેટલાક પ્રત્યયો રૂપઘટકની વચ્ચે જોડાતા હોવાથી એમને અંત:પ્રત્યય (infix) કહે છે; જેમ કે, જ્યારે ‘કતલ’, ‘ઇશ્ક’, અને ‘કિતબ’, અંગોમાંથી ‘કાતિલ’ ‘આશિક’ અને ‘કિતાબ’ જેવાં અંગો અંત:પ્રત્યયથી સિદ્ધ થયાં છે.

આ પ્રત્યયો પણ એમની કામગીરી અનુસાર ઓળખાય છે. જો આ પ્રત્યયો નામિક અંગોને લાગ્યા હોય તો નામિક પૂર્વપ્રત્યય કે નામિક પરપ્રત્યય તરીકે અને આખ્યાતિક અંગોને લાગ્યા હોય તો એ આખ્યાતિક પ્રત્યયો તરીકે ઓળખાય છે.

નામિક અંગોને લાગતા પ્રત્યયો સંજ્ઞા ઉપરથી વિશેષણ કે વિશેષણ ઉપરથી સંજ્ઞા બનાવતા હોય છે, કે વિરુદ્ધાર્થ દર્શાવે છે. ક્યાંક એ સંજ્ઞામાંથી સંજ્ઞા અને વિશેષણમાંથી વિશેષણ પણ બનાવે છે :

‘અણબનાવ’, ‘અણસમજ’, ‘કજોડું’, ‘નબાપું’, ‘સપૂત’ એ અંગોમાં બનાવ, સમજ, જોડું. બાપ, પૂત વગેરે સંજ્ઞાઓ છે. એમને અનુક્રમે અણ, ક, ન, સ પ્રત્યયો લાગ્યા છે. એથી એ નામિક પ્રત્યયો છે. એ સંજ્ઞામાંથી સંજ્ઞા બનાવે છે.

જ્યારે ‘વણલોભી’, ‘અખાદ્ય’, ‘અપૂરતું’, ‘અણસમજુ’ જેવાં અંગોમાં લોભી, ખાદ્ય, પૂરતું, સમજુ વગેરે વિશેષણો છે. તેથી વણ, અ, અણ પણ નામિક પ્રત્યયો છે, એ વિરુદ્ધ અર્થ સૂચવે છે.

સંજ્ઞા > સંજ્ઞા બનાવતા : ‘અછત’, ‘અફળ’, ‘અણગમો’, ‘અણસમજ’.

વિશેષણ > વિશેષણ બનાવતા : ‘નગુણું’, ‘નબાપું’, ‘નમાલું’, ‘નધણિયાતું’.

આખ્યાતિક અંગોને લાગતા પ્રત્યયો પણ કશીક કામગીરી કરે છે. ‘મરણ’, ‘જમણ’, ‘સાંધણ’ જેવાં અંગોમાં ‘ણ’ પ્રત્યય ‘મર’, ‘જમ’, ‘સાંધ’ જેવા આખ્યાત કે ક્રિયાપદને લાગ્યો છે. તેથી એ આખ્યાતિક પ્રત્યય છે. એ આખ્યાત કે ક્રિયાપદ ઉપરથી સંજ્ઞા બનાવે છે.

જ્યારે ‘આવનાર’, ‘ગાનાર’, ‘જમનાર’ જેવાં અંગોમાં ‘નાર’ પ્રત્યય ‘આવ’, ‘ગા’, ‘જમ’ વગેરે ક્રિયારૂપોને લાગ્યા છે. એ આખ્યાતિક પ્રત્યય ક્રિયાપદ કે આખ્યાત ઉપરથી વિશેષણ બનાવે છે.

પ્રત્યયો અંગે એક સ્વતંત્ર પુસ્તક ભરાય એટલી સામગ્રી મળે; પણ અહીં પ્રત્યયોની માત્ર ઓળખ સ્પષ્ટ કરવાનો જ હેતુ હોઈ તેમનાં મર્યાદિત સંખ્યામાં ર્દષ્ટાંતો આપવામાં આવ્યાં છે.

વાક્યવિચાર (syntax)

વાક્યવિજ્ઞાનમાં વાક્યોનો અભ્યાસ કરવામાં આવે છે. ભાષા વાક્યરૂપે રજૂ થતી હોવાથી વાક્યને ભાષાનો મુખ્ય ઘટક ગણવામાં આવે છે. વાક્યવિજ્ઞાનમાં વાક્યનાં પદ, પદસમૂહ, ઉપવાક્ય જેવા ઘટકો વિશે વૈજ્ઞાનિક ઢબે વિચારણા કરવામાં આવે છે. રૂપઘટકોની માત્ર ગોઠવણી કરવાથી વાક્ય બનતું નથી. વાક્યને પોતાનું આગવું માળખું કે બંધારણ છે.

બે કે બેથી વધારે પદો કોઈ સંબંધથી જોડાય અને સ્વતંત્રપણે ઉક્તિ તરીકે વાપરી શકાય એવી રચનાને વાક્ય કહે છે. વાક્યમાં પદો ‘નામપદ’ અને ‘ક્રિયાપદ’ના સંબંધથી જોડાય છે. ‘કૂતરો દોડ્યો’ એ ઉક્તિમાં ‘કૂતરો’ નામપદ છે અને ‘દોડ્યો’ ક્રિયાપદ છે. વાક્યમાં કર્તા-કર્મ તરીકેની કામગીરી બજાવતાં પદોને ‘નામપદ’ કહે છે. આવાં પદો જેમાં આવે તેને ‘નામખંડ’ કહે છે.

વાક્યમાં જે પદ ક્રિયાનું સૂચન કરે તેને ક્રિયાપદ કહે છે. એને કેટલાક ‘આખ્યાત’ પણ કહે છે. અને એમના ખંડને ‘ક્રિયાખંડ’ કહે છે.

ઉપરની ઉક્તિમાં ‘કૂતરો’ અને ‘દોડ્યો’ એ બે પદો માત્ર ગોઠવાતાં નથી, પણ એકબીજાં સાથે સંબંધોની સાંકળ પણ રચે છે. આથી પદોનો પરસ્પર સંબંધ જેનાથી વ્યક્ત થાય એવી રચનાને વાક્ય કહે છે. ‘વાક્ય એટલે લઘુતમ પૂર્ણ ઉક્તિ’. અર્થની ર્દષ્ટિએ એ સ્વયંપર્યાપ્ત હોય એટલે કે બીજી રચનાનો અંશ કે ભાગ ન હોય.

વાક્યમાં સામાન્ય રીતે પદસિદ્ધિનો અને વાક્યમાં પ્રવેશતાં પદોના પરસ્પર સંબંધનો વિચાર કરવામાં આવે છે. વળી પદક્રમ, પદસંવાદ આદિ તત્વો વાક્યના બંધારણમાં સહાયભૂત થતાં હોઈ એમનો પણ વાક્યવિજ્ઞાનમાં સમાવેશ થાય છે.

પદ : વાક્યમાં પરસ્પરના સંબંધવાળા રૂપઘટકોને ‘પદ’ કહે છે. પદો, વાક્યમાં એમની ઉપસ્થિતિ અને કાર્ય અનુસાર બે પ્રકારનાં હોય; વાક્યમાં કર્તા-કર્મ તરીકેની કામગીરી બજાવતાં પદો તે નામિક પદો. એમાં ‘સંજ્ઞા’, ‘સર્વનામ’ અને ‘વિશેષણ’નો સમાવેશ થાય છે. આવાં પદોને વાક્યકક્ષાએ પરસ્પર સાંકળવા ક્યારેક પ્રત્યયો લાગે અને ક્યારેક ન પણ લાગે.

ગુજરાતીનાં નામિક પદોને ‘ઓ’, ‘આ’, ‘આં’, જેવા વચનસૂચક અને ‘ને’, ‘એ’, ‘થી’, ‘ન’, ‘માં’ જેવા વિભક્તિસૂચક પ્રત્યયો લાગે છે.

વાક્યમાં ક્રિયાસૂચક પદો તરીકે આવી શકે તેને આખ્યાત કે ક્રિયાપદ કહે છે. આખ્યાતિક પદો સામાન્ય રીતે કાળવાચક, અર્થવાચક, પ્રયોગવાચક અને પુરુષ-વચનવાચક પ્રત્યયો લે છે. કેટલીક વાર પુરુષ-વચનના પ્રત્યયોને બદલે લિંગ-વચનના પ્રત્યયો પણ લાગે છે.

પદોના વર્ગો પાડવામાં આવા પ્રત્યયો ઉપકારક નીવડે છે. પ્રકૃતિ કે અંગને પ્રત્યય લાગી સિદ્ધ થયેલી રચના એકબીજા સાથે સંબંધિત હોય ત્યારે એમનો વર્ગ કે એમનું જૂથ રચાય છે. એક, એક વર્ગમાં પ્રકૃતિ કે અંગ સામાન્ય હોય. નામિક પ્રત્યયો પૂર્વે આવતાં અંગો નામિક જ હોય અને આખ્યાતિક પ્રત્યયો પૂર્વે આવતાં અંગો ક્રિયાપદ કે આખ્યાત જ હોય.

આમ પ્રકૃતિ(root)–(ધાતુ કે અંગ)ને પદસિદ્ધિ માટેના પ્રત્યયો લાગી જે રચના થાય તેને જ ‘પદરચના’ કહે છે.

રૂપઘટક વાક્યની બહાર અંગ હોય છે. એ વાક્યમાં વપરાય તો ‘પદ’ બને છે. બીજી રીતે કહીએ તો વાક્યકક્ષાએ પરસ્પરના સંબંધવાળાં અંગોને જ ‘પદ’ કહી શકાય. ‘કૂતરો’ અને ‘દોડ’ એ વાક્યની બહાર અંગ હતાં, પણ ‘કૂતરો દોડ્યો’ એ ઉક્તિમાં પદ છે. બંને અંગો અહીં પરસ્પર કર્તા-ક્રિયાપદના સંબંધથી જોડાયાં છે.

પદસમૂહ કે વાક્યાંશ (phrase) : કેટલીક વાર બે કે બેથી વધારે પદો રચનામાં પ્રવેશે, પરસ્પર કશોક સંબંધ પણ દર્શાવે છતાં એમનો ક્યારેય એક સ્વતંત્ર ઉક્તિ તરીકે પ્રયોગ ન થઈ શકે ત્યારે પદોની આવી રચનાઓને પદસમૂહ કહે છે. આવા પદસમૂહો વાક્યના એક ભાગ કે અંશ તરીકે આવી શકતા હોઈ એને ‘વાક્યાંશ’ પણ કહે છે.

‘લવિંગ કેરી લાકડીએ’ અને ‘રામે સીતાને’ એ વાક્યાંશો કે પદસમૂહો છે. આ બંને વાક્યાંશોને જોડી આપણે નીચે મુજબ વાક્ય બનાવી શકીએ : ‘લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો.’

ઉપવાક્ય (clause) : ઉપવાક્ય રચનાની ર્દષ્ટિએ એક વાક્ય જ હોય છે. એમાં નામપદ અને ક્રિયાપદ બંને હોય છે; છતાં આવાં વાક્યાંગભૂત વાક્યોનો સ્વાયત્ત કે સ્વતંત્ર વાક્યો તરીકે પ્રયોગ થઈ શકતો નથી. એવાં વાક્યો બીજા વાક્ય ઉપર આધાર રાખે છે. આમ પરાયત્ત વાક્યોને ‘ઉપવાક્ય’ કહે છે; જેમ કે જ્યારે આવવું હોય ત્યારે (ઉપવાક્ય) આવજો (મુખ્ય વાક્ય); એ આવશે કે નહીં એની (ઉપવાક્ય) મને ખબર નથી (મુખ્ય વાક્ય).

ઉપવાક્યો મુખ્ય વાક્યો સાથે ગૌણ વાક્ય તરીકે જોડાઈ જુદા જુદા પ્રકારની કામગીરી કરતાં હોય છે. ભાષામાં એમની કામગીરી અનુસાર એમને નામ-ઉપવાક્ય, વિશેષણ-ઉપવાક્ય કે ક્રિયાવિશેષણ-ઉપવાક્ય કહે છે.

ચોપડી ક્યાં મૂકી છે એની/મને ખબર નથી. (નામ-ઉપવાક્ય). જે કરશે/તે ભરશે. (વિશેષણ-ઉપવાક્ય). જ્યારે આવવું હોય ત્યારે/આવજો. (ક્રિયાવિશેષણ-ઉપવાક્ય).

વાક્ય (sentence) : બે કે બેથી વધુ પદો કોઈ સંબંધથી જોડાય અને સ્વતંત્રપણે એક ઉક્તિ તરીકે આવી શકે એવી રચનાને જ વાક્ય કહે છે. વાક્ય અર્થની ર્દષ્ટિએ સ્વયંપર્યાપ્ત હોય જ; એ ક્યારેય બીજી રચનાનો અંશ કે ભાગ ન હોય. નીચેની ઉક્તિઓ આ ર્દષ્ટિએ વાક્યો છે : ઘોડો દોડ્યો./મેં મોગરાનું ફૂલ તોડ્યું./આવજો.

અહીં ત્રીજી રચનામાં કર્તાપદ અનુક્ત કે અધ્યાહાર છે. એમાં કર્તાપદ મૂકી ‘તમે આવજો’ એ રૂપે બોલી શકાય.

આમ વાક્યરચનામાં પદરચના → વાક્યાંશ → ઉપવાક્ય → વાક્ય એમ વિવિધ સ્વરૂપે રચનાઓ હોય છે અને ‘વાક્યવિજ્ઞાન’માં સામાન્ય રીતે પદસિદ્ધિનો અને પદોના પરસ્પર સંબંધનો વિચાર થતો હોય છે.

વાક્યમાં બે પદો હોય ત્યારે એક નામપદ હોય, બીજું ક્રિયાપદ. ‘નામપદ’માં કે ‘ક્રિયાપદ’માં હંમેશાં એક જ પદ આવે એમ બનતું નથી. એમાં નામપદ કે ક્રિયાપદની કામગીરી કરતાં એકથી વધુ પદો આવી શકે છે; જેમ કે, ‘બાગમાં માળી ડોલ વડે ઝાડને પાણી પાય છે.’ અહીં નામપદમાં બાગ, માળી, ડોલ, ઝાડ, પાણી એમ પાંચ પદો છે. તો ક્રિયાપદમાં એક જ પદ છે.

વાક્યમાં જ્યારે બે કરતાં વધારે પદો પ્રવેશતાં હોય છે ત્યારે ‘પદક્રમ’નું પણ મહત્વ હોય છે.

વાક્યમાં કયું પદ ક્યાં આવે એના જે નિયમો હોય એને ‘પદક્રમ’ કહે છે. કયું પદ પહેલું અને કયું પદ પછી એની જે વ્યવસ્થા કે ખ્યાલ તે પદક્રમ. વાક્યમાં પદોની ઉપસ્થિતિ નિયમાનુસારની હોય છે.

કેટલીક ભાષાઓમાં પદક્રમનું મહત્વ હોય છે, તો કેટલીકમાં તેનું કશું જ મહત્વ નથી હોતું.

જ્યાં પદરચનાનું પાસું સુવિકસિત હોય, વાક્યમાં પ્રવેશતાં બધાં જ પદો સાથે સંબંધતત્વો (પ્રત્યયો) જોડાયેલાં હોય ત્યાં પદક્રમનું મહત્વ નથી હોતું. સંસ્કૃત ભાષા આનું એક ઉદાહરણ છે.

જ્યાં પદરચનાનું પ્રમાણ ઓછું હોય એવી ભાષાઓમાં પદક્રમ મહત્વનો બને છે. પદોનું સ્થાન બદલાતાં ત્યાં અર્થ બદલાતો હોય છે; જેમ કે, મમતા માયા કરતાં મોટી./ માયા મમતા કરતાં મોટી.

અંગ્રેજી જેવી ભાષાઓમાં પદરચનાનું પ્રમાણ ઓછું હોઈ પદક્રમનું મહત્વ છે. Horse runs fast./I saw a horse.માં horse પદનો મોભો બદલાય છે.

આમ કર્તા-કર્મનો નિર્ણય કરવામાં પદક્રમ-પદવિન્યાસ ઉપયોગી નીવડે છે.

કેટલીક વાર ભાષામાં ‘પદસંવાદ’ કે ‘રૂપસંવાદ’ (concord) પણ કામ કરતો હોય છે. અહીં વાક્યમાં પ્રવેશતાં અમુક પદો અમુક પદ સાથે લિંગ-વચન આદિ પરત્વે મેળ (એકરૂપતા) ધરાવતાં હોય છે. મેળના આવા નિયમ કે સંવાદને પદસંવાદ કહે છે; જેમ કે, છોકરો (એ. વ.) દોડ્યો (એ. વ.); છોકરા (બ. વ.) દોડ્યા (બ. વ.); ગોળ (પું. એ. વ.) ખાધો (પું. એ. વ.); કેરી (સ્ત્રી. એ. વ.) ખાધી (સ્ત્રી. એ. વ.).

ગુજરાતીમાં વાક્યમાં કેટલાંક પદો અન્ય પદો સાથે મેળ ધરાવે છે, તેનો આ ર્દષ્ટાંતોથી ખ્યાલ આવે છે.

પદનિયંત્રણ કે રૂપનિયંત્રણ (ગવર્નમેન્ટ) : વાક્યમાં આવતાં અમુક પદો અમુક જ સંબંધાર્થો વ્યક્ત કરે. અંગ્રેજીમાં I, we, he, they કર્તાનો જ સંબંધ દર્શાવે. એ કર્મ કે સંબંધાર્થે ન જ આવે. સંસ્કૃતમાં આખ્યાતિક પદો કર્તાના વચનથી નિયંત્રિત છે. જ્યાં હસતિ આવે ત્યાં હસન્તિ ન જ આવે. પદોના મુક્ત વપરાશ ઉપરના નિયંત્રણને પદનિયંત્રણ કહે છે.

પ્રતિનિર્દેશન (cross reference) : વાક્યમાંનાં નામપદનાં લિંગવચનનો નિર્દેશ આખ્યાતિક પદ દ્વારા થઈ શકે. ગુજરાતીમાં કેટલાંક અવિકારી અંગો બહુવચનનો પ્રત્યય લેતાં નથી. વાક્યમાંનાં વિશેષણો કે ક્રિયારૂપો એમનાં લિંગ-વચનનો નિર્દેશ કરે : પાપડ ખાધો/ પાપડ ખાધા/ મોટો પાપડ/ મોટા પાપડ. જાઉં છું, આવજો જેવાં પદો પ્રતિનિર્દેશ કરે છે. તે ‘હું’ અને ‘તમે’ એ કર્તાઓનો નિર્દેશ કરે છે. સંસ્કૃતનું ‘સંભવામિ’ રૂપ ‘અહં’ કર્તાનો નિર્દેશ કરે છે.

બંધારણની ર્દષ્ટિએ વાક્યો : વાક્યમાં સામાન્ય રીતે નામપદ-ક્રિયાપદ હોય છે. પણ જુદાં જુદાં વાક્યોની તરેહ જોતાં એમાં બંધારણની નીચે મુજબ વિશિષ્ટતાઓ દેખાશે.

1. કર્તા-ક્રિયાપદવાળાં વાક્યો : છોકરો બોલ્યો.

2. કર્તા વગરનાં વાક્યો : આવજો. બેસી જાઓ.

3. ક્રિયાપદ વગરનાં વાક્યો : શી એની છટા ! તમારું ઘર ક્યાં ?

4. કર્તા-ક્રિયાપદ વગરનાં વાક્યો : હા.જી./ના. જી./ભલે./અવશ્ય.

ચોથા વિભાગનાં વાક્યો કોઈ વાક્યોનાં ટૂંકાવેલાં રૂપ જ હોય છે; જેમ કે. હા. જી. (હું આવીશ); ભલે. (લેતો આવીશ.)

સાદું (simple), સંયુક્ત (compound), સંકુલ (complex) વાક્ય : જે વાક્યમાં એક જ નામખંડ અને એક જ ક્રિયાખંડ હોય તેવા વાક્યને સાદું વાક્ય કહે છે; જેમ કે, મહેશ ગીત ગાય છે./બાળક ચિત્રો જુએ છે.

સંયુક્ત વાક્ય : જેમાં બે સ્વાયત્ત વાક્યો માત્ર સંયોજકથી જોડાય તેવા વાક્યને સંયુક્ત વાક્ય કહે છે :

નોકર આવ્યો/અને/તેણે ખાઈ લીધું.

સંકુલ વાક્ય : અહીં બે વાક્યો હોય. એમાં એક સ્વાયત્ત વાક્ય હોય અને બીજું એના ઉપર આધાર રાખતું પરાયત્ત વાક્ય હોય તેવી રચના તે સંકુલ. બે વાક્યો મુખ્ય–ગૌણના સંબંધે જોડાય :

[(જ્યારે) તમે આવશો ત્યારે/ આપણે સાથે જમીશું.]

                (ગૌણ)         (મુખ્ય)

રૂપસંવાદ(પદસંવાદ)ને આધારે વાક્યપ્રકારો : કેટલાંક વાક્યોમાં કર્તાની પ્રધાનતા હોય છે, તો કેટલાંક વાક્યોમાં કર્મની પ્રધાનતા હોય છે.

કર્તાની પ્રધાનતા હોય એવાં વાક્યોમાં ક્રિયાપદ કર્તા પ્રમાણે ચાલે છે; જ્યારે કર્મની પ્રધાનતા હોય ત્યાં ક્રિયાપદ કર્મ પ્રમાણે ચાલે છે.

વાક્યમાં કર્તાની કે કર્મની પ્રધાનતાને ‘પ્રયોગ’ કહે છે. જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તેવી વાક્યરચનાને ‘કર્તરિ’ રચના કહે છે. ઘોડો દોડ્યો./ સસલું દોડ્યું./ હું રમું છું.

કર્તા-કેન્દ્રી કે કર્તરિ રચનાઓમાં ક્રિયાપદ હમેશાં કર્તાનાં લિંગ-વચન અનુસાર જ ચાલે છે.

જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તેવી રચનાને ‘કર્મણિ’ રચના કહે છે; જેમ કે શાક સમાર્યું/ખીચડી વઘારી/ભાત વઘાર્યો/વાર્તા વાંચી/ પાઠ વાંચ્યો.

કર્મ-કેન્દ્રી રચનાઓમાં ક્રિયાપદ હમેશાં કર્મનાં લિંગવચન પ્રમાણે જ ચાલે છે.

અર્થની ર્દષ્ટિએ જે ઉક્તિ સ્વયંપર્યાપ્ત હોય, સ્વાયત્ત હોય, એવી રચનાને આપણે વાક્ય કહીએ છીએ.

જે વાક્યમાં હકીકતનું વિધાન કે નિવેદન હોય એને વિધાનવાક્ય કહે છે; જેમ કે, આ વરસે ઉનાળામાં પાણીની તંગી પડશે.

કેટલીક વાર હકીકતનું, નિવેદન હકારમાં હોય કે નકારમાં હોય તદનુસાર આવાં વાક્યો ‘વિધિવાક્ય’ અને ‘નિષેધવાક્ય’ તરીકે ઓળખાય છે : ‘આ ચોપડી મારી છે. (વિધિવાક્ય). આ ચોપડી મારી નથી. (નિષેધવાક્ય).

જેમાં પ્રશ્નનો કે પૃચ્છાનો ભાવ હોય તેને ‘પ્રશ્નવાક્ય’ કહે છે. રચનાની ર્દષ્ટિએ ‘વિધાનવાક્ય’ અને ‘પ્રશ્નવાક્ય’ના બંધારણમાં ખાસ તફાવત નથી. બંને વચ્ચે માત્ર સૂરકક્ષા(pitch)નો તફાવત છે; જેમ કે,

ઘોડો દોડે છે. (વિધાન).

ઘોડો દોડે છે. ↑ (પ્રશ્ન). (તીર ચઢતો સૂર દર્શાવે છે.)

પ્રશ્નવાક્યો બે પ્રકારનાં હોય છે : 1. જેમનો જવાબ ‘હા’ કે ‘ના’માં આપી શકાય તેવાં : સાહેબ કાલે ઘેર હશે ? 2. ક્યાંક જવાબ આપવા કશુંક પદ મૂકવું પડે તેવાં : આજે તમે કેટલા મોડા આવ્યા ? (બહુ મોડા). પહેલા વિભાગમાં આવતાં વાક્યોનું પરિવર્તન આરોહઅવરોહ(સૂર)થી થાય. જ્યારે બીજા પ્રકારમાં ઉત્તર તરીકે કશુંક પદ મૂકવું પડે.

કેટલાંક વાક્યો આશ્ચર્ય-અચંબો, હર્ષ, શોક-દુ:ખ, તિરસ્કાર આદિ ભાવો દર્શાવે છે. આવાં વાક્યોને ‘ઉદગારવાક્ય’ કહે છે :

શી એની છટા ! કેવો રૂપાળો મોર ! ફટ ભૂંડા ! આવું કર્યું !

વાક્યરૂપાંતર (transformation) : વાક્યોનું અન્ય વાક્યપ્રકારોમાં રૂપાંતર થઈ શકે : (1) વિધિવાક્યમાંથી નિષેધવાક્યમાં, (2) વિધાનવાક્યમાંથી પ્રશ્નવાક્યમાં, (3) ઉદગારવાક્યનું વિધાનવાક્યમાં. (1) વિધિવાક્યમાંથી નિષેધવાક્યમાં રૂપાંતર કરવા માટે એમાં ન/ના, નહિ, નથી જેવાં નિષેધવાચક ક્રિયાવિશેષણો ઉમેરાય છે. 1. ઘોડો દોડ્યો : ઘોડો ન દોડ્યો./ના દોડ્યો/ દોડ્યો નહિ.

વાક્યમાં ‘ન’ અને ‘ના’ વ્યાપક રૂપે પ્રયોજાઈ શકે. વાક્યમાં સહાયકારક ‘છ’ ક્રિયાપદનું રૂપ હોય ત્યારે એનો નિષેધ ‘નથી’ પદથી જ થાય.

નિષેધવાક્યોનું વિધિવાક્યમાં રૂપાંતર કરતાં એમાંથી નકાર દર્શાવતાં ક્રિયાવિશેષણો કાઢી નાખવાં પડે. અમે કાલે આવીશું નહિ/ અમે કાલે આવીશું. મેં પાણી નથી પીધું/ મેં પાણી પીધું/ મેં ન ખાધું/ મેં ખાધું.

વિધાનવાક્યમાંથી પ્રશ્નવાક્યમાં રૂપાંતર કરવા માત્ર સૂર કે આરોહ-અવરોહ બદલવો પડે. આરોહ-અવરોહ દર્શાવવા પ્રશ્નાર્થચિહ્ન અને પૂર્ણવિરામનું ચિહ્ન મુકાય છે. ઘોડો દોડે છે. (વિધાન). ઘોડો દોડે છે ? (પ્રશ્ન). ચોર પકડાયો./ચોર પકડાયો ? નિષેધવાક્ય(વિધાન)નું પણ પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર થઈ શકે. હવે જવાની જરૂર નથી./હવે જવાની જરૂર નથી ?

અર્થની ર્દષ્ટિએ વાક્યરચનાઓ : અર્થની ર્દષ્ટિએ વાક્યરચનાઓના બે વિભાગો પડી શકે : (1) કર્તા પોતે જ ક્રિયા કરે છે એવો અર્થ દર્શાવતી રચનાને સાદી રચના કે મૂળભેદ દર્શાવતી રચના કહે છે. જ્યારે, (2) કર્તા ક્રિયાનું લક્ષ્ય બની કર્મરૂપે આવે તેવી રચના તે પ્રેરકરચના કે પ્રેરકભેદ દર્શાવતી રચના.

પહેલા પ્રકારની રચનાઓમાં ક્રિયાપદનું મૂળ અંગ જ કે પ્રકૃતિરૂપ અંગ જ વપરાય છે; જેમ કે,

ઘોડો દોડે છે. ઘાસ ઊગે છે. માટલું ફૂટ્યું.

બીજા પ્રકારની રચનાઓમાં ક્રિયાપદનું ‘પ્રેરક-અંગ’ જ વપરાય. મૂળ ક્રિયાપદને પ્રેરક-અંગ બનાવનારા ‘અવ’, ‘આવ’, ‘આડ’, ‘એડ’, ‘આર’, ‘રાવ’, ‘ડાવ’ જેવા પ્રેરક-પ્રત્યયો લાગે છે, કે વર્ણવિકારથી પણ અંગ સિદ્ધ થાય છે.

પ્રેરકરચનામાં ક્રિયાપદ સાથેના કર્તા-કર્મના સંબંધો બદલાતા હોય છે.

મૂળ રચના                          પ્રેરક

ઘાસ ઊગે છે.                   ખેડૂત ઘાસ ઉગાડે છે.

માટલું ફૂટ્યું.                    નોકરે માટલું ફોડ્યું.

પાંદડાં ખર્યાં.                    માળીએ પાંદડાં ખેરવ્યાં.

પ્રેરકના અર્થો : પ્રેરકનો મૂળ અર્થ ‘પ્રેરક’ : ક્રિયાના કરનારને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે કે ક્રિયા કરવા સજ્જ કરે છે.

કોઈ વાર જુદા જુદા અર્થો પણ પ્રગટતા હોય છે :

‘હું માને કામ કરાવું છું’માં મદદ કરવાનો અર્થ છે. તો ‘શેઠ નોકર પાસે વાસણ મંજાવે છે’માં પ્રેરણાનો જ અર્થ છે. પણ ‘શેઠ નોકરને વાસણ મંજાવે છે’માં ‘સહાય’ કે મદદનો અર્થ છે.

બધાં જ પ્રેરક વાક્યોનો નિષેધ પણ થઈ શકે છે. ‘વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડ’… ન બેસાડ. કે ‘બેસાડ નહિ.’

‘હું માને કામ કરાવું છું.’… કરાવતી નથી. ગમે ત્યાં મુકાવ. … ‘ન મુકાવ’ કે ‘મુકાવ નહિ.’

કર્તરિ અને કર્મણિ રચનાઓનું પણ રૂપાંતર થઈ શકે : (1) કર્તરિમાંથી ‘કર્મણિ’માં અને (2) ‘કર્મણિ’માંથી કર્તરિમાં.

(1) કર્તરિ રચનાઓને કર્મણિ રચનાઓમાં ફેરવવી હોય ત્યારે વર્તમાનકાળનાં વાક્યોને ભૂતકાળમાં ફેરવીને, કે અંગ્રેજી પદ્ધતિએ ‘થી’ પ્રત્યયના ઉપયોગવાળી રચના બનાવીને રૂપાંતર કરી શકાય. રાજા દાન આપે છે./ રાજાએ દાન આપ્યું./ રાજાથી દાન અપાય છે. વિદ્યાર્થી પાઠ વાંચે છે. વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો છે. વિદ્યાર્થીથી પાઠ વંચાય છે.

રાજાએ દાન આપ્યું અને વિદ્યાર્થીએ પાઠ વાંચ્યો એ બે  રચનાઓ અર્થની ર્દષ્ટિએ કર્મણિ છે. એનું પણ ‘થી’ પ્રત્યયવાળી કર્મણિ રચનામાં રૂપાંતર થઈ શકે. રાજાથી દાન અપાયું./ વિદ્યાર્થીથી પાઠ વંચાયો.

કર્તરિ રચનાનું કર્મણિ રચનામાં રૂપાંતર કરતાં જો ‘થી’ પ્રત્યયના પ્રયોગવાળી રચના કરાય તો ક્રિયાપદનું ‘કર્મણિ અંગ’ બનાવવું જ પડે. કર્મણિ અંગ બનાવવા મૂળ કે પ્રેરક અંગને ‘આ’ પ્રત્યય લાગે.

કર + આ > કરા.

કરાવ + આ > કરાવા.

હું કરું છું → મારાથી કરાય છે./ હું કરાવું છું → મારાથી કરાવાય છે. હું આવીશ નહીં → મારાથી અવાશે નહિ./ તમે એ આપી શકશો → તમારાથી એ આપી શકાશે./ એક અધ્યાપક આમ ન કરે → એક અધ્યાપકથી આમ ન કરાય.

ભાષાનું ઐતિહાસિક અધ્યયન

ઐતિહાસિક ભાષાવિજ્ઞાન ભાષાનું કાલાનુક્રમિક નિરૂપણ કરે છે. ભાષાના વર્તમાન રૂપને આધારે ભાષાના આદિમ સ્વરૂપ સુધી પહોંચી, મૂળ ભાષામાંથી વર્તમાન ભાષાનો વિકાસ કઈ રીતે થયો એનાં ઐતિહાસિક સીમાચિહ્નો તે આંકી આપે છે. કોઈ પણ ભાષાનાં ધ્વનિઓ, વ્યાકરણ, રૂપોના અર્થો અને શબ્દભંડોળ વગેરેમાં કાળપરિમાણે પરિવર્તન થતું રહેતું હોય છે. આથી અમુક સમયમાં આજની અમુક ભાષાનું સ્વરૂપ કેવું હતું અને એમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં અને પરિવર્તનોને અંતે ભાષાનું સ્વરૂપ કેવું બન્યું એ ઐતિહાસિક અધ્યયનથી જ જાણી શકાય.

ભાષામાં કાળક્રમે પરિવર્તન આવતાં તેનું સ્વરૂપ બદલાય છે. એમાંથી બોલીભેદો વિકસે છે. એ બોલીઓમાંથી જે કોઈને અમુકતમુક કારણોસર મહત્વ મળે એ ભાષાનો મોભો ધારણ કરે છે. સમય-પરિમાણે કોઈ એક ભાષામાંથી એટલી બધી ભાષાઓ વિકસે છે કે એમના અધ્યયનની સગવડ ખાતર એમનું વર્ગીકરણ કરવું પડે છે.

ભાષાઓનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે : (1) આનુવંશિક-પારિવારિક વર્ગીકરણ અને (2) સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ.

અહીં પારિવારિક વર્ગીકરણની અને એને આધારે જગતની ભાષાઓના બધા મળી કેટલા પરિવારો છે એ અંગેની વિચારણા પ્રસ્તુત છે.

ભાષાપરિવર્તન

જગતના ભાષા-પરિવારોનું અધ્યયન કરતાં પૂર્વે તેનાં વિવિધ અંગોમાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં અને તેનું સ્વરૂપ બદલાતાં એમાંથી કઈ રીતે નવી નવી ભાષાઓ વિકસી એ જાણવા ભાષા-પરિવર્તનનું નિરીક્ષણ-અધ્યયન જરૂરી થાય છે.

સૌનો અંદાજ છે કે નરસિંહ-ભાલણની ભાષા કરતાં પ્રેમાનંદ-દયારામની ભાષાનું સ્વરૂપ કેટલીક બાબતમાં જુદું દેખાય છે. આનો અર્થ એટલો જ કે ભાષાનું સ્વરૂપ આજે જેવું છે તેવું 500–700 કે એથીયે ઘણાં વર્ષો પૂર્વે ન હતું. એ રીતે પાંચેક હજાર વર્ષ પૂર્વેના ભાષાના સ્વરૂપમાં આજે ઘણો મોટો ફેરફાર દેખાય છે. એવા ફેરફારને માટે ‘ભાષાપરિવર્તન’ સંજ્ઞા છે.

ભાષાપરિવર્તનમાં સાતત્ય હોય છે. કોઈ પણ ભાષાનાં જૂનાં અને નવાં પુસ્તકો વાંચતાં, ક્યાંક ઉચ્ચારણ બદલાયાની કે ધ્વનિઓ બદલાયાની પ્રતીતિ થતી હોય છે. ક્યાંક એક ભાષામાં કોઈ એક શબ્દનો જે અર્થ હોય એ જ અર્થ એમાંથી ઊતરી આવેલી ભાષામાં નથી હોતો. ભાષાની વ્યાકરણી કોટિઓ કે સંબંધતત્વોમાં પણ ફેરફાર થયો હોય છે. કેટલીક વાર તો શબ્દભંડોળની ર્દષ્ટિએ પણ ભાષા બદલાયેલી લાગે છે. આમ, ભાષા વિવિધ રીતે પરિવર્તન પામતી હોય છે. જગતની કોઈ પણ ભાષા પરિવર્તનોથી અસ્પૃષ્ટ રહી શકતી નથી. ભાષાઓ ઉચ્ચારણને કારણે જ જીવતી હોય છે. ઉચ્ચારણમાં આવતો નાનો સરખો ફેરફાર બીજે અસર પહોંચાડે છે. એને કારણે ભાષાના વ્યાકરણમાં, રૂપોના અર્થમાં પરિવર્તન આવી શકે છે. ભાષાઓ પરિવર્તન કે વિકાસની સાથે સાથે બીજી ઘણી બધી ક્ષમતાઓ પણ દાખવતી હોય છે.

ભાષામાં થતાં પરિવર્તનો કોને આભારી છે એ અંગે ભાષાશાસ્ત્રીઓએ ખૂબ જ ઝીણવટભરી ચકાસણી કરી છે અને ભાષાપરિવર્તનનાં ઘણાં કારણો હોવાની સંભાવના પણ કરી છે. જેમ કે, કેટલીક ભાષાઓ એવી હોય છે કે એની સંકલના કે સંઘટનામાં જ પરિવર્તનનાં કારણો પડેલાં હોય છે. આગંતુક ઉચ્ચારણો, શબ્દો વગેરેને કારણે પણ ભાષાનું સ્વરૂપ કે તેની વ્યવસ્થા બદલાતાં હોય છે. આ અને આના જેવાં બીજાં અનેક કારણો ગણાવી શકાય. ભાષાનું એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે સંક્રમણ થતું હોય ત્યારે અવગમન પ્રાપ્ત કરનાર વ્યક્તિની શક્તિ-મર્યાદા અનુસાર કોઈ ફેરફાર થાય. બોલનાર ‘અંગૂઠો’ બોલે પણ સાંભળનાર એમ બોલી ન શકે ત્યારે ‘અંઠૂગો’ બોલે. આમ, ધ્વનિવ્યત્યય થતાં ભાષા ફેરફાર પામે. કોઈ શબ્દારંભે જોડાક્ષર બોલી ન શકે ત્યારે કોઈ વધારાનો વર્ણ પણ મૂકે. અને ‘સ્ટેશન’ને બદલે ‘ઇસ્ટેશન’ કે ‘સ્ટૉપર’ને બદલે ‘ઇસ્ટાપરી’ જેવા પ્રયોગો પણ કરે. આમ, વ્યત્યય, સમીકરણ, વિષમીકરણ, વિશ્લેષ આદિ તત્ત્વો ભાષાના રૂપ-પરિવર્તનમાં કારણભૂત બને છે.

મુખ્યત્વે, ભાષાનું ચાર અંગોમાં પરિવર્તન થતું જોવા મળે છે : 1. ધ્વનિપરિવર્તન (phonetic change), 2. વ્યાકરણી પરિવર્તન (grammatical change), 3. અર્થપરિવર્તન (change in meaning), 4. શબ્દરાશિમાં પરિવર્તન (change in vocabulary).

1. ધ્વનિપરિવર્તન : ભાષાની ધ્વનિવ્યવસ્થામાં આવતા પરિવર્તનને ધ્વનિપરિવર્તન કહે છે. ધ્વનિઓમાં બે રીતે પરિવર્તન આવતું હોય છે : (1) ઉચ્ચારણમૂલક કે ધ્વનિસ્વરૂપની ર્દષ્ટિએ થતું પરિવર્તન અને (2) ધ્વનિતંત્રીય કે ધ્વનિઘટકવ્યવસ્થાની ર્દષ્ટિએ થતું પરિવર્તન.

ઉચ્ચારણમૂલક પરિવર્તનોમાં ભાષાની બે ભૂમિકાઓમાં ધ્વનિના ઉચ્ચારણની ખાસિયતો બદલાતી હોય છે. આને પરિણામે જૂની ભાષામાં જે ઘટકો હોય તેનું કાં તો ઉચ્ચારણ બદલાય છે, ઘસાઈ જાય છે અને એને ઠેકાણે નવા ધ્વનિઘટકો અસ્તિત્વમાં આવે છે. ધ્વનિઓના ઉચ્ચારણમાં મોટેભાગે સ્થાનપ્રયત્નની રીતે પરિવર્તનો આવે છે. એમાંથી જે ઉચ્ચારણભેદો સહ્ય હોય એટલા વ્યાપક બને છે, સ્વીકારાય છે અને ચલણી બને છે. ભાષાના આ અંગમાં પરિવર્તન આવે છે. એ વાતની ખાતરી સંસ્કૃતથી અર્વાચીન ગુજરાતી સુધીમાં આવેલાં ધ્વનિપરિવર્તનો જોતાં થશે. સંસ્કૃતમાં જેટલા ધ્વનિઓ હતા એ બધા જ ગુજરાતીમાં ઊતરી આવ્યા નથી. સંસ્કૃતના ‘ઋૃ’ અને ‘લૃ’ જેવા સ્વરો આજે સ્વરઘટક રહ્યા નથી. એટલું જ નહિ, સંસ્કૃતમાં બિલકુલ નહોતા એવા બે ઘટકો–વિવૃત ઍ–ઑ ગુજરાતીમાં તદ્દન નવા વિકસ્યા છે.

ડૉ. પ્રબોધ પંડિત જેવા ભાષાવૈજ્ઞાનિકોએ ધ્વનિપરિવર્તનની આ પ્રક્રિયાને આ પ્રમાણે સમજાવી છે : (1) સારૂપ્ય, (2) વૈરૂપ્ય, (3) આગમ, (4) લોપ, (5) વ્યત્યય.

(1) ‘સારૂપ્ય’માં બે ભિન્ન ભિન્ન સ્થાન-પ્રયત્નવાળા ધ્વનિઓ પાસપાસે આવે ત્યારે આગળનો ધ્વનિ પાછલા જેવો કે પાછળનો ધ્વનિ આગલા જેવો બની જતો હોય છે. આ પ્રક્રિયાને કેટલાક ‘સમીકરણ’ (સમ = સરખું અને કરણ એટલે કરવું તે) પણ કહે છે. ઉદા. કર્મ > કમ્મ, ચક્ર > ચક્ક, અગ્નિ > અગ્ગિ, સપ્ત > સત્ત.

આ પ્રક્રિયાને કેટલાક બે વિભાગમાં સમજાવે છે : (1) પુરોગામી અને (2) પશ્ચાદગામી. જે પ્રક્રિયામાં પાછળનો ધ્વનિ બદલાઈને આગળના જેવો બને તે પુરોગામી અને જેમાં આગળનો ધ્વનિ બદલાઈને પાછળના જેવો બને તે પશ્ચાદગામી.

(2) કેટલીક વાર ધ્વનિપરિવર્તનમાં ‘સારૂપ્ય’ કરતાં તદ્દન ઊલટી પ્રક્રિયા થતી જોવા મળે છે. અહીં એક જ શબ્દમાં આવેલા બે સમાન ધ્વનિઓ ભિન્ન ભિન્ન ધ્વનિસ્વરૂપવાળા બને છે. આને વૈરૂપ્ય કહે છે. એને કેટલાક ‘વિષમીકરણ’ પણ કહે છે. ઉદા.

બટાટા > બટાકા

અણવાણો > અડવાણો વગેરે આનાં ઉદાહરણો છે.

(3) ‘આગમ’ : શબ્દમાં ન હોય તેવો નવો ધ્વનિ ઉમેરાય તેને આગમ કે પ્રક્ષેપ કહે છે. કોટિ > ક્રોડિ, શાણ > શ્રાણ, શાપ > શ્રાપ, શિખંડ > શ્રીખંડ આદિ ઉદાહરણો મળે છે.

(4) કેટલીક વાર શબ્દના કોઈ ધ્વનિનો લોપ થતો હોય છે. નવવર > મ. નવરો. ગુજરાતી અંગગત > અંગત.

(5) વ્યત્યય એટલે ધ્વનિનો અદલોબદલો, શબ્દમાં આવેલા ધ્વનિઓનો ક્રમ બદલાય અર્થાત્ આગળ-પાછળ થઈ જાય તે પ્રક્રિયા. ઉદા. સં. બિડાલ > ગુજ. બિલાડો. નારિકેલ > નાલિકેર, ગુજ. નાળિયેર. દેવતા > દેતવા. ડૂબવું > બૂડવું.

ધ્વનિતંત્રીય (phonemic) પરિવર્તનમાં ભાષાની બે ભૂમિકાના ધ્વનિઘટકોની વ્યવસ્થામાં પરિવર્તન આવતું હોય છે. અહીં જૂની ભાષામાં હોય એ ઘટકો ઘસાય કે એમાં ન હોય એવા નવા જ ધ્વનિઘટકો અસ્તિત્વમાં આવે છે. સંસ્કૃતના ઋ, લૃ સ્વરો એની પછીની ભાષામાં લુપ્ત થયા છે. સંસ્કૃતનો ઐ > એ થયો છે. (ભૈરવ–ભેરવ). અપભ્રંશના અઈ-અઉનું પરિવર્તન થતાં ગુજરાતીમાં એ-ઓ, ઍ–ઑ એમ ચાર ઘટકો અસ્તિત્વમાં આવ્યા છે. ગુજરાતીમાં સંવૃત-વિવૃતથી અર્થભેદ થાય છે. ગોળ–ગૉળ, ચોરી–ચૉરી.

2. વ્યાકરણીય પરિવર્તન : બે ભાષાભૂમિકાઓની સરખામણી કરતાં એના વ્યાકરણમાં ભિન્ન ભિન્ન પ્રકારના સંબંધો દેખાશે. એકાદ ધ્વનિનો લોપ થતાં રૂપ કે પદનું સ્વરૂપ બદલાય છે ‘જના:’ અને ‘જનાન્’ એ રૂપાખ્યાનમાં આસ્ = કર્તા બ. વ. અને આન્ = કર્મ બ. વ. સ્પષ્ટ હતું. એ પ્રત્યયો જતાં કર્તા-કર્મ બંને માટે ‘જના’ રૂપ મળ્યું. પરિણામે સંબંધોની વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. એક ભાષામાં સંબંધો વિભક્તિ-પ્રત્યયોથી વ્યક્ત થતા હતા તે બીજી ભાષામાં લુપ્ત થતા, ‘અનુગો’ જેવાં નવતર તત્વો આવ્યાં.

અહીં નામિક અને આખ્યાતિક રૂપરચનામાં, અર્થાત્ લિંગ, વચન, વિભક્તિ કે કાળ, અર્થ, પ્રયોગ અને પદાન્વય વગેરેમાં થતા ફેરફારો વ્યાકરણીય પરિવર્તનો છે.

સંસ્કૃતથી અપભ્રંશ સુધી આવતાં દ્વિવચનનો લોપ થયો છે. સંસ્કૃતના વિભક્તિપ્રત્યયો લોપાતાં ગુજરાતીમાં ‘અનુગો’ વપરાવા લાગ્યા છે. ગુજરાતીમાં સંયુક્ત અને સહાયકારક ક્રિયાપદની વ્યવસ્થા પણ તદ્દન નવી જ છે. ગુજરાતી સુધી આવતાં વિકારી અંગો(પુંલિંગનાં ‘ઓ’કારાંત અને નપુંસકલિંગમાં ઉંકારાંત)માં વચનભેદ ટક્યો (ઘોડો–ઘોડા, છોકરું–છોકરાં રૂપે), પણ અવિકારી અંગોમાં એ લોપાયો. આથી ગુજરાતીમાં બહુવચન વ્યક્ત કરવા માટે ‘ઓ’ પ્રત્યય વપરાવો શરૂ થયો. કેટલીક વાર કોઈ શબ્દના સાર્દશ્યને કારણે પણ પરિવર્તન આવે છે. જૂની અંગ્રેજીમાં cowનું બહુવચન kine થતું, પણ બહુવચન દર્શાવતા ‘એસ્’ (s) પ્રત્યયને કારણે cowનું cows થયું.

ગુજરાતીમાં સંજ્ઞાસાધક -તા પ્રત્યય અમુક અંગોને જ લાગે છે, પણ સૌંદર્યતા, લાઘવતા, માર્દવતા જેવા શબ્દો લઘુતા-મૃદુતાના સાર્દશ્યને કારણે આવ્યા છે, જે આમ તો વ્યાકરણ-દુષ્ટ પ્રયોગો છે. ક્રિયાપદમાં મૂકવું-મેલવુંના સાર્દશ્યથી ‘મેકવું’ રૂપ મળ્યું છે. આ અને આવી બીજી ઘણી બાબતો વ્યાકરણમાં આવેલાં પરિવર્તનોની સાક્ષી છે.

3. અર્થપરિવર્તન : ભાષાના ધ્વનિઓમાં અને વ્યાકરણમાં પરિવર્તન આવે છે તેમ શબ્દોના પ્રચલિત અર્થોમાં પણ પરિવર્તન આવે છે. કોઈ એક ભાષામાં અમુક શબ્દનો જે અર્થ હોય એ જ અર્થ, એમાંથી ઊતરી આવેલી ભાષામાં ન પણ હોય. ‘રામાયણ’, ‘મહાભારત’, ‘કાદંબરી’, ‘ઘોડો’, ‘ચકલી’, ‘પ્રભાતિયાં’ જેવા શબ્દોના અર્થસંદર્ભો બદલાયેલા દેખાશે. ‘રોજની રામાયણ’, ‘મહાભારત જામ્યું’, ‘ચોપડી ઘોડામાં મૂકો’, ‘ચકલી બંધ કરો’, ‘સવારનાં પહોરમાં પ્રભાતિયાં સંભળાવે છે’ – જેવા પ્રયોગોમાં અર્થપરિવર્તન સ્પષ્ટ છે. મરાઠીમાં ‘કાદંબરી’નો અર્થ ‘નવલકથા’ એવો છે.

સામાન્ય રીતે અર્થમાં ત્રણેક રીતે પરિવર્તન આવે છે : (1) અર્થસંકોચ, (2) અર્થવિસ્તાર અને (3) અર્થાદેશ.

(1) અર્થસંકોચ(restriction)ની પ્રક્રિયામાં ઘણા સંદર્ભમાં વપરાતો શબ્દ મર્યાદિત કે કોઈ એક જ સંદર્ભમાં વપરાતો થાય છે; જેમ કે, સં. મૃગ = પશુ, ગુજરાતીમાં આ મૃગ = હરણ. સં. શ્વાપદ = પશુ. ગુજરાતીમાં સાવજ = સિંહ. ફા. વિલાયત = પરદેશ. ગુજરાતીમાં વિલાયત = બ્રિટન.

(2) અર્થવિસ્તાર (extension) : આ પ્રક્રિયામાં એક સંદર્ભમાં વપરાતો શબ્દ વિવિધ સંદર્ભમાં વપરાતો બને છે; જેમ કે, સં. કુશલ (કુશ [દર્ભ] કાપવામાં હોશિયાર) ગુજ. કુશળ = કોઈ ક્રિયામાં હોશિયાર. પ્રવીણ (વીણા વગાડવામાં હોશિયાર) ગુજ. પ્રવીણ = કોઈ પણ બાબતે હોશિયાર. આ ઉપરાંત ‘યવન’, ‘કાદંબરી’, ‘રામાયણ’, ‘મહાભારત’ આદિ શબ્દો આ રીતે વપરાય છે.

(3) અર્થાદેશ (displacement) : કેટલીક વાર શબ્દનો અર્થ કે સંદર્ભ સદંતર બદલાઈ જતો હોય છે; તેનો મોભો પણ બદલાય છે. ગૌરવશાળી અર્થનો વાચક શબ્દ સામાન્ય અર્થનો વાચક બને તો સામાન્ય અર્થનો વાચક શબ્દ ગૌરવશાળી અર્થવાચક બને છે. ઉ. ત. સંસ્કૃત મહારાજ (રાજા), ગુજ. રસોઇયો. સંસ્કૃત પંક્તિ (હાર), ગુજ. પંગત = જમણવારની હાર. સંસ્કૃત કર્પટ = ફાટેલું વસ્ત્ર, ગુજ. કાપડ (એટલે નવું કપડું). સંસ્કૃત વ્યાખ્યાન, ગુજ. વખાણ. સંસ્કૃત વેદના = પીડા, ગુજ. વેણ = પ્રસૂતિની પીડા.

4. શબ્દરાશિ કે શબ્દભંડોળમાં પરિવર્તન : કદાચ, ભાષાનું આ સૌથી વધુ પરિવર્તનશીલ અંગ છે. ભાષકોના અનુભવો બદલાતાં, નવી નવી શોધખોળો થતાં, અન્ય પ્રજાઓનો સંપર્ક થતાં–એ રીતે વિવિધ કારણોથી શબ્દભંડોળ બદલાતું જ રહે. અભિવ્યક્તિ માટે નવા નવા શબ્દોની જરૂર પડે ત્યારે ભાષક કાં તો નૂતન શબ્દોનું નિર્માણ કરે છે કે એની ભાષામાં ન હોય એવા શબ્દો પરભાષામાંથી સ્વીકારીને લે છે. વસ્તુઓનો વપરાશ બંધ થતાં કે રિવાજો દૂર થતાં એમને અંગેના પ્રચલિત શબ્દો લુપ્ત થતા હોય છે. વળી ધંધો, રોજગાર, વ્યવસાય, વર્ણવ્યવસ્થા, આદિને કારણે પણ શબ્દભંડોળ બદલાતું હોય છે. જાહેરમાં અમુક શબ્દોના વપરાશ ઉપર નિયંત્રણ કે નિષેધ હોય છે. આવા નિષિદ્ધ શબ્દોને સ્થાને પછી નવા શબ્દો આવે છે.

ગુજરાતીમાં ‘રેડિયો’, ‘ટેલિફોન’, ‘ટેલિવિઝન’, ‘એરોપ્લેન’, ‘ટૉઇલેટ’ જેવા અંગ્રેજી શબ્દો; ‘કારકુન’, ‘કિલ્લો’, ‘જિલ્લો’, ‘સરનામું’ જેવા ફારસી; ‘એલચી’, ‘હાઉ’, ‘કાલવવું’ જેવા કન્નડ; ‘શહીદ’, ‘બહાર’, ‘જોબન’ જેવા હિંદી; ‘તમાકુ’, ‘મેજ’, ‘પગાર’ જેવા પૉર્ટુગીઝ શબ્દો મળે છે, જે શબ્દભંડોળની વ્યાપકતા સાથે વિવિધ ભાષાઓ ને ભાષકો સાથેના ગુજરાતી ભાષકના સંપર્ક-સંબંધનો પણ સંકેત કરે છે.

જૂની ગુજરાતીમાં ‘ભાવઠ’, ‘ભાખવું’, ‘હેંડવું’, ‘તતખેવ’, ‘બાડુઆં’, ‘હવું’ જેવા શબ્દો વપરાતા હતા તે આજે લુપ્ત થયા છે.

નિષિદ્ધતાને કારણે ‘ઘાઘરો’, ‘મુતરડી’, ‘મરી ગયા’ જેવા શબ્દોનું સ્થાન ‘ચણિયો’ ‘ટૉઇલેટ’ ‘દેવ થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવા શબ્દોએ લીધું છે.

શબ્દભંડોળ પ્રજાની સાંસ્કૃતિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે. સાંસ્કૃતિક પરિવર્તનો આવતાં ભાષામાં નવા શબ્દોનો સ્વીકાર થતો રહે છે. દ્વિભાષિકતા પણ શબ્દભંડોળમાં આવતા પરિવર્તનનું એક કારણ છે. અંગ્રેજો, તુર્કો, પૉર્ટુગીઝો, આરબો સાથેના સાંસ્કૃતિક કે રાજકીય સંપર્કને કારણે ગુજરાતીનું શબ્દભંડોળ વિવિધરંગી બન્યું છે.

ભાષાઓનું સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ

(typological classification)

કેટલીક ભાષાઓ ઐતિહાસિક કે આનુવંશિક ર્દષ્ટિએ જુદાં જુદાં કુળની હોવા છતાં એમનાં બંધારણ કે સ્વરૂપ વગેરે જોતાં એમાં કેટલુંક સામ્ય પણ દેખાય છે. અંગ્રેજી અને ચીની એ બે ભાષાઓ એક કુળની નથી, છતાં એમની વાક્યરચના કે પદબંધારણ પરત્વે કેટલીક સમાનતાઓ જોવા મળે છે. આથી જગતની ભાષાઓને એમના કુળસંબંધને બદલે સ્વરૂપ કે બંધારણને લક્ષમાં લઈ વર્ગીકૃત કરવામાં આવે છે. આવા વર્ગીકરણને સ્વરૂપનિષ્ઠ-આકૃતિમૂલક-પ્રાકૃતિક વર્ગીકરણ કહે છે.

જોકે સ્વરૂપ કે બંધારણને લક્ષમાં રાખી જગતની બધી જ ભાષાઓનું વર્ગીકરણ કરતાં કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. ભાષાઓના સ્વરૂપમાં ક્યાંક અનેકવિધ સમાનતાઓ હોય, તો સાથે કેટલીક વિષમતાઓ પણ દેખાય. ધ્વનિતંત્ર એકસરખું હોય તો રૂપતંત્રની ભિન્નતા હોય, રૂપતંત્ર એકસરખું હોય તો વાક્યતંત્રમાં જુદાપણું હોય. આમ હોવાથી વર્ગીકરણનાં અનેક ધોરણો સ્વીકારવાં પડે; તેમ છતાં કોઈ ચોક્કસ ર્દષ્ટિએ ભાષાઓને વર્ગીકૃત કરવાના પ્રયત્નો થયા છે.

સ્વરૂપગત કે આકૃતિમૂલક સમાનતાઓને લક્ષમાં રાખી ભાષાઓને નીચે પ્રમાણે બે મુખ્ય વિભાગોમાં વહેંચી છે :

1. વિશ્લિષ્ટ (analytic) ભાષાઓ અને

2. સંશ્લિષ્ટ (synthetic) ભાષાઓ.

1. વિશ્લિષ્ટ ભાષાઓમાં સંબંધાર્થો વ્યક્ત કરનારાં તત્વો-પ્રત્યયાદિકાં તો હોતાં નથી કે હોય તો તે આધારવર્તી રૂપઘટકોની સાથે જોડાઈ જવાને બદલે મુક્ત રૂપે પ્રયોજાય છે. અંગ્રેજીનું આ વાક્ય જુઓ : ‘I will go to my school on foot’. અહીં will (ભવિષ્યકાળસૂચક) તેમજ on જેવાં સંબંધદર્શક તત્વો મુક્ત કે છૂટાં વપરાયાં છે.

આમ જે ભાષાઓમાં મુક્ત રૂપો પ્રમાણમાં ઘણાં હોય, નિબદ્ધ રૂપો ભાગ્યે જ મળે તેવી ભાષાઓને વિશ્લિષ્ટ ભાષાઓ કહે છે.

આવી ભાષાઓમાં રૂપરચનાનું પાસું અલ્પ-વિકસિત કે પ્રમાણમાં બહુ ઓછું હોય છે, એમાં રૂપ-ઘટકોનો પરસ્પર સંબંધ વાક્યમાં એમના ક્રમ ઉપરથી વ્યક્ત થાય છે. એકનું એક પદ વાક્યમાંના ક્રમ ઉપરથી કર્તા-કર્મ દર્શાવે છે. જેમ કે, ‘Fire is on’ અને ‘I saw fire’–એ બે વાક્યોમાં fire અનુક્રમે કર્તા-કર્મ દર્શાવે છે.

2. સંશ્લિષ્ટ ભાષાઓમાં મુક્ત રૂપોને પ્રત્યયો લાગી રૂપાખ્યાનો થતાં હોય છે. એમાં નિબદ્ધ ઘટકોનું પ્રમાણ વધારે હોય છે. જ્યાં અંગ અને પ્રત્યયોનું જોડાણ પ્રમાણમાં મોટી માત્રામાં હોય તેવી ભાષાઓને ‘સંશ્લિષ્ટ ભાષાઓ’ કહે છે. સંસ્કૃત જેવી સંશ્લિષ્ટ ભાષામાં સંબંધાર્થો વ્યક્ત કરનાર પ્રત્યયો પ્રચુર માત્રામાં છે. એ આધારવર્તી રૂપો–નામ કે ક્રિયાપદ–ની સાથે જોડાઈ સંશ્લેષ પામી–સંબંધાર્થો વ્યક્ત કરે છે. જેમ કે, ‘હસતિ’ એટલે તે હસે છે અને ‘હસન્તિ’ એટલે તેઓ હસે છે. અહીં રૂપો ક્રિયાનો કાળ, પુરુષ, વચન વગેરે સૂચવે છે.

આમ, જે ભાષામાં આધારવર્તી રૂપો–અંગ–સાથે પ્રત્યયો જોડાયા હોય તેને સંશ્લિષ્ટ ભાષા કહે છે.

જોકે ઉપરનું વર્ગીકરણ સો ટકા સંપૂર્ણ ન બને. ઘણી ભાષાઓ કેટલીક બાબતમાં વિશ્લિષ્ટ હોય તો કેટલીકમાં સંશ્લિષ્ટ પણ હોય; પણ ભાષાની મોટાભાગની પ્રકૃતિ કેવી છે એને જ લક્ષમાં રાખી આવું વર્ગીકરણ થાય છે; એથી આને કેટલાક પ્રાકૃતિક વર્ગીકરણ પણ કહે છે.

ભાષાવર્ગીકરણની ઊણપો દૂર કરવા, બીજી અનેક રીતે વર્ગીકરણ કરવાના પ્રયત્નો થયા છે.

શ્લેગલ નામના ભાષાવિજ્ઞાનીએ ઉપરના બે પ્રકારો ઉપરાંત બંનેની વચ્ચેનો એક ત્રીજો પ્રકાર સંલગ્ન (agglutinative) ભાષાઓનો ઉમેર્યો છે. આવી ભાષાઓમાં સંબંધાર્થો સૂચવતાં તત્વો હોય છે, પણ એમનો યોગ કે જોડાણ શિથિલ હોય છે. એથી એમાં મુક્ત અને નિબદ્ધ રૂપોને સહેલાઈથી જુદાં તારવી શકાય છે. ‘તુર્કી’ ભાષા આનું ઉદાહરણ છે.

આ વર્ગીકરણ પણ સંતોષકારક ન જણાતાં કેટલાક ભાષાવિજ્ઞાનીઓએ ભાષાઓને મુખ્યત્વે ચાર પ્રકારોમાં પણ વહેંચી છે :

1. અયોગાત્મક (analytic) ભાષાઓ

2. યોગાત્મક (agglutinative) ભાષાઓ

3. શ્લિષ્ટ (synthetic) ભાષાઓ

4. પ્રશ્લિષ્ટ (polysynthetic) ભાષાઓ

આમાં અયોગાત્મક ભાષાઓ તે જ વિશ્લિષ્ટ ભાષાઓ છે. પછીના ત્રણ પ્રકારો તે વસ્તુત: સંશ્લિષ્ટ ભાષાઓના જ વિવિધ સ્વરૂપભેદો છે.

1. અયોગાત્મક ભાષાઓમાં અંગને સામાન્ય રીતે સંબંધાર્થો વ્યક્ત કરતા પ્રત્યયો જોડાતા નથી. મુક્ત ઘટકો પ્રમાણમાં ઘણા હોય. સંબંધાર્થો વાક્યકક્ષાએ જ વ્યક્ત થતા હોય છે. એક જ શબ્દ એના ક્રમ ઉપરથી વાક્યમાં સંજ્ઞા, કર્તા, કર્મ કે ક્રિયા દર્શાવવાનું કામ કરે છે.

2. યોગાત્મક ભાષાઓમાં અંગ સાથે સંબંધાર્થદર્શક પ્રત્યયો કે તત્વો જોડાતાં હોય છે; પણ એમનો યોગ જોઈ શકાય એવો શિથિલ હોય છે. જેમ કે, ‘શક્તિમાન’, ‘ગુજરાતીપણું’, ‘લઘુતા’ જેવા એકમોમાં ‘માન’, ‘પણું’ ‘તા’ એ પ્રત્યયો સ્પષ્ટ છે. તુર્કી ભાષા આનું ઉત્તમ ઉદાહરણ છે.

3. શ્લિષ્ટ ભાષાઓમાં અંગ સાથે પ્રત્યયોનો યોગ ર્દઢ હોય છે, છતાં અંગ-પ્રત્યયનું જુદાપણું સરળતાથી પારખી શકાય. જેમ કે, લઘુતા, મૃદુતા, સુંદરતા

સંસ્કૃત ભાષા આનું ઉત્તમ ઉદાહરણ છે. અરબી અને હીબ્રૂ ભાષાઓ પણ આ વર્ગની છે.

4. પ્રશ્લિષ્ટ ભાષાઓમાં અંગ સાથે પ્રત્યયોનો યોગ એવો તો ર્દઢ હોય છે કે બંને એકરૂપ જ દેખાય. પ્રકૃતિ-પ્રત્યયને તારવવાનું પણ મુશ્કેલ બને. જેમ કે ‘લાઘવ’, ‘માર્દવ’, ‘શૈશવ’ જેવા શબ્દો જોતાં અહીં morpho-phonetic changeનું પ્રમાણ ઘણું દેખાય છે. નોંધવું જોઈએ કે આ વર્ગીકરણ પણ પૂર્ણ તો નથી જ; કારણ કે પ્રત્યેક ભાષામાં કોઈ એક પ્રકારનાં સ્વરૂપલક્ષણોની સાથે સાથે બીજાં સ્વરૂપલક્ષણો પણ મળવાનાં જ. આથી જ ભાષાવિજ્ઞાની સેપિર, શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ અને મિશ્ર સંબંધદર્શક ભાષાઓ–એવા બે ભેદો જ પાડે છે. સાથે પ્રત્યેકના સાદી અને સંકુલ એવા પેટાવિભાગો પણ દર્શાવે છે. જોકે આ વર્ગીકરણ ખાસ પ્રચલિત કે સ્વીકાર્ય બન્યું નથી.

ભાષાકુળો (Language Families)

ભાષાકુળોના–ભાષાપરિવારોના વર્ગીકરણમાં ભાષાઓ વચ્ચેના ઐતિહાસિક કે વંશપરંપરાના સંબંધને લક્ષમાં રાખવામાં આવે છે. જગતના જુદા જુદા પ્રદેશોમાં બોલાતી કેટલીક ભાષાઓનાં મૂળ ભૂતકાળની કોઈ એક ભાષામાં મળે છે. આજની ગુજરાતી ભાષાનું મૂળ શોધીએ તો, અપભ્રંશ → પ્રાકૃત → સંસ્કૃત એમ પાછલે પગલે સંસ્કૃત અને એથીયે પૂર્વેની ભાષા સુધી પહોંચી શકીએ છીએ.

આમ ઐતિહાસિક કે આનુવંશિક વર્ગીકરણમાં ભાષાઓના જનકજન્ય (genetic) સંબંધને લક્ષમાં રાખી પરિવારો કે કુળો નક્કી થતાં હોય છે.

આવા વર્ગીકરણ અનુસાર જગતની ભાષાઓને નીચે પ્રમાણે વિવિધ પરિવારો કે કુળોમાં વહેંચી શકાઈ છે. ભાષાનો ઇતિહાસ જાણવામાં આ વર્ગીકરણ ખૂબ જ ઉપયોગી નીવડે છે.

જગતમાં બોલાતી બધી જ ભાષાઓ વર્ગીકૃત થઈ શકી છે કે કેમ એ સવાલ છે. જે ભાષાનું લેખિત રૂપ મળતું હોય તેને પરિવર્તનોની ર્દષ્ટિએ વર્ગીકૃત કરવાનું કામ પ્રમાણમાં સહેલું છે. પણ અણવિકસિત કે આદિમ સમાજોમાં બોલાતી ભાષાઓ કદાચ આ ક્ષેત્રની બહાર પણ રહી ગઈ હોય.

જગતનાં મુખ્ય ભાષાકુળો આ પ્રમાણે છે :

1. ભારત-યુરોપીય ભાષાકુળ.

2. યુરાલીય ભાષાકુળ.

3. આલ્તાઈ ભાષાકુળ.

4. ચીની-તિબેટી ભાષાકુળ.

5. દ્રાવિડી ભાષાકુળ.

6. ઑસ્ટ્રો–એશિયાટિક (મૉનખ્મેર) ભાષાકુળ.

7. મલાયો–પૉલિનેશિયન ભાષાકુળ.

8. આફ્રો-એશિયન (સેમેટિક-હેમેટિક) ભાષાકુળ.

9. બાન્ટુ ભાષાકુળ.

10. અમેરિકા પ્રદેશનાં ભાષાકુળો.

11. ઑસ્ટ્રેલિયન ભાષાકુળ.

1. ભારતયુરોપીય ભાષાકુળ : આ ભાષાકુળ જગતનાં સર્વ ભાષાકુળોમાં સૌથી મોટું અને વધારે મહત્વનું છે. જે ભાષાઓને વિશ્વભાષાનો મોભો મળ્યો છે તેવી ઘણીખરી ભાષાઓ આ કુળની છે.

દક્ષિણ ભારત સિવાયના આખા ભારતમાં; અમુક પ્રદેશો બાદ કરતાં આખા યુરોપમાં; અને ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડમાં આ કુળની ભાષાઓ બોલાય છે.

અંગ્રેજી, ફ્રેન્ચ, રૂસી, આયરિશ, સ્વીડિશ, પોલિશ, ઇટાલિયન, ડચ, સ્પૅનિશ, પૉર્ટુગીઝ જેવી યુરોપ-અમેરિકાની ભાષાઓ અને ગુજરાતી, હિંદી, મરાઠી, પંજાબી આદિ ભારતની અર્વાચીન ભાષાઓ આ કુળની છે.

આ કુળની કેટલીક ભાષાઓમાં તો સાહિત્યની પરંપરા સારી એવી સમૃદ્ધ છે. વિશ્વના લગભગ પચાસ ટકા લોકો આ કુળની ભાષાઓ બોલે છે.

આ કુળની બીજી દશ શાખાઓ આ પ્રમાણે છે :

(1) હિટાઇટ, (2) ભારત-ઈરાની, (3) ગ્રીક, (4) ઇટાલિક, (5) જર્મૅનિક, (6) કેલ્ટિક, (7) આર્મેનિયન, (8) આલ્બેનિયન, (9) બાલ્ટો-સ્લાવિક, (10) તોખારિયન.

આદિમ ભારત-યુરોપીય ભાષાના લેખિત પુરાવા મળ્યા નથી; પણ સંસ્કૃત, ગ્રીક જેવી ભાષાઓને આધારે એનું પુનર્ઘટન (reconstruction) શક્ય બન્યું છે.

ભારત-યુરોપીય ભાષા બોલનાર પ્રજાનું એક જૂથ ભારત સુધી પહોંચ્યું. એ ભારત આવ્યું એ પૂર્વે ઈરાનમાં પણ વસ્યું. એમાંથી ભારતીય આર્ય અને ઈરાની એમ બે ઉપશાખાઓ જુદી પડી.

ભારત-યુરોપીય ભાષા બોલનાર પ્રજાનું જે જૂથ ભારતવર્ષમાં આવીને વસ્યું એની ભાષા ભારતીય-આર્ય તરીકે ઓળખાઈ. એમાંથી જ કાળક્રમે ઉત્તર ભારતની હિંદી-મરાઠી-બંગાળી, ગુજરાતી જેવી અર્વાચીન ભાષાઓનો વિકાસ થયો.

2. યુરાલીય ભાષાકુળ : આ ભાષાકુળ મુખ્યત્વે યુરોપમાં ફેલાયેલું છે. આ ભાષા-ભાષકોનો વસવાટ યુરલ પર્વતની આજુબાજુનો પ્રદેશ હોઈ એને એ નામ અપાયું છે.

આ ભાષાકુળમાં મુખ્યત્વે ફિન્લૅન્ડની ફિનિશ ભાષા, ઇસ્થોનિયાની ઇસ્થોનિયન ભાષા, હંગેરીની હંગેરિયન ભાષા જેવી કેટલીક ભાષાઓનો સમાવેશ થાય છે.

3. આલ્તાઈ ભાષાકુળ : આ ભાષાનું કાર્યક્ષેત્ર મૂળ અલ્તાઈ પર્વતની આજુબાજુનો પ્રદેશ હોઈ આ કુળની ભાષાઓ આલ્તાઈ ભાષાકુળ તરીકે ઓળખાઈ.

આ કુળ મુખ્યત્વે એશિયામાં ફેલાયેલું છે. એમાં તુર્કસ્તાનની ભાષા ઉપરાંત ઉઝબેગ, કિરગીઝ અને કઝાક ભાષાઓ તેમજ મૉંગોલ અને માન્યુ ભાષાઓનો સમાવેશ થાય છે.

4. ચીનીતિબેટી ભાષાકુળ : આ ભાષાકુળ મુખ્યત્વે ચીન અને તિબેટમાં ફેલાયેલું છે. આ કુળની કેટલીક ભાષાઓ ભારતના હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને નેફાની સરહદે પણ બોલાય છે. લડાખી, શેરપા, બાલ્ટી જેવી ભાષાઓનો આ જૂથમાં સમાવેશ થાય છે.

ચીની ભાષા આ કુળની સૌથી મહત્વની ભાષા છે. આ ઉપરાંત તિબેટી, બર્મી, સિયામી, થાઈ, લાઓશિયન વગેરે પણ આ કુળની ભાષાઓ છે.

5. દ્રાવિડી ભાષાકુળ : આ ભાષાકુળ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ફેલાયેલું છે. આ કુળની મહત્વની ભાષાઓમાં તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમનો સમાવેશ થાય છે.

તમિળ ભાષામાં પ્રાચીન સાહિત્ય મળે છે, જે ઈસવી સનની પહેલી સદી જેટલું પ્રાચીન છે.

દક્ષિણ ભારતની પહાડી જાતિઓમાં બોલાતી બડગા, કોટા, ટોડા વગેરેને પણ આ કુળની માનવામાં આવે છે. આદિમ ભારત-યુરોપીય ભાષામાં નહોતા તેવા મૂર્ધન્ય ધ્વનિઓ આર્યભાષાને આ કુળના સંપર્કને કારણે મળ્યા છે.

6. મૉનખ્મેર : આ ભાષાકુળને કેટલાક ઑસ્ટ્રો-એશિયાટિક ભાષાકુળ પણ કહે છે. મુખ્યત્વે અગ્નિ એશિયામાં આ કુળ છૂટું છૂટું વિસ્તરેલું છે. મ્યાનમાર (બર્મા), નિકોબાર, વિયેતનામ, કંબોડિયા તેમજ આસામના પહાડી પ્રદેશોમાં આ કુળની ભાષાઓ બોલાય છે.

દક્ષિણ મ્યાનમાર(બર્મા)માં બોલાતી મોન ભાષા ઉપરાંત નિકોબારી, વિયેટનામી, કંબોડિયન ઉપરાંત આસામના પહાડી પ્રદેશોમાં બોલાતી મુંડા અને ખાસી ભાષાઓનો આ કુળમાં સમાવેશ થાય છે.

7. મલાયોપૉલિનેશિયન ભાષાકુળ : એશિયામાં અને મુખ્યત્વે પેસિફિક મહાસાગરના ટાપુઓમાં આ ભાષાકુળ ફેલાયેલું છે. જાવા, સુમાત્રા, મલાયા (મલેશિયા), માડાગાસ્કર, ફિલિપાઇન્સ, ન્યૂઝીલૅન્ડ, તાઇવાન (ફૉર્મોસા) વગેરે ટાપુઓમાં બોલાતી ભાષાઓનો આ કુળમાં સમાવેશ થાય છે.

મલાયા-સુમાત્રાની મલય ભાષા, અને ઇન્ડોનેશિયન, માલાગાસી વગેરે આ કુળની ઉલ્લેખપાત્ર ભાષાઓ છે.

8. આફ્રોએશિયન ભાષાકુળ : આ કુળ આફ્રિકા અને એશિયામાં વિસ્તરેલું હોવાથી આફ્રો-એશિયન કુળ તરીકે ઓળખાય છે.

આ કુળની બે શાખાઓ સેમિટિક અને હેમિટિક તરીકે જાણીતી હોવાથી કેટલાક આ કુળને સેમિટિક-હેમિટિક ભાષાકુળ પણ કહે છે.

સેમિટિક શાખામાં આરામી, હીબ્રૂ, ફિનિશિયન જેવી ભાષાઓનો અને હેમિટિક શાખામાં કુશાઇટ, બર્બર અને ઇજિપ્શિયન વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે.

આ કુળમાં પ્રાચીન સમયની એસિરિયન, બૅબિલોનિયન ઉપરાંત આફ્રિકાની ઇથિયોપિયન અને અન્ય કુશાઇટ, બર્બર અને આદ જેવી ભાષાઓ બોલાય છે.

9. બાન્ટુ ભાષાકુળ : આ કુળ આફ્રિકા ખંડમાં વિસ્તરેલું અને એ ખંડનું સૌથી મોટું ભાષાકુળ છે.

એમાં કૉંગો, લુગાન્ડા, ઝૂલુ વગેરે ભાષાઓ બોલાય છે. આફ્રિકામાં બાન્ટુ મુખ્ય કુળ છે; પણ બીજાં ભાષાજૂથો પણ હોવાનું મનાય છે. આ કુળની સ્વાહિલી ભાષા બહુ જાણીતી છે.

10. ઑસ્ટ્રેલિયન ભાષાકુળ : ઑસ્ટ્રેલિયામાં વસતા આદિવાસીઓ જે ભાષાઓ બોલે છે તેનો સમાવેશ આ ભાષાકુળમાં થયો છે. જોકે આજે આ ભાષાઓને સ્થાને અંગ્રેજીને માન્યતા મળી છે.

આ કુળની આદિવાસી ભાષાઓનો ખાસ અભ્યાસ થયો નથી.

11. અમેરિકા–પ્રદેશનાં ભાષાકુળો : અમેરિકામાં અનેકવિધ ભાષાઓ અને ભાષાજૂથો છે. એમાંથી નીચેનાં ભાષાજૂથો નોંધપાત્ર છે.

1. એસ્કિમો-એલ્યુટ ભાષાકુળ, 2. આયાબાસ્કાન ભાષાકુળ અને 3. અલ્ગૉન્કિન ભાષાકુળ.

આલાસ્કાથી શરૂ કરી લૅબ્રાડોર સુધીના આર્કટિક મહાસાગરના કિનારાના પ્રદેશમાં; અલાસ્કાની અંદરના અને કૅનેડાની વાયવ્યના ભાગમાં મેક્સિકોની ઉત્તર સરહદના ભાગમાં; પૂર્વમાં લૅબ્રાડોરથી શરૂ કરી કેરૉલિના સુધીના કૅનેડાના પૂર્વ અને મધ્યવિસ્તારમાં આ કુળની ભાષાઓ બોલાય છે.

આમ, જેમનું અધ્યયન થયું છે એવી ભાષાઓને જ ઉપરનાં ભાષાકુળોમાં ગોઠવી શકાઈ છે. કેટલેક ઠેકાણે ભાષાકુળોને અલગ દર્શાવ્યાં હોવાથી કુલ અગિયાર ભાષાકુળોને બદલે થોડાં વધારે કુળો પણ દર્શાવાયાં છે. સ્થળની ર્દષ્ટિએ ઉપરનાં ભાષાકુળોને આ રીતે દર્શાવી શકાય :

ખંડ ભાષાકુળો
1. અમેરિકા : (1) એસ્કિમો-એલ્યુટ, (2) આયાબાસ્કન (3) એલ્ગોન્કિન
2. આફ્રિકા : (1) બાન્ટુ
3. એશિયા : (1) દ્રાવિડી, (2) મૉનખ્મેર, (3) મલાયો-પૉલિનેશિયન, (4) ચીની-તિબેટી.
4. એશિયા-યુરોપ : (1) ભારત-યુરોપીય, (2) યુરાલીય, (3) આલ્તાઈ
5. એશિયા-આફ્રિકા : (1) આફ્રો-એશિયાટિક
6. ઑસ્ટ્રેલિયા : (1) ઑસ્ટ્રેલિયન

અહીં ભારતીય ઉપખંડમાં બોલાતી ભાષાઓનો પારિવારિક ર્દષ્ટિએ પરિચય આપવાનો ઉપક્રમ છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતાં ભાષાશાસ્ત્રી સર વિલિયમ જોન્સને સંસ્કૃત, લૅટિન, ગ્રીક ભાષાઓ વચ્ચે કેટલીક સમાનતાઓ દેખાઈ. આથી એમણે એવી ધારણા બાંધી કે આ ત્રણેય ભાષાઓ કોઈ એક જ મૂળમાંથી ઊતરી આવી હશે. ભાષાવિજ્ઞાનનો વિકાસ થતાં ભાષાઓ વચ્ચેના કુળસંબંધો કે પારિવારિક સંબંધો શોધાવા લાગ્યા અને વર્તમાન ભાષાઓને આધારે ભૂતકાળ તરફ જતાં જતાં ઘણી બધી ભાષાઓને કોઈ એક જ કુળમાં કે પરિવારમાં સમાવી લેવાનું શક્ય બન્યું. પરિણામે જેમ જગતની ભાષાઓને કેટલાંક કુળમાં ગોઠવી શકાઈ છે, તેમ ભારતીય ઉપખંડમાં બોલાતી ભાષાનાં પણ કેટલાંક કુળો કે પરિવારો નિશ્ચિત કરી શકાયાં છે.ભારતીય ઉપખંડનાં ભાષાકુળો :

ભારતીય ઉપખંડમાં જગતનાં ચાર ભાષાકુળોની ભાષાઓ બોલાય છે. એ ચાર ભાષાકુળો આ પ્રમાણે છે :

1. ભારતીયઆર્યકુળ : આ ભાષાકુળ જગતનાં સર્વ ભાષાકુળોમાં સૌથી મોટું અને સૌથી વધારે ભાષાઓને અને ભાષકોને સમાવતા ભારત-યુરોપીય ભાષાકુળની ભારતવર્ષીય ઉપશાખા છે. આર્યો ભારતમાં પ્રવેશ્યા ત્યારથી આ પરિવાર કે ભાષાકુળનો પ્રારંભ થયો ગણાય છે. આ કુળની ભાષાનો જૂનામાં જૂનો ભાષાનમૂનો ઋગ્વેદની ભાષામાં મળે છે. એમાંથી કાળક્રમે સંસ્કૃત, પાલિ, માગધી, અર્ધમાગધી, પ્રાકૃતો, અપભ્રંશો અને તે પછી ઉત્તર ભારતની આજની અર્વાચીન ભાષાઓ વિકસી છે, જેમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, હિંદી, પંજાબી વગેરે ભાષાઓનો સમાવેશ થાય છે. ભારતના પંચોતેર ટકા લોકો આ પરિવારની ભાષાઓ બોલે છે. કાશ્મીર, સિંધ, પંજાબ, ઉત્તરપ્રદેશ, આસામ, બંગાળ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વગેરે પ્રદેશોમાં આ કુળની ભાષાઓ બોલાય છે. કાશ્મીરી, સિંધી, પંજાબી, અસમિયા, બંગાળી, બિહારી, હિંદી, મરાઠી, મારવાડી, ગુજરાતી-કચ્છી વગેરે ભાષા-બોલીઓ એનો નોંધપાત્ર વંશ-વિસ્તાર છે. આમ, દક્ષિણ ભારત સિવાયના મોટાભાગના ભારતમાં આ કુળની ભાષાઓ બોલાય છે.

2. દ્રાવિડી ભાષાકુળ : આ ભાષાકુળ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં પથરાયેલું છે. દક્ષિણ ભારતનાં ચાર મોટાં રાજ્યો –તામિલનાડુ (મદ્રાસ), કર્ણાટક (મૈસૂર), કેરળ અને આંધ્રપ્રદેશની માન્ય ભાષાઓ અનુક્રમે તમિળ, કન્નડ, મલયાળમ અને તેલુગુ આ પરિવારની છે.

આર્યો ભારતમાં આવ્યા ત્યારે અહીંની સ્થાનિક પ્રજા તરીકે દ્રવિડો હતા. એવું મનાય છે કે દ્રવિડો ભારતના ઉત્તર ભાગમાં વસતા હતા, પણ આર્યોના આક્રમણને કારણે તેઓ દક્ષિણ તરફ હઠ્યા. એમના સંપર્કની અસર ભારતીય આર્યભાષા ઉપર ઘણી બધી છે. શબ્દોના ભરણાની બાબતમાં આર્ય ભાષા એની ઋણી છે.

‘તમિળ’ ભાષામાં તો પ્રાચીન અને સમૃદ્ધ સાહિત્ય પણ મળે છે. દક્ષિણના નીલગિરિ પહાડોમાં રહેતી પહાડી જાતિઓમાં પણ આ પરિવારની ભાષાઓ બોલાય છે. બંગાળનાં જંગલોમાં પણ આ ભાષાકુળની બોલીઓ બોલાતી હોવાનાં અનુમાનો છે.

3. મૉનખ્મેર પરિવાર : આ ભાષાકુળ ઑસ્ટ્રો-એશિયાટિક ભાષાકુળ તરીકે પણ ઓળખાય છે. એશિયામાં મુખ્યત્વે અગ્નિ એશિયામાં આ ભાષાકુળ છૂટુંછવાયું વિસ્તરેલું છે. દક્ષિણ મ્યાનમારમાં બોલાતી મોન ભાષા ઉપરાંત નિકોબારી, વિયેટનામી, કંબોડિયન તેમજ આસામના પહાડી પ્રદેશોમાં વસતા લોકોની મુંડા અને ખાસી ભાષાઓનો એમાં સમાવેશ થાય છે.

ભાષકોની સંખ્યાની ર્દષ્ટિએ આ ભાષાકુળ પ્રમાણમાં નાનું ગણાય. આ કુળની ભાષાઓ આજે પણ મુંડા અને કોલ જાતિની ભાષાઓ તરીકે ટકી રહી છે. દ્રવિડો પૂર્વે ભારતમાં ઑસ્ટ્રિક પ્રજા વસતી હોવાના ઉલ્લેખો મળે છે. એમણે પર્વતીય અને જંગલી પ્રદેશોમાં આશ્રય લીધો. પરિણામે ઉત્તરના પહાડી વિસ્તારો જેવા કે સિમલા, ગઢવાલ, નેપાળ, દાર્જીલિંગ, ખાસી-પહોડો વગેરે પ્રદેશોમાં આ કુળની ભાષાઓ બોલાય છે. એવું પણ મનાય છે કે છોટાનાગપુરના ઉચ્ચ પ્રદેશોમાં બોલાતી કેટલીક બોલીઓ પણ આ કુળની છે.

આ કુળની મુખ્ય શાખા તે ‘મુંડા’ ભાષાઓની છે.

ગુજરાતીમાં ‘તાંબૂલ’, ‘નારિકેલ’, ‘હરિદ્રા’ જેવા શબ્દો આ કુળના છે.

4. ચીની-તિબેટી પરિવાર : આ પરિવાર માત્ર એશિયામાં અને મુખ્યત્વે ચીન અને તિબેટમાં જ ફેલાયેલો છે. આ એક અત્યંત ગૌણ ભાષાપરિવાર છે. ચીની ભાષા આ કુળની સૌથી મહત્વની ભાષા છે. તે ઉપરાંત તિબેટી બર્મી, સિયામી, થાઈ વગેરે પણ આ કુળની ભાષાઓ છે.

ભારતમાં મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાવિસ્તારમાં બોલાતી કેટલીક અનાર્ય બોલીઓનો સમાવેશ આ પરિવારમાં થાય છે. લડાખની શેરપા, ગારો, મિઝો, મણિપુરી વગેરે ભાષાઓ આ પરિવારની નોંધપાત્ર ભાષાઓ છે. બોડોભાષા, નાગભાષાઓ, ત્રિપુરી વગેરેને પણ આ કુળની માનવામાં આવે છે. મણિપુરીમાં તો ચૌદમી સદીનું સાહિત્ય મળ્યાના પણ ઉલ્લેખો છે. એની સાહિત્યપરંપરા પણ વિકસેલી દેખાય છે.

ભૌગોલિક નકશાઓમાં ભાષાઓની ભૌગોલિક સીમાઓ કે રેખાઓ ચુસ્તપણે દર્શાવવાનું મુશ્કેલ હોય છે. તેમ છતાં જે તે પ્રદેશો સાથે સંકળાયેલાં ભાષાકુળોનો સામાન્ય પરિચય આપી શકાય છે.

ત્રિકમભાઈ નારણભાઈ પટેલ

યોગેન્દ્ર વ્યાસ