ભરતનાટ્યમ્ : નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્યકલાની એક અભિજાત અને સૌથી પ્રાચીન શૈલી. તેની રચના ભરતનાટ્યશાસ્ત્રની રચના થઈ તે સમયે અસ્તિત્વમાં હશે એવી માન્યતા છે. તે મૂળ તમિલનાડુના તંજાવુર જિલ્લાની વિશિષ્ટ નૃત્યશૈલી તરીકે જાણીતી છે. ‘શિલપ્પધિકારમ્’ (ઈ. પૂ. 2-3 શતક) તમિળ ગ્રંથમાં તેનો ઉલ્લેખ સાંપડે છે.

તંજાવુરના ચોલ રાજાઓના શાસનકાળ દરમિયાન આ નૃત્યપ્રકાર વધુ પ્રચલિત હતો. રાજા સરફોજી બીજાના સમયમાં આ નૃત્યશૈલીને રાજ્યાશ્રય મળ્યો તેથી તેને ખૂબ પ્રોત્સાહન મળ્યું. આ નૃત્યનો જન્મ મંદિરમાં થયો હોવાને કારણે ભગવાન સાથે અને ધર્મ સાથે આ નૃત્યશૈલી સંકળાયેલી છે. એમાં આવતો શૃંગારરસ ભક્તિરસથી ભરેલો હોય છે. તેમાં ભાવ, રાગ અને તાલનો અનોખો સમન્વય જોવા મળે છે. બધી શાસ્ત્રીય નૃત્યશૈલીમાં ભરતનાટ્યમ્ ખૂબ જ વ્યવસ્થિત રીતે ઘડાયેલું છે. શાસ્ત્રીય નૃત્યના ઉદભવ વિશે પ્રચલિત દૈવી કથા અનુસાર ભગવાન બ્રહ્માએ  ચારેય વેદોના અર્કમાંથી ‘નાટ્યવેદ’ નામનો એક પંચમ વેદ રચ્યો. ઋગ્વેદમાંથી સાહિત્ય, સામવેદમાંથી ગાયન, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લેવામાં આવ્યાં. બ્રહ્માના કથન અનુસાર તે પંચમ વેદ ઐતિહાસિક બનાવો તથા નૈતિક-આધ્યાત્મિક સત્યોની રજૂઆત દ્વારા જગતને સત્કર્મને માર્ગે દોરનારો તથા શૂદ્રાદિ ચારેય વર્ણના લોકોને ર્દશ્ય-શ્રાવ્ય મનોરંજનાત્મક વસ્તુસામગ્રી પીરસનારો હતો. તે વેદ નારદજી તથા ભરતમુનિને પ્રાપ્ત થયો.

ભરતનાટ્યમ્ નૃત્યની એક મુદ્રા

‘ભરત’ શબ્દ નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિનો નિર્દેશ કરવા ઉપરાંત તેમાં યોજાયેલા ત્રણ અક્ષરો ‘ભ’, ‘ર’ અને ‘ત’ નૃત્યનાં ત્રણ મૂળભૂત તત્ત્વો જેવા કે ભાવ, રાગ અને તાલના મહત્વને સમજાવે છે.

ભરતમુનિએ તેમના સો પુત્રો અને અપ્સરાઓ સાથે પ્રથમ નૃત્ય-નાટ્ય ‘અમૃત-મંથન’ રજૂ કર્યું. અહીંથી પૃથ્વી પર આ બેનમૂન કલાનો આવિર્ભાવ થયો એમ કહી શકાય.

નાટ્યવેદમાં શાસ્ત્રીય નિયમો જોવા મળે છે. આ નાટ્યવેદના કારણે કીર્તિ, આત્મશ્રદ્ધા, સૌભાગ્ય અને ચાતુર્યમાં વધારો થાય છે. શાંતિ, ધૈર્ય, ઔદાર્ય અને વિલાસમાં વૃદ્ધિ થવા સાથે દુ:ખ, અતિશોક, નિર્વેદ અને ખેદનો વિચ્છેદ થાય છે. યોગ દ્વારા આત્મદર્શન કરતાં જે પરમ આનંદની પ્રાપ્તિ થાય તેનાથી પણ અધિક આનંદની અનુભૂતિ આ નાટ્ય-નૃત્ય-કલા દ્વારા સધાય છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ જોતાં નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી આ શૈલી એક કાળે સમગ્ર ભારતમાં પ્રચલિત હતી. કદાચ આ શૈલી આર્યોનું ભારતમાં આગમન થયું તે પહેલાંની પણ હોય. ભારતની સાત શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાંની ભરતનાટ્યમ્ એક અત્યંત અગત્યની નૃત્યશૈલી છે. એની સાધના સામાન્યત: સ્ત્રી-વર્ગ કરે છે. એ પ્રાચીન નૃત્યપ્રકાર છે, જેનું શિક્ષણ મહાભારતમાં વિરાટ-રાજકુમારી ઉત્તરાએ અર્જુન પાસેથી મેળવ્યું હતું. કાલિદાસ-રચિત ‘માલવિકાગ્નિમિત્રમ્’ નાટકમાં માલવિકાએ પણ આ જ નૃત્ય કરી બતાવ્યું હતું. આ નૃત્યશૈલીની વિવિધ અંગભંગિઓ શિલ્પસ્વરૂપે અજન્ટા તેમજ અમરાવતીની  ગુફાઓમાં કંડારાયેલી છે. ભરતનાટ્યમની અતિ પ્રાચીન નૃત્યશૈલીમાં શુદ્ધ નૃત્યની બધી જ પ્રણાલિકાઓ જળવાઈ રહી છે. નૃત્યપ્રકારની ભાવોર્મિઓ અને ભાવનાઓની કે સંવેદનની અભિવ્યક્તિને એમાં સંપૂર્ણ અવકાશ મળે છે. તેથી આ નૃત્યપ્રકાર ખૂબ જ પ્રચલિત બન્યો છે.

તમિલનાડુમાં સચવાયેલી તથા સંવર્ધન અને વિકાસ પામેલી આ નૃત્યશૈલીનું ‘ભરતનાટ્યમ્’ એવું નામ તો આ શતાબ્દીના શરૂઆતના દાયકાઓમાં તેને સમાજમાં ફરી સન્માનભર્યું સ્થાન અપાવનાર રુક્મિણીદેવી અરુન્ડેલ અને ડૉ. વી. રાઘવન્ જેવા અગ્રણી નૃત્યકારો દ્વારા અપાયું છે. આ પૂર્વે ભરતનાટ્યમ્ ‘કૂત્તૂ’, ‘આટ્ટમ્’, ‘દાસીઆટ્ટમ્’, ‘સદીરઆટ્ટમ્’ અથવા ‘સદીર નાચ’ તરીકે ઓળખાતું હતું. દેવદાસી સ્ત્રીઓએ આ નૃત્યપ્રકારનું જતન અને સંવર્ધન કરેલું હોવાથી તેને ‘દાસીઆટ્ટમ્’ નામાભિધાન પ્રાપ્ત થયું હતું. આ નૃત્ય રાજદરબારમાં રજૂ થતું હોવાથી તેને ‘સદીરઆટ્ટમ્ (દરબારી નૃત્ય) નામ પ્રાપ્ત થયું હતું. ઘણી  બધી દાસીઓ ભેગી મળીને આ નૃત્ય કરતી તેથી તે ‘ચિન્ન-મેલમ્’ (દાસીઓનો મેળો) નામથી પણ ઓળખાતું હતું.

ભરતનાટ્યમ્ નૃત્યનું જે સ્વરૂપ આજે જોવા મળે છે તેનો યશ ચિન્નયા, પોન્નયા, શિવનંદમ્ અને વડીવેલુ નામના ચાર ભાઈઓને ફાળે જાય છે. તેમના જમાનામાં મહાદેવ અણ્ણાવી, મુત્તુસ્વામી દીક્ષિતાર અને શ્યામા શાસ્ત્રી જેવાં મહાન સંગીતકારો થઈ ગયાં, જેમની પાસેથી આ ભાઈઓએ સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે સંગીતની ત્રણેય શાખાઓમાં પ્રવીણ હતા અને ગીત, વાદ્ય, નર્તન અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હતા.

ભરતનાટ્યમ્ નૃત્યનાં પદચલનો, તેના આંતરઘટકો, અડવુ-જતિ વગેરેની બંદિશો આ ચાર ભાઈઓએ રચી અને તેને મેળપ્રાપ્તિ તરીકે વર્ણવ્યું. તેમાં અલારીપુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, જાવળી, તિલ્લાના અને શ્લોકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘શેરબેન્દ્ર ભૂપાલ કુરવંજી’ નૃત્યનાટિકાના સંગીતની બંદિશો પણ આ ભાઈઓએ રચી છે. પોતાની માતૃભાષા તમિળ અને રાજ્યભાષા તેલુગુમાં ઇષ્ટદેવ-દેવીને અનુલક્ષીને તેમણે અનેક રચનાઓ રચી છે. વડીવેલુએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં બેલા(વાયોલિન)નો પ્રવેશ કરાવ્યો. તેમના વંશજો આજે પણ તેનો ઉત્તરોત્તર વિકાસ સાધી ભરતનાટ્યમના શિક્ષણની ઉત્તમ સેવા કરી રહ્યા છે.

ભરતનાટ્યમના પરંપરાગત કાર્યક્રમને ‘માર્ગમ્’ કહે છે. તેમાંની અલારીપુ, જતિસ્વરમ્ અને તિલ્લાના કૃતિઓનો નૃત્તપ્રકારમાં સમાવેશ થયો છે. ‘नृत्तं ताललयाश्रयम्’ એ રીતે તાલ અને લય નૃત્તનાં અવિભાજ્ય અંગો છે. નૃત્તમાં કેવળ અલંકારાત્મક નર્તન હોય છે, કોઈ ભાવ કે રસનિષ્પત્તિ તેમાં થતી નથી. સુંદર અંગચલનો, પદચલનો, નેત્ર તથા ડોક અને અંગ-ઉપાંગ-પ્રત્યંગનાં ચલનો દ્વારા નૃત્ત સર્જાય છે. નૃત્તના વિવિધ બોલને સોલકટ્ટ કહે છે અને તેની સાંકળને તીરમાનમ્ કહેવાય છે. તીરમાનમ્ એટલે નિશ્ચિત બોલ, જે નિશ્ચિત તાલ અનુસાર નૃત્ત-હસ્ત અને અડવુ-જતિના સમન્વયથી થાય છે. અહીં 108 કરણ-નૃત્ત-ઘટકોનો ઉલ્લેખ છે, જેમનો પણ વિનિયોગ થાય છે. નૃત્તના બોલ તૈયા તૈ-તૈયુમ તત્ તત્ તૈ હી તા હા, તૈહા તૈહી, કીટ તક તરીકીટ તોમ વગેરે સ્વરાનુસારી શબ્દસમુચ્ચય દ્વારા બોલાતા હોય છે.

નૃત્યમાં ભાવ-અભિનયના નિરૂપણ દ્વારા રસનિષ્પત્તિ સધાય છે. તેમાં આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક – એ ચાર પ્રકારના અભિનયોનો સમાવેશ થાય છે. ભરતનાટ્યમમાં હસ્તાભિનય(મુદ્રા)નું સવિશેષ મહત્વ હોય છે.

નાટ્યશાસ્ત્રમાં આઠ રસોનો ઉલ્લેખ છે; પરંતુ આજે નૃત્યકારો, નંદિકેશ્વરે તેના ‘અભિનયદર્પણ’ ગ્રંથમાં ઉમેરેલ શાંત રસ સહિત શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદભુત એમ નવેય રસો ભાવ, વિભાવ, અનુભાવ અને સંચારી ભાવો દ્વારા રજૂ કરે છે.

વળી (ભરતનાટ્યમમાં) નાયક-નાયિકાભેદોની પણ સુંદર રજૂઆત જોવા મળે છે. વાસકસજ્જા, વિરહોત્કંઠિતા, સ્વાધીનભર્તૃકા, કલહાંતરિતા, ખંડિતા, વિપ્રલબ્ધા, પ્રોષિતભર્તૃકા અને અભિસારિકા – આ અષ્ટનાયિકાભેદનું તેમાં ઘણું મહત્વ છે.

અભિનય-વિભાગમાં શબ્દમ્-પદમ્-જાવળી અને શ્લોકમનો સમાવેશ થાય છે. શબ્દમ્ તે કીર્તિગાન છે.

વર્ણમ્ ભરતનાટ્યમની સૌથી અઘરી નૃત્યકૃતિ છે. તેના મુખ્ય બે વિભાગ છે : પહેલામાં પલ્લવી-અનુપલ્લવી અને ચિટ્ટસ્વરને અનુલક્ષીને રચાયેલા સાહિત્યને આધારે નૃત્ત તથા ભાવાભિનય સહિતનું નૃત્ય થાય છે; બીજા વિભાગમાં ચરણમ્ તથા તેના ત્રણ કે ચાર સ્વર કે સ્વરાવલીને અનુસરીને સાહિત્ય રજૂ થાય છે. વર્ણમ્ એટલે રંગ અને કલાકાર તેને વિભૂષિત કરે છે. વર્ણમ્માં કલાકારની કલાસાધનાની કસોટી થાય છે.

વર્ણમ્ પછી પદમ્, જાવળી વગેરેમાં, વિવિધ નાયિકાઓની વિરહ-મિલન આદિ અવસ્થાઓનું – નવ રસોનું – આકર્ષક અને આનંદપ્રદ રીતનું દર્શન થાય છે. આ માટે ક્ષેત્રજ્ઞ, અરુણાચલ કવિ, દીક્ષિતાર, સુબ્બારાયન, પાપનાશમ્ અને શિવમ્ જેવા દક્ષિણ ભારતના વિખ્યાત કવિઓની કૃતિઓ કર્ણાટકી રાગોમાં રજૂ થાય છે. ‘ગીતગોવિંદ’માંની અષ્ટપદીને આધારે પણ નૃત્ય પ્રયોજાય છે. ભરતનાટ્યમની રચના સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબની હોવાથી અન્ય ભાષાની કૃતિઓ પણ તેમાં રજૂ થઈ શકે છે.

પદમ્ પછી તિલ્લાના રજૂ થાય છે. ‘તિલ્લાના’ શબ્દ ‘તરાના’ પરથી ઊતરી આવ્યો છે. તેમાં તાલની રમઝટ સુંદર રીતે પ્રસ્તુત કરી શકાય છે. તિલ્લાનામાં આકર્ષક પદચલનો અને અંગચલનોથી જાણે શિલ્પકારનું સ્વપ્ન સાકાર થતું હોય તેવો ભાવ પેદા થાય છે.

તિલ્લાના પછી અંતે ભરતનાટ્યમ્ની પૂર્ણાહુતિ મંગલમ્ નામક સ્તુતિપરક રચનાથી થાય છે અને તે દ્વારા નૃત્યકાર સર્વેનું મંગળ થાઓ એવી ઈશ્વર પાસે યાચના કરે છે. આમ, ભરતનાટ્યમ્ ભારતના સમૃદ્ધ નૃત્યવારસાનું એક બહુમૂલ્ય રત્ન છે.

સ્મિતા શાસ્ત્રી