ભટ્ટ, કરુણાશંકર કુબેરજી

January, 2001

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી (જ. 22 ઑગસ્ટ 1873, સારસા; અ. 2 ઑક્ટોબર 1943, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક અને રોજનીશીલેખક. સાહિત્ય અને સંસ્કારના વત્સલવાહક કરુણાશંકર ભટ્ટે પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનાં પણ જીવન સંસ્કાર્યાં હતાં. 22 વર્ષની વયે પિતા કુબેરજીનું અવસાન. વિદ્યાપ્રેમી માતા દિવાળીબા અને મામા કેશવરામ દ્વારા કરુણાશંકરનું ઘડતર. પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી તેમણે વડોદરાની પુરુષ-અધ્યાપન પાઠશાળામાં શિક્ષક થવાની લાયકાત મેળવી. અહીંના આચાર્ય મણિશંકર ભટ્ટ (કવિ કાન્ત) સાથેના આજીવન સંપર્કને લીધે તેઓ અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણના ઇતિહાસથી પરિચિત થયા. તેમની શિક્ષક તરીકેની પ્રથમ નિમણૂક તત્કાલીન વડોદરા રાજ્યના સંખેડા તાલુકાના કોસિંદ્રા ગામે થઈ. ત્યાં 7 વર્ષ (1893–1900) રહ્યા તે દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રામજનોને પણ ભણાવતા હતા.

એક વાર તો ગામ પર ત્રાટકેલા ધાડપાડુઓ સામે ગામલોકની આગેવાની કરીને તલવાર લઈને તેઓ ઝૂઝ્યા હતા. કોસિંદ્રાથી તેમની બદલી માછિયાપુરા, વડોદરા અને પછી ભાદરણ પાસેના ગંભીરા ગામે થઈ (1903–1908). અહીં પણ એમણે વિદ્યાર્થીઓ ઉપરાંત ગામલોકોને વાચન-અભિમુખ કર્યા. આ ગાળામાં પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીનના આગ્રહને વશ થઈને તેઓ રાજ્યની નોકરી છોડી પેટલાદ ખાતેની ખાનગી માધ્યમિક શાળાના મૅટ્રિકના વર્ગ માટેના ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા (1908–1915). પેટલાદમાં તેમને જે છાત્રાલયમાં નિવાસ અપાયો હતો ત્યાં સાહિત્યિક વાચનનું વાતાવરણ જામ્યું. કરુણાશંકરનું એકેય પુસ્તક પ્રકાશિત થયેલ નથી; પરંતુ તે ગાળામાં એમણે પેટલાદથી પ્રકાશિત થતા સામયિક ‘શિક્ષક’માં  ‘એક શિક્ષકની ડાયરી’ લખવા માંડી હતી. આ સમયે એમણે ડૉ. મૉન્ટેસૉરીના કેળવણીવિષયક વિચારો અને પ્રયોગોનો અભ્યાસ કર્યો હતો અને ગુજરાતને તેનો પ્રથમ પરિચય કરાવ્યો હતો. પેટલાદ ખાતેનો મૅટ્રિકનો ખાનગી વર્ગ આર્થિક ખોટને લીધે બંધ થયો ને તેથી તેમને નોકરીમાંથી છૂટા થવું પડ્યું.

કરુણાશંકર કુબેરજી ભટ્ટ

આ વિષમ સંજોગોમાં એમણે અમદાવાદના શેઠ અંબાલાલ સારાભાઈનાં બે સંતાનોના પૂરા સમયના શિક્ષક થવાનું સ્વીકાર્યું (1915–1927). એ બાળકોના સર્વાંગી વિકાસ માટે સમયની ગણતરી કર્યા વિના એમણે ઊંડી સૂઝ સાથે સખત પરિશ્રમ કર્યા કર્યો. આ શિક્ષકના પ્રભાવે સારાભાઈ પરિવારની રહેણીકરણી પાશ્ચાત્ય ઢબમાંથી બદલાઈને ગુજરાતી ઢબની થવા માંડી. કરુણાશંકરને લીધે એ પરિવારને બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકા, મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ઠાકુર સાથે સંબંધ બંધાયો. ગાંધીજીએ જ કરુણાશંકરને તત્કાલીન અસહકારની ચળવળમાં ભાગ લેવાને બદલે શેઠને ત્યાં રહીને શિક્ષણકાર્ય કરતા રહેવા સૂચવ્યું હતું.

નિવૃત્ત જીવન ગાળવા માટે તેમની નોકરીના પ્રથમ ગામ કોસિંદ્રાના હવે વાલી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમને આગ્રહ કરીને પોતાને ગામ લાવ્યા. અહીં તેઓ આશ્રમ સ્થાપીને ત્રણેક વર્ષ (1927–30) રહ્યા. તે દરમિયાન તેઓ વ્યાપક અર્થમાં શિક્ષણની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા. શેઠ અંબાલાલ સારાભાઈના અત્યંત આગ્રહથી તેમણે ફરી અમદાવાદ રહેવાનું સ્વીકાર્યું (1930–40). આ દાયકા દરમિયાન તેઓ સર્વશ્રી મગનલાલ ગાંધી, મહાદેવભાઈ દેસાઈ, લીલાવતીબહેન શેઠ (પછીથી મુનશી), ઇન્દુલાલ યાજ્ઞિક, રા. વિ. પાઠક, શંકરલાલ બૅન્કર વગેરે સમર્થ વિચારકો ને કાર્યકરોના સંપર્કમાં આવ્યા. આ પછી પારિવારિક સંજોગોને કારણે મુંબઈ ગયેલા (1941–43). તેમનું લોહીના દબાણ અને લકવાને લીધે અવસાન થયું.

આજીવન વિદ્યાર્થી કરુણાશંકર ભટ્ટ અદ્યતન શિષ્ટ ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થતાં તરત વસાવતા. તેઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, પાલિ, અંગ્રેજી, મરાઠી અને બંગાળી સાહિત્યના પણ અભ્યાસી હતા. તેમના પ્રિય વિષયો ધર્મ, નીતિ ને તત્વજ્ઞાન હતા. અધ્યાપન દરમિયાન તેઓ ભારતભરના સાહિત્યિક પ્રવાહોને વક્તવ્યમાં વણી લેતા; ગ્રીસ, રોમ અને ચીનના ફિલસૂફોનો પણ તેઓ સંદર્ભ આપતા.

શિક્ષણના નૂતન પ્રવાહોને જાણવા તથા અપનાવવા સદા તત્પર એવા તેઓ અધ્યાપન માટે પ્રશ્નોત્તરી, ચર્ચા અને સ્વાધ્યાયપદ્ધતિ વિશેષ પસંદ કરતા. તેઓ ગદ્ય કે પદ્યને સમજાવવાને બદલે જે તે કૃતિને અનુરૂપ પૂરતું સંદર્ભસાહિત્ય વિદ્યાર્થીઓ સમક્ષ ધરી દેતા. સરળ અને શ્રેષ્ઠ સાહિત્યકૃતિને આધારે વ્યાકરણનું શિક્ષણ રસાળ ઢબે આપી શકાય તેમ તેઓ માનતા હતા. મહાત્મા ગાંધીજી સારામાઠા પ્રસંગે તેમને પત્રો લખતા. ગાંધીજી તેમને ગુજરાતનું રત્ન માનતા હતા.

તેમની જન્મશતાબ્દી નિમિત્તે તેમણે રચેલા ‘સંસ્કારશિક્ષક’ (1973), ‘સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ 1 : પત્રો’ (1973) અને ‘સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ 2 : નોંધપોથીઓ – ભાગ 1 અને 2’ (1982, 1987) પ્રગટ થયેલાં છે.

ઈશ્વર પરમાર