ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ

January, 2001

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ (જ. 16 એપ્રિલ 1936) : વિખ્યાત સિતારવાદક. તેઓ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંના શિષ્ય અને જાણીતા ફિલ્મસંગીત-નિર્દેશક તિમિરબરનના પુત્ર છે. દસેક વર્ષની ઉંમરે તેમણે સિતારવાદનની તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતનાં બે વર્ષ પોતાના મોટા ભાઈ અમિયકાંત પાસે તાલીમ લીધા બાદ તેઓ પિતા સાથે મુંબઈ આવ્યા. ત્યારબાદ વિખ્યાત સંગીતકાર લક્ષ્મીશંકર અને રાજેન્દ્રશંકરની પ્રેરણાથી તેઓ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં પાસે સંગીત શીખવા મહિયર ગયા.

1953થી 1962 સુધી તેમણે ત્યાં સિતારવાદનની સઘન તાલીમ લીધી, જેમાં ગુરુની સાથોસાથ ગુરુપુત્રી અન્નપૂર્ણાદેવી તથા ગુરુજીનાં પૂત્રવધૂ અર્થાત્ ઉસ્તાદ અલીઅકબરખાંનાં પત્નીનાં પણ તેમને ખૂબ પ્રોત્સાહન અને મદદ મળ્યાં.

1958માં પ્રથમ વાર રેડિયો પર સફળ કાર્યક્રમ આપ્યા બાદ, ઇંદોર-ભોપાલ રેડિયો સંગીત-સંમેલન, કૉલકાતા ખાતે 1961માં આયોજિત તાનસેન સંગીત સંમેલન વગેરેમાં તેમણે સિતારવાદન રજૂ કર્યું. બંગાળી ફિલ્મ ‘રાજાર રાજા’માં તેમણે સંગીતનિર્દેશન કર્યું હતું. વળી સત્યજિત રાય અને તપન સિંહાની ફિલ્મોમાં મુખ્ય વાદક કલાકાર તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.

નીના ઠાકોર