ભટ્ટાચાર્જી, બિકાશ

January, 2001

ભટ્ટાચાર્જી, બિકાશ (જ. 21 જૂન 1940, કૉલકાતા) : ભારતના આધુનિક શૈલીના ચિત્રકાર. કૉલકાતાની ઇન્ડિયન કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ડ્રાફ્ટ્સમૅનશિપમાંથી ‘ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ’ મેળવ્યો. તેમણે સ્વાતંત્ર્યોત્તર બંગાળના ચિત્રકારોને નેતૃત્વ પૂરું પાડી તેમને યોગ્ય દિશાસૂચન આપ્યું છે.

બિકાશનાં ચિત્રોની ભાષા વાસ્તવવાદી છે, છતાં તેમનું ર્દશ્યવિધાન વાસ્તવની પેલે પાર જવા મથે છે અને ચિત્ર પરાવાસ્તવવાદી બને છે. પહેલી નજરે રોજિંદાં અને સામાન્ય દેખાતાં પ્રસંગચિત્રો દર્શકની નજરને આઘાત પહોંચાડે છે. (દા. ત., એક ચિત્રમાં ઢીંગલી જોડે રમતી બાળકી ઘાયલ હોય છે અને તેના પગમાંથી લોહીની નદી વહી રહી હોય છે.)

1965, 1971 અને 1973માં કૉલકાતા ખાતે, 1965માં જમશેદપુર ખાતે, 1974માં મુંબઈ ખાતે અને 1977માં દિલ્હી ખાતે બિકાશનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં હતાં.

1964થી અત્યાર સુધી  બિકાશે ‘નૅટ એક્ઝિબિશન’માં દર વર્ષે ભાગ લીધો છે. 1973ના ‘આઇફૅક્સ’ (All India Fine Arts & Crafts Society) પ્રદર્શનમાં; 1969માં ‘પૅરિસ બાયેનિયલા’માં તથા લલિત કલા અકાદમી આયોજિત વિદેશનાં પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો હતો. આ પ્રદર્શનો માટે તેમણે યુગોસ્લાવિયા, રુમાનિયા, હંગેરી અને ચેકોસ્લોવાકિયાની મુલાકાત લીધી હતી.

બિકાશને લલિત કલા અકાદમીના 1971 અને 1972માં ઍવૉર્ડ મળ્યા છે.

નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લલિત કલા અકાદમી તથા ચંડીગઢના ચંડીગઢ યુનિવર્સિટી મ્યુઝિયમમાં બિકાશનાં ચિત્રો કાયમી સંગ્રહમાં સ્થાન પામ્યાં છે.

અમિતાભ મડિયા