બ્રિટાની (Bretagne) : વાયવ્ય ફ્રાન્સનો પ્રદેશ. તે બીસ્કેના ઉપસાગરને ઇંગ્લિશ ખાડીથી અલગ પાડતા દ્વીપકલ્પને આવરી લે છે. બ્રિટાની તેનાં રમણીય ભૂમિર્દશ્યો તથા સુંદર નગરો અને નાનાં નાનાં શહેરો માટે જાણીતું બનેલું છે. બ્રેટન તરીકે ઓળખાતા અહીંના નિવાસીઓ તેમનાં આત્મગૌરવ, સ્વતંત્ર મિજાજ અને જાળવી રાખેલી જૂની સ્થાનિક પરંપરાને કારણે અન્ય ફ્રેન્ચ પ્રજાથી અલગ તરી આવે છે. અગાઉ તે વાયવ્ય ફ્રાન્સમાં આવેલા આર્મોરિકન દ્વીપકલ્પનો પ્રાંત તથા ડ્યૂકની જાગીર રહેલું.

ફ્રાન્સની સરકારે આ પ્રદેશને ફિનિસ્ટર (Finistere), કોત્સ-દ-નૉર્દ (Cotes-du-Nord), ઇલ-યેત-વિલેન (Ille-et-Villaine) અને મૉર્બિહૅન (Morbihan) જેવા ચાર વિભાગોમાં વિભાજિત કરેલો છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,208 ચોકિમી. જેટલો અને વસ્તી 27,95,600 (1990) છે. અહીંના નિવાસી બ્રેટનો લૉઇર–આટલાન્ટિકના વિભાગને પણ બ્રિટાની અંતર્ગત હોવાનો દાવો કરે છે.

બ્રિટાનીના દરિયાકિનારા પર દક્ષિણ તરફ લાંબા, રેતાળ કંઠારપ્રદેશો અને ઉત્તર તરફ પહાડી ભૂમિપ્રદેશો આવેલા છે. બ્રિટાનીનો ઘણોખરો ભાગ પથરાળ અને ઉજ્જડ હોવાથી ત્યાં ખેતી થઈ શકતી નથી. ઊંચાઈવાળા ભાગોનો ઉપયોગ ચરિયાણ માટે થાય છે. દરિયાકિનારેથી દરિયાઈ ખોરાક મેળવવામાં આવે છે. કિનારાની ધારે ધારે નજીકમાં મત્સ્યઉદ્યોગ પર નભતાં ગામડાં આવેલાં છે. અહીંથી માછીમારોની ઘણી ટુકડીઓ વહાણો કે હોડીઓ લઈને માછલીઓ પકડવા માટે છેક ન્યૂ ફાઉન્ડલૅન્ડ સુધી જાય છે. કિનારાથી અંદરના ભમિભાગમાં આવેલાં નાનાં નાનાં ખેતરો પ્રાદેશિક કુદરતી શ્યોની રમણીયતામાં ઉમેરો કરે છે. ત્યાં ફળો તથા શાકભાજીનું વાવેતર થાય છે.

બ્રિટાનીમાં પ્રમાણમાં ઘણાં નાનાં શહેરો–નગરો આવેલાં છે; વધુ મોટાં શહેરો વિકસ્યાં નથી. રેનીસ (Rennes) આ પ્રદેશનું વહીવટી મથક છે. ફ્રેન્ચ નૌકામથક બ્રેસ્ટ તથા મત્સ્ય-ઔદ્યોગિક બંદર લોરિયેન્ટ અહીંનાં મહત્વનાં શહેરો ગણાય છે. ક્વિમ્પર નગર તેનાં ચિનાઈ માટીનાં વાસણો તથા દોરી-નાડી-કોર-પટ્ટી વગેરે માટે જાણીતું બનેલું છે. સેન્ટ મૅલો બ્રિટાનીનું એક એવું નગર છે, જ્યાં મધ્યકાલીન ઇમારતો આવેલી છે. તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાશ પામેલી, પરંતુ પછીથી તેમનું નવનિર્માણ કરવામાં આવેલું છે. કર્નાક નગર નજીક આવેલી, જાણીતાં ‘મૅગાલિથિક સ્મૃતિચિહ્નો’થી બનેલી મોટી પાષાણબંધી ઇમારતો બ્રિટાનીના પ્રાચીન નિવાસીઓએ બાંધેલી હોવાનું કહેવાય છે.

સંસ્કૃતિ : બ્રિટાનીના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન તે ફ્રાન્સના બાકીના પ્રદેશોથી અલગ રહેલું. અહીંના લોકોએ અન્ય પ્રજાઓથી જુદી તરી આવતી વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ વિકસાવેલી. તેઓ ગ્રેટબ્રિટનની વેલ્શ ભાષાને મળતી આવતી બ્રેટન ભાષા બોલતા; ઘણાખરા બ્રેટનો રોજબરોજના પહેરવેશમાં જુદો જ પોશાક રાખતા. પહેરવેશ તથા રહેણીકરણીના આ તફાવતો વીસમી સદી દરમિયાન ઘટતા ગયા. આજે તો મોટાભાગના નિવાસીઓ ફ્રેન્ચ ભાષા બોલે છે; અમુક નિવાસીઓએ ખાસ કરીને વૃદ્ધ સ્ત્રીઓએ હજી પણ પરંપરાગત પોશાકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખેલું છે; તો બીજા કેટલાક પ્રસંગો કે તહેવારોમાં તેઓ તે પહેરવાની મોજ માણી લે છે. આધુનિકોએ તો પશ્ચિમ ઢબની પોશાક-શૈલી અપનાવી લીધી છે. મોટાભાગના બ્રેટનો રોમન કૅથલિક છે. પ્રાદેશિક સંસ્કૃતિ પર કૅથલિક પંથની ઘણી અસર દેખાય છે. અહીં ઊજવાતા ધાર્મિક તહેવારો ધર્મ તથા સમાજને અનુરૂપ હોય છે.

અર્થતંત્ર : અહીંનું અર્થતંત્ર મત્સ્યોદ્યોગ, પ્રવાસન અને ખેતી પર નભે છે. બ્રિટાનીના આશરે 33% લોકો માછીમારીના વ્યવસાયમાં રોકાયેલા છે.

ઇતિહાસ : ઈ. પૂ. 8000 વર્ષ અગાઉ અહીં લોકોનો વસવાટ હોવાની માહિતી મળે છે. બ્રિટાનીના સેલ્ટિક જાતિના લોકો સીઝરના આક્રમણ સમય(ઈ. પૂ. 56)થી પાંચમી સદી સુધી રોમનોના શાસન હેઠળ રહેલા. રોમન સામ્રાજ્યનો અંત આવતાં તેનાં છેલ્લાં દળો પાંચમી સદીમાં અહીંથી ગયાં. પાંચમી અને છઠ્ઠી સદી દરમિયાન સેલ્ટ જાતિના ઘણા ખ્રિસ્તી લોકો જર્મનોના વારંવારના હુમલાઓમાંથી છુટકારો મેળવવાના હેતુથી ગ્રેટ બ્રિટનથી અહીં આવીને વસ્યા. તેમણે તેમના આ નવા વતનને બ્રિટાની (નવું બ્રિટન) નામ આપ્યું. ફ્રાન્સના બાકીના પ્રદેશથી સ્વતંત્ર રહેવા માટે સદીઓ સુધી તેઓ ઝૂઝ્યા અને સંઘર્ષો વેઠ્યા, છેવટે પંદરમી સદીમાં બ્રિટાની ફ્રાન્સનો એક ભાગ બન્યું.

આજે ઘણા બ્રેટનો તેમની જૂની સંસ્કૃતિ નામશેષ થતી જતી હોવાથી અફસોસ કરે છે. તેમને પોતાની જૂની પરંપરાઓને બેઠી કરવી છે અને જાળવી રાખવી છે. કેટલાક બ્રેટનો ફ્રેન્ચ શાસનની તરફેણ કરે છે, પરંતુ સાથે સાથે સ્થાનિક રાજકીય-વહીવટી બાબતો પર પોતાનો અંકુશ રહે એમ પણ ઇચ્છે છે. બ્રેટનોનો એક નાનો વર્ગ બ્રિટાની માટે પૂર્ણ સ્વાતંત્ર્યની હિમાયત કરે છે, તે પૈકીના કેટલાક લોકોએ ‘બ્રેટન મુક્તિ મોરચા’ જેવી બિનસત્તાવાર સંસ્થા રચી છે, જે પોતાનો લક્ષ્ય સિદ્ધ કરવા અવારનવાર સત્તાધીશોનું ધ્યાન ખેંચવા મુશ્કેલીઓ પણ ઊભી કરે છે.

ગિરીશભાઈ પંડ્યા