બોરડે, ચંદુ (જ. 21 જુલાઈ 1934, પુણે) : ભારતના ટેસ્ટ ઑલરાઉન્ડર, આખું નામ ચંદ્રકાન્ત ગુલાબરાવ બોરડે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની, મૅનેજર અને હાલ (2000માં) ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ.

નરેન્દ્ર ભટ્ટ

1952–53માં સોલાપુરમાં રમાયેલી મુંબઈની ટીમ સામેની મૅચમાં મહારાષ્ટ્ર તરફથી ખેલતા 18 વર્ષના ચંદુ બોરડેએ 55 અને 61 (અણનમ) રન કર્યા, એ પછી ગુજરાત સામે 34 રન કર્યા; જ્યારે 1957–58માં વડોદરા તરફથી રમતાં એમણે રણજી ટ્રૉફીની સીઝનમાં 31ની સરેરાશ સાથે 189 રન અને 19 રનની સરેરાશથી 20 વિકેટો ઝડપીને ઑલરાઉન્ડર તરીકેની શક્તિનો પરિચય આપ્યો.

એ પછી 1957–58માં ઇંગ્લૅન્ડની લીગ ક્રિકેટમાં રમ્યા. રણજી ટ્રૉફી મેચોમાં એમણે કુલ 4,338 રન કર્યા અને 102 વિકેટો લીધી. 1958થી 1970 સુધી ભારત તરફથી તેઓ કુલ 55 ટેસ્ટ રમ્યા. તેના 97 દાવમાં 11 વખત અણનમ રહીને 35.59ની સરેરાશથી કુલ 3,061 રન કર્યા. એમાં 1961માં મદ્રાસમાં પાકિસ્તાન સામે કરેલા 177 રન એ એમનો સૌથી વધુ જુમલો છે. ટેસ્ટ મૅચમાં 5,695 દડા નાખી 2,417 રન આપીને એમણે 52 વિકેટ ઝડપી, તેમજ ટેસ્ટ મૅચોમાં 37 કૅચ પણ કર્યા. આધારભૂત બૅટ્સમૅન અને ઉપયોગી ગોલંદાજ ચંદુ બોરડે સળંગ 49 ટેસ્ટ ભારત તરફથી રમ્યા અને 1967–68ના ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતના સુકાની મનસૂર અલીખાન પટૌડી ઈજાગ્રસ્ત થતાં એમણે ઍડિલેઇડમાં ખેલાયેલી ટેસ્ટમાં ભારતનું સુકાનીપદ પણ સંભાળ્યું. 1967માં એમને અર્જુન ઍવૉર્ડ એનાયત થયો હતો. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ચંદુ બોરડેએ ભારતીય ટીમના મૅનેજર અને રેફરી તરીકે સેવાઓ બજાવી હતી. હાલ (2000માં) ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.

નરેન્દ્ર દુર્ગાશંકર ભટ્ટ