બોપદેવ (વોપદેવ) (જ. 1260; અ. 1335) : સંસ્કૃત ભાષાના કવિ અને વૈયાકરણ. તેઓ વિદર્ભ રાજ્યના ‘વરદા’ નદીને કાંઠે આવેલા ‘વેદપદ’(કેટલાકના મતે ‘સાર્થગ્રામ’)ના રહેવાસી હતા. એમના પિતાનું નામ કેશવ અને વૈદકશાસ્ત્રના ગુરુનું નામ ધનેશ હતું. દેવગિરિ(= હાલનું દૌલતાબાદ)ના યાદવ રાજાના સચિવ હેમાદ્રિ પંત બોપદેવના આશ્રયદાતા હતા. હેમાદ્રિના કહેવાથી બોપદેવે અનેક ગ્રંથો રચ્યા હતા એમ કહેવાય છે. તેમણે વ્યાકરણના દશ, વૈદ્યકના નવ, જ્યોતિષનો એક, સાહિત્યના ત્રણ અને ભાગવતપુરાણ ઉપરના ત્રણ – એમ કુલ છવ્વીસ ગ્રંથો રચ્યા હોવાનું કહેવાય છે.

એમણે ‘મુગ્ધબોધ’ નામે સંસ્કૃતનું એક લઘુ વ્યાકરણ પણ રચ્યું છે. તેમાં પાણિનિના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણની જટિલતા દૂર કરવા પ્રયત્ન કર્યો છે. જોકે આનો પ્રચાર-પ્રસાર ફક્ત બંગાળમાં રહ્યો છે; છતાં તે વ્યાકરણના અભ્યાસીઓમાં ઘણું પ્રસિદ્ધ છે.

સંસ્કૃત ભાષા અને વિદ્યાના આ પ્રખર પંડિત વિષ્ણુના પરમ ભક્ત હતા. વિષ્ણુના ભક્ત તરીકે અને પુરાણવેત્તા તરીકે તેમને ઓળખાવતી તેમની ‘હરિલીલામૃત’, ‘મુક્તાફલ’, ‘પરમહંસપ્રિયા’ અને ‘મુકુટ’ એ ચાર રચનાઓ જાણીતી છે. ‘હરિલીલામૃત’(કે ભાગવતાનુક્રમણી)માં એમણે ભાગવતના બધા અધ્યાયોની વિગતે સૂચિ આપી છે અને એમનો પારસ્પરિક સંબંધ ખૂબ જ માર્મિક રીતે સમજાવ્યો છે. ‘મુક્તાફલ’ એ બાર અધ્યાયનો બનેલો ગ્રંથ છે, જેમાં ભાગવતપુરાણના વિષ્ણુભક્તિના શ્લોકોનો રસર્દષ્ટિએ સંગ્રહ કર્યો છે. ત્રીજો ‘પરમહંસપ્રિયા’ નામનો ગ્રંથ ભાગવત ઉપરની ટીકા (= વ્યાખ્યા) છે. ‘મુકુટ’ પણ ભાગવતની સમજ આપતો ગ્રંથ છે.

પુરાણસાહિત્ય અને ભાગવતસંપ્રદાયમાં તેમનું મોટું પ્રદાન ભક્તિને રસ તરીકે સ્થાપવાનું છે. તેમના આગમન પૂર્વે ભક્તિનું પ્રચલન હતું ખરું, પણ તે ‘ભાવ’ તરીકે નિર્દેશાતી હતી. ખાસ કરીને કાશ્મીરી આચાર્યો ભક્તિને ‘ભાવ’ માનતા હતા. બોપદેવે એમના એ મતની ભારે આલોચના કરી અને ભક્તિની રસરૂપે પ્રતિષ્ઠાપના કરી. એ પછી ભક્તિને કેન્દ્રમાં રાખી અનેક રસપૂર્ણ કાવ્યો સંસ્કૃતમાં અને કાળક્રમે હિન્દીમાં પણ રચાયાં. હિન્દી સાહિત્યનાં સગુણ કાવ્યોને બોપદેવે પ્રેરણા પૂરી પાડી છે એવો વિદ્વાનોનો મત છે. મરાઠી ભાષામાં ભાષ્ય લખવાનો આરંભ સર્વપ્રથમ કરનાર બોપદેવ છે.

મેકડોનલ્ડ, બર્નાફ, કૉલબ્રુક-વિલ્સન જેવા સંસ્કૃત ભાષાના પરદેશી વિદ્વાનો અને દયાનંદ સરસ્વતી, નીલકંઠ શાસ્ત્રી વગેરે સ્વદેશી વિદ્વાનો તેમને પ્રસિદ્ધ વૈષ્ણવ પુરાણ – ‘ભાગવત’ના રચયિતા માને છે. એ રીતે સંસ્કૃત સાહિત્યમાં બોપદેવનું સ્થાન મહત્વનું લેખાય છે.

કમલેશ ચોકસી