બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા.

1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને વાઇસ પ્રિન્સિપાલ અવનીન્દ્રનાથ ટાગોરના શિષ્ય બન્યા. તેમના તત્કાલીન સહાધ્યાયીઓમાંથી શૈલેન ડે, કે. વેંકટપ્પા, ક્ષિતિન મજમુદાર અને સમરેન્દ્ર ગુપ્તા પણ પાછળથી ઝળક્યા. વિદ્યાર્થીકાળનાં તેમનાં મહત્વનાં ચિત્રો છે : ‘સતી’, ‘સતીનો દેહત્યાગ’, ‘દમયંતી’, ‘ચૈતન્ય’ અને ‘ઘવાયેલા હંસ સાથે સિદ્ધાર્થ’.

1909માં અવનીન્દ્રનાથ ટાગોર અને ભગિની નિવેદિતાના આગ્રહથી લેડી હેરિંગહામને અજંતાનાં ભીંતચિત્રોની નકલો તૈયાર કરવામાં અન્ય સાથે મદદ કરી. અજંતાનાં ભીંતચિત્રોની તેમની કલા પર કાયમી અસર રહી. આ જ વર્ષે તેમનો પરિચય રવીન્દ્રનાથ ટાગોર સાથે થયો, જે આગળ જતાં પરસ્પરનાં ગાઢ પ્રેમ અને દોસ્તીમાં પરિણમ્યો.

નંદલાલ બોઝ

અભ્યાસ પૂરો કર્યા બાદ 1912થી 1914 સુધીનાં 3 વરસ અવનીન્દ્રનાથના સાન્નિધ્યમાં ગાળ્યાં તથા ‘ઓરિયેન્ટલ આર્ટ સોસાયટી’ના તેઓ સભ્ય બન્યા. તેમણે ‘નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’માં થોડા સમય માટે કલાશિક્ષણ પણ આપ્યું. 1915થી 1920નાં વર્ષોમાં તેમની કલામાં બંગાળની મૃતપ્રાય લોકકલાઓનો ધબકાર સંભળાવો શરૂ થયો. નિજી કલામાં લોકકલા તરફનો આ ઝોક પણ અજંતાની અસરની જેમ જ ચાલુ રહ્યો. 1916માં કલકત્તા પાસે આવેલ સિયાલ્દાહની મુલાકાત દરમિયાન તેઓ ત્યાંનાં ‘કાલીઘાટ’ નામે ઓળખાતાં લોકચિત્રોથી આકર્ષાયા હતા. આ પછી તરત જ બંગાળ અને ઓરિસાનાં પ્રણાલીગત પટ્ટચિત્રો તથા લાકડા અને માટીનાં રમકડાં, શિલ્પ અને અન્ય કારીગરીની શોધખોળ કરી તે બધાંનો નિજ કલામાં પણ વિનિયોગ કરવો શરૂ કર્યો. આ સમયનાં તેમનાં મહત્વનાં ચિત્રોમાં ‘શિયાળામાં પદ્માકાંઠે સારસ’, ‘વરસાદમાં ધોવાયેલાં કોણાર્ક-મંદિરો’, ‘કોળનૃત્ય’ અને ‘સાંથાલનૃત્ય’ને ગણી શકાય.

1920માં શાંતિનિકેતન ખાતે આવેલી કલાસંસ્થા ‘કલાભવન’માં તેઓ જોડાયા અને અસિતકુમાર હાલદાર તથા અન્ય સાથે બાઘ ગુફાઓનાં ભીંતચિત્રોની નકલો તૈયાર કરી. 1922માં તેઓ  ‘કલાભવન’ના આચાર્ય બન્યા.

પદયાત્રી રાષ્ટ્રપિતા
(નંદલાલ બોઝે દોરેલું રેખાચિત્ર)

1924માં રવીન્દ્રનાથ સાથે ચીન અને જાપાનની યાત્રા કરી અને ત્યાંની હજારો વરસ પ્રાચીન કલાપ્રણાલીઓનો ઊંડો પરિચય કેળવ્યો. આ જ વર્ષે બંગાળના ગૌડ પાંડુઆ અને માલ્દાની મુલાકાત લઈ ત્યાંના સ્થાપત્યથી પ્રભાવિત થયા અને સ્થપતિ સુરેન કૌરને ઇસ્લામિક સ્થાપત્યના સિદ્ધાંતોને આધારે શાંતિનિકેતનનાં ભવનોની ડિઝાઇન તૈયાર કરવામાં મદદ કરી. 1927માં રવીન્દ્રનાથ સાથેની જાવાની યાત્રા બાદ બંગાળમાં પહાડપુર – રાજશાહીનાં ખંડેરોની મુલાકાત લીધી.

1934માં કલકત્તા યુનિવર્સિટીમાં ‘શિક્ષણમાં કલા’ વિષય પર વ્યાખ્યાન આપ્યું. ગાંધીજીના આગ્રહથી 1935માં ફૈઝપુર–લખનૌ ખાતે યોજાયેલ ‘ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ’ અધિવેશનની કલાસજાવટની તૈયારીઓ આરંભી તથા રવીન્દ્રનાથ સાથે શ્રીલંકાની યાત્રા કરી.

1938માં કૉંગ્રેસના હરિપુરા અધિવેશન માટે આકર્ષક પોસ્ટરો તૈયાર કર્યાં અને વડોદરાના કીર્તિમંદિરમાં ભીંતચિત્રો કરવા શરૂ કર્યાં.

1920થી 1938ના સમયગાળામાં સર્જાયેલ તેમની મહત્વની કૃતિઓ આ મુજબ છે : ‘સી. એફ. ઍન્ડ્રુઝનું વ્યક્તિચિત્ર’, ‘ઝેર પીતા શિવ’, ‘ઉમા’, ‘અર્જુનની મૂંઝવણ’, ‘પ્વે નૃત્ય’, ‘વીણાવાદક’, ‘બુદ્ધ અને ઘેટું’, ‘દાંડીકૂચ’, ‘કાઠિયાવાડનું નૃત્ય’, ‘વૃક્ષારોપણનો ઉત્સવ’, શાંતિનિકેતન ખાતે જયપુરી પદ્ધતિમાં કરેલ ભીંતચિત્ર ‘ચૈતન્યજન્મ’ અને શ્રીનિકેતન ખાતે ઇટાલિયન પદ્ધતિથી કરેલ ભીંતચિત્ર ‘હલકર્ષણ’. આ ઉપરાંત ટાગોરનાં કાવ્યો માટે સંખ્યાબંધ ચિત્રાંકનો કર્યાં અને ‘તપતી’ તથા ‘નટીર પૂજા’ નૃત્યનાટિકા માટે વસ્ત્રોની ડિઝાઇન અને મંચની કલાસજાવટ તેમણે કરેલી. 1941માં રવીન્દ્રનાથના મૃત્યુથી બોઝ વ્યથિત થઈ ગયા અને સ્વામી પવિત્રાનંદજી પાસેથી તેમણે સમાધાન મેળવ્યું. નંદલાલ બોઝની 1938 પછીની મહત્વની કૃતિઓ આ મુજબ છે : દાર્જીલિંગ, કુર્સિયોન્ગ, કાલિમ્પૉન્ગ અને મોકોકચુંગનાં નિસર્ગ-ર્દશ્યો, ‘ચૈતન્યની યાત્રા’, ‘અર્ધનારીશ્વર’, ‘બકરી અને વૃક્ષ’, મહાભારતનાં અસંખ્ય ર્દશ્યો તથા વડોદરાના કીર્તિમંદિર માટે મીરાંનું જીવન આલેખતાં ભીંતચિત્રો.

1948માં કામાર પુકુર ખાતેના રામકૃષ્ણ મંદિરના પ્લાન અને લે-આઉટ બનાવ્યા. 1961 પછી માત્ર કૉલાજ (કાગળના ટુકડા ચોંટાડીને બનાવેલાં ચિત્રો) બનાવ્યાં, જેની સંખ્યા 800થી ઉપર થવા જાય છે.

‘શિલ્પસાધના’ અને ‘શિલ્પકથા’માં તેમનાં મહત્વનાં કલાવિષયક વ્યાખ્યાનો સંગૃહીત થયાં છે. આ ઉપરાંત ‘ફૂલકારી’ નામનો ફૂલકારી પરનો અભ્યાસગ્રંથ પણ તેમણે આપ્યો છે.

અમિતાભ મડિયા