બેયોનેટ : પાયદળ સૈનિકની બંદૂકની નળીના મોઢા પર બેસાડવામાં આવતું ખંજર જેવું હથિયાર. સામસામી લડાઈ દરમિયાન તેનો ઉપયોગ થાય છે. બંદૂકની સાથે હોવાથી બેયોનેટ એ એક વધારાનું હથિયાર ગણવામાં આવે છે. 1490માં ફ્રાન્સના બાયોને નગરમાં તેનો આવિષ્કાર થયેલો હોવાથી આ હથિયાર બાયોનેટ નામથી જાણીતું થયું છે. મૂળ તેની લંબાઈ એક ફૂટની હતી, પરંતુ હવે તેમાં સહેજ ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રારંભિક અવસ્થામાં તે બંદૂકની નળીની અંદર મૂકવામાં આવતું જેને લીધે બંદૂક છોડવાની ક્રિયામાં અડચણ ઊભી થતી. પરંતુ હવે તે બંદૂકની નળીના મોઢાની બાજુમાં એક તરફ બહારના ભાગમાં સ્પ્રિંગ-ક્લિપની મદદથી મૂકવામાં આવે છે. તેથી બંદૂક છોડવાની ક્રિયામાં તે અવરોધક બનતું નથી. લડાઈ સિવાયના સમયમાં કેટલીક વાર સૈનિક તેને બંદૂકથી છૂટું પાડે છે અને તેના કમરપટ્ટા સાથે લગાડેલી મ્યાનમાં મૂકે છે. બેયોનેટ શુદ્ધ પોલાદનું બનેલું હોય છે.

સત્તરમી સદીમાં યુરોપનાં યુદ્ધોમાં પહેલી વાર હથિયાર તરીકે તેનો ઉપયોગ થયો. શરૂઆતમાં આ હથિયાર વાંક, વળાંક કે ખૂણા વિના એકદમ સીધું, ચપ્પાની જેમ બનાવવામાં આવતું. તેના પાનાની બંને તરફ ધાર અને ટોચ તરફ અત્યંત તીક્ષ્ણ અણી એવી તેની બનાવટ હતી. હવેનાં બેયોનેટ પાનાની એક જ તરફની ધારવાળાં હોય છે. ટોચના છેડા તરફ તેની પહોળાઈ ઘટતી જાય છે. તેની બીજી તરફ તે મજબૂત રીતે પકડી શકાય તે માટે લાકડાનો હાથો હોય છે. સામસામી લડાઈમાં તેના વડે શત્રુ પર ઘાતક હુમલો કરી શકાય છે.

સ્વચાલિત હથિયારો દાખલ થવાની સાથે બરછી, તલવાર અને ભાલા જેવાં હથિયારો લુપ્ત થવા લાગ્યાં. આજના જમાનામાં એ. કે. 47 અને એ. કે. 57 જેવી યાંત્રિક બંદૂકોના વિશેષ ઉપયોગને લીધે હથિયાર તરીકે બેયોનેટનું મહત્વ ઘટતું જાય છે. અલબત્ત, વીસમી સદીનાં બંને વિશ્વયુદ્ધોમાં તેમજ વિયેટનામ તથા શ્રીલંકાનાં જંગલોમાં ખેલાયેલાં અત્યાર સુધીનાં યુદ્ધોમાં સામસામી લડાઈમાં બેયોનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે