બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ

January, 2000

બેદી, બિશનસિંહ જ્ઞાનસિંહ (જ. 25 સપ્ટેમ્બર 1946, અમૃતસર) : ભારતીય ક્રિકેટવિશ્વના અત્યંત લોકપ્રિય અને સિદ્ધિવંતા ક્રિકેટર. તેમણે 1961થી 1981ના 20 વર્ષના ગાળામાં ભારતીય ક્રિકેટમાં ધીમા ડાબોડી સ્પિન ગોલંદાજથી માંડીને સુકાની, કોચ તથા મૅનેજર સુધીની વિવિધ ભૂમિકાઓ અદા કરી હતી. દિલ્હીની સ્ટેટ બૅંકના આ ભૂતપૂર્વ અધિકારી હાલ દિલ્હીમાં નવયુવાન ક્રિકેટરોને તાલીમ આપવાનું ઉમદા કાર્ય કરે છે.

બિશનસિંહ જ્ઞાનસિંહ બેદી

એક સ્પિનર તરીકે 67 ટેસ્ટમાં 266 વિકેટો ઝડપવાનો તેમનો ભારતીય વિક્રમ છે.

હસમુખા, મોજીલા સ્વભાવના છતાં સ્પષ્ટવક્તા પટકાધારી શીખ બિશનસિંહ જ્ઞાનસિંહ બેદીએ 15 વર્ષની કિશોરવયે 1961–62માં રણજીટ્રૉફી ક્રિકેટ-સ્પર્ધામાં ઉત્તર પંજાબની ટીમનું પ્રતિનિધિત્વ કરી પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 1968–69થી તેમણે દિલ્હી તરફથી રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં રમવાનું શરૂ કર્યું હતું. 1969–70થી તેમણે રણજીટ્રૉફી સ્પર્ધામાં દિલ્હીનું તથા અન્ય સ્પર્ધાઓમાં ઉત્તર વિભાગનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1981માં પ્રથમ કક્ષાના ક્રિકેટમાંથી તેમણે નિવૃત્તિ લીધી ત્યાં સુધીમાં રણજીટ્રૉફીની 76 મૅચોમાં તેમણે 1,012 રન અને 402 વિકેટો ઝડપવામાં સિદ્ધિ નોંધાવી હતી. દુલિપ ટ્રૉફી સ્પર્ધામાં તેમણે 52 વિકેટો ઝડપી હતી.

તેમણે ડિસેમ્બર 1966માં કૉલકાતા ખાતે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટમાં પ્રવેશ મેળવીને બેસિલ બુચરની સૌપ્રથમ વિકેટ ઝડપી ગોલંદાજ તરીકેની ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1966થી 1978 સુધીની 12 વર્ષની ટેસ્ટ-ક્રિકેટ-કારકિર્દી દરમિયાન બેદીએ 67 ટેસ્ટોમાં 266 વિકેટો ઝડપી હતી. ભારતીય ટેસ્ટ-ક્રિકેટમાં 200 વિકેટો ઝડપનાર બિશન બેદી સૌપ્રથમ ગોલંદાજ હતા. 67 ટેસ્ટમૅચોમાં તેમણે કુલ 656 રન નોંધાવ્યા હતા, જેમાં કાનપુર ખાતે 1976–77માં બીજી ટેસ્ટમાં અણનમ 50નો જુમલો તેમનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો. તેમણે 26 કૅચ પણ ઝડપ્યા હતા.

1969–70માં કૉલકાતા ખાતે પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે એક દાવમાં 98 રનમાં 7 વિકેટો તથા 1977–78માં ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં પર્થ ખાતે બીજી ટેસ્ટમાં 194 રનમાં 10 વિકેટો – એ તેમનો ગોલંદાજ તરીકેનો સર્વોત્તમ દેખાવ હતો. 1975–76માં ન્યૂઝીલૅન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝના જોડિયા પ્રવાસો માટે તેમની ભારતીય ક્રિકેટ ટીમના સુકાનીપદે નિયુક્તિ થઈ હતી. 1978ના પાકિસ્તાનના પ્રવાસ સુધી તેમણે ભારતનું સુકાનીપદ સંભાળ્યું હતું. બિશનસિંહ બેદીએ 22 વાર ભારતનું નેતૃત્વ સંભાળતાં 6 મૅચોમાં વિજય અને 11માં પરાજય મેળવ્યા હતા અને 5 મૅચો ડ્રો થઈ હતી. બેદીના નેતૃત્વ હેઠળ 1975–76માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે ત્રીજી ટેસ્ટમાં ભારતનો 6 વિકેટે થયેલો વિજય સદાયે યાદ રહેશે; કેમ કે ચોથો દાવ લેતાં ભારતે વિજય માટે જરૂરી 403 રનના લક્ષ્યાંકને માત્ર 4 વિકેટો ગુમાવી વટાવ્યું હતું. આ ઉપરાંત 1976–77માં બૅંગાલુરુ ખાતે ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બેદીએ ઇંગ્લૅન્ડના બીજા દાવની 71 રનમાં 6 વિકેટો ઝડપી ભારતને વિજયની ભેટ ધરી હતી.

ઇંગ્લૅન્ડની ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ચૅમ્પિયનશિપમાં તેઓ લેંકેશાયર કાઉન્ટી કલબ તરફથી 1971થી 1976 દરમિયાન રમ્યા હતા. 1974–75માં રણજી મોસમમાં તેમણે 64 વિકેટો ઝડપવાનો વિક્રમ સર્જ્યો હતો તો 1977–78માં ઑસ્ટ્રેલિયા-પ્રવાસમાં ટેસ્ટ-શ્રેણીમાં 31 વિકેટો ઝડપી હતી. એક દાવમાં પાંચ કે વધુ વિકેટોની સિદ્ધિ તેમણે પ્રથમ કક્ષા તથા ટેસ્ટ ક્રિકેટ મળી કુલ 109 વાર મેળવી હતી. વળી મૅચમાં 10 કે વધુ વિકેટોની સિદ્ધિ તેમણે 18 વાર મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમ સાથે તેમણે 13 વાર વિદેશપ્રવાસ ખેડ્યો હતો. બેદીને વન-ડે ક્રિકેટમાં ખૂબ ઓછું રમવાનું મળ્યું, કેમ કે ભારતે 1974માં વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1970માં તેમને ભારત સરકાર દ્વારા ‘અર્જુન ઍવૉર્ડ’ તથા ‘પદ્મશ્રી’ના ઇલકાબોથી નવાજવામાં આવ્યા હતા.

જગદીશ બિનીવાલે