બેટૅલિયન : પાયદળનું પાયાનું સશસ્ત્ર વ્યૂહાત્મક તથા વહીવટી ઘટક. ચારથી પાંચ કંપનીઓ ધરાવતું લશ્કરી સંગઠન બેટૅલિયન કહેવાય તથા ઓછામાં ઓછી બે પણ ક્યારેક ચારથી પાંચ બેટૅલિયન ધરાવતા સશસ્ત્ર લશ્કરી સંગઠનને બ્રિગેડ કહેવામાં આવે છે, જેમાં આશરે પાંચ હજાર જેટલા સૈનિકો હોય છે. બેટૅલિયનમાં કેટલા સૈનિકો રાખવા તેનો નિર્ણય તેને યુદ્ધના ક્ષેત્રમાં કયા પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે તથા કયા મોરચે (theatre of operations) તે ગોઠવવામાં આવે છે તેના પર આધાર રાખે છે અને તેથી તેનું સંખ્યાબળ નિશ્ચિત હોતું નથી. બ્રિટનના લશ્કરની બેટૅલિયનના સેનાપતિ (commander) મેજરનો હોદ્દો ધરાવતા અધિકારી હોય છે, અમેરિકાના લશ્કરની બેટૅલિયનના વડા કૅપ્ટનનો હોદ્દો ધરાવતા અધિકારી હોય છે, જ્યારે ભારતના પાયદળની બેટૅલિયનના વડા લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી હોય છે. તોપખાનાની બેટૅલિયનને બૅટરી કહેવામાં આવે છે.

ઇંગ્લૅન્ડમાં છત્રીધારી સૈનિકોની અલગ બેટૅલિયનો હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે