બેક્લિન-ન્યૂજબૌર સ્રોત

January, 2000

બેક્લિન-ન્યૂજબૌર સ્રોત (Becklin-Neugebauer Object) : મૃગ-તારામંડળમાં આવેલો અતિશય તીવ્ર, અનિશ્ચિત અવરક્ત  (infrared) વિકિરણ સ્રોત. અવરક્ત-ખગોળશાસ્ત્ર(infrared astronomy)ના વિકાસમાં, 1932માં જર્મનીમાં જન્મેલા અને અમેરિકા જઈને વસેલા જિરાલ્ડ (ગેરી) ન્યૂજબૌર(Gerald / Gerry Neugebauer)નો ફાળો મહત્વપૂર્ણ છે.

1960ના અરસાથી આરંભાયેલા એક પ્રૉજેક્ટમાં ન્યૂજબૌર અને એમના કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીના સાથીદારો આકાશમાં આવેલા અવરક્ત સ્રોતનો નકશો બનાવતા હતા, ત્યારે પૃથ્વીના ફક્ત ઉત્તર ગોળાર્ધમાંથી જ નહિ નહિ તોય લગભગ 20,000 જેટલા નવા સ્રોત શોધી કઢાયા હતા. આમાંના મોટાભાગના સ્રોત પ્રકાશીય સ્રોત (optical sources) સાથે બરાબર મેળ ખાતા ન હતા. મતલબ કે આમાંના મોટાભાગના સ્રોત અર્દશ્ય હતા એટલે કે ર્દશ્ય પ્રકાશમાં લીધેલા ફોટોગ્રાફમાં ર્દષ્ટિગોચર થતા ન હતા. આ બધામાં  સૌથી ચળકતા અને વિલક્ષણ અવરક્ત સ્રોત મૃગ-તારામંડળમાં જણાયા. આ પૈકીના એકની શોધ 1967ની આસપાસ ન્યૂજબૌર અને એમના એક સાથી એરિક બેક્લિન (Eric Becklin) દ્વારા થઈ. આ બંને સંશોધકોનાં નામ પરથી અવરક્ત વિકિરણના આ સ્રોતને બેક્લિન-ન્યૂજબૌર પદાર્થ (Becklin-Neugebauer Object) અથવા ટૂંકમાં, બીએન-પદાર્થ કહેવાય છે. અગાઉ આ સ્રોત બેક્લિનના તારા (Becklin’s Star) તરીકે પણ ઓળખાતો હતો. આ સ્રોત મૃગ-તારામંડળની મૃગ-નિહારિકામાં આવેલી એક નિહારિકા – ક્લેઇનમાન લો નેબ્યુલા(Kleinmann-Low Nebula)માં આવેલો છે. આને કેએલ-પદાર્થ (KL Object) પણ કહેવાય છે. આ ક્લેઇનમાન-લો નિહારિકા પોતે પણ વિલક્ષણ અવરક્ત સ્રોતો પૈકીની એક છે. આરંભમાં બેક્લિન-ન્યૂજબૌર સ્રોતને  સૂરજ કરતાં દસગણું દ્રવ્યમાન ધરાવતો આદિ તારક (protostar) માનવામાં આવેલો; પરંતુ પાછળથી થયેલાં સંશોધનોએ તેને વર્ણવર્ગ-બી (spectral type B) પ્રકારનો હોવાનું સાબિત કર્યું. આવા તારા બહુધા નીલ-શ્વેત (blue-white) હોય છે અને તેમની સપાટીનું તાપમાન 11,000થી 25,000 K (કેલ્વિન) હોય છે.

આ તારાની સપાટીનું તાપમાન 20,000 K હોવાનું જણાય છે. આ સ્રોત સાથે કાર્બન મોનૉક્સાઇડ સંકળાયેલો છે, જે અતિવેગથી બહારની તરફ ફંગોળાય છે. આ ઘટનાનું એવું અર્થઘટન કરવામાં આવ્યું કે અતિ પ્રબળ તારકીય વાત (stellar wind) ફૂંકતા આ એવા યુવાન તારા છે કે જેમાં, નાભિકીય સંગલન (nuclear fusion) ચાલુ થયે હજુ માંડ 10,000 કે પછી 20,000 વર્ષ થયાં  છે. આમ આ તારો ઘણો યુવાન, મોટો અને ભારે વજનદાર-કદાવર (massive) હોવાનું માનવામાં આવે છે. મૃગ-નિહારિકાનો આ તારો સૂક્ષ્મ  રજનાં પુષ્કળ વાદળોથી વીંટળાયેલો હોઈ, ર્દશ્ય પ્રકાશમાં અત્યંત નિસ્તેજ જણાય છે. આકાશના આ વિસ્તારની આસપાસ બીજા પણ અવરક્ત સ્રોત આવેલા છે. અહીં નવા તારા બનવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલતી હોવાનું માનવામાં આવે છે.

સુશ્રુત પટેલ