બિસ્મથિનાઇટ : બિસ્મથધારક ખનિજ. રાસા. બં. : Bi2S3 · સ્ફ · વ. : ઑર્થોર્હૉમ્બિક.સ્ફ.સ્વ.: સ્ફટિકો પ્રિઝમૅટિક, મજબૂતથી નાજુક, સોયાકાર, ઊર્ધ્વ ફલકો પર રેખાંકનો મળે. દળદાર, પત્રબંધીવાળા કે રેસાદાર વધુ શક્ય. અપારદર્શક. સંભેદ : (010) પૂર્ણ, સરળ; (100) અને (110) અપૂર્ણ. ભંગસપાટી : નથી હોતી, પરંતુ ખનિજ નમનીય, કતરણશીલ (sectile). ચમક : ધાત્વિક; રંગ : સફેદથી રાખોડી; ખુલ્લા રહેવાથી પીળાશ પકડે કે રંગવૈવિધ્ય દર્શાવે. ચૂર્ણરંગ : સીસા જેવો રાખોડી. કઠિનતા : 2. વિ.ઘ. : 6.78. પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે ઓછાથી વધુ તાપમાને ઉષ્ણજળજન્ય શિરાનિક્ષેપોમાં તેમજ ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં. સામાન્યત: અન્ય સલ્ફાઇડ અને પ્રાકૃત બિસ્મથ સાથે સંકલિત સ્થિતિમાં મળે. યુ.એસ., કૅનેડા, મેક્સિકો, બોલિવિયા, તેમજ યુરોપીય અને ઑસ્ટ્રેલિયાના ઘણા ખાણપ્રદેશોમાંથી મળી રહે છે.

ગિરીશભાઈ પંડ્યા