બિશ્વાસ, અનિલ (જ. 7 જુલાઈ 1914, ગામ બારીસાલ, હાલ બાંગ્લાદેશ) : ભારતીય ચલચિત્રોના પાર્શ્વગાયનના પ્રણેતાઓ પૈકીના એક. નાટકોમાં સંગીત આપીને કારકિર્દીની શરૂઆત કરનાર અનિલ બિશ્વાસે ચલચિત્રોમાં સંગીત આપવાનો પ્રારંભ કર્યો ત્યારે ચલચિત્રો પણ રંગભૂમિના સંગીતથી પ્રભાવિત હતાં. તેમણે ચલચિત્રોને રંગભૂમિના સંગીતથી મુક્ત કરવાનું કામ કર્યું.

અનિલ બિશ્વાસ

ગરીબ પરિવારમાં જન્મેલા અનિલ બિશ્વાસને બાળપણથી જ સંગીત પ્રત્યે રુચિ હતી. ખાસ કરીને તબલાવાદનમાં તેમનો હાથ બેસી ગયો હતો; પણ કિશોરાવસ્થામાં તેઓ ક્રાંતિકારી રંગે રંગાઈને ‘યુગાન્તર’ નામના એક જૂથના સભ્ય બની ગયા. આ પ્રવૃત્તિઓને કારણે ઘણીવાર તેઓ ભૂગર્ભમાં પણ ગયેલા અને કારાવાસ પણ ભોગવેલો.

1931ના અરસામાં મેગાફોન રેકૉર્ડિંગ કંપનીમાં નોકરીએ રહ્યા. કવિ નઝરુલ ઇસ્લામના માર્ગદર્શન હેઠળ ત્યાં થોડો સમય કામ કર્યું. રંગમહલનાં નાટકો ‘પ્રોતિબ્રોતા બાંગલાર મેયે’ અને ‘મહાનિશા’માં સંગીત આપ્યું. એ વખતે સંગીતકાર હીરેન બોઝ સાથે પરિચય થતાં તેમના આગ્રહથી 1934માં મુંબઈ આવ્યા. પહેલાં રામ દરિયાનીની ઈસ્ટર્ન આર્ટ સિન્ડિકેટમાં અને પછી સાગર મૂવિટોનમાં જોડાયા. 1935માં ‘ધર્મ કી દેવી’ ચિત્ર સાથે હિન્દી ચિત્રોના સંગીતકાર તરીકે તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. 1936માં ગાયક સુરેન્દ્રને તેમણે તક આપી.

1942માં બૉમ્બે ટૉકિઝ સાથે જોડાયા બાદ 1943માં તેમણે ‘કિસ્મત’ ચિત્રમાં સંગીત આપ્યું. તેથી તેમને ખૂબ ખ્યાતિ મળી. આ નિર્માણ-સંસ્થામાં તેઓ 1946 સુધી રહ્યા. એ ગાળામાં ‘જ્વારભાટા’, ‘મિલન’, ‘દોરાહા’ અને ‘આકાશ’ ચિત્રો પણ સંગીતની ર્દષ્ટિએ નોંધપાત્ર ગણાયાં.

1945માં ગાયક મુકેશ પાસે ચિત્ર ‘પહલી નઝર’ માટે તેમણે પ્રથમવાર ગીત ગવડાવ્યું તે હતું ‘દિલ જલતા હૈ તો જલને દે’. 1950માં ચિત્ર ‘આરઝૂ’માં પ્રથમવાર ગાયક તલત મેહમૂદ પાસે ‘અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો’ ગવડાવ્યું. હિંદી ચિત્રોમાં 30 વર્ષની કારકિર્દીમાં 100થી વધુ ચિત્રોમાં સંગીત સાથે ઘણાં યાદગાર ગીતો તેમણે આપ્યાં છે. ‘એક હી રાસ્તા’ (1939), ‘ઔરત’ (1940), ‘બહન’ (1941), ‘આરઝૂ’(1950)માં તેમણે ગીતો પણ ગાયાં હતાં. ‘છોટી છોટી બાતેં’ (1965) તેમનું આખરી ચિત્ર હતું.

વિદેશોમાં હોય છે તેમ, ‘રાષ્ટ્રીય વાદ્યવૃંદ’ (national orchestra) સ્થાપવાનું તેમનું એક સ્વપ્ન હતું, જે આકાશવાણીમાં રહીને જ પૂરું થશે એવું લાગતાં તેઓ 1965માં મુંબઈ છોડીને દિલ્હી સ્થાયી થયા; પણ સરકારી તુમારશાહીને કારણે આ યોજના ફાઇલની બહાર ન નીકળી શકી. ‘હમ હોંગે કામયાબ’ ગીતનું સંગીત તેમણે આપ્યું છે. આ ઉપરાંત દૂરદર્શન પરથી પ્રસારિત થયેલી પ્રથમ પ્રાયોજિત શ્રેણી ‘હમલોગ’નું સંગીત પણ અનિલ બિશ્વાસે આપ્યું હતું.

તેમનાં નોંધપાત્ર ચિત્રો : ‘જાગીરદાર’ (1937), ‘થ્રી હન્ડ્રેડ ડેઝ ઍન્ડ આફ્ટર’ (1938), ‘ગ્રામોફોન સિંગર’ (1938), ‘હમ તુમ ઔર વહ’ (1938), ‘અભિલાષા’ (1938), ‘વતન’ (1939), ‘એક હી રાસ્તા’ (1939), ‘ઔરત’ (1940), ‘બહન’ (1941), ‘રોટી’ (1942), ‘કિસ્મત’ (1943), ‘જ્વારભાટા’ (1944), ‘મિલન’ (1946), ‘રાહી’ (1952), ‘મુન્ના’ (1954), ‘વારિસ’ (1954), ‘પરદેસી’ (1957), ‘ચાર દિલ ચાર રાહેં’ (1959), ‘અંગુલિમાલ’ (1960), ‘સૌતેલા ભાઈ’ (1962).

હરસુખ થાનકી