બિશ્નુપુર : મણિપુર રાજ્યના દક્ષિણ-મધ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 38´ ઉ. અ., 93° 46´ પૂ. રે. વચ્ચેનો માત્ર 496 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ ઇમ્ફાલ જિલ્લો, પૂર્વ તરફ થૌબલ (ચાઉબલ) જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ ચુરચંદપુર જિલ્લો તથા પશ્ચિમ તરફ સેનાપતિ જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ખીણોમાં ફેરવાતી તળેટીની ટેકરીઓથી બનેલું છે. જિલ્લાનો મોટો ભાગ જિલ્લાના મધ્ય ભાગમાં આવેલા લોકતક (Loktak) નામના સ્વચ્છ જળના મોટા સરોવરથી આવરી લેવાયો છે. દુનિયાભરમાં એકમાત્ર જોવા મળતો તરતો રાષ્ટ્રીય ઉદ્યાન આ જિલ્લાનું વિશિષ્ટ લક્ષણ બની રહેલો છે. નાંબલ (Nambul) અને ખુગા (Khuga) અહીંની મુખ્ય નદીઓ છે.

ખેતી : ખેતી અને તત્સંલગ્ન પ્રવૃત્તિઓ રાજ્યના અર્થતંત્રમાં કેન્દ્રસ્થાને રહેલો અને જિલ્લાની ગ્રામીણ પ્રજાના જીવનનિર્વાહ માટેનો એકમાત્ર વ્યવસાય છે. અહીંનો મુખ્ય કૃષિપાક ડાંગર છે. સારી ગુણવત્તાવાળી ડાંગરની જાતની પ્રતિ હેક્ટરે 2,262 કિલોગ્રામ જેટલી ઊપજ મળે છે. આ ઉપરાંત, બટાટા અને અળવીની ખેતી પણ અહીં થોડા પ્રમાણમાં થાય છે. ખેતી પછીના ક્રમે પશુપાલન અને મરઘાં-ઉછેરનો વ્યવસાય આવે છે. લગભગ દરેક કુટુંબ ગાયો, ડુક્કર અને મરઘાં પાળે છે. પક્ષીઓ પણ સારી સંખ્યામાં પાળવામાં આવે છે. મોઇરાંગના  ટુકમુ ખાતે મત્સ્યપાલન તથા મત્સ્યવિતરણ-કેન્દ્રો વિકસ્યાં છે. લોકતક સરોવરકાંઠે રહેતા લોકો માછલીઓના વ્યવસાય પર નભે છે.

બિશ્નુપુર જિલ્લો (મણિપુર)

ઉદ્યોગો : આ જિલ્લો રાજ્યમાં તેના છેવાડાના સ્થાને આવેલો હોવાથી ઔદ્યોગિક ર્દષ્ટિએ અવિકસિત રહ્યો છે. ચોખાની થોડી મિલોને બાદ કરતાં, નેતરકામ, ટોપલીઓ બનાવવાના કામ જેવા ગ્રામીણ કુટિર-ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય તરફથી જરૂરી પ્રોત્સાહન અપાય છે. તે માટે અહીંની સ્થાનિક બૅંકો તરફથી નાણાકીય સહાય મળે છે.

વેપાર : આ જિલ્લામાં વેપાર માટે પથ્થરોની ચીજવસ્તુઓ, માછલીઓની જાળ, ટોપલીઓ, રાચરચીલું, બેકરી અને ક્રૉકરી જેવી ચીજોનું ઉત્પાદન લેવાય છે. અહીંથી પથ્થરોની ચીજવસ્તુઓ; ફળો, ઉપલો, રેતી, ચોખા, ઇંધન માટેનાં લાકડાં, માછલીઓ, રાચરચીલું અને નેતર જિલ્લા બહાર મોકલાય છે; જ્યારે કેરોસીન, ખાદ્યતેલ, મીઠું, ખાંડ, કાપડ, ધાતુનાં વાસણો, ખેતીનાં ઓજારો વગેરે બહારથી મંગાવાય છે. બિશ્નુપુર અને મોઇરાંગ આ જિલ્લાનાં બે વેપારી મથકો છે.

પરિવહન : આ જિલ્લો હજી આજે પણ પરિવહનની પૂરતી સુવિધાઓથી વંચિત છે. જિલ્લાનાં મુખ્ય નગરો અને મથકોને સાંકળી લેતો માત્ર એક ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. હમણાં સુધી આ જિલ્લા માટેનું નજીકમાં નજીકનું (243 કિમી દૂર આવેલું) રેલમથક નાગાલૅન્ડ રાજ્યનું દીમાપુર હતું. ભારતના રેલનકશામાં 1990ના મે માસમાં જીરીબામ ખાતે રેલમથક બનાવીને ભારતના રેલ-નકશામાં મણિપુર રાજ્યનો સમાવેશ કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા ઇમ્ફાલ હવાઈ મથક  આ જિલ્લાને પણ હવાઈ સેવા પૂરી પાડે છે. 1993ના મે માસથી તેને કૉલકાતા, ગુવાહાટી અને સિલચર સાથે સાંકળી લેવામાં આવ્યું છે.

પ્રવાસન : બિશ્નુપુર નગર ઇમ્ફાલથી દક્ષિણે 27 કિમી. દૂર તળેટીની ટેકરીઓ પર વસેલું છે. 1647માં બાંધેલા, ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના ગણાતા વિષ્ણુમંદિર માટે તેમજ નયનરમ્ય કુદરતી ર્દશ્યો માટે આ નગર જાણીતું બનેલું છે. ઇમ્ફાલથી દક્ષિણે 40 કિમી.ને અંતરે લોકતક સરોવરને કાંઠે ફંબાલા નામે જોવાલાયક સ્થળ આવેલું છે. ઇમ્ફાલથી દક્ષિણે 45 કિમી.ને અંતરે આવેલું મોઇરાંગ નગર તેની પ્રાચીન મણિપુરી લોકસંસ્કૃતિ માટે જાણીતું છે. અહીંના થાંગજિન મંદિરમાં હજી આજે પણ બારમી સદીના પોશાકો જળવાયેલા છે. અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સહિતનો સ્મારકખંડ પણ છે. ઇમ્ફાલથી 48 કિમી. તથા મોઇરાંગથી 3 કિમી. અંતરે લોકતક સરોવરથી મધ્યમાં સૅન્દ્રા નામનો એક નાનો બેટ આવેલો છે. આ બેટ પરથી આખુંય સરોવર તેમજ તેની આજુબાજુનાં ર્દશ્યોનો આનંદ માણી શકાય છે. આ લોકતક સરોવર મણિપુરની ખીણમાં આવેલું ઈશાન ભારતનું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર છે. તેમાં નૌકાવિહારની સુવિધા પણ છે. સૅન્દ્રાથી 5 કિમી. અંતરે તેમજ ઇમ્ફાલથી 53 કિમી. અંતરે કીબુલ લામ્જો નામનો દુનિયાભરમાં અજોડ ગણાતો એવો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. ત્યાં વન-વિહારધામની સગવડ પણ છે.

પરંપરાગત મણિપુરી વેશભૂષામાં વિષ્ણુપુર પ્રદેશની યુવતી

આ જિલ્લામાં દર મહિને નૃત્ય-સંગીતના ઉત્સવોનું આયોજન થતું રહે છે. અહીં દલયાત્રા, રથયાત્રા, રાસલીલા, લાઇહારોબા, હિકરુ હિતોંગબા, ચિરોબા, નિંગોલ ચાકોબા, કૂટ, લુઈ–ન્ગાઇ–ની ગંગ–ન્ગાઈ, ઈદ–ઉલ–ફિત્ર તેમજ નાતાલના ઉત્સવો ઊજવાતા રહે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 1,80,773 જેટલી છે. તે પૈકી 91,125 પુરુષો અને 89,648 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 1,17,603 અને 63,170 જેટલું છે. ધર્મવિતરણ મુજબ, અહીં હિન્દુઓ : 1,59,153, મુસ્લિમ : 11,024, ખ્રિસ્તી : 9,717, શીખ : 40, બૌદ્ધ : 1, જૈન : –, અન્યધર્મી : 838 જેટલા છે. અહીં શિક્ષિતોની સંખ્યા 82,063 છે, તે પૈકી 51,525 પુરુષો અને 30,538 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 49,527 અને 32,536 છે. અહીંનાં નગરો તથા 43 જેટલાં ગામોમાં શિક્ષણની સુવિધા છે. બિશ્નુપુરમાં 4 કૉલેજો આવેલી છે. 24 જેટલાં ગામોમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. જિલ્લાને બિશ્નુપુર અને મોઇરાંગ જેવા બે ઉપવિભાગોમાં વહેંચી નાખેલો છે. અહીંનાં નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.

ઇતિહાસ : અગાઉ આ જિલ્લો અવિભાજિત મણિપુર મધ્યસ્થ જિલ્લાનો એક ભાગ હતો; પરંતુ 1983માં તત્કાલીન જૂના જિલ્લાના ઉપવિભાગ તરીકે તેનો અલગ જિલ્લો રચવામાં આવેલો છે. આજે તે એકસરખી સંખ્યાના સમાજવિકાસ ઘટકો ધરાવતા બિશ્નુપુર અને મોઇરાંગ નામના બે ઉપવિભાગોમાં વહેંચાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા