બર્મન, આર. ડી. (જ. 27 જૂન 1939, કલકત્તા; અ. 4 જાન્યુઆરી 1994) : પંચમ નામે જાણીતા પ્રયોગશીલ ફિલ્મ-સંગીતકાર. ખ્યાતનામ સંગીતકાર પિતા સચિન દેવ બર્મન પોતાના સંગીતમાં લોકસંગીતના ઉપયોગ માટે જાણીતા હતા, જ્યારે પુત્ર રાહુલ દેવ બર્મને વિદેશી ધૂનોનો ભારતીય સંગીત સાથે સમન્વય કરીને નામના મેળવી હતી. 1957માં ગુરુદત્તના ચિત્ર ‘પ્યાસા’માં પિતાના સહાયક તરીકે આર. ડી. બર્મને કારકિર્દીની શરૂઆત કરી. પિતાના વાદ્યવૃંદમાં તેઓ માઉથઑર્ગન વગાડતા. તેમણે અલીઅકબરખાન પાસેથી સરોદની અને બ્રજેન બિશ્વાસ પાસેથી તબલાંની તાલીમ લીધી હતી.

આર. ડી. બર્મન

સંગીતકાર તરીકે સ્વતંત્ર કારકિર્દી 1961માં શરૂ કરી. મેહમૂદના ચિત્ર ‘છોટે નવાબ’માં તેમણે પ્રથમ વાર સંગીત આપ્યું. એ ચિત્રની ખાસ નોંધ ન લેવાઈ, પણ મેહમૂદના બીજા ચિત્ર ‘ભૂત બંગલા’(1965)ના સંગીત દ્વારા તે દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ થયા. ‘તીસરી મંઝિલ’ (1966) અને ‘બહારોં કે સપને’ (1967) ચિત્રોમાં તેમનું સંગીત ખૂબ જ લોકપ્રિય થયું. એ પછી ‘પડોસન’ (1968), ‘કટી પતંગ’ (1970), ‘અમર પ્રેમ’ (1971), ‘હરે રામ હરે કૃષ્ણ’ (1971), ‘કારવાં’ (1971), ‘જવાની દીવાની’ (1972), ‘પરિચય’ (1972), ‘યાદોં કી બારાત’ (1973), ‘શોલે’ (1975), ‘આંધી’ (1975), ‘શાન’ (1980), ‘બેતાબ’ (1983), ‘મેહબૂબા’ (1990) વગેરે એક પછી એક ચિત્રોના સફળ સંગીતે તેમને ટોચના સંગીતકાર બનાવી દીધા.

ફિલ્મી સંગીતમાં તેમણે પશ્ચિમી વાદ્યોનો સુંદર રીતે ઉપયોગ કર્યો. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે પશ્ચિમી ધૂનના ઘણા પ્રયોગ પણ કર્યા. ગીતમાં ‘ટટાડડા’ જેવા અવાજો ઉમેરવા એ એમની વિશેષતા હતી. આ અવાજોનું સંગીતની ર્દષ્ટિએ કોઈ મહત્વ નહોતું. પણ લય અને તાલ પર તેની ચોક્કસ અસર પડતી હતી. તેમનાં કેટલાંક ગીતો માત્ર આવા અવાજોને કારણે લોકપ્રિય થયાના દાખલા છે. તેમનો પોતાનો અવાજ અત્યંત ઘેરો અને વિશિષ્ટ  હતો. ‘શોલે’, ‘અપના દેશ’, ‘શાન’ જેવી કેટલીક ફિલ્મોમાં તેમણે પોતાના આ અવાજનો ઉપયોગ પણ કર્યો હતો. ત્રીસ વર્ષથી વધુ લાંબી કારકિર્દીમાં આર. ડી. બર્મને 300થી વધુ ચિત્રોમાં સંગીત આપ્યું. વિધુ વિનોદ ચોપડા–દિગ્દર્શિત ‘1942 – એ લવસ્ટોરી’ ચિત્ર તેમના નિધન બાદ પ્રદર્શિત થયું હતું. આ ચિત્રમાં પણ તેમનું સંગીત ખૂબ વખણાયું હતું. ‘સનમ તેરી કસમ’, ‘માસૂમ’ અને ‘1942 – એ લવસ્ટોરી’ ચિત્રોના સંગીત માટે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ અને ‘ઇજાજત’ ચિત્ર માટે રાષ્ટ્રીય પારિતોષિક મળ્યાં હતાં. લતા મંગેશકર ઍવૉર્ડથી પણ તેમનું સન્માન કરાયું હતું.

હરસુખ થાનકી